
જીવનમાં પાડેલી સારી ટેવો અને સારા સંસ્કારો મનુષ્યની સાચી મૂડી છે. સુટેવો જીવનમાં અતિ ઉપયોગી થાય છે. જેનામાં સારી આદતો હોય, તેના તરફ સજ્જન માણસો આપોઆપ આકર્ષાય છે; એટલું જ નહીં, સારી ટેવથી મોટા પુરુષો, વડીલો અને માતા-પિતાના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. ગુજરાતી સાહિત્યમાં પણ વહેલા સૂવા-ઊઠવાની ટેવનો લાભ જણાવતાં કહ્યું છે કે —
રાત્રે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર;
બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.
આવી જ સંસાર માટે કેળવેલી સુટેવ ખોપાળાવાળા મયાદાદાના જીવનમાં ભજનમાં બહુ જ ઉપયોગી થઈ હતી, તે તેમના પ્રસંગ દ્વારા જાણીએ.
એકવાર ખોપાળામાં એકાદશી હતી. રાત્રે બાર વાગે પૂ.અચલસ્વરૂપ સ્વામી અને અન્ય સંતો ગામમાં સભા પૂરી કરીને મંદિરે પાછા આવ્યા. ત્યારે સભામંડપમાં તેમની નજર પડી. તેમણે જોયું તો મયાદાદા સ્નાન કરીને પૂજાની તૈયારી કરી રહ્યા હતા ! સ્વામીને નવાઈ લાગી કે હજી તો રાતના બાર-સાડા બાર થયા છે, અને દાદા અત્યારમાં પૂજા કરવા બેસી ગયા ?
અચલસ્વરૂપ સ્વામી દાદા પાસે ગયા અને પૂછ્યું, “દાદા ! અત્યારમાં પૂજા ? હજી તો રાત બાકી છે, તમારે આરામ નથી કરવો ?”
દાદા કહે, “સ્વામી ! મારે આરામ થઈ ગયો.”
“કેમ દાદા, આજે નીંદર ન આવી ? આટલી વારમાં તમારે ઊંઘ પૂરી થઈ ગઈ ?”
ત્યારે દાદાએ પોતાની યુવાનીની વાત કરતાં કહ્યું, “સ્વામી ! હું જ્યારે જુવાન હતો ત્યારે ક્યાં સૂવાનો સમય મળતો ! અમારે બે ખેતર હતાં અને ખેતીની તમામ જવાબદારી મારા માથે હતી. રાત્રે ૧૦ વાગ્યા સુધી એક ખેતરે કોસ હાંકીએ. ત્યારપછી ઉગમણી વાડીએ ઢોર માટે નીરણ(ઘાસચારો) લેવા જઈએ. પછી પરવારીને રાત્રે ૧૨ વાગે વાડીએ આવીને સૂઈએ. પછી વળી રાત્રે ૨-૩ વાગે ફરી પાછો કોસ ચાલુ કરવાનો હોય તેથી જાગવું જ પડે. એમ એ જમાનામાં રાત્રે માંડ બે-ત્રણ કલાક ઊંઘ મળતી.
સ્વામી ! જુવાનીમાં પાડેલી એ ટેવ અત્યારે ઘડપણમાં મને બહુ કામ લાગે છે હો ! અત્યારે ચોવીસ કલાકમાં મારે ફક્ત બે જ કલાક નીંદરની જરૂર પડે છે. એટલે આ દેહને બે કલાકની ઊંઘ આપીને, બાકીના ૨૨ કલાક હું એની પાસે ભજન કરાવું છું.”
પૂ.અચલસ્વરૂપ સ્વામી તો દાદાની સાધના અને સંયમ જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. આમ, મયાદાદાએ યુવાનીમાં પાડેલી સુટેવ ભગવાનનું ભજન કરવામાં આશીર્વાદરૂપ બની ગઈ.
