Dehabhimani chhiae ke Aatmagyani?

Dehabhimani chhiae ke Aatmagyani?
September 1, 2026
Gyanjivandasji Swami - Kundaldham


પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૨/૦૯/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કુંડળધામમાં કરેલ મનનીય પ્રવચન

વહાલા ભક્તો ! આપણે એમ કહેતા હોઈએ છીએ કે, ‘હે મહારાજ ! તમે એક મારા છો, તમારા સિવાય મારું કોઈ નથી. પ્રભુ ! તમે જ મારો આધાર છો, તમે જ મારા તારણહાર છો;’ પરંતુ ‘હું તો માત્ર તમારો જ છું, બીજા કોઈનો નથી’ - આ કહેવું અઘરું છે. કારણ કે, આપણે ઘણા બધાના કાંઈક ને કાંઈક થઈને બેઠા હોઈએ છીએ

આપણને આવા પ્યારા સંત-ભક્તગણ વચ્ચે બેસવાનું સદ્ભાગ્ય મળ્યું છે. આવા સારા વાતાવરણમાં આપણે સૌ ભગવાનની મૂર્તિ ધારીને બેઠા છીએ. બધાના સ્વરૂપમાંથી ભગવાનની મૂર્તિનો દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો છે. આ મહાદિવ્ય જ્યોતિથી આપણે ભર્યા ભર્યા છીએ; એવી ઊંચી ભાવના સાથે પરમાત્માનું સ્મરણ કરીએ. ભગવાને સ્મરણનું સુખ ખૂબ આપ્યું ! આ વર્ષમાં ભગવાન તરફ ઘણા આગળ વધ્યા. ઘણી બધી શુદ્ધિ થઈ, ઘણી બધી વૃદ્ધિ થઈ. એ બધો પ્રતાપ પ્રાણ પ્યારા મહારાજનો અને વહાલા આ સાધુનો છે કે, જેઓ વગર સ્વાર્થે આપણા માટે ઘણો બધો દાખડો કરે છે.

આપણા જીવનમાં શું શું સત્ય અને શું શું અસત્ય છે ? તે સ્પષ્ટ સમજાય જાય તો જીંદગી સાચા હેતુ માટે જીવી શકાય.

વહાલા ભક્તો ! પરમાત્માને આપણે કહીએ કે, ‘હે મારા નાથ ! તું સત્ય છો, હું સત્ય છું; પણ વચમાં ખડકાઈને રહેલો આ માયિક દેહ તે અસત્ય છે.’ આ દેહ છે એ જ આપણી માયા છે. ત્રણ દેહ વગેરેથી છૂટું પડયા વિના ભગવાનને પમાતું નથી. ‘હું આ શરીર નથી, હું આત્મા છું, શરીરથી નોંખો છું,’ એમ સતત અભ્યાસ કરવાથી દેહથી છૂટું પડી જવાશે. આ માટે આપણે મહેનત કરવી પડશે. જ્યાં સુધી દેહાભિમાનમાં જીવતા હોઈએ ત્યાં સુધી દેહ અને દુનિયાનાં સુખ-દુ:ખ, માન-અપમાનનો આપણા ઉપર ખૂબ જ પ્રભાવ પડે છે. જો આપણે આત્મસ્થિતિને પામ્યા હોઈએ તો એ પોતