Motainu Balance

Motainu Balance
March 1, 2021
Aatmiyswarupdasji Swami - Kundaldham
0:00/0:00

હમણાં બે મહિના પહેલાં જ પૂ.સંતોએ ઝોનલેવલના પ્રેસિડન્ટ એવા આશિષભાઈની અચાનક બદલી કરીને તેમની જગ્યાએ રોહિતભાઈની નિમણૂક કરી. આવો મોટો ફેરફાર થવાથી સૌ કોઈને અવનવા વિચારો આવવા લાગ્યા.

પરંતુ આશિષભાઈને મન તો ખૂબ આનંદ છે. આશિષભાઈના આનંદનું કારણ, તેઓ આ સેવાની જવાબદારીથી થાક્યા-કંટાળ્યા હતા, એવું પણ કાંઈ નહોતું. સમગ્ર ઝોનમાં તેમના તરફથી નાના-મોટા સૌ ભક્તોને પૂરતું પ્રોત્સાહન, માર્ગદર્શન, હુંફ-બળ-પ્રેમ બધું જ મળી રહેતું. દરેક કાર્યક્રમો અને આયોજનોમાં તેઓ લીડર તરીકે ખૂબ સારા સફળ નીવડયા હતા. એટલું જ નહિ, તેઓ સૌ સંતો-ભક્તોના હૃદયમાં અદકેરું સ્થાન પામ્યા હતા. પરંતુ હવે પછીથી, આટલા મોટા હોવા છતાં તેમને નવા નિયુક્ત થયેલ રોહિતભાઈ કહે એમ કરવાનું હતું; દાસ બનીને જીવવાનું હતું. દાસત્વની આ ભૂમિકામાં પણ આશિષભાઈએ ખૂબ સારા બેલેન્સ સાથે જીવી બતાવ્યું.

આ બે મહિનાથી સૌ આશિષભાઈને ખાસ જોઈ રહ્યા છે... નહિ કોઈ અનુભવોની અથડામણ કે નહિ કોઈ આગ્રહ. નહિ કોઈની સાથે બરોબરિયાપણું કે નહિ કોઈ બેહુદું વર્તન.

આશિષભાઈ તો પહેલાંના જેવા જ આનંદથી નિર્માનીપણે સેવા કર્યે જાય. વળી, રોહિતભાઈનો મહિમા કહી સૌને તેમનો સ્વીકાર કરાવ્યા કરે. આશિષભાઈની બદલીની આ બાબત સમગ્ર ઝોનમાં એક આદર્શ પૂરો પાડી ગઈ. તેમ છતાં સૌના દિલમાં એક બાબત સહજ રમ્યા કરતી હતી કે , અચાનક તેમની આવી બદલી કેમ થઈ હશે ?

આ બદલીનું કારણરૂપ રહસ્ય માત્ર બે જ વ્યક્તિ જાણતા હતા. એક તો બદલી કરનાર સંત અને બીજા આશિષભાઈ પોતે. આમ તો આશિષભાઈનાં આનંદી સ્વભાવ અને સરળ વ્યક્તિત્વને લઈને સૌ કોઈ તેમની નજીક જઈ શકતા. પરંતુ આ સેવાની ફેરબદલી પછી પણ તેઓ કોઈ જ સાઈડ ઈફેક્ટ આપ્યા વિના કઈ સમજણથી દાસભાવે રહી શકે છે ? એ વાત તેમને જ કેવી રીતે પૂછી શકાય ? છેવટે આશિષભાઈની જગ્યાએ નિયુક્ત થયેલા રોહિતભાઈએ જ એક દિવસ હિંમત કરી. કોઈક નિમિત્ત ઊભું કરીને તેઓ આશિષભાઈને ઘેર પહોંચ્યા.

કેટલીક જૂની વાતો કરી રોહિતભાઈ વાતનો દોર એકદમ નજીક લાવવા માંડયા.

રોહિતભાઈ: આશિષભાઈ ! આપના નેતૃત્વ નીચે સમગ્ર ઝોનમાં સૌને હુંફ-બળ અને પોષણ મળતાં જ હતાં. અચાનક આવી જવાબદારીમાં મારું નામ ક્યાં આવી પડ્યું ! મને તો આમાં કાંઈ ખબર પડતી નથી. નિર્ણયો લેવામાં હું થોડો અટવાઈ જાઉં છું. આ બધા રિપોર્ટ દેવાનું થોડું અઘરું પડે છે. આ મારું કામ જ નથી. વળી સંતોની નજીક જવામાં થોડો ડર પણ ખરો... તેથી વિચાર કરતો હતો કે , હું લીડર તરીકે નહિ ચાલું. જેમ હતું એમનું એમ બધું આપ જ સંભાળી લો. ઘણા દિવસથી મૂંઝાતો હતો કે, આ વાત સંતોને જણાવું કે ...

