
એક નગરમાં વિરજાશંકર નામના ખૂબ જ પ્રતિષ્ઠિત વેપારી રહેતા હતા. ભગવાને તેમને ધન, પરિવાર, પ્રતિષ્ઠા અને સુખ બધું જ આપ્યું હતું, પરંતુ તેમની અંદર એક મોટો અવગુણ હતો — માન. તેઓ માનતા હતા કે આખા નગરમાં તેમના જેવો બુદ્ધિશાળી, દાનવીર અને સન્માનિત માણસ બીજો કોઈ નથી. જ્યાં પણ જાય ત્યાં આગળની બેઠક જોઈએ, સૌ પ્રથમ તેમનું સ્વાગત થવું જોઈએ, સભામાં તેમનું નામ સૌથી પહેલાં લેવાય અને દરેક માણસ તેમની પ્રશંસા કરે; આવી તેમને અપેક્ષા રહેતી. જો કોઈએ તેમની યોગ્ય રીતે કદર ન કરી હોય, તો તેઓ દિવસો સુધી મનમાં ખોટું લગાડતા.
આ જ શહેરમાં એક પરમ વૈરાગ્યવાન સંત રહેતા. સંતની વાણી સાંભળવા હજારો લોકો આવતા. વિરજાશંકર પણ નિયમિત કથા સાંભળતા, પરંતુ કથા સાંભળવા કરતાં લોકો તેમને કેટલું માન આપે છે, તે જોવામાં વધુ રસ રાખતા.
એક દિવસ સંતે સભામાં કહ્યું, ‘ભગવાન સુધી પહોંચવામાં સૌથી મોટો અવરોધ ધન નથી, ગરીબી નથી, જ્ઞાન નથી; પરંતુ માન છે. જ્યાં સુધી ‘હું મોટો છું’ એવો ભાવ છે, ત્યાં સુધી ભગવાન હૃદયમાં પ્રગટ થતા નથી.’ આ વાણી સાંભળીને વિરજાશંકરને લાગ્યું કે સંતે જાણે તેમની જ વાત કરી, છતાં મનમાં વિચાર આવ્યો, ‘આ વાત તો બીજા લોકો માટે હશે.’
થોડા દિવસો પછી મંદિરનો વાર્ષિક ઉત્સવ આવ્યો. હજારો હરિભક્તો સેવા માટે ભેગા થયા. કોઈ રસોડામાં સેવા કરતા, કોઈ પાણી પીવડાવતા, કોઈ બૂટ-ચંપલ ગોઠવતા, તો કોઈ સફાઈ કરતા હતા. વિરજાશંકરને વિશ્વાસ હતો કે તેમને મુખ્ય મંચ પર બેસાડવામાં આવશે અને મહેમાનોનું સ્વાગત કરવાનું કાર્ય મળશે, પરંતુ સંતે સેવાઓ વહેંચતી વખતે કહ્યું, ‘વિરજાશંકરભાઈ, આ વખતે તમે મંદિરના શૌચાલય અને પરિસરની સફાઈની સેવા કરજો.’ આ સાંભળીને વિરજાશંકરના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમના મનમાં વિચારો થવા લાગ્યા કે, ‘મારા જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિને આ સેવા ? આટલા બધા લોકો સામે મારી પ્રતિષ્ઠા શું રહેશે ?’
તેમણે સંતને વિનંતી કરી, ‘મહારાજ ! મને બીજી કોઈ સેવા આપો. હું રસોડામાં સેવા કરું, મહેમાનોને જમાડું, દાન આપું; પરંતુ આ સેવા મારાથી નહિ થાય.’ સંતે પ્રેમથી કહ્યું, ‘જ્યાં મન ના પાડે, ત્યાંથી જ આધ્યાત્મિક પ્રગતિ શરૂ થાય છે.’ વિરજાશંકર મજબૂરીથી સેવા કરવા લાગ્યા, પરંતુ આખો સમય મનમાં ઉકળાટ ચાલતો રહ્યો. ઉત્સવ પૂરો થયો.
થોડા દિવસો પછી સંતે એક સભામાં બે કળશ મંગાવ્યા. એક સોનાનો અને એક માટીનો. બંનેમાં ગંગાજળ ભર્યું. પછી સંતે પૂછ્યું, ‘કયો કળશ વધારે કિંમતી છે ?’ બધાએ કહ્યું, ‘સોનાનો.’
સંતે બંનેમાંથી પાણી પીધું અને કહ્યું, ‘પાણીનો સ્વાદ તો બંનેમાં એકસરખો છે. ભગવાન પણ બહારનો આટાટોપ નહિ જોતા, અંદરની નમ્રતા જુએ છે.’ પછી સંતે વિરજાશંકરને કહ્યું, ‘જો સોનાનો કળશ ઊંધો રાખો તો તેમાં પાણી ભરાય નહિ, તેમ જ માનથી ભરાયેલું હૃદય ભગવાનની કૃપાથી ભરાતું નથી.’ આ શબ્દો વિરજાશંકરના હૃદયમાં ઊતરી ગયા; પરંતુ ભગવાનને હજુ એક વધુ પાઠ શીખવાડવો હતો.
એક દિવસ વિરજાશંકરના વેપારમાં ભારે નુકસાન થયું. ઘણાં વર્ષોની કમાણી થોડા જ મહિનામાં ઓછી થઈ ગઈ. જેઓ પહેલાં તેમની આગળ-પાછળ ફરતા હતા, તેઓ ધીમેધીમે દૂર થવા લાગ્યા. જેઓ રોજ વખાણ કરતા હતા, તેઓ હવે ઓળખતા પણ નહોતા.
