
આ સત્સંગમાં જે ગળતા હૃદયે સેવા, ભજન આદિક કરીને દાસાનુદાસ થઈને રહે છે, સત્સંગીમાત્રના ગુણો અને પોતાના જ દોષો જુએ છે તેને આઠે પહોર સત્સંગનું સુખ આવે છે અને સત્સંગમાં દિન પ્રતિદિન આગળ વધતા રહે છે.
ગઢપુરમાં રહેતા સોમપ્રકાશાનંદ સ્વામી અને દૃષ્ટપ્રકાશાનંદ સ્વામી બંને સંતો ખૂબ જ વિવેકી ને ગુણિયલ હતા. તેઓ રોજે વહેલા ઊઠીને ધ્યાન- ભજન કરે, સંતોની સેવા કરે. વળી, આરતી-સ્તુતિ, ધૂન-કીર્તન, કથા-વાર્તા અને સેવા વગેરે અતિશય શ્રદ્ધાથી ને ઉત્સાહથી કરે. આખો દિવસ નવધા ભક્તિ પરાયણ જીવન વિતાવે. આ બધું જ કેવળ મહારાજ અને સંતોને રાજી કરવાની શુદ્ધ ભાવનાથી કરે; આવું તેમનું દિવ્યજીવન જોઈને મહારાજ અને સંતો બહુ રાજી થતા. એક દિવસ સદ્.મુક્તાનંદ સ્વામીએ રાજી થઈને આ બંને સંતોને પોતાની પાસે બોલાવ્યા. બંને સંતો સ્વામીને દંડવત્ પ્રણામ કરીને બેઠા. ત્યા રે સદ્.મુક્તાનંદ સ્વામીએ હેતથી કહ્યું કે, ‘તમે બંને સંતો ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાથી ધ્યાન, ભજન, સેવા વગેરે કરો છો તે જોઈને હું બહુ જ રાજી થયો. તેથી તમોને સુખ થાય અને સમાસ થાય એવી મારે હિત ની વાતો કરવી છે.’ બંને સંતોએ હાથ જોડીને કહ્યું, ‘સ્વામી કહો ને !’ ત્યારે સ્વામી કહે, ‘હે સંતો ! આપણે વહેલા ઊઠીને ધ્યાન-ભજન કે સેવા કરતા હોઈએ અને બીજા સંત સૂતા હોય તો એમ જાણવું કે, આ બધા પૂર્વે ધ્યાન-ભજન કરીને આવ્યા છે એટલે મોટા છે. અને મારે કરવાનું બાકી છે તેથી હું કરું છું; એમ ગુણ લેવો, પણ એમ ન જાણવું કે, આ સર્વે પેટભરા ભેગા થયા છે ને હું જ એક ભગવાનને ભજું છું ; આવી વાત સાંભળીને બંને સંતો અતિશય રાજી થયા ને કહ્યું, “સ્વામી ! આપે કહ્યું એમ અમે સૌમાં ગુણ જ જોશું ને દોષ પોના જ જોશું.” આ સાંભળી સદ્.મુક્તાનંદ સ્વાતામીએ બંને સંતો ઉપર રાજી થઈને માથે હાથ મૂક્યા.
વહાલા ભક્તો ! અત્યારે સત્સંગમાં આપણે પણ સેવા, ભજન આદિક સાધનો કરીએ છીએ. તે બધું કેવળ ભગવાન અને ભગવાનના સંતો-ભક્તો ની પ્રસન્નતા ને અર્થે જ થાય તો તો વાંધો ન આવે, પણ જો આ સેવા આદિકને લઈને કોઈની ગૌણતા થાય અને સ્વશ્રેષ્ઠતા વધે તો બહુ મોટુ નુકસાન થાય. માટે જમે જમે સત્સંગમાં આપણે રાજીપો કમાઈએ તેમ તેમ ભગવાન અને ભગવાનના સંતો-ભક્તો ના વધુ ઋણી થવું કે, મારા મહારાજ રાજી થયાનું પોતે કરાવીને મારા ઉપર રાજી થાય છે. બાકી મહારાજ તો બીજાને નિમિત્ત બનાવી આનાથી પણ સારું કાર્ય કરાવી શકે; આ તો મહારાજની કૃપા કે મને આવી સેવા આપીને રાજીપો આપ્યો , તેમ સમજી દાસભાવે ગળતા હૃદયે સેવા-ભજન આદિ કરીએ અને સદ્.મુક્તાનંદ સ્વામીએ ગુણ લેવાની જે દૃષ્ટિ શીખવી તે પ્રમાણે સત્સંગમાં સૌના ગુણ જ લઈએ અને કેવળ પોતાના જ દોષો જોઈએ તો સત્સંગમાં અખંડ સુખ અને આનંદ રહે અને આઠે પહોર અહો... અહો... થયા જ કરે.