Sukhi Thavanu Sachu Stand Shu ?

Sukhi Thavanu Sachu Stand Shu ?
April 1, 2025
Ishwarcharandasji Swami - Kundaldham
0:00/0:00

સ્વામિનારાયણ ભગવાનના સર્વોપરી સંત શ્રીગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે - જીવપ્રાણીમાત્ર કોઈ ને કોઈ આધાર વડે સુખી રહે છે. કોઈ માન-મોટાઈના આધારે સુખી અને કોઈ સારા ખાન-પાનને કારણે સુખી રહે છે.

જે ભગવાનના ખરેખરા ભક્ત છે તેને તો ભગવાન જ સાચો આધાર મનાય છે; એટલે સાચા સંતો-ભક્તો શ્રીહરિના આધારે જ સુખી રહે છે.

વહાલા ભક્તો ! આપણું કેમ છે ? આપણે પહેલા કયા આધારે સુખી રહેતા ? હાલ કયા કારણે આપણને સુખી માનીએ છીએ ? આ જગતમાં ઘણા માણસો ધન વડે તે સુખી હોય એવું ફીલ કરે છે. ઘણા ઘરનું ઘર, ઘરનું માણસ અને બાલ બચ્ચાને કારણે તેને સુખી સમજે છે. અમુક લોકો તેમની પાસે કાંઈક સત્તા, પોસ્ટ કે પ્રસિદ્ધિ હોય તો સુખી રહેવાય એવું માને છે. આમાં પરમ સત્ય શું ?

હા, જીવનમાં એવું કાંઈક જરૂરી છે, જેને કારણે આપણે અંતરથી ગૌરવ અનુભવી શકીએ. પોતાને ભાગ્યશાળી કે પરમ સુખી માની કેફમાં રહી શકીએ; પરંતુ એવું એ કયું સ્ટેન્ડ છે કે જેના આધારે કાયમી કેફમાં રહી શકાય, સદા સુખી થઈ શકાય ?

વિશ્વફેમસ ગાયિકા લતા મંગેશકરજીને કોઈએ પૂછ્યું, “આપ દુસરે જન્મ મેં લતા મંગેશકર બનના ચાહોગી ?” “કભી નહીં.” આમ તેમણે ચોખ્ખી ના પાડી. એનો અર્થ એ કે, પૈસો અને પ્રસિદ્ધિ માણસને અંતરથી સુખી અને સંતોષી બનાવી શકતાં નથી.

થોડાં વર્ષો પહેલાં હિન્દી ફિલ્મના યુવા હીરો સુશાંત સિંહે આપઘાત કરી લીધો. આજે વિશ્વમાં એવા કરોડો લોકો છે કે, જેમની પાસે ધન-સંપત્તિ કે કીર્તિ-પ્રસિદ્ધિ જરૂર કરતાં વધુ હોવા છતાં તે અંતરથી નાખુશ છે. તેમના જીવનમાં કજિયા, કંકાસ અને અશાંતિનો પાર નથી. આનો અર્થ એ કે માનવજીવનમાં ધન, માન, ખાન-પાન વગેરે ભૌતિક સ્ટેન્ડથી જ જીવ કાયમી સુખી કદી ન જ બની શકે; જ્યારે એનાથી ઊલટું એ પણ જોવા મળે છે કે ધન-માન-ગાડી-બંગલા વગેરે સુવિધા ઓછી હોવા છતાં ઘણા ભક્તો વધુ સુખી જીવન જીવતા હોય છે.