Juvo Premni Takat!!

Juvo Premni Takat!!
October 1, 2026
Sakarswarupdasji Swami - Kundaldham

એકવાર શ્રીજીમહારાજે વડતાલમાં મોટો સમૈયો કરેલો. ગામોગામથી હરિભક્તોના સંઘ મહારાજના દર્શને આવતા હતા. સમૈયો પૂરો થયો અને મહારાજ ગઢપુર જવા તૈયાર થયા. માણકી પર સ્વાર થઈને જ્યાં બહાર નીકળ્યા ત્યાં તો સામેથી સુરતનો સંઘ આવી પહોંચ્યો. લાંબી મજલ કાપીને આવેલા એ ભક્તોએ મહારાજનાં દર્શન કર્યાં. મહારાજે તેમને રાજી કર્યા ને કહ્યું, “હવે અમે ચાલશું, તમે સહુ ગઢડે આવજો.” એમ કહીને મહારાજ તો સર્વે સ્વારો સહિત ચાલી નીસર્યા.

આ બાજુ સુરતના સંઘની સાથે એક વૃદ્ધ ડોશીમા પણ નીકળ્યાં હતાં. વૃદ્ધાવસ્થાને લીધે તેઓ સંઘની સાથે વડતાલ પહોંચી ન શકવાથી એકલા પાછળ રહી ગયેલા. માંડ માંડ જ્યારે તેઓ વડતાલ પહોંચ્યાં ત્યારે સંઘવાળાએ કહ્યું, “અરે માડી ! તમે કેમ પાછળ રહી ગયા ? મહારાજ અહીં જ હતા, હમણાં જ ગઢડા જવા નીકળ્યા. અમને તો દર્શન થયાં, તમે રહી ગયાં.”

આ શબ્દો જાણે વીજળીની જેમ ડોશીમાના હૈયામાં પડયા ને અંતરમાં વેદના શરૂ થઈ ગઈ કે જેનાં દર્શન સારુ આટલી લાંબી વાટ ખેંચી, જેના દર્શનની આશાએ પગ ઢસડી ઢસડીને માંડ માંડ આંહીં પહોંચી ને મહારાજ જતા રહ્યા ? અરેરે... હું દર્શન વિના રહી ગઈ ! આમ વિલાપ કરતાં ડોશીમાએ તો રોવા જ માંડયું ને મહારાજની વાંસે દોડયાં. દોડતાં જાય ને બોલતાં જાય : “અરે દયાળુ ! મને અભાગણીને દર્શન દીધા વગર તમે જતા રહ્યા ?”

ગઢપણને લીધે તેનાથી દોડી શકાય નહિ, છતાં દોડવાનું છોડે નહીં. ખેતરમાં ઢેફાં વચ્ચે ગોથાં ખાય, પડે, ઊઠે ને ફરી પાછાં દોડે ને વિલાપ કરે. માડીની વૃદ્ધ કાયામાં એ વખતે માત્ર એક જ બળ કામ કરતું હતું — પ્રેમનું બળ.

આ બાજુ બે ગાઉ દૂર નીકળી ગયેલા મહારાજે અચાનક માણકીની લગામ ખેંચી. સાથેના સ્વારો એકબીજા સામે જોવા લાગ્યા કે શું થયું ? મહારાજે અચાનક ઘોડી કેમ ઊભી રાખી ?

કોઈએ કશું કહ્યું નહોતું, કોઈ સંદેશો આવ્યો નહોતો, પાછળ કોઈ દેખાતું પણ નહોતું; છતાં મહારાજે પોતાની સાથેના સ્વારોને કહ્યું, “તમે સહુ આંહીં ઊભા રહો, મારે પાછું જાવું પડશે, હમણાં હું પાછો આવીશ.” એટલું કહીને મહારાજે માણકી ઘોડીને પાછી વડતાલ ભણી પૂરપાટ દોડાવી મૂકી.

જ્યાં એ ડોશીમા ગોથાં ખાતાં દોડયાં આવતાં હતાં ત્યાં આવીને મહારાજ ઊભા રહ્યા. આંસુથી ધૂંધળી થયેલી ડોશીમાની આંખો ઊંચી થઈ અને જોયું તો સામે માણકીનો અસ્વાર માણીગર મહારાજ ! મહારાજે ડોશીમાને કહ્યું, “માડી ! હવે તમે રોવો મા ને વિલાપ કરો મા, આ હું તમને દર્શન દેવા છેક વેગળેથી પાછો આવ્યો, માટે દર્શન કરી લો.” માડીના આનંદનો પાર ન રહ્યો. હૈયામાં હેતના હિલોળા આવવા માંડયા. વારંવાર મહારાજના ચરણે માથું અડાડે ને પગે લાગે. હૈયામાં ભરાયેલો બધો વિલાપ હવે આનંદનાં આંસુ બનીને વહેવા લાગ્યો.