એક દિવસ તેઓ એકલા મંદિરે ગયા. ત્યાં તેમણે જોયું કે એક વૃદ્ધ હરિભક્ત શાંતિથી મંદિરની સફાઈ કરી રહ્યા હતા. વિરજાશંકરે પૂછ્યું, ‘કાકા, તમને વર્ષોથી દરરોજ સેવા કરતા ભાળું છું, તો તમે કેટલા વર્ષથી આ સેવા કરો છો ?’ વૃદ્ધ હસીને બોલ્યા, ‘બેટા, હરિકૃપાથી છેલ્લા પચ્ચીસ વર્ષથી.’ ‘તમને કોઈ ઓળખે છે ?’ ‘અરે બેટા ! ભગવાન ઓળખે છે, એટલું પૂરતું છે.’ ‘તમારું નામ ક્યારેય જાહેર થયું છે ?’ ‘નથી થયું.’ તમને દુઃખ નથી થતું ?’ વૃદ્ધે હસીને કહ્યું, ‘જે માન માટે સેવા કરે તેને દુઃખ થાય, જે ભગવાન માટે સેવા કરે તેને આનંદ થાય.’ આ શબ્દોએ વિરજાશંકરના હૃદયને હચમચાવી દીધું.
તેમણે વિચાર્યું : ‘હું તો અત્યાર સુધી ભગવાન માટે નહિ, મારા માન માટે સેવા કરતો હતો.’ તે દિવસથી તેમનું જીવન બદલાવા લાગ્યું. હવે તેઓ સૌથી પહેલાં મંદિરે આવી સફાઈ કરતા. જોડા ગોઠવતા. રસોડામાં વાસણ ધોતા. પાણી પીવડાવતા. કોઈ જાણે કે ન જાણેે, તેમને કોઈ ફરક પડતો નહોતો.
એક દિવસ એક નવા હરિભક્તે તેમને ઓળખ્યા નહિ અને કહ્યું, ‘ભાઈ, સફાઈનું કામ સારી રીતે કરજો.’ જો પહેલાં કોઈ આવું કહેત તો વિરજાશંકર ગુસ્સે થઈ ગયા હોત, પરંતુ આજે તેઓ હસીને બોલ્યા, ‘ભૂલ થઈ ગઈ ભાઈ, હવે ધ્યાન રાખીશ.’
દૂર બેઠેલા સંત આ દૃશ્ય જોઈ રહ્યા હતા. જોતાં જ તેમના અંતરમાં તેમના પ્રત્યે ખૂબ જ રાજીપો થયો. સાંજે સંતે સભામાં કહ્યું, ‘આજે એક હરિભક્તે સૌથી મોટી સેવા કરી છે.’ બધાને લાગ્યું કે કદાચ કોઈએ મોટું દાન આપ્યું હશે. સંતે વિરજાશંકરને બોલાવ્યા. વિરજાશંકર ગભરાઈ ગયા.
સંતે કહ્યું, ‘આજે તેમણે મંદિરની સફાઈ નથી કરી; આજે તેમણે પોતાના હૃદયની સફાઈ કરી છે.’ સભામાં શાંતિ છવાઈ ગઈ. વિરજાશંકરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે સંતના ચરણોમાં પડીને કહ્યું, ‘મહારાજ ! આજ સુધી હું માનનો ભૂખ્યો હતો. લોકો મારા વખાણ કરે એમાં જ આનંદ માનતો હતો. હવે સમજાયું કે સાચો આનંદ તો ભગવાનને રાજી કરવામાં છે.’
સંતે તેમના માથે હાથ મૂકીને કહ્યું, ‘જે દિવસે માણસ પોતાને મોટો માનવાનું છોડે છે, તે દિવસે ભગવાન તેને મોટો બનાવે છે.’
સમય પસાર થતો ગયો. વિરજાશંકરની આ નમ્રતા આખા નગરમાં પ્રસિદ્ધ થઈ ગઈ. હવે લોકો તેમનું સન્માન તેમની સંપત્તિ માટે નહિ, પરંતુ તેમના વિનય માટે કરવા લાગ્યા.
એક યુવાને એક દિવસ તેમને પૂછ્યું, ‘કાકા, તમારી સફળતાનું રહસ્ય શું છે ?’ વિરજાશંકરે હસીને ઉત્તર આપ્યો, ‘પહેલાં હું માન મેળવવા દોડતો હતો, એટલે શાંતિ મળતી નહોતી. અને હવે હું સંતની કૃપાથી ભગવાનને રાજી કરવા દોડું છું, એટલે માન પાછળથી આવે છે; પરંતુ હવે તેની જરૂર જ લાગતી નથી.’ આમ, વિરજાશંકરે પોતાના જીવનમાં ભગવાન અને સંતોના બળે એક માન છોડયું તો પરમ સુખિયા થયા. અને તેમણે અંતિમ ક્ષણે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં શાંતિપૂર્વક દેહ છોડયો.
વહાલા ભક્તો ! વહાલા ગુરુજી પણ આપણને બે વાત કહે છે : (૧) સર્વે યશ પરમ યશસ્વી પરમાત્માને અર્પી દેવો. (૨) દાસના દાસ સરળ લાબરા જેવા થઈને રહેવું. જો આ પ્રમાણે રહીશું તો ભગવાનને આ ને આ જન્મે પામી જઈશું. તો વહાલા મહારાજ, વહાલા ગુરુજી અને આપ સર્વેના ચરણોમાં પ્રાર્થના કે, ‘માન નામના અંત:શત્રુથી મારી રક્ષા થાય અને નિષ્કામભાવે આપને રાજી કરી શકું એવી કૃપા કરશો.’