Krupanidhanni Karuna...

September 1, 2021
Gyanjivandasji Swami - Kundaldham
0:00/0:00

વહાલા ભક્તો ! જે ભગવાનના ભરોસે નીકળે છે, તેની મદદે મારો વહાલો અવશ્ય આવે છે. જે ભગવાનને સંભારે તેને ભગવાન સંભારે છે. માટે ખટકો રાખી સતત શ્રીહરિને સંભારવા. અને માત્ર ભગવાનને ભરોસે જ રહેવું. આ વાત નીચેના ચરિત્ર ઉપરથી ચરિતાર્થ થાય છે.

એકવાર ઝુમખરામ માલેગાવમાં તેની બહેનને ઘેર આવ્યા. ત્યાંથી તેના બનેવી સીતારામ શેઠ, બહેન તથા ગામના દોલતરામ; આ બધાય ભેળાં મળી સંઘ લઈને માલેગાવથી વડતાલ શ્રીહરિનાં દર્શન કરવાં નીકળ્યાં. રસ્તામાં અખંડ ભજન કરતા જાય છે, ચાલતાં ચાલતાં આગળ સંઘવી ગામ આવ્યું. ત્યાંથી આ લોકો રસ્તો ભૂલ્યાં, કાંઈ સૂઝે નહીં. કોઈ માણસ મળે નહીં. પછી મુંજાઈને ભગવાનનું ભજન કરવાં લાગ્યા. ત્યાં ભગવાન સ્વામિનારાયણે આવીને દર્શન દઈને રસ્તો બતાવ્યો. દયામૂર્તિ શ્રીહરિ પછી તો ઠેઠ વડતાલ સુધી સાથે રહ્યા. અને તે ભક્તોની સેવા-ચાકરી કરતા આવ્યા.

તેઓ વડતાલ આવ્યા, પછી મહારાજ અદૃશ્ય થયા. સંઘે વડતાલ આવી મહારાજનાં દર્શન કર્યાં. બધા બહુ આનંદ પામ્યાં. મહારાજે બધાને પ્રસાદી આપી. દસ-બાર દિવસ આ બધાં રોકાયાં. રસોઈ આપી, સત્સંગ-દેવદર્શન તથા તીર્થસ્નાન કરી ધન્યતા અનુભવી. પછી મહારાજ વડતાલથી ગઢડા જવા નીકળ્યા અને ઝુમખરામ સીધા ત્યાંથી વિસનગર ગયા. અને દોલતરામ, સીતારામ વગેરે સંઘ સાથે ભજન કરતાં કરતાં માલેગાવ જવા પાછાં નીકળ્યાં.

સંઘ વડતાલથી ચાલ્યો તે જ્યાં પહેલો મુકામ કર્યો, ત્યાં ભગવાનનું ભજન કરતાં કરતાં દોલતરામ ભગવાનના ધામમાં ગયા. તેણે પોતાનું કામ પાકું  કરી લીધું. તેમની વિધિ પતાવીને બધા ચાલ્યા અને બીજે મુકામ કર્યો. તો ત્યાં સીતારામ શઠે પણ ભજન કરતા થકા દેહ છોડીને અક્ષરધામમાં ગયા. ધીરે ધીરે બે-ત્રણ બીજા ભક્તો હતા, તેને પણ શ્રીહરિ ધામમાં તેડી ગયા.

વહાલા ભક્તો ! કોને ? ક્યાં ? અને કેવી રીતે ધામમાં લઈ જવા, તેમાં ભગવાન સ્વતંત્ર છે. જે સંસારથી થાકે અને પાકે તેને પ્રભુ ધામમાં તેડી જાય. આપણે પણ આવા પાત્ર બનવું. જુઓને, ભજન સ્વામીને અમેરિકામાંથી ધામમાં લઈ ગયા.

પછી તો સંઘમાં એકલી બાઈઓ જ રહી. તેથી બધી બાઈઓ ભેગી બેસીને વિલાપ કરવા લાગી. હવે શું કરવું ? એમ રોતાં કકળતાં સોનગઢ પહોંચ્યાં. પાસે પૈસા હતા તે તો ધામમાં ગયેલા પુરુષોની અંતિમવિધિ કરવામાં ખૂટી ગયા હતા. બધાને ખૂબ જ શોક અને નોંધારાપણું અનુભવાતું હતું. તેથી બાઈઓ ઊંચે સાદે કરુણ કલ્પાંત કરવા લાગી. ત્યારે ભગવાન સ્વામિનારાયણને દયા આવી. મહારાજ ઝુમખરામનો વેશ લઈને ત્યાં આવ્યા . અને તમામ બાઈઓને બધી વાત પૂછી અને સાંત્વના આપતા કહ્યું...