દાદા આ લોકમાં ૧૦૨ વર્ષ સુધી રહ્યા, તેમાં જિંદગીનાં છેલ્લાં પંદર વર્ષ તો રાત્રે માંડ એક-બે કલાક સૂતા. અને તે પહેલાનાં વર્ષોમાં પણ મયાદાદા રોજે રાત્રે ૧૨ વાગ્યા પછી સૂતા અને સવારે ૩ વાગ્યા પહેલાં તો જાગી જ જતા. અને દિવસે તો આરામ કરતા નહીં. આમ, યુવાનીમાં પાડેલી સારી ટેવ તેમને જીવનભર પ્રભુને પ્રસન્ન કરવામાં અતિ ઉપયોગી થઈ હતી.
માટે જ કહેવાય છે કે કેળવેલ સારી ટેવો ક્યારેય નિષ્ફળ જતી નથી. કોઈ ને કોઈ પ્રકારે આપણને તે ખૂબ જ કામ લાગે છે. માટે જો કોઈક સારી ટેવ પડી ગઈ હોય, તો તેને પકડી રાખવી. જેમ કે, ચાતુર્માસ નિમિત્તે વહેલા જાગીને મંદિર જવાની ટેવ પાડી હોય, તો ચાતુર્માસ પૂરો થાય પછી પણ તે ટેવને પકડી રાખવી જોઈએ.
સારી ટેવ તો ક્યારેક મોક્ષનું દ્વાર પણ ખોલી આપે છે. ધોરાજીમાં એક મુસ્લિમ ભિખારી હતો. તેને એક સારી ટેવ હતી કે જે કોઈ તેના પ્રસંગમાં આવે, તેના તે ગુણો ગાવા લાગે અને જોરજોરથી પ્રશંસા કરવા લાગે.
એક વખત સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી સંતો-હરિભક્તો સાથે ધોરાજીમાં પસાર થયા. પેલા ભિખારીએ સંતોને જોયા એટલે પોતાની ટેવ મુજબ બોલવા લાગ્યો, “વાહ ! જુઓ, અરે જુઓ ! આ સ્વામિનારાયણના કેવા મોટા ફકીર જાય છે ! બહુ સારા સંતો હો ! આમનાં દર્શન કરવાથી કલ્યાણ થઈ જાય ! અરે ! આ તો બહુ મોટા ઓલિયા છે ! એમનાં દર્શન કરી લ્યો ! એ ભાઈ... દીદાર કરી લ્યો..!”
આ સાંભળી ગુણાતીતાનંદ સ્વામીએ હરિભક્તોને પૂછ્યું, “આ કોણ છે ? ને કેમ અમારા ગુણો ગાવા લાગ્યો ?”
હરિભક્તોએ કહ્યું, “સ્વામી ! એ તો અમારા ગામનો ગાંડા જેવો ભિખારી છે. એને તો એવી ટેવ છે કે, જે નીકળે તેનાં વખાણ જ કર્યાં કરે.”
ત્યારે સ્વામીએ કહ્યું, “ભલે ગાંડો હોય, પણ આ ગુણ ગાવાની ટેવ એને ભગવાનના ધામમાં લઈ જશે ! કારણ કે આજે તે આ સંતોના અને અમારા ગુણો બોલ્યો છે, માટે હવે તેનું કલ્યાણ થશે !”
વહાલા ભક્તો ! ભલે તે ભિખારી ગાંડો હતો, પણ તેને બીજાના ગુણો ગાવાની ‘સારી ટેવ’ હતી, તો તેનો જન્મ સફળ થઈ ગયો.
આ પ્રસંગ પરથી આપણે પણ સારી ટેવો પાડવી જોઈએ. જેમ કે, વહેલા જાગવું, રાત્રે સમયસર સૂઈ જવું, બીજાના ગુણ જ જોવા અને કહેવા, દરરોજ મંદિરે દર્શન કરવા જવું, કથા સાંભળવી, સેવા કરવી, રાત્રે ચેષ્ટા કરવી, માપસરનું જ ભોજન લેવું, વડીલોની મર્યાદા રાખવી અને મોબાઇલમાં સમય ન બગાડવો; આવી સારી-સારી ટેવો કેળવીએ તો આપણું કલ્યાણ થઈ જાય.
Related of Blog



