Kathamrutam - Prabhupremno Saral Upay

Kathamrutam - Prabhupremno Saral Upay
January 1, 2023
Gyanjivandasji Swami - Kundaldham
0:00/0:00

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ  તા.૧૮/૦૯/૨૦૧૬ રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન...

આજે સવારે પૂજામાં હરિસ્મૃતિનો પાંચમો માહાત્મ્ય ચિતામણિ સાંભળ્યો. એમાં સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજની બહુ સારી સ્તુતિ લખી છે.

મૂરતિ તમારી સુખકારી-જીવન જાણું  છું ;
છો અવતારના અવતારી-જીવન જાણું છું.
મહાસમર્થ છો મહારાજ-જીવન જાણું છું ;
વળી આપે રાજાધિરાજ-જીવન જાણું છું.

વહાલા ભક્તો ! આ હરિસ્મૃતિનો પાંચમો ચિતામણિ એકાવન કડીનો છે. જેમાં કેવળ મહારાજનો અતિશય મહિમા કહેવાયો છે. આ ચિતામણિમાં મહિમા તો આપણા માઈન્ડમાં ન સમાય એટલો બધો લખ્યો છે. જો એમાંનો એકાદ શબ્દ પણ પચે અર્થાત્ આપણા જીવનમાં ઉતરે તો તો બધાં પાપ ખતમ થઈ જાય, જીવ ભગવાનમાં જોડાઈ જાય. બધુંય પચે પણ મહિમા પચાવવો બહુ ભારે છે.

એક મુઠ્ઠી જ મગ ખાધા હોય અને એ જો સારી રીતે પચી જાય તો શરીર પુષ્ટિ પામે અને સુખ થાય, પણ એક કિલો બદામ ખાઈ ગયા હોઈએ કે એક લિટર ઘી પી ગયા હોઈએ પણ જો તેનું પાચન ન થયું હોય તો તે ઊલટાનું નડે; એમ મહિમા બહુ ગાયો પણ જીવનમાં પ્રેક્ટિકલ ઊતર્યો નહિ તો તેનો અપચો થયો ગણાય. એક મહિમા જ એવો છે કે, તે જ્યારે સમજાશે ત્યારે આપમેળે ભજન થાશે, આપમેળે સુધરી જવાશે, બધી જ આજ્ઞાઓ સહજતાથી પળશે.

ભગવાન બહુ મોટા છે, કાળ-કર્મ અને માયાથી પર છે, અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છે, લક્ષ્મીજીના પતિ છે, અનંત મુક્તોના સ્વામી છે, અક્ષરધામના અધિપતિ છે; આમ બહુ પ્રકારે આપણે ભગવદ્મહિમા ગાઈએ છીએ. પરંતુ એ પ્રકારનો મહિમા ગાવાથી આપણને તેની ડાયરેક્ટ ફીલિંગ આવતી નથી, પણ એ પરમેશ્વરે આપણા માટે જે કાંઈ કર્યું હોય એને યાદ કરીએ ત્યારે રડવું આવી જાય.

દા.ત. કોઈ આખી દનુિયાનો રાજા હોય તેનો આપણે મહિમા ગાઈએ, તોપણ આપણે આપણાં મા-બાપને સંભારીએ ત્યારે તેમાં જેવું હેત થાય તેવું પેલા રાજાને સંભાર્યે ન થાય. આપણાં મા-બાપ તો પૂરાં ૨૫ વીંઘા જમીનના પણ માલિક ન હોય, તોપણ મા-બાપે આપણા માટે કાંઈક કર્યું હોય, તે યાદ કરીએ ત્યારે આપણે ગળગળા થઈ જઈએ છીએ. મા-બાપમાં જેવો ભાવ છે તેવો ભાવ ચક્રવર્તી રાજાને યાદ કરીએ તોય તેમાં થાય નહીં. એ રાજા નથી કે એ મોટા નથી, એવું નથી; પણ તેમણે આપણા માટે સ્પેશિયલ કાંઈ કરેલું નથી એટલે તેમાં મા-બાપ જેવું હેત થતું નથી. તેમ ભગવાને આપણા માટે જે જે કર્યું છે તેને આપણે યાદ રાખીએ, ગાઈએ, સંભારીએ તો એ ભગવાનમાં આપમેળે હેત થવા માંડે.

