એ કોની ભૂલ !!

એ કોની ભૂલ !!
June 1, 2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ

કેટલાક યુવકો સત્સંગ-ગોષ્ઠી કર્યા બાદ મંદિરના પરિસરથી રીટર્ન ઘેર જઈ રહ્યા હતા. રસ્તા પર ચાલ્યા જતાં તેમને એક કાગળ મળ્યો. કાગળના માલિકનું નામ-ઠામ હોય તો તેને પહોંચતું કરીએ; એ હેતુથી આગળ-પાછળ જોવા માંડ્યું, પણ નામ-નંબર કશું જ નહોતું. કાગળના ઉપરના ભાગે લખ્યું હતું : ‘એ કોની ભૂલ !’ આવું ટાઇટલ વાંચતાં સુજ્ઞ યુવકોને લાગ્યું કે કદાચ આ કાગળ પર્સનલ હોઈ શકે. તરત તેમણે વાંચ્યા વગર જ યુવાસભાના સંચાલક મનોજ સરને પહોંચતો કર્યો. મનોજભાઈએ જોયું તો તેમાં ૧૭ મુદ્દાઓ લખેલા હતા. શરૂઆતના બે જ મુદ્દાના અનુસંધાને મનોજભાઈને કશોક અણસાર આવી ગયો. તેમણે સૌરભને બોલાવી કહ્યું, ‘તારું કાંઈ ખોવાય છે ?’ સૌરભે ખિસ્સામાં હાથ નાંખતાં કહ્યું, ‘હા સર, એક કાગળ ક્યાંક...’ મનોજભાઈએ કાગળ દેખાડતાં કહ્યું, ‘સૌરભ ! આ તારો છે ?’ હા સર. ‘એમાં શું લખેલું છે ?’ ‘કાંઈ નહિ સર, એ તો પરમ દિવસે આપે કૃપા કરી મને જે સમજાવ્યું હતું એ...’ ‘પણ સૌરભ ! મેં તો તારી સાથે એ બાબતમાં બે જ મિનિટ વાત કરી હતી.’ સૌરભે કહ્યું, ‘સર ! પછી બીજું એના પરથી પ્રભુએ આપ્યું એ લખેલું છે.’

બનેલું એવું કે ઉંમરમાં સૌરભથી થોડો મોટો એક યુવાન; નામ એનું રવિ. સૌરભને એની સાથે અવારનવાર કોઈને કોઈ સેવાના પ્રસંગો પડ્યા કરે. રવિમાં એવી મોટી કોઈ ભૂલ નહિ, સેવા ઘરધણી થઈને કરે; પરંતુ એનો સ્વભાવ થોડો ગુસ્સાવાળો, બોલીમાં રફ અને થોડો ધાર્યું કરવાનો આગ્રહી; એટલે આ અંગે સૌરભ મનોજભાઈને બે દિવસ પહેલાં જ મળેલો, ને રવિ વિશે થોડી વાત કરેલી. આ પ્રસંગોની બાબતમાં જોતાં ખરેખર તો રવિનો વાંક વધુ હતો, પણ સુજ્ઞ મનોજ સરને સૌરભ પ્રત્યે કઠોર થઈને પણ તેને ઉચ્ચકક્ષાએ લઈ જવાની લાગણી. એટલે તેમણે આ પ્રસંગે રવિના સ્વભાવ વિષે સામાન્યપણું દર્શાવીને વજન તો સૌરભની કેળવણીની બાબતમાં જ દીધું.

એ વખતે મનોજભાઈએ સમયના અભાવે સૌરભને એકદમ ટૂંકમાં માત્ર બે-ત્રણ વાક્યો જ કહ્યા… ‘સૌરભ ! પ્રસંગો જે હશે તે હું બીજું કશું ન જાણું; મને એટલી જ ખબર પડે કે, આટલા વર્ષોમાં તેં રવિનું દિલ જીતી કેમ ન લીધું ? તેની સાથે તું જોઈએ એવું ટ્યુનિંગ નથી કરી શકતો એ કોની ભૂલ ! તેનો ગુસ્સો તને વ્યથિત કરી જાય છે એ કોની ભૂલ ! સૌરભે વીજળીના ચમકારા જેવી મનોજ સરની આ ટકોરને એકદમ સવળી લીધી. અંતે આ વાત સૌરભ માટે એકમાત્ર સ્વશુદ્ધિનો જ એંગલ જળવાઈ રહે એવી સ્વતપાસની સરવાણી વહાવી ગઈ. મનોજ સરની એક-બે વાતથી પ્રેરાઈને તેણે એકાંતમાં બેસીને એક કાગળમાં લખવા માંડ્યું. સૌરભને પોતાની ભૂલ શોધવામાં જાણે પ્રભુ પોતે જ કાંઈક કરુણાનો ધાબડિયો વરસાવતા ન હોય ! એમ તેને અનુભવાયું. થોડી જ વારમાં ૧૭ જેટલા મુદ્દાઓ લખાઈ ગયા.