‘ભગવાનની ઈચ્છા એ જ આપણી ઈચ્છા છે. ભગવાનનું કોઈ પણ વિધાન દયા વિનાનું હોતું નથી. અને ભગવાનની ક્યારેય ભૂલ થતી નથી; માટે ધીરજ રાખો.’ એમ કહી ભગવાને ગાડું કરી આપ્યું. બધાંને ગાડામાં બેસાડયા અને ત્યાંથી માલેગાંવ સુધી ભગવાન ઝુમખરામના રૂપમાં સાથે આવ્યા . ત્યાં ઝુમખરામનાં બહેનને ઉતારીને પછી મહારાજ, બીજી બધી બહેનોને તેમના ગામ મૂકવા ગયા અને કહ્યું કે, ‘આ તમારું ગામ છે, ત્યાં તમે જાઓ.’ એમ કહી એમનાં ઘર સુધી મૂકી ગયા. પછી પોતે ગાડી, બળદ સહિત અદૃશ્ય થઈ ગયા. ગાડાખેડૂ ભાડું લીધા વગર ગયા, તેથી બહેનોને  દુ:ખ થયું. ગામમાં ગોત્યા પરંતુ ક્યાંય મળ્યા નહિ. ત્યારે સૌને બહુ આશ્ચર્ય થયું.

તે સમયે ઝુમખરામનાં બહેન રાત-દિવસ રડયાં કરે, કાંઈ ચેન પડે નહિ. પછી એક દિવસ મહારાજે તેને દર્શન દીધાં. મહારાજ કહે છે કે, ‘બહેન ! ઝુમખરામના રૂપે હું જ આવ્યો હતો, તમારાં બધાં દુ:ખ મેં જ ટાળ્યાં, તમને ગાડું મેં જ કરી દીધું હતું. ભાડું પણ તમારી પાસેથી માંગ્યું નથી અને તમારા પતિને મેં અક્ષરધામમાં અહીં કરતા અનંતગણો આનંદ આપ્યો છે. તમને પણ એ આનંદ આપીશ. તમે ચિંતા ન કરો.’ આ બધી વાત સાંભળી ઝુમખરામનાં બહેનને બહુ આશ્ચર્ય થયું. તે બહેન બહુ રાજી થયાં. પણ થોડીવાર થઈ, ત્યાં ઝુમખરામના બહેન ફરી રડવા લાગ્યાં.

મહારાજ કહે કે, તમે હજી શા માટે રડો છો ? ત્યારે તે કહે, ‘હે મહારાજ ! તમે કહો છો કે, ‘શું કામ રડો છો ? પણ કોઈ સ્ત્રીનો પતિ મરી ગયો હોય, તો એ રડે નહિ તો બીજું કરે શું ? પતિ વિનાની જીંદગી કેમ કાઢવી, એની તો અમને સ્ત્રીઓને જ ખબર હોય. મહારાજ ! પતિ વિના આયુષ્ય પૂરું કેમ કરવું ?’ બાઈએ જ્યારે આવો કલ્પાંત કર્યો ને એ બાઈનું દુ:ખ પુરુષોત્તમથી જોયું ન ગયું અને પછી પુરુષોત્તમ આવું બોલ્યા...

પ્રભુ કહે બાઈ હું તારો પતિ, તારે દુ:ખ રહેશે નહિ રતી.

આને કરુણાસાગર ભગવાન કહેવાય. પ્રભુને આમ બધી રીતે જીવને સુખી રાખતાં આવડે છે. એનામાં સામર્થ્ય છે. ગમે તે રીતે આપણું આલોકમાં-પરલોકમાં એ જ સારું કરી શકે છે. એમને કાળ, કર્મ, માયાનું કોઈ બંધન નથી. આ લેખની પ્રાણ સમી અને રડાવી દે એવી વાત હોય તો આ છે. તે બાઈ જેવું કોઈ ભાગ્યશાળી નહિ. સર્વોપરી અમરવર પુરુષોત્તમ, તેને પતિ તરીકે મળ્યા . આ લોકનો નાશવંત પતિ ટળ્યો, તો કેવો મોટો લાભ મળ્યો . જો આપણી સાચી શ્રદ્ધા હોય, ભાવના હોય તો ભગવાન પણ રીઝી જાય છે. જુઓ ને કેવું બોલ્યા,

પ્રભુ કહે બાઈ હું તારો પતિ, તારે દુ:ખ રહેશે નહિ રતી.
એમ કહી શ્રીસહજાનંદ, થયાં અદૃશ્ય આનંદકંદ.

