Bhagwanno Sacho Rajipo Shu ?

Bhagwanno Sacho Rajipo Shu ?
September 1, 2025
Anadiswarupdasji Swami - Kundaldham

એક વખત મહારાજ માંગરોળમાં વિરાજમાન હતા. મહારાજે પોતાના વિશ્વાસુ અને પ્રિય ભક્ત આણંદજી સુથારને કહ્યું, “આણંદજી ! તારી ઘરવાળીનો ત્યાગ કર કાં અમારો ત્યાગ કર !” ત્યારે આણંદજીભાઈએે સ્મિત કરતાં કહ્યું, “મહારાજ ! ઘરવાળીનો ત્યાગ કરું તો રોટલા કોણ કરી દે ? અને તમારો ત્યાગ કરું તો કલ્યાણ ન થાય !” મહારાજને પોતાના આ નિષ્ઠાવાન પ્રિય ભક્તનું આને આ જ જન્મે કલ્યાણ કરવું હતું, એટલે એવું પગલું લીધું. મહારાજે સૌ હરિભક્તોને કહ્યું જે, “આણંદજી જ્યારે આવે ત્યારે, સૌ તેને ‘હાડ કૂતરી..હાડ કૂતરી..!’ એમ કહેજો.”

પછી મહારાજ ત્યાંથી બીજે ગામ પધાર્યા. પછી તો આણંદજીભાઈ જ્યારે મંદિરમાં જાય ત્યારે સૌ ભક્તો તેમને ‘હાડ કૂતરી...હાડ કૂતરી...’ કરે. પરંતુ મુમુક્ષુ આણંદજીભાઈ તો મંદિરની ખડકીએ ઊભા રહીને આરતી-ધૂન કરે અને સૌ ભક્તોના જોડા પોતાનાં લૂગડાં વતે સાફ કરે. એમ કરતાં કરતાં છ મહિના થયા. પછી મહારાજ ફરીવાર ત્યાં પધાર્યા. તે વખતે આણંદજીભાઈ મહારાજને દર્શને આવ્યા. ત્યારે સૌ ભક્તો ‘હાડ કૂતરી...હાડ કૂતરી...’ કરવા લાગ્યા. ત્યારે મહારાજ કહે, “આ શું છે ? આમ કોને કરો છો ?” ભક્તો કહે, “મહારાજ ! આણંદજીભાઈને.” પછી મહારાજ કહે કે, “આણંદજી ! તારે કૂતરાનો જન્મ આવે તેમ હતો, તે હવે ટળ્યો.”

વહાલા ભક્તો, પ્રથમ આપણને એવું લાગે કે શ્રીજીમહારાજ આણંદજીભાઈ પર કુરાજી થયા; વાસ્તવમાં તેમના પર દિલથી રાજી હતા, તો આવું કલ્યાણ કર્યું. આપણે પૂર્ણ પુરુષોત્તમ શ્રીસ્વામિનારાયણ ભગવાનના ભક્ત છીએ, તેમની ઉપાસના કરીએ છીએ અને તેમની આજ્ઞા પાળીએ છીએ. તેથી તેઓ રાજી થઈને આપણી સદાય સર્વ સંકટ, દુ:ખ વગેરેમાં સહાય કરે છે, રક્ષણ-પોષણ કરે છે અને આપણે જે ઇચ્છીએ તે આપણા ભજનના બદલામાં આપે છે; પરંતુ ભગવાન ખરેખર જેની ઉપર દિલથી રાજી હોય તેની પર કેવો અનુગ્રહ કરે છે, તેની શ્રીમદ્ભાગવતમાં એક અગમ્ય વાત છે.

શ્રીમદ્ભાગવતમાં રાજા યુધિષ્ઠિર પ્રત્યે શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે,

यस्याहमनुगृह्णामि     हरिष्ये    तद्धनं    शनै:।
ततोऽधनं त्यजन्त्यस्य स्वजना दु:खदुखितम्।।
स  यदा  वितथोद्योगो  निर्विण्ण: स्यादनीहया।
                       मत्परै:     कृतमैत्रस्य    करिष्ये  मदनुग्रहम्।।                                                           (भाग.द.उ. ८८/८-९)

જેની પર હું અનુગ્રહ કરું છું, તેનું હું ધન હરી લઉં છું, અર્થાત્ તેની આજીવિકા છોડાવી દઉં છું. પછી તેના સ્વાર્થી સંબંધીઓ પણ ધન વિનાના અને તેથી દુ:ખોથી ઘેરાયેલા તેનો ત્યાગ કરી દે છે. પછી ‘મારા માટે આ લોકનું વૈષયિક સુખ સર્વ પ્રકારે દુર્લભ છે’ એમ નિરાશ થવાથી, તેને સંસારમાં વૈરાગ્ય થાય છે. પછી તેને મારા પરાયણ સંતો-ભક્તો સાથે મિત્રતા થાય છે. પછી તે દ્વારા તેને સદા સુખદાયી મારા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે.”

આપણા વહાલા ગુરુજી પણ કહે છે કે,

એક દિવસ મેં વિચાર્યું કે, રાજીપો તે વળી શું હશે ?
વઢી  ટોકીને  જે  કહે,  તે  મારા  ઉપર  રાજી હશે.

વઢી-ટોકીને આપણા દોષ, સ્વભાવ વગેરે ટળાવે છે; આપણું ગમતું પરંતુ આપણું કલ્યાણ બગાડનારું હોય તેને મુકાવીને, આપણું કલ્યાણ કરનારું કરાવે છે; ખરેખર તે જ આપણા પર શ્રીહરિ અને સંતો-ભક્તોનો સાચો રાજીપો છે.