બસ, આ મુદ્દાઓ લખેલો કાગળ ખિસ્સામાંથી પર્સ કાઢતાં સાથોસાથ બહાર નીકળીને સરી પડેલો. હવે ખોવાઈ ગયેલ કાગળ પાછો મળી જતાં સૌરભને તેનો આનંદ થયો. આ સમયે મનોજભાઈએ તેને કહ્યું, ‘આ તારા મુદ્દાઓ મને તો સંભળાવ. જોઉં કે આ અંગે તું શું વિચારે છે ? મનોજ સરની મરજી જાણી સૌરભે પોતાના મુદ્દાઓ વાંચવા માંડ્યા……

(૧) હું રવિના હેતુ કે ભાવ સામું જ ન જોતાં તેનાં બાહ્ય સ્વભાવ, બોલી અને તેની વર્તનની રીતભાતને જોયા કરું છું; એ કોની ભૂલ ! (૨) કાંઈક પ્રસંગ બનતાં હું રવિએ કરેલ ભૂલની નોંધ લીધા કરું છું, એની ભૂલને ભૂલી નથી શકતો; એ કોની ભૂલ ! (૩) મારી વિશેષતાનો રસ ચાટવામાં મશગૂલ હું રવિની વિશેષતાથી પ્રભાવિત નથી રહી શકતો; એ કોની ભૂલ ! (૪) હું રવિની કાર્યશૈલી, પદ્ધતિ કે અણઆવડતનો પણ સહજ સ્વીકાર નથી કરી શકતો; એ કોની ભૂલ ! (૫) મેં થોડું સહન કરીને, ખમી ખાઈને કે જતું કરીને પણ રવિના હૃદયમાં મારું બેલેન્સ ન કરી લીધું; એ કોની ભૂલ !

(૬) હું રવિ પાસે નમ્રપણે હળવાશપૂર્વક ખુલાસા કરવાને બદલે આ બાબતે ભારેખમ રહું છું; એ કોની ભૂલ ! (૭) રવિના કેટલાક શબ્દોની મને ઉદ્વેગસભર અસર થઈ જાય છે. આ અસર કરનારી મારી કસર મને ખૂંચતી નથી; એ કોની ભૂલ ! (૮) હું મારી દેહભાવની, અહંભાવની મહામોટી ભૂલ સુધારવામાં વધુ ધ્યાન દેવાને બદલે રવિની બાહ્ય ભૂલોમાં ધ્યાન આપું છું; એ કોની ભૂલ ! (૯) રવિમાં ઘણાય સદ્ગુણો છે; મારે તેની જરૂર પણ છે, છતાં તેના માટે હું ગરજુ ને કૂણો લાબરા જેવો નથી વર્તતો; એ કોની ભૂલ ! (૧૦) મને લાગતી-દેખાતી રવિની ખોટ તેને જ કહેવાને બદલે તે ભૂલ મારાથી બીજે-ત્રીજે પણ કહેવાઈ જાય છે ને એમાં મારી નિર્દોષતા સાબિત કરવાના પ્રયત્નો થઈ જાય છે; એ કોની ભૂલ !

