Prerak Prasang - Prabhu Jarur Pokar Sambhale Che

Prerak Prasang - Prabhu Jarur Pokar Sambhale Che
March 1, 2023
Sakarswarupdasji Swami - Kundaldham
0:00/0:00

એક માણસ પોતાના ચાર વર્ષના બાળકને કારમાં બેસાડીને જતો હતો. બાળકને પાછલી સીટમાં બેસાડયો હતો. એ માણસ પોતાની મસ્તીમાં  સ્પીડથી ગાડી ચલાવી રહ્યો હતો. બાળક પાછળ શું કરે છે તેની તેને કાંઈ ખબર ન હતી. બાળક દરવાજાના કાચમાંથી બહાર જોયા કરતો હતો. ચંચળ સ્વભાવના તે બાળકે અચાનક સ્પીડમાં જતી કારનો દરવાજો ખોલી નાખ્યો. બરાબર એ જ વખતે કારે ઝડપી વળાંક લીધો. વાહનની ગતિના કારણે દરવાજો ખૂલી ગયો ને તે બાળક કારમાંથી બહાર ફેંકાઈ ગયો. પેલા માણસનું તરત જ ધ્યાન ગયું. એનાથી રાડ પડી ગઈ, હે ભગવાન ! તેણે ઝડપથી પોતાની કાર સાઈડમાં લીધી. નીચે ઊતરીને જોયું તો બાળક જ્યાં  ઊથલીને પડયું હતું એ વખતે એ જ લેનમાં પાછળથી એક અન્ય કાર પણ ધસમસતી આવી રહી હતી.

એને તો એવું જ હતું કે બે જ ક્ષણમાં એના બાળકને કચડીને પેલી કાર જતી રહેશે. હાથ હલાવીને પેલા ડ્રાઈવરને રોકવાનો પણ સમય ન હતો. એના મોઢામાંથી બસ એટલા જ શબ્દો નીકળી શક્યા કે, ‘હે ભગવાન ! તું  જ મારા બાળકને બચાવજે.’

ભગવાને જાણે તેનો અવાજ સાંભળી લીધો હોય તેમ પેલી ધસમસતી આવી રહેલી કારનાં પૈડાં સખત જોરથી લાગેલી બ્રેકના કારણે ચિચિયારી પાડી ઊઠયાં. ચારેય પૈડાં રોડ સાથે ઘસાઈને પેલા બાળકની સાવ નજીક જઈને ઊભાં રહી ગયાં. બાળકના બાપે દોડીને બાળકને ઉઠાવી લીધું. બાળક એકદમ સ્વસ્થ હતું. જલ્દી તે બાળકને ઉઠાવી પેલા ડ્રાઈવર તરફની બારી પાસે ગયો. તેણે જોયું તો એ ડ્રાઈવર બંને હાથે પોતાનું માથું પકડીને સ્તબ્ધ બનીને બેઠો હતો.

પેલા માણસે પોતાના સાજાસમા બાળકને બતાવીને કહ્યું, ‘અરે ભાઈ ! જરા પણ ચિંતા કરશો નહિ, મારા બાળકને કાંઈ જ નથી થયું. પરંતુ ...જો તમે

સમયસર બ્રેક મારી ન હોત તો....’ એટલું બોલતાં તેનું ગળું ભરાઈ આવ્યું.
પછી સહેજ સ્વસ્થ થઈ બોલ્યો, ‘મેં ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ ! મારા બાળકને બચાવજે, એ જ વખતે તમે બ્રેક મારી દીધી, થેક્યું વેરી મચ.’

પેલો ડ્રાઈવર આશ્ચર્ય સાથે બોલ્યો, ‘ભાઈ, તમને કદાચ વિશ્વાસ નહિ આવે, પરંતુ હું મારી બ્રેકને અડક્યો જ નથી. હું પણ એ જ આશ્ચર્યમાં હતો કે આ કેવી રીતે બની ગયું ?’ બંને જણ અવાચક બની ગયા. એ બાળકને તો પ્રભુએ જ બચાવ્યો હતો.

વહાલા ભક્તો ! આપણા જીવનમાં પણ જોઈએ તો એવા ઘણા પ્રસંગો  હશે કે કપરી વેળાએ પ્રભુએ આપણો પોકાર સાંભળ્યો હોય, આપણી રક્ષા કરી હોય. કોઈ સાચા દિલથી પ્રભુને પોકારે તો પ્રભુ જરૂર તેનો સાદ સાંભળે છે ને મદદે આવીને ઊભા રહે છે. અશક્યનું પણ શકય બનાવી દે છે. આવા પરમ કૃપાળુ પરમાત્માના ઉપકારો કેમ ભૂલાય !