અહો…અહો…

અહો…અહો…

વહાલા પૂ.ગુરુજીનું એક સૂત્ર છે : આનંદની ઊણપ અનેક વિકૃતિઓ સર્જે છે. આ સૂત્ર આધ્યાત્મિક માર્ગે ચાલેલા મુમુક્ષુ હોય અથવા કોઈ પણ વ્યક્તિ હોય, તેમને અતિ ઉપયોગી છે. દરેકના જીવનની શરૂઆતથી લઈને અંત સુધીની દોડધામ પાછળનો મૂળભૂત હેતુ માત્ર એક જ હોય છે : સુખ અને શાંતિની પ્રાપ્તિ. પરંતુ આધુનિક યુગમાં આપણે ભૌતિક સુખ અને આંતરિક આનંદ વચ્ચેનો તફાવત ભૂલી ગયા છીએ. જ્યારે મનુષ્યના અંતરમાં આ સાચા આનંદની ઊણપ વર્તાય કે કોઈ ખાલીપો અનુભવાય, ત્યારે તેના વ્યક્તિત્વ અને વર્તનમાં અનેક પ્રકારની માનસિક, શારીરિક વગેરે વિકૃતિઓ જન્મ લેવા માંડે છે.

પ્રકૃતિનો એક અફર નિયમ છે કે શૂન્યાવકાશ (Vacuum) ક્યારેય લાંબો સમય ખાલી રહેતો નથી, તેમાં તરત જ આસપાસની હવા કે કચરો ભરાઈ જાય છે. માનવના મનનું વિજ્ઞાન પણ બરાબર આવું જ છે. જ્યારે હૃદયમાં સંતોષ, શાંતિ અને આનંદનો અભાવ હોય છે, ત્યારે તે ખાલીપો પૂરવા માટે મન અસ્વાભાવિક રસ્તાઓ શોધવા લાગે છે. આ આંતરિક ખાલીપો જ ક્રોધ, ઈર્ષ્યા, લોભ, અહંકાર અને હતાશા જેવી નકારાત્મક લાગણીઓ માટેનું ખાલી મેદાન બની જાય છે.

સિકંદરે આખી દુનિયા જીતવાનું સપનું જોયું હતું. તેની પાસે અઢળક સંપત્તિ, વિશાળ સેના અને અદ્ભુત સત્તા હતી; પરંતુુ તેના હૃદયમાં શાંતિ અને સાચા આનંદની બહુ મોટી ઊણપ હતી. આ આંતરિક ખાલીપાને કારણે તેના મનમાં સત્તાનો લોભ, ક્રૂરતા અને અહંકાર જેવી ભયંકર વિકૃતિઓ જન્મી. દુનિયાભરની સંપત્તિ અને દેશો જીતવા છતાં તેનો આંતરિક લોભ ક્યારેય સંતોષાયો નહીં. બહારના સુખોથી અંદરનો ખાલીપો ભરવાના નિષ્ફળ પ્રયાસમાં તેણે સતત યુદ્ધો કર્યાં અને લાખો લોકોના જીવ લીધા; પરંતુ જ્યારે નાની ઉંમરે તેનું મૃત્યુ નજીક આવ્યું, ત્યારે તેને પોતાની ભૂલનો ઊંડો અફસોસ થયો. તેણે પોતાના સેનાપતિઓને કહ્યું, ‘મારી નનામી કાઢો ત્યારે મારા બંને હાથ બહાર ખુલ્લા રાખજો, જેથી દુનિયા જોઈ શકે કે આખી દુનિયા જીતનાર મહાન સિકંદર પણ આજે સાવ ખાલી હાથે જઈ રહ્યો છે.’

જ્યાં સુધી આપણી અંદર સંતોષ અને સાચો આનંદ નથી, ત્યાં સુધી આખી દુનિયાની સંપત્તિ પણ આપણા ભીતરના ખાલીપાને ક્યારેય ભરી શકતી નથી.