પછી મહારાજે પોતે ફૂલના જે હાર પહેર્યા હતા તે બધા એ ડોશીમાને આપ્યા ને કહ્યું, “હવે અમને રજા આપો તો ચાલીએ.” પ્રેમની તાકાત તો જુઓ ! જેને અનંતકોટિ બ્રહ્માંડોની ગણતરી નથી એ સર્વોપરી ભગવાન એક ગરીબ, વૃદ્ધ ડોશીમાના પ્રેમથી ખેંચાઈને આવ્યા ને હવે જવાની રજા માગે છે !!

માડીએ પ્રેમ ભરેલા હૈયે કહ્યું, “અહો પ્રભુ ! બહુ કૃપા કરી, હે મારા વિહામા ! હવે સુખેથી પધારો.” પછી મહારાજ ઘોડી દોડાવીને બધા સ્વારોની ભેગા થયા. આ રીતે દયાળુ મહારાજે પ્રેમમાં વિરહાતુર ડોશીમાને દર્શન દીધાં.

વહાલા ભક્તો ! ભગવાન સર્વસમર્થ અને સ્વતંત્ર છે; પરંતુ એક જ વસ્તુ એવી છે જેની આગળ પરમાત્મા પણ પરવશ થઈ જાય છે, અને એ છે ભક્તનો નિર્દોષ અને નિ:સ્વાર્થ પ્રેમ. પ્રેમમાં જેનું હૈયું પીગળે ત્યાં પ્રભુ દોડતા આવે છે. શ્રીસ્વામિનારાયણ ભગવાનના જીવનમાં આવાં અનેક ચરિત્રો બન્યાં છે કે જેમાં એમણે પોતાનું ભગવાનપણું મૂકી સામાન્ય ગણાતા ભલા-ભોળા ભક્તના પ્રેમને વશ થઈ એમનાં હૈયાં ઠાર્યાં છે. વહાલા મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે મહારાજ ! અમને પણ આપનામાં એવી ગાઢ પ્રીતિ થાય એવી અમ પર કૃપા કરશો...

Related of Blog

Kathamrutam - Premne Vash Pataliyo
Sep 01,2022
by Gyanjivandasji Swami - Kundaldham

Kathamrutam - Premne Vash Pataliyo

વહાલા ભક્તો ! ભગવાનના ભક્તને કોઈ પણ પ્રકારે જો ભગવાનમાં હેત થઈ જાય તો પછી કાંઈ કરવાનું બાકી રહેતું નથી. પ્રભુમાં પ્રીત થાય એની જગતમાં જીત થાય છે. પ્રેમ વિશ્વની અજબ શક્તિ છે. માટે ભગવાનમાં પ્રેમ કરવો એ
Read more
Prem Sahit Karel Harismaranni Takat
Feb 01,2025
by Gyanjivandasji Swami - Kundaldham

Prem Sahit Karel Harismaranni Takat

શ્રીહરિ પછી સુખાનંદ સ્વામી ચાલ્યા, તે અયોધ્યા પાસે બરહારામ ઘાટે આવ્યા. ત્યાંથી સરજુ નદી ઊતરીને આંબલીયા ગામમાં આવ્યા. ત્યાં ઇચ્છારામભાઈનો પરિવાર રહેતો હતો. ત્યાં ધર્મકુળના ગોપાળજી મહારાજને ઘેર ઊતર્યા.
Read more
Sacho Prem
Mar 01,2026
by Varniveshdasji Swami - Kundaldham

Sacho Prem

એક સમયને વિશે એક જંગલની ધાર પર એક નાનકડી ઝૂંપડીમાં તુલસી નામની એક ભક્ત સ્ત્રી રહેતી હતી. તુલસી ખૂબ જ ગરીબ હતી, પણ તેનું હૃદય શ્રદ્ધા અને પ્રેમથી ભરપૂર હતું. તેને ભગવાન વિશે ખૂબ જ ભાવ હતો. તુલસીએ ક્યાર
Read more