Dhyaan Smaran - 8

Dhyaan Smaran - 8
July 1, 2026
Ishwarcharandasji Swami - Kundaldham

જો આપણે વિદેશમાં કાયમી સેટ થાવું જ હોય તો બે કામ કરવાં પડે છે.

(૧) વિદેશમાં રહેવું આપણને ગમી જવું જોઈએ.
(૨) આપણો દેશ ગમે તેટલો વાલો હોય, તોપણ તેને છોડવાની તૈયારી હોવી જોઈએ.

તેમ આપણે અખંડ ભગવાનના ચિંતન-સ્મરણપરાયણ થાવું જ હોય તો બે બાબત જરૂરી છે.

(૧) શ્રીહરિના સ્વરૂપમાં પ્રગાઢ પ્રીતિ
(૨) બીજી બધી આસક્તિ-મોહ-માયા-મમતાનો ત્યાગ

આપણે શ્રીહરિનું ધ્યાન-ભજન કરવા ઇચ્છીએ, પણ જો આ બંને શરત પૂરી ન કરીએ તો ભજન ન થાય. આ બેમાં આપણે કથા-કીર્તન દ્વારા મહારાજનો મહિમા અને પ્રેમ વધારવાનો પ્રયાસ કરીએ છીએ, પણ તેમાં નડતરરૂપ બંધન છોડવા તૈયાર હોતા નથી. પરંતુ સ્વદેશ છોડયા વિના વિદેશ જવાતું નથી; તેમ બીજાં બંધન તોડયા વિના અખંડ પ્રભુપરાયણ થઈ શકાતું નથી.

એટલે જ શ્રીહરિનું સતત ધ્યાન-સ્મરણ સિદ્ધ કરવા માટે ગોપાળાનંદ સ્વામી આ ચાર બાબતને જરૂરી બતાવે છે —

૧. દેહ અને દેહસંબંધી પદાર્થને કાકવિષ્ટા જેવા જાણે.
૨. કોઈના ગુણ-દોષમાં ન ભળે.
૩. બીજાની નિંદા-સ્તુતિનો ત્યાગ કરે.
૪. નેત્ર, શ્રોત્ર અને વાણીને જીતે.

આ ચાર બાબતમાં આપણું કેમ છે ? જ્યારે જ્યારે ધ્યાન-સ્મરણમાં વિક્ષેપ આવે છે ત્યારે તપાસ કરીએ તો આવી જ કોઈ બલા નડતી હોય છે.

આપણને તો આપણો દેહ ભગવાનથીય વધુ વાલો લાગે છે; એટલે દેહનું ખાવા-પીવાનું, ઓઢવા-પહેરવાનું પણ બહુ જ ગમે છે. જો એમાં કાંઈક ફેર પડે તો ભયંકર ગુસ્સો આવે કાં અભાવ આવે. એમાં ભગવાનનું ધ્યાન-ભજન ક્યાંથી થાય ? એટલે ગોપાળાનંદ સ્વામી કહે છે - દેહ અને દેહસંબંધી પદાર્થને કાકવિષ્ટા જેવા જાણવા જોઈએ.

કાકવિષ્ટા એટલે કાગડાનો મળ. કાગડો બીજાની વિષ્ટા અને એવું જે ગંદામાં ગંદું હોય તે ખાય. પછી તેની જે વિષ્ટા બને તે કેટલી ખરાબ ગણાય ? એવો જ આપણા દેહને માનવો જોઈએ. આપણો દેહ ગમે તેટલું સારામાં સારું ખાય-પીવે પણ તેનું ખરાબમાં ખરાબ મળ-મૂત્ર બનાવી દે છે. આવાં મળ-મૂત્ર બનાવવાની ફેક્ટરી જેવા દેહને વાલો રાખીએ તો આપણે કેવા મૂર્ખ ગણાઈએ. માટે તેમાંથી પ્રેમ તોડી પ્રભુમાં કરવો જોઈએ.

શ્રીહરિ તો એવા દિવ્ય ચિંતામણિ છે કે જે તેનું ચિંતન-મનન કર્યા કરે તેને તેમના જેવા જ દિવ્ય-ભવ્ય બનાવી દે છે; જ્યારે દેહ તો સારાને પણ ભૂંડામાં ભૂંડું કરી નાખે છે, માટે તેને કાકવિષ્ટા જેવો ગણવો જોઈએ. આપણા નંદસંતો, નરસિંહ મહેતા, મીરાંબાઈ અને મોટીબા-લાડુબા ક્યારેય દેહને લાડ લડાવતાં નહિ, એટલે તેઓ અખંડ પ્રભુપરાયણ રહી શકતાં હતાં.