પછી તો જ્યારે જ્યારે તેઓ સંભારતાં ત્યારે શ્રીહરિ તેમને દર્શન આપતા, મદદ કરતા. પુરુષોત્તમનારાયણ જેના ધણી થયા હોય, તેને શું ચિંતા હોય....! ભગવાન આંસુડાં જોઈ શકતા નથી. જે આર્તનાદપર્વૂક રડતા હૃદયે પ્રાર્થના કરે, તેની સંભાળ શ્રીહરિ જરૂર રાખે છે. પછી થોડો સમય ગયો હશે, ત્યારે આ ઝુમખરામના બહેને વિચાર કર્યો કે, પૂર્ણ પુરુષોત્તમનારાયણ મારા પતિ થયા. મારે બીજું તો કોઈ સંતાન નથી. દીકરી ચંપાને તો પરણાવી સાસરે વળાવી દીધી છે. હવે બધી સંપત્તિ પતિની ગણાય, માટે અમારે દોઢસો વીઘાં ઉપરાંત જમીન છે; તે અને ત્રણ મકાન છે. તે બધું હવે હું અહીંયાં મંદિર માટે આપી દઉં ! પછી એ બધું જ એમણે માલેગાવમાં મંદિર કરવા ભગવાનને અર્પણ કર્યું.

વહાલા ભક્તો ! તમને સાંભળીને આશ્ચર્ય થશે. એમનાં ત્રણ મકાનમાં એક સૌથી મોટું મકાન બંગલા ઘાટનું હતું એના ઉપર શિખર કર્યું અને એમાં હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. એ બહેન દ્વારા માલેગાવમાં ખૂબ જ સત્સંગ થયો. જમીન દોઢસો વીઘાં એમણે મંદિરને આપી હતી, તે હમણા સુધી હતી. અત્યારે ચાલીસ વીઘા જેટલી છે. સત્સંગ અત્યારે ઠીક જેવો છે. આ માલેગાંવ નાસિક જીલ્લાનો મોટો તાલુકો છે.

સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન આ ધરતી ઉપર આવ્યા અને ઠેઠ નરસિંહાવતાર વખતના અને રામાવતાર વખતના ભક્તો ભટકતા હતા. એને ગમે તે રીતે કરીને પુરુષોત્તમનારાયણે પોતાના તરફ ખેંચ્યા , પોતાનો યોગ આપ્યો, દર્શન આપ્યાં, સંતનો સમાગમ આપ્યો, જ્ઞાન આપ્યું અને તેમનું આત્યંતિક કલ્યાણ કર્યું. કહો સ્વામિનારાયણ ભગાવન સર્વોપરી ખરા કે નહીં !

સુખ-દુ:ખમાં સાથે રહે એવા દયાળુ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. માટે આપણે બધાં બહુ ભાગ્યશાળી છીએ. હવે તો આપણે મહારાજની દૃઢ નિષ્ઠા રાખી, મહારાજની આજ્ઞામાં રહેવું, એ જ આપણું ખરેખરું ભક્તપણું છે.

વહાલા ભક્તો ! આ ચરિત્રની વાતો વાંચી પ્રેમ ભીના થાજો, ભગવાનમાં વિશ્વાસ વધારજો, હેત વધારજો, ભગવાનની આજ્ઞા પાળવામાં સજાગ થાજો. આપણે બધાએ ભગવાન શ્રીહરિને ખૂબ ખૂબ રાજી કરી લેવા છે. માટે તેમની આજ્ઞા અને ઉપાસના આ બે દૃઢ રાખી હરિવચન અને હરિસ્મરણ ચૂકવું નહિ...

પ.પૂ.સદ્. શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૧૩/૦૭/૨૦૧૪, રવિવારના રોજ શ્રીસ્વા .મંદિર કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન...