Karmaphal...

Karmaphal...
January 1, 2026
Krushnapriyadasji Swami - Kundaldham
0:00/0:00

દિલ્હીમાં અકબર બાદશાહ રાજ્ય કરતા હતા. બીરબલ(લવો) તેનો પ્રધાન હતો. તે ખૂબ જ હોશિયાર માણસ. એક દિવસ બાદશાહે તેને કહ્યું, “લવા, આપણા રાજ્યમાંથી જેને છે, છે ને છે; અને નથી, નથી ને નથી; તથા છે ને નથી; અને નથી ને છે - એવા ચાર માણસ મારી આગળ લાવો.”

પછી એક દિવસ બીરબલે જેના નામની હૂંડી હાલે એવા મોટા નગરશેઠને કચેરીમાં બોલાવ્યા. બીજો ગરીબ રખડતા રાંકને બોલાવ્યો. ત્રીજા તપસ્વી મહાત્માને બોલાવ્યા. મોટી સભા ભરાઈ. દીવાન, વજીર બધા બેઠેલા. બાદશાહે પૂછ્યું, “કેમ લવા, મેં કહ્યું તેવા માણસોને લાવ્યો ?

બીરબલે જવાબ આપ્યો, “જી, હજૂર.”

બાદશાહે પૂછ્યું, “જેને છે, છે ને છે તે કોણ ?” બીરબલે કહ્યું, “આ શેઠ, તેમણે આગળ બહુ પુણ્ય કર્યું છે તેથી આ શેઠનો અવતાર મળ્યો છે. અત્યારે ધર્મ-નિયમ પાળી ભજન-ભક્તિ કરે છે અને ધર્મકાર્યમાં ખૂબ જ ધન વાપરે છે. કોઈ ભૂખ્યો, દુખ્યો હોય તેના માટે રૂપિયા વાપરે છે. માટે આમને આગળ પણ હતું, અત્યારે છે અને આગળ પણ મળવાનું છે. માટે જેને છે, છે ને છે; તે આ શેઠ.”

બાદશાહે કહ્યું, “જેને નથી, નથી ને નથી તે કોણ ?” બીરબલે કહ્યું, “આ રાંકે પૂર્વે બહુ પાપ કરેલાં છે, તેથી તેને આ અવતાર આવ્યો છે. હવે અત્યારે કોઈનું લઈ લે છે, ચોરીના ધંધા કરે છે. તેને આગળ પણ નહોતું. અત્યારેય નથી ને આગળ મળવાનું પણ નથી. માટે નથી, નથી ને નથી; તે આ માણસ.”

બાદશાહે પૂછ્યું, “હવે છે ને નથી તે કોણ ?” બીરબલ કહે, “સાહેબ ! એ મારાથી નહિ બોલાય.”

બાદશાહે કહ્યું, “તું ચિંતા કરીશ નહિ, જેવું હોય તેવું બોલ.” બીરબલ કહે, “એના જવાબમાં તો ખાવિંદ તમે જ છો. આ ગરીબ જેટલું આખી જિંદગીમાં પાપ કરતો હશે, એટલું તમે એક દાડામાં કરો છો. અત્યારે રાજ-બાદશાહી ભોગવો છો, પણ તમે મરશો ત્યારે નરકની પદવી મળશે. રાજેશ્રી-નરકેશ્રી.”

આ સાંભળી બાદશાહે પૂછ્યું, “અલ્યા લવા, મારી કાંઈ મોક્ષગતિ ખરી ?

બીરબલ કહે, “હા ! આ શેઠના જેવા ગુણ શીખો અને ધર્મ-નિયમ પાળી ભજન-ભક્તિ કરો તો તમને એ પદવી મળશે. માટે આ શેઠને ગુરુ કરો તો તમારું કલ્યાણ થાય.”

પછી બાદશાહે શેઠના જેવા ગુણ શીખ્યા અને પાપ કાઢી નાખ્યું. શાંતિ મેળવી લીધી.

વહાલા ભક્તો ! આપણે જે કાંઈ પુણ્ય કર્યું તેનું ફળ આગળ મળે છે. જેણે નથી કર્યું તેને નથી મળતું અને જેણે આગળ પુણ્ય કર્યું છે તેથી તે હાલ સુખી છે પણ અત્યારે તે પાપ કરે છે તો પછી તે દુ:ખ ભોગવશે. માટે મોટા પુરુષને ઓળખી તેમના વચનમાં વર્તી, ધર્મ-નિયમ પાળી, ભજન-ભક્તિ કરી કલ્યાણનું કામ કરી લેવું.