ભગવાનના ઉપકારો વિચારવા એ ઉપાય આમ તો નાનો લાગે, પરંતુ ભગવાનમાં હેત કરવા માટે સૌથી સારો ઉપાય છે એક વીંઘાનો મોટો બંગલો હોય તેમાં પ્રવેશવાનો દરવાજો ૮-૧૦ ફૂટનો હોય, તે દરવાજાને મારેલું તાળું તો માત્ર ચાર-પાંચ ઇંચનું જ હોય અને એ તાળાની ચાવી તો માત્ર બે ઇંચની જ હોય ! છતાં બંગલામાં પ્રવેશવા માટે તે બે ઇંચની ચાવી જ શ્રેષ્ઠ ઉપાય ગણાય; એમ ભગવાને આપણા માટે ભલે સાવ નાનું એવું કામ કર્યું હોય, તોપણ તેને સંભારીએ તો એ પ્રભુમાં હેત ઉપજાવવા માટે ચાવી જેવું શ્રેષ્ઠ ગણાય. એનાથી જ ભગવાનમાં હેત થાય.

હે પ્રભુ ! તમે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છો, તેમ કહેવાથી કાંઈ બધાને હેત થાતું નથી. કેમ જે, આપણે મંદીમાં અટવાઈ ગયા હોઈએ ત્યારે રાજાધિરાજપણાનો પાવર આપણને કાંઈ કામનો નથી હોતો, પરંતુ એવા ટાણે ભગવાન કોઈ મદદ કરે તે જેવા મીઠા લાગે, તેમાં જેવું હેત થાય તેવું કેવળ લુખો મહિમા કહેવા-સાંભળવામાં ન થાય. માટે નિષ્કુળાનંદ સ્વામી
કહે છે,

એવા મોટા છો મહારાજ-જીવન જાણું છું ;
તે મળ્યા છો મને આજ-જીવન જાણું  છું.

હે મહારાજ! આપ બહુ જ મોટા છો અને એવા મોટા આપ, તે આજ મને મળ્યા છો. હે ભગવાન ! મારે ડાયરેક્ટ આપની સાથે જોડાણ થયું છે. મારે આપની શુદ્ધ ઉપાસના છે, તમારા સંતો-ભક્તોનો યોગ છે માટે હું તો અતિશે ભાગ્યશાળી થઈ ગયો છું.

વહાલા ભક્તો ! આપણે ભગવાનને ‘બહુ મોટા બહુ મોટા’ એમ કહ્યા કરીએ, પણ તે આપણને સાક્ષાત્ મળ્યા ન હોય તો કેવળ વાતો કરવાથી શું મતલબ ? જેમ સવારથી સાંજ સુધી છપ્પનભોગનાં વખાણ કરીએ, પણ તેમાંથી એકેય વાનગી આપણા મુખમાં ન આવે તો તેનાથી શું સુખ થાય ? જ્યારે નિષ્કુળાનંદ સ્વામીને તો ભગવાન સાક્ષાત્ મળ્યા હતા એટલે મહારાજનો આભાર વ્યક્ત કરતાં આવું બોલે છે :-

તે તો નાથ કરી છે દયા-જીવન જાણું  છું ;
તે ગુણ કેમ કરી જાય કહ્યા-જીવન જાણું છું.

હે પ્રભુ ! તમે જે મને મળ્યા છો એમાં મેં કાંઈ માથા નીચે સોપારી મૂકીને ઊંધા માથે તપ કર્યું નથી, પરંતુ કેવળ દયા કરીને તમે મળ્યા છો. આ જે તમારો ગુણ છે એનું વર્ણન હું કેમ કરું ?

તમે મે’ર મુજ પર કીધી-જીવન જાણું છું.

