જય સદ્ગુરુ સ્વામી, પ્રભુ જય સદ્ગુરુ સ્વામી ,
સહજાનંદ દયાળુ (૨) બળવંત બહુનામી...જય૦ટેક
ચરણ સરોજ તમારાં વંદું કર જોડી (૨)
ચરણે ચિત્ત ધર્યાથી (૨) દુ:ખ નાખ્યાં તોડી...જય૦ ૧
નારાયણ નરભ્રાતા, દ્વિજકુળ તનુ ધારી (૨)
પામર પતિત ઉદ્ધાર્યાં (૨) અગણિત નરનારી...જય૦ ૨
નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી (૨)
અડસઠ તીરથ ચરણે (૨) કોટિ ગયા કાશી...જય૦ ૩
પુરુષોત્તમ પ્રગટનું, જે દર્શન કરશે (૨)
કાળ કર્મથી છૂટી (૨) કુટુંબ સહિત તરશે...જય૦ ૪
આ અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધીઽ (૨)
મુક્તાનંદ કહે મુક્તિ (૨) સુગમ કરી સીધી...જય૦ ૫