(૧૧) વચ.ગ.મ. ૬૩માં શ્રીહરિ કહે છે કે ભગવાનના ભક્ત કેવળ બ્રહ્મની જ મૂર્તિ છે, એમાં મનુષ્યભાવ કદી લાવવો જ નહીં. - રવિની બાબતમાં પ્રભુની આ વાત મને મનાતી નથી; એ કોની ભૂલ ! (૧૨) વચ.ગ.પ્ર. ૩૧ તથા ૫૩માં શ્રીહરિ કહે છે કે કાંઈક દેહસ્વભાવ જોઈને ભગવાનના ભક્તનો અવગુણ લેવો નહિ, તેમ છતાં મારે રવિની બાબતમાં ફેર પડી જાય છે; એ કોની ભૂલ ! (૧૩) સત્સંગમેં અબ આયે હે જેતે - આ ચોપાઈ દ્વારા મહારાજ સૌને મુક્ત માનવાનું કહે છે ને હું રવિને મુક્ત ન માનતાં સ્વભાવયુક્ત જોઈને પ્રભુનાં આ વચનો લોપી રહ્યો છું; એ કોની ભૂલ ! (૧૪) આ સત્સંગમાં બીજાનો અણુ જેવડો ગુણ પણ મેરુ જેવડો માનવાનો હોય છે ને મેરુ જેવડો દોષ અણુ જેવડો માનવાનો હોય છે. મારે આવું નથી થતું; એ કોની ભૂલ ! (૧૫) વચ. સારંગપુર-૨માં ‘વચને કરીને કેમ વર્તવું ?’ એ વિશે પ્રભુએ આજ્ઞા કરી છે. રવિની બાબતમાં હું આ આજ્ઞા ઘણી વાર લોપી બેસું છું; એ કોની ભૂલ ! (૧૬) શું પ્રભુ રવિને મારા જેવી જ દૃષ્ટિથી જોતા હશે ? ના. તો હું કેમ તેને દોષિત દૃષ્ટિથી જોઉં છું ? પ્રભુના સંબંધે દિવ્યતા જાળવતો નથી; એ કોની ભૂલ ! (૧૭) સંતો અને શાસ્ત્રો સૌમાં ભગવાન જોવાની વાત કરે છે, તોપણ હું રવિ જેવા સારા ભક્તમાંય પ્રભુને નથી જોઈ શકતો; એ કોની ભૂલ !

આ બધા મુદ્દાઓ સાંભળી મનોજભાઈ ખૂબ રાજી થયા અને કહ્યું, સૌરભ બેટા ! તારા આવા સ્વશુદ્ધિના વિચારો પ્રભુ પામવાનો એકદમ પ્રોપર ટ્રેક છે. બસ અંતમાં હવે તને એક જ ભલામણ કે, ‘તું જે વિચારે કે લખે છે એને જલ્દી જીવનમાં પ્રેક્ટિકલ કરી લે. વિચાર અને વર્તનમાં રહેલો ગેપ ટળી જાય એટલે પરમાત્મા મળી જાય. સૌરભ ! જો તું મહારાજે આપેલ આ સવળા વિચારોના પથ પર જ ચાલતો રહીશ, તો આ વિચારરૂપ દોરડાથી પ્રભુ તને એના તરફ ખેંચ્યા જ કરશે; ને એ જ તને એમના સુધી પહોંચાડી દેશે.’ આમ કહી મનોજ સર છૂટા પડ્યા.

વહાલા ભક્તો ! કોઈ પાત્રો દ્વારા પ્રભુ આપણી શુદ્ધિ-વૃદ્ધિ કરવા ઇચ્છે; આપણું ઘડતર કરી આપણને એના લાડલા બનાવવા ઇચ્છે ત્યારે પ્યારા પ્રભુજી આપણી સામે પણ રવિ જેવાં કોઈક પાત્રો મૂકતા હોય છે. એ સમયે આપણે તેમાં દોષ, સ્વભાવ જોવા-કલ્પવા કરતાં સૌરભની જેમ પોતાની જ ભૂલ જોવાનો પક્ષ જાળવી રાખીએ, તો આપણા ભલા માટેનો પ્રભુનો દાખડો સફળ થતાં તેઓ રાજી થાય; ને આપણામાં અનેક ગણી ઊંચાઈ આવે. તો ચાલો, ઉપરોક્ત મુદ્દાઓના સહારે આપણે પણ અવનવા એંગલથી પોતાની જ ભૂલ જોવા-વિચારવાનું નક્કી કરીએ. વળી, રવિ જેવાં આપણાં પાત્રોમાં હંમેશાં દિવ્યભાવ જ રહે; એવી દઢતા કરી આપણી આધ્યાત્મિકતા સજાવીએ. અંતમાં પ્રભુચરણોમાં પ્રાર્થના કે, “હે પરમ કૃપાળુ પરમાત્મા ! દરેક પ્રસંગે મને પોતાની જ ભૂલ જોવાનું સૂઝે એવી દિવ્યમતિ આપવા કૃપા કરજો...”