આશિષભાઈ: અરે હોય રોહિતભાઈ ! સંતોની આજ્ઞા મરજીમાં નાહિંમત થઈને સેવામાં પાછી પાની થોડી કરાય ? મહારાજ અને સંતોની કૃપાથી તમને પણ બધું જ આવડી જશે. મને ક્યાં પહેલાં કાંઈ આવડતું હતું ! અને સાંભળો, કાંઈ ચિંતા કરશો મા; હું તમારી સાથે જ છું ને !

રોહિતભાઈ: પણ આશિષભાઈ ! આપ તો મોટા હોવા છતાં પણ હવે અમે નાના કહીએ એમ જ કરો છો, કોઈ સૂચન કે સલાહ આપ્યા વિના અમારામાં જ ભળી જાઓ છો, પોતાની મોટાઈ છોડી અમને મોટા કરો છો. આ બધું...

આશિષભાઈ: અરે રોહિતભાઈ ! અહીં તો કોણ મોટો અને કોણ નાનો. મળેલી મોટપ ક્યાં કોઈની કાયમી છે ? ક્યારેક નાનપનો અનુભવ પણ જોઈએ ને ! કોઈની નીચે રહેવાનો અનુભવ પણ જીવનમાં કાંઈક નવું જ શીખવાડી જાય છે.

આમ વાતચીત કરતા આશિષભાઈનું અંતર બહાર આવવા લાગ્યું.

“રોહિતભાઈ ! આમ હું ઉંમર અને પદથી મોટો ગણાઉં, એટલે સત્સંગમાં નાના-મોટા સૌ મને પૂછે, મારી સલાહ લે, મિટિંગમાં પણ આગવું સ્થાન, નિર્ણયો મારે આપવાના. આ બધી મોટાઈની સેવામાં મેં ઘણાં વર્ષો સુધી લીડર રહીને ઘણું ઘણું સન્માન ભોગવ્યું. પણ આવી સેવામાં રાજીપાની સાથોસાથ મળતી મોટપ, કીર્તિ, યશ વગેરેથી બહુ ડર લાગતો. રખે મને આ બધું ગમી જાય, હું એમાં બંધાઈ જાઉં તો ભગવાન પામવાનું રહી જાય.

આ બધી જોખમી સેવા પણ મેં અત્યાર સુધી સંતોની આજ્ઞા અને તેમના બળથી જ કરી નહિ તો બાપ રે બાપ...! મરી જવાય..! આ માન-સન્માન અને યશ આપણાથી કદી’ ન જીરવાય. કેમ જે, નીચેનો વર્ગ તો હંમેશાં આપણો મહિમા જ રાખે, એટલે અપમાન, દુ:ખ કે અગવડતાનો આપણને કોઈ અનુભવ જ ન થાય. સન્માન સામે અપમાન, યશ સામે અપયશ, મોટાઈ સામે નાનપ; વગેરેનું બેલેન્સ ન રહે તો આપણું ઘડતર જ ન થાય. માટે જીવનમાં એનો પણ અનુભવ જોઈએ ખરો.”

આશિષભાઈની વાત ઉપરથી રોહિતભાઈએ વચ્ચે જ પૂછી લીધું કે,

રોહિતભાઈ: આશિષભાઈ ! તો એનો મતલબ તમે જ સામેથી સેવાની ફેરબદલીની અપેક્ષા રાખી હતી એમ ?

આશિષભાઈ: આપણી અપેક્ષાથી શું થાય ભાઈ ! દોઢેક વર્ષથી આ માટે સંતોને અવાર નવાર પ્રાર્થના તો કરતો હતો. પરંતુ, આપણે મરજીના વાહક તો રહેવાનું, ને પાછું ‘આપણા મનમાન્યામાં રહેવા કરતાં સંતોની આજ્ઞામાં વહેવામાં વધુ માલ હોય છે.’ આમ સમજી વધુ બોલી શકતો નહોતો, પણ અંતર્યામી પ્રભુએ સંતમાં રહી મારું સાંભળ્યું ખરું .