આજકાલ સોશિયલ મીડિયા અને દેખાદેખીની દુનિયામાં માણસ બીજાને ‘હું ખુશ છું’ એવા દેખાડવાના પ્રયાસમાં પોતાનો અસલી આનંદ ગુમાવી રહ્યો છે. લોકો પાસે આરામ અને સુવિધાનાં બધાં જ સાધનો ઉપલબ્ધ છે, જ્યારે બીજી બાજું ભીતરની શાંતિ ગાયબ છે. જીવનમાં સાચો આનંદ ન મળવાને કારણે માણસ બાહ્ય ઉત્તેજનાઓ(External stimulations) તરફ દોડે છે. વ્યસન, જુગાર, ગેજેટ્સનું વળગણ કે અન્ય વિનાશક આદતો — એ બીજું કંઈ નથી, પરંતુ અંદર રહેલાં દુઃખ કે હતાશાને ભૂલવાનો એક નિષ્ફળ પ્રયાસ છે. મનોવિજ્ઞાન પણ સ્પષ્ટપણે માને છે કે, અસંતુષ્ટ અને દુઃખી મન પોતાની આંતરિક પીડાને દબાવવા માટે ઘણી વાર આક્રમક કે વિકૃત સ્વરૂપ ધારણ કરે છે.

આંતરિક આનંદનો અભાવ માત્ર માનસિક સ્તરે જ અટકતો નથી, તે શરીર પર પણ ઊંડી અસર કરે છે. મન અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલાં છે. જ્યારે મનમાં સતત અજંપો, તણાવ કે ભય રહે છે, ત્યારે શરીરમાં રાસાયણિક અસંતુલન સર્જાય છે. આ અસંતુલન જ અનેક મનોદૈહિક(Psychosomatic) રોગોનું મૂળ બને છે. પૂરતો આનંદ ન અનુભવતી વ્યક્તિ જલ્દી થાક, અનિદ્રા અને પાચન સંબંધી સમસ્યાઓનો શિકાર બને છે. ખરેખર સાચો આનંદ એ જ જીવનનું સર્વશ્રેષ્ઠ ઔષધ છે.

વિકૃતિઓથી બચવા માટે:

1. કૃતજ્ઞતાનો ભાવ જ્યાં નજર જાય ત્યાં સારું જ જોઈએ અને જે કાંઈ થઈ રહ્યું છે તે મારા માટે સારું જ થઈ રહ્યું છે; એવો ભાવ રાખવાથી મૂંઝવણ થતી નથી.
2. પ્રાપ્તિનો કેફ : મને કોણ મળ્યું છે ? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અને એમના વહાલા સત્પુરુષ મળ્યા છે. આ પ્રાપ્તિનો કેફ આનંદથી ભરી દે છે.
3. વર્તમાનમાં જીવવાની કળા : ભૂતકાળના અફસોસ અને ભવિષ્યની ચિંતાઓ છોડીને આજની ક્ષણને પૂરેપૂરી માણવાથી સહજ આનંદ પ્રગટે છે.
4. સકારાત્મક દૃષ્ટિકોણમારામાં જે કાંઈ છે તેના આપનારા શ્રીહરિજી તથા પૂ.ગુરુજી વગેરેની કૃપા-કરુણાનો આભાર વ્યક્ત કરવાથી મનનો ખાલીપો આનંદથી ભરાય છે.

જે વ્યક્તિ પોતે અંદરથી ખુશ નથી; તે ક્યારેય સત્સંગમાં, પોતાના પરિવાર, મિત્રો કે કાર્યસ્થળે સકારાત્મક વાતાવરણ આપી શકતો નથી. બીજાની પ્રગતિ જોઈને થતી બળતરા કે ઈર્ષ્યા; એ પોતાના જીવનમાં રહેલી આનંદની ઊણપનું જ સીધું પરિણામ છે.

હે મારા પ્યારા ! તમે મને ખૂબ જ આનંદ આપ્યો છે હો… એ આનંદ તમે તમારા મોટાપુરુષમાં રહી આપવામાં કોઈ જ ખામી રાખી નથી. આવા ઘોર કળિયુગમાં મને એવી દિવ્ય-અનમોલ ભેટ આપી છે કે જો તેના વિચારોમાં રાચતો રહું તો અહો…અહો…અહો… થયા કરે. મને જે મળ્યું છે તેને હું મારી ખામીને લઈને માણી શકતો નથી અને જે નથી મળ્યું તેને મેળવવાની લાલશામાં અનેક વિકૃતિઓ સર્જું છે. તો હે વહાલા ! આપે કેવળ કરુણા કરીને મને આ દિવ્ય માહોલ આપ્યો છે, તેના આનંદથી ભરેલો રહું તેવી કૃપા કરશો...કૃપા કરશો.