વળી, જે પ્રભુને પામવામાં ને ભજવામાં કાંઈ જ કામના નથી તેવા જગતના જીવોના ગુણ કે દોષમાં આપણે રસ લેવો જોઈએ નહીં. તેનો દેહ ગમે તેટલો રૂપાળો હોય, તે ગમે તેટલું સારું ગાતા કે નાચતા હોય પણ તે અધોગતિને પામશે; માટે તેના ગુણમાં પણ લોભાવું નહીં.

એક વૈષ્ણવ શેઠાણી હતા. તેને એક નિમ્ન જ્ઞાતિના સંગીતકારમાં ચિત્ત ચોંટી ગયું, તો મર્યા પછી નિમ્ન કોટીનો જન્મ લેવો પડયો. પછી સારંગપુરમાં પ્રગટપ્રભુ શ્રીહરિનાં અતિ ભાવથી દર્શન કર્યાં ત્યારે તેને સમાધિ થઈ. ત્યારબાદ તેનો છૂટકારો થયો.

જગતનાં કોઈ સ્ત્રી-પુરુષ ફેલફતૂર કરતાં હોય, ફેશનેબલ કપડાં, હેરસ્ટાઇલ અને વિદેશની ટુર કે વ્યસન કરતાં હોય તેનો વાદ લેવો નહિ; તો ભગવાનનું ધ્યાન-સ્મરણ થાય.

સત્સંગી, બિનસત્સંગી કોઈની નિંદા કરવી નહીં. તેનામાં દોષદૃષ્ટિ કરીએ, તેનું નેગેટિવ બોલીએ કે સાંભળીએ; એટલે આપણું અંતર રાગ-દ્વેષવાળું થાય. પછી ધ્યાન-સ્મરણ ક્યાંથી થાય ? તેમજ શ્રીહરિ તથા તેમના વાલા સંતો-ભક્તો સિવાયના જગતના જીવોથી બહુ પ્રભાવિત પણ થાવું નહીં. તેની પ્રશંસા પણ કરવી નહીં. જો એવા જીવોની સ્તુતિ કરવાનું મન થયા કરતું હોય તો આપણે પણ એવા જ છીએ. અથવા તેની પાસેથી કાંઈક સ્વાર્થ સિદ્ધ કરવાની ખોટી દાનત પ્રગટી છે.

જો શ્રીહરિનું ધ્યાન-સ્મરણ સારામાં સારું કરવું જ હોય તો ગોપાળાનંદ સ્વામીની ચોથી ભલામણ તો અનિવાર્ય છે — પોતાની આંખ, કાન અને વાણીને વશ રાખવાં.

આપણે આસક્તિપૂર્વક જેને જોઈએ કે સાંભળીએ તે અંતરમાં ઊતરી જાય. પછી તેની સ્મૃતિ થયા કરે, માટે પરસ્ત્રી કે પરપુરુષમાં અને તેના ફોટા-વિડિયા જોવામાં ભૂલે પણ આસક્ત થાવું નહીં.

જે વ્યક્તિ ફોન જેવા કોઈ પણ ગેજેટ્સમાં ખરાબ જોયા કરે છે, જગતના મૂવી-ફિલ્મ જોયા કરે છે; તેનાથી ધ્યાન-ભજન ક્વોલિટીવાળુંં થઈ શકે જ નહીં. જે કાંઈ ખરાબ જોયું-સાંભળ્યું હોય તેનો વિક્ષેપ ધ્યાન-સ્મરણમાં નડયા વિના રહે જ નહીં; માટે ખરાબ જોવું, સાંભળવું કે બોલવું જ નહીં. કદાચ આપણે તેવું ન છોડી શકતા હોઈએ તો છોડાવે તેવા મોટા સંત-ભક્તને નિષ્કપટપણે રીપોર્ટ આપતા રહેવું. તેઓ કહે તે ઉપાયો કરવા; તો જ તે બલાથી બચી શકાય તેમ છે. વધુ પડતી કે અયોગ્ય ઠેકડી-મશ્કરી પણ સારી નથી.

જો આપણે ધર્મકુંવરનું ધ્યાન, ભજન, સ્મરણ અને સેવન કરવું જ હોય તો આવી નડતર બાબતો બધી બંધ કરવી. હા, ભગવાનના મનગમતા વિડિયાઓ વારંવાર જોવા. તેમની કથા-કીર્તન-ધૂન કર્યા-સાંભળ્યા કરવી; તો ધ્યાન-ભજનમાં બહુ સારો સપોર્ટ મળે છે.

હે મહારાજ ! હે ગુરુજી ! આપ સિવાયની તમામ ઇચ્છા, જિજ્ઞાસા અને વાસના વહેલી તકે ટળી જાય. આપ અને આપના સંતો-ભક્તોમાં મને હેત, મમત્વ અને સમાગમની દૃઢતા થાય; એવી મારા પર કૃપા કરજો. હે નાથ ! જે રીતે આપના ધ્યાન-સ્મરણમય રહેવાય તેમ જ મને રાખજો.