વળી, બદલીના આગલા દિવસે સવારે મેં મારી હિસાબ ડાયરીમાં મહારાજ-ગુરુજી અને સંતોને એજ પ્રાર્થના લખી હતી કે, “હે નાથ ! એક સેવકના નાતે મારે મારી પર્સનલ કોઈ ઈચ્છા ન રખાય, પણ મને માન-સન્માનના પ્રસંગોથી બચાવજો. ક્યાંક મને પ્રભુ અને પ્રભુના પ્યારાઓની કૃપાથી મળેલી સફળતા મારી સફળતા ન લાગે, તેમણે આપેલ સન્માન, રાજીપો, મોટપ આ બધું રખે નેગેટિવ અસર કરી ન જાય. આ માટે હે નાથ ! મને ક્યારેક નાનપ, અપમાન, અપયશ વગેરેનું પણ બેલેન્સ આપીને આપનું ગમતું પાત્ર બનાવજો.”

આટલી વાત કરતા અચાનક આશિષભાઈને યાદ આવતા તેમણે વાતનો દોર બદલવા માંડ્યો, “રોહિતભાઈ! પણ... આ બધી વાત તો મારા માટેની છે, તે મેં તમને ક્યાં કરવા માંડી ? તમારે તો હાલ આ બધી સેવા કરીને સંતો-ભક્તોનો રાજીપો રળવાનો છે. આ બધી વાતો હાલ તમારે કામની નથી. અને સાંભળો, મારી કાંઈ પણ જરૂર પડે તો તમારા માટે હું ૨૪ કલાક તૈયાર. પણ જો જો હોં... સંતોની મરજીમાં રહેવા-વહેવામાં કોઈ પણ પ્રકારે પાછું નહિ પડવાનું. લીડરશીપની આવી જવાબદારીથી જ આપણું ઘડતર થાય છે. માટે આપણા જીવને બળિયો બનાવવા સંતોએ આવી સેવા કરવાની તમને એક તક આપી છે, એને તમારે ચૂકવાની નથી.” આશિષભાઈની આ બધી વાતો સાંભળી રોહિતભાઈ તેમની ઊંચાઈ વિચારતા રહી ગયા.

એકવાર સત્તાધીશ બનેલા, યશ, કીર્તિ અને આબરૂ પામેલા, સૌના હૃદયસ્થ થયેલા આ બધી બાબતોનો મોહ ઉતારી સામે ચાલીને નાનપ ઈચ્છે, બીજાને પોતાના પદ ઉપર બેસારી તેમનું પણ જતન કરે. પોતે મોટા અનુભવી હોવા છતાં બીજા નાના લીડરનો સ્વીકાર કરે. આ બધી સત્સંગની ઉચ્ચતમ ફળશ્રૂતિ છે.

આ દિવ્ય સત્સંગમાં આજે પણ આશિષભાઈ જેવા જ કેટલાક સંતો-ભક્તો પ્રગટ છે. જો તેમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ, તેમને ઓળખીને સેવી શકીએ, તો આપણામાં પણ આવી જ સમજણ અને ઊંચાઈ આવી જાય.

વહાલા ભક્તો ! આ જગ્યા એવી કોમ્પ્લિકેટેડ છે કે, સત્તા કે પદ છોડનાર-પકડનાર વચ્ચે ઘર્ષણ થયા વિના ન રહે. કોઈ પણ બહાને બરોબરિયાપણું, ઈર્ષ્યા કે અથડામણ થયા વિના ન રહે. કોઈ પણ સત્તા, સ્થળ, વ્યક્તિ કે વસ્તુ પદાર્થમાં બંધાવું નહીંં, એ બહુ મોટી વાત છે.

સત્તાનો સ્વાદ ટળવો, એ સામાન્ય મનુષ્યનું કામ નથી. એકવાર સત્તાની સીટમાં ફીટ થઈ ગયા પછી, ત્યાંથી તેમને ઉખેડવાનું કામ કેટલીકવાર ઉપરી વ્યક્તિઓ માટે પણ ખૂબ જ મુશ્કેલીભર્યું બની જાય છે. માટે એનો યોગ કદી પોતાની ઈચ્છાથી તો ન જ કરવો. સેવા નિમિત્તે બીજાની આજ્ઞાથી કરવો પડે તોપણ તેમાં ખૂબ જ સાવધાન રહેવું.

ચાલો, પ્રસ્તુત સ્ટોરીમાંથી પ્રેરણા લઈ આપણે એવું નિર્બંધ જીવન જીવીએ કે, જેથી આપણે ખરા અર્થમાં સેવા કરી શકીએ. અને સમય આવ્યે તેનો સામેથી હસતાં રમતાં ખરો ત્યાગ કરી શકીએ...