કોઈ માણસ કોઈને એમ કહે કે, ‘તમે મારા માટે જે કર્યું છે તેને હું જાણું છું’ તે બહુ સારી વાત કહેવાય, કૃતજ્ઞતા કહેવાય. સ્વામી કહે છે, ‘હે ભગવાન ! તમે મારા ઉપર જે મહેર કરી છે, દયા કરી છે; એની મને ખબર છે. એ હું  જાણું છું. ભૂલી નથી ગયો. હું કૃતઘ્ની નહિ થાવ. મારા માટે કરેલાં તમારાં બધાં જ કાર્યોનો વિચાર હું કરું છું, તેનો આભાર પણ માનું છું.’ પરંતુ આપણે નિષ્કુળાનંદ સ્વામીની જેમ ગદ્ગદભાવે પ્રભુના ઉપકારો યાદ કરતા નથી. ભૂલી જઈએ છીએ, એ જ આપણી અજ્ઞાનતા છે, કૃતઘ્નીપણું છે.

વળી બૂડતાં બાંહ્ય ગ્રહી લીધી-જીવન જાણું છું.

હે ભગવાન ! તમે ન મળ્યા હોત, તો હું ભવસાગરમાં અથડાઈ અથડાઈને સુખ-દુઃખરૂપી ખારું પાણી પીને હેરાન થઈ જાત અર્થાત્ લખચોરાશીમાં જન્મ-મરણનાં દુઃખો ભોગવતો હોત; પણ તમોએ મને તમારો આશરો, આ સંપ્રદાય, આ સત્સંગ, આ સંતો-ભક્તો આપીને તે દુઃખોમાંથી મને બાવડું  ઝાલીને ઉગારી લીધો છે.

જે  જે કર્યો તમે ગુણ-જીવન  જાણું છું ;
બીજો કરે એવો કુંણ-જીવન જાણું છું.

હે દયાળુ ! તમે મારા ઉપર જે જે ગુણો કર્યા છે, કહેતાં ઉપકાર કર્યા છે એવા ઉપકારો બીજા કોણ કરી શકે ?

તમે બિરુદ પાળ્યું તમારું -જીવન જાણું છું ;
જોયું નહિ કર્તવ્ય અમારું -જીવન જાણું છું.

હે વાલમજી ! અમે ઘણા જન્મમાં આપની આજ્ઞા લોપીને જેમ તેમ વર્ત્યા હોઈશું; તોપણ તમે તમારું બિરુદ ભૂલ્યા નથી. અમારાં કેટલાંક અયોગ્ય કર્તવ્યોને પણ નહિ જોઈને તમે દયા કરીને અમને મળ્યા છો.

તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો-જીવન જાણું છું ;
એ તો આડો આંક જ વાળ્યો-જીવન જાણું છું.
જનમતાં જતન કીધી-જીવન જાણું છું ;
મારી બહુનામી બહુવિધિ-જીવન જાણું છું.

અતિ ભયંકર એવો ગર્ભવાસનો ત્રાસ તે તમે ટાળ્યો. હે બહુનામી ! કૃપા કરીને મને મનુષ્યજન્મ આપ્યો. વળી, જન્મ વેળાએ તમે મારું બહુ જ રક્ષણ કર્યું. મારાં અંગોમાં કોઈ ખોડખાંપણ થાવા દીધી નહિ, સાંગોપાંગ  સંપૂર્ણ માનવશરીર આપ્યું. આ આપની બહુ મોટી કૃપા છે.

વહાલા ભક્તો ! આમ જો ભગવાનના આપણી ઉપર કરેલા ઉપકારો યાદ કરીએ, રોજ ભગવાનનો આભાર માનતા રહીએ તો હરિવરમાં અનહદ હેત થાય. આંખમાંથી આંસુ સુકાય નહીં, એટલા બધા ભગવાને આપણા ઉપર ઉપકારો કર્યા છે. માટે પ્રભુમાં પ્રેમવધારવા તેમણેઆપણા ઉપર કરેલા ઉપકારો યાદ કર્યા કરીએ... પ્રભુનો પાડ માન્યા કરીએ...