
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન
આધારાનંદ સ્વામીએ એમના ગ્રંથમાં એક સરસ વાત લખી છે. તેરા ગામમાં શ્રીહરિ સંતો-હરિભક્તોની પંક્તિમાં વાતો કરવા લાગ્યા.
स्मृति बल रखना दिन रेनी, विस्मृति बल होवन न देनी;
इतनो साधन करत रहाई, मुक्त्त होई जावे तदपि ताई.
સ્મૃતિનું બળ રાખો, અર્થાત્ અખંડ સ્મૃતિ રાખવા માટે ઉત્સાહ અને હિંમત રાખો. વિસ્મૃતિનું બળ થવા ન દેશો. ભગવાન ભૂલાઈ જાય એવા કોઈ સંગનું, એવા પદાર્થનું જીવનમાં બળ ન થવા દેતા. જો કોઈ આટલું સાધન જ કરતો રહે તોપણ તે મુક્ત થઈ જાય.
जितनो जाको सामृथ होवे, विचारीके तितनो जोवे;
तामें कसर रखत रहे जेहु, तितनो नून रहत हे तेहु.
જેનામાં જેટલી સામર્થી હોય તેણે તે પ્રમાણે પોતાના અંતરમાં વિચારીને આ બાબતમાં જોવું જોઈએ. અર્થાત્ સજાગ રહીને હરિસ્મૃતિમય તથા હરિવચનમય રહેવું જ જોઈએ. મહારાજની મરજીમાં અને મૂર્તિમાં રહેવું જ જોઈએ. આ બે વાતમાં જે જેટલી કસર રાખે છે એટલો એ ન્યૂન રહે છે.
હવે સૌએ વિચારવું કે કસર રાખવી છે કે કસર રહેવા જ નથી દેવી ? સ્મરણ અને વચનપાલન માટે શું કરવું જરૂરી છે ? ‘મારે ભગવાન મેળવવા છે, મેળવવા છે અને મેળવવા જ છે. એના માટે જ જન્મ્યો છું. એ જ મારે કરવાનું છે.’ આવું જો નક્કી કરીએ તો શું ન થાય ? પરંતુ આપણે બીજું બધું કરવાનું તાન રાખીએ છીએ અને એવા બીજા તાનવાળાની સાથે રહીએ છીએ. વળી, આખો દિવસ બીજા જ વિચારો કરીએ છીએ, પછી ભગવાનની અખંડ સ્મૃતિ ક્યાંથી રહે ?
દેવળિયા ગામમાં એક ગરાસણી બહેન હતાં. એમને શ્રીજીમહારાજે દર્શન દઈને કહેલું કે, ‘જાઓ તેર વર્ષ સુધી અન્ન-જળ લેતાં નહીં.’ પછી એ બાઈએ તેર વર્ષ સુધી અન્ન-જળ લીધાં નહીં. કાંઈ વાંધો ન આવ્યો અને છપૈયાની યાત્રા કરી આવ્યાં અને દિવસ તથા રાત્રી થઈને એક હજાર માળા ફેરવતાં. પછી મહારાજના ધામમાં પધાર્યાં. આમ, કલ્યાણનો ખપ અને આજ્ઞાનો મહિમા હતો તો થયું.
ગુરુની આજ્ઞામાં રહેવું એ જ સાચું ગુરુપૂજન છે, એ જ સાચો ભાવ છે. ગુરુ કહે એમ કરીએ અને સાચો સત્સંગ કરીએ તો ભગવાન રાજી થાય.
ભુજમાં સંધ્યાસમયે સંતો નારાયણ ધૂનનું ગાન કરતા હતા. તે પ્રસંગે આધારાનંદ સ્વામીએ નામસ્મરણનો મહિમા આવો લખ્યો છે —
प्रगट हरि मिले जाहिकु, नाम जो लेवत तेह;
दिन दिन होत आनंद अति, सो सुख जानत एह.
જેને પ્રગટ શ્રીહરિ મળ્યા છે અને તેમનું જે સ્વામિનારાયણ એવું નામ લે છે તેને દિનપ્રતિદિન પ્રત્યે અત્યંત આનંદ થાય છે. તે સુખને તો તે અનુભવ કરનારા જ જાણતા હોય છે. બીજાને શું ખબર પડે ?
જ્ઞાન હરિસુખ પામવા, અખંડ સ્મરણ કરાય;
એથી રાજી થઈ વાલો, સુખ આપે છે ધરાય.
હરિને વાલો બહુ લાગે, હરિનામ જપનાર;
નામ જપે તો થાય છે, જ્ઞાન હરિમાં પ્યાર.
જો અખંડ હરિનામ જપીએ તો ભગવાનને આપણે બહુ વહાલા લાગીએ અને આપણનેય ભગવાનમાં બહુ હેત થઈ જાય. ભગવાનના સ્મરણનો જે પ્રતાપ છે એટલો જો મગજમાં બેસી જાય તો સ્મરણમાં શ્રદ્ધા થાય.
ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે —
ડુંગર ભગત હતા, તે ગમાણમાં સૂઈ રહેતા. મચ્છર કરડે તેથી દેહ આખો લોહીલુહાણ થઈ જતો. વળી, દશ વાર તો સર્પ કરડી ગયો, તોપણ ઊતરાવ્યો નહિ અને દેહેય પડયો નહીં. એણે ભજન કર્યું ! છે ને નામસ્મરણનો ઝપાટો ! આવા તો બહુ દાખલા છે.
દેહ રાખવો કે પાડવો, જ્ઞાન છે હરિને હાથ;
દેહ કોઈથી પડે નહિ, કર્તા હર્તા છે નાથ.
હરિએ ધાર્યું હોય એમ જ થાય. આપણે દેહને રાખવો હશે તોય નહિ રહે અને હરિએ દેહને નહિ પડવા દેવો હોય તો કોઈએ પાડવો હશે તોય નહિ પડે. માટે સ્મરણ કરવા ચોંટી પડીએ.
કૃપાનંદ સ્વામીને સર્પ કરડી ગયો. તે ખાધું નહિ ને સ્વામિનારાયણ...સ્વામિનારાયણ ભજન કરવા માંડયા, જમ્યા જ નહીં. તે ભજનના પ્રતાપથી ઝેર ઊતરી ગયું અને કૃપાનંદ સ્વામીનો દેહ રહ્યો. માટે ભજન તો આળસ મૂકીને કરવું. વીંછી કરડયો હોય તો રાત બધી જાગે પણ ભજન કરવું હોય ત્યારે તો ઊંઘી જવાય; એમ સ્વામી કહેતા.
વીંછી કરડયો હોય તો, આખી રાત જગાય;
તેમ ઊંઘ આળસ તજી, જ્ઞાન ભજો હરિરાય.
આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃતસાગરના પૂર-૧૧ તરંગ-૪૮માં કહે છે —
श्रीहरि के अनंत ही नामा, जो जो जपे सबे सुखधामा;
अनंत जन्म के पाप अपारा, नाम जपत होवत निस्तारा.
ભગવાનનાં નામ અનંત છે. કોઈ પણ નામનો જપ કરી શકાય. બધાં જ નામ સુખધામ છે. ભગવાનના નામનો જપ કરવાથી અનંત જન્મનાં અપાર પાપો હોય, તોપણ તેનો વિનાશ થઈ જાય છે. પરમાત્માનાં ઘણાં નામ છે. તમને જે ગમે એ જપો. હરિ-હરિ કરો, સ્વામી-સ્વામી કરો, નાથ-નાથ કરો, વહાલા-વહાલા કરો, સ્વામિનારાયણ-સ્વામિનારાયણ કરો, હરિકૃષ્ણ-હરિકૃષ્ણ કરો; તમને જે સારું લાગે એ નામ લેવા માંડો, પણ જપો.
जन्म मरण चोराशी दु:खा, नाम जपत होवत अति सुखा;
नामनामि दोउ एक हि जानी, हरि के नाम लेवत हे ज्ञानी.
જન્મ-મરણ, લખચોરાશી જેવાં દુ:ખમાંથી ઊગરવાનો બહુ મોટો ઉપાય છે : નામસ્મરણ. નામ જપવા માંડીએ તો એ બધી માથાકૂટ મટી જાય. નામને જ ભગવાન માની, મૂર્તિ માની, ચૈતન્ય માનીને જે જપ્યા કરે એ જ્ઞાની. નામ અને નામી એક છે અલગ નથી; એમ સમજીને જે જ્ઞાની હોય તે હરિનું નામ લે છે.
ભગવાન ચૈતન્ય મૂર્તિ છે, એમનું નામ પણ ચૈતન્ય છે. ભગવાનનું નામ જડ નથી. આ એક પોઇન્ટ ધ્યાનમાં લો. નામ જપવાની મજા આવશે. શ્રદ્ધા વધશે, પ્રીતિ થશે. આપણો દેહ જડ છે અને આ જડ દેહનું નામ પણ જડ છે. ભગવાનનું સ્વરૂપ ચૈતન્ય છે માટે એમનું નામ પણ ચૈતન્ય છે. આપણો દેહ અને આપણા દેહનું નામ અલગ છે. ભગવાનની મૂર્તિ અને એમનું નામ જૂદું નથી, એક છે. આટલો આપણામાં અને એમનામાં ડીફરન્સ છે.
વહાલા ભક્તો ! ભગવાનના પરમાનંદને વધુ ને વધુ પામવા માટે જબરજસ્ત લોભ રાખી, ખૂબ મહિમા રાખી, સતત ભગવાનનું નામ સ્મરણ કર્યા જ કરવું, ભૂલવાનું જ નહીં. બધાના હોઠ હરિનામથી ભર્યા રહેવા જોઈએ. બધાને ખબર પડે કે આના મુખમાં નામજપ ચાલુ છે. જો ગાફલાઈ રહેશે તો આ અમૂલ્ય મનુષ્યજન્મ પૂરો થઈ જશે. પછી પસ્તાવો બહુ રહેશે.
ગાફલાય ન જ રાખવી, જપવામાં હરિનામ;
જ્ઞાન નામ જપે તેનાં, હરિ કરે છે કામ.