
આપણે ધ્યાન કરવાની વિવિધ રીત વિશે અત્યાર સુધીના ૯ સ્લોટમાં ઘણું બધું વિચાર્યું.
હવે પૂ.ગોપાળાનંદ સ્વામી જેવા સંતોની એક વિશેષ રીત વિશે વિચારીએ.
સર્વોપરી શ્રીહરિનું ધ્યાન કરવાનો સહુથી અનોખો પ્રકાર છે - પ્રતિલોમ ધ્યાન.
પ્રતિલોમ ધ્યાન એટલે કે આત્માની વૃત્તિઓને પાછી વાળી આત્મામાં શ્રીહરિનું ચિંતન કરવું.
કેવી રીતે તે ચિંતન કરાય ? તો સ્થૂળ, સૂક્ષ્મ કે કારણ; એ એકેય દેહ હું નથી. હું શુદ્ધ ચૈતન્ય નિરાકાર તેજરૂપ છું. મારામાં સદા સાકાર શ્રીહરિ સાક્ષાત્ બિરાજમાન છે.
આ ધ્યાનની રીત સ્વયં શ્રીહરિએ વચ.મ.૧૩માં આમ શીખવી છે —
મારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયને વિશે જે આકાશ છે તેને વિશે વર્તે છે અને તે હૃદયાકાશને વિશે અતિશય તેજ દેખાય છે. તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે, તે અતિ પ્રકાશમય છે. તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને બે ચરણ છે અને અતિશય મનોહર છે, પણ ચાર ભુજ કે અષ્ટ ભુજ કે સહસ્ર ભુજ તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. તે એ મૂર્તિ ક્યારેક તો એ તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી જણાય છે ને ક્યારેક હરતી-ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારે કોરે મુક્તનાં મંડળ ભરાઈને બેઠાં છે; તે સર્વે મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે.
તે ધ્યાન કેમ કરવું ? તે ગોપાળાનંદ સ્વામી પોતે સમજાવે છે - પ્રતિલોમ વૃત્તિએ અંતરમાં મૂર્તિની સન્મુખ રહીને ધ્યાન કરવું.
પરમાત્માને દેહની જગ્યાએ માની ચૈતન્યવૃત્તિથી તેમની સન્મુખ રહી તેમને ચિંતવ્યા કરવા.
આપણે મોટે ભાગે દેહરૂપે રહી શ્રીહરિ આપણી સામે હોય તેમ તેમનું ધ્યાન-ભજન કરીએ છીએ. જ્યારે ગોપાળાનંદ સ્વામી તે દેહભાવને છોડાવવા દેહના સ્થાને મહારાજને માની તેની સન્મુખ રહી ધ્યાન કરવાનું શીખવે છે. આ પ્રતિલોમ ધ્યાનમાં દેહસંબંધી દેશ, કાળ અને દિશાને માનવાનાં હોતાં નથી. કેવળ નિરાકાર આત્મા અને સાકાર શ્રીહરિનું વૃત્તિ વડે મિલન માણવાનું હોય છે.
આ પ્રતિલોમ ધ્યાનમાં ૩-૪ પ્રકારની ભાવના મુખ્ય છે.
(૧) હું તેજરૂપ આત્મા છું, મહારાજ આત્માનું તત્ત્વ એટલે કે આત્માને પ્રકાશનાર પરમાત્મા છે.
(૨) હું એકરસ પરિપૂર્ણ વિશાળ બ્રહ્મ છું, મહારાજ બ્રહ્મને પ્રકાશનાર પરબ્રહ્મ છે.
(૩) હું પોતે અક્ષરધામ છું, અનંત મુક્તોએ સહિત મહારાજ અક્ષરથી પર પુરુષોત્તમનારાયણ છે. અક્ષરધામ અને ધામાધિપતિ મહારાજ મારાથી અણુ પણ દૂર નથી.
(૪) હું આત્મા, બ્રહ્મ, અક્ષરધામ અને મુક્તો; એ બધું પુરુષોત્તમના પ્રકાશમાં કે સ્વરૂપમાં નિમગ્ન થઈ ગયું છે. હવે स्वे महिम्नि प्रतिष्ठित: એક મહારાજ જ સ્વરાટ થકા વિરાજમાન છે.
હું શરીર છું અને શ્રીહરિ મારા શરીરી છે. તે શ્રીહરિ જ મારો આકાર, આધાર અને આનંદ છે. તે પ્રભુએ મને કૃપા કરી આમ પ્રકાશ્યો છે. તેઓ મને તેમનો પરમાનંદ પમાડી રહ્યા છે.
બીજા અનંત આત્માઓ, માયાના અનંત આકારો અને અનંત બ્રહ્માંડો હોવા છતાં મારા માટે તે છે જ નહીં. આ સ્થિતિને જ્ઞાનપ્રલય કહે છે.
આ અવસ્થામાં વધુમાં વધુ ટકવા માટે પ્રગાઢ પ્રભુપ્રેમ જરૂરી છે. પ્રેમ માટે ચૈતન્યવૃિત્ત વડે શ્રીહરિના મહિમાને વિચારવાનું ચાલુ રાખવું જોઈએ.
કેવો મહિમા વિચારવો જોઈએ, તે વિશે વચનામૃતમાં મહારાજે આવું જણાવ્યું છે —
પુરુષોત્તમનારાયણ તે સર્વકર્તા છે, સર્વકારણ છે, સર્વનિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે અને ‘કર્તુમકર્તુમન્યથાકર્તું સમર્થ:’ છે. તે જો પોતાની ઇચ્છામાં આવે તો એ અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત તે સર્વેને પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે અને સૂઝે તો એ સર્વે મુક્ત તેમણે સેવ્યા થકા એમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત વિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા જ વિરાજમાન રહે. અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંતકોટિ મુક્તને પોતાને ઐશ્વર્યે કરીને ધારવાને સમર્થ છે; તેમ એ નારાયણ પોતાને ઐશ્વર્યે કરીને સર્વોપરી વર્તે છે.
પ્રભુમાં પ્રેમ કરવા સદા સાકાર અને સુખાકાર શ્રીહરિના એક એક અંગને કે આખી મૂર્તિને ચૈતન્યવૃત્તિ વડે નિહાળ્યા કરવી જોઈએ.
જો આ પ્રતિલોમ ધ્યાન દરમ્યાન પ્રભુમાં પ્રેમ ન થાય તો સુખ ન આવે. સુખ વિના બીજા વિચારો શરૂ થઈ જાય કાં તો ઊંઘ આવવા લાગે. એટલે જે રીતે પ્રભુમાં પ્રેમ અને આકર્ષણ જળવાઈ રહે તેવા ચિંતનને જાળવી રાખવું જોઈએ.
અભ્યાસ કરતાં કરતાં જ્યારે આ સ્થિતિ દૃઢ થઈ જાય ત્યારપછી તો તે અખંડ એમ જ રહેવા લાગે છે. તેવી સ્થિતિવાળા મહામુક્તના અનુભવને શાસ્ત્રોમાં આ રીતે વર્ણવ્યો છે —
जैसे देहाकार, जीय भये एकरस होई।
तेसे तेहि प्रकार, मूर्ति में जिय होई जात तब।।
(श्रीहरिचरित्रामृतसागर 10/35/28)
જેમ અજ્ઞાની જીવ તેના દેહમાં એકરસ થઈ એકાકાર વર્તે છે, તેમ પ્રગાઢ પ્રીતિથી ધ્યાન-ભજન કરનાર આત્મા તેવી જ રીતે પરમાત્માની મૂર્તિમાં એકાકાર થઈ જાય છે.
વચ.કારિયાણીના પહેલામાં પ્રભુ આવું કહે છે — (ઇયળ-ભમરીની જેમ) ભગવાનનો ભક્ત પણ એ ને એ દેહે કરીને ભગવાનને આકારે થઈ જાય છે.
ધન્ય ધન્ય એ સંત સુજાણને,
જેનું ઊલટી પડિયું આપ; સંત તે સ્વયં હરિ
આપ ટળી મળ્યા ભગવાનમાં,
જેના આપમાં હરિનો વ્યાપ; સંત તે સ્વયં હરિ
- નિષ્કુળાનંદ સ્વામી
આપણા ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સંતો અને ગોરધનભાઈ જેવા મહાન ભક્તોને આવી સ્થિતિ કાયમ અખંડ રહેતી હોય છે. તેઓ કોઈ પણ ક્રિયામાં કદી ભગવાનને ભૂલતા હોતા નથી. કારણ કે, સર્વ ક્રિયાના કર્તા-હર્તા, જ્ઞાન, ઇચ્છા અને ક્રિયાના પ્રકાશક પુરુષોત્તમને જ માની તેમાં નિમગ્ન રહેતા હોય છે.
ખાસ સૂચના : આ પ્રતિલોમ ધ્યાનના અભ્યાસમાં અનુભવી સદગુરુનું માર્ગદર્શન અને આશીર્વાદ અતિ આવશ્યક છે, નહિ તો નુકસાન પણ થઈ શકે છે.
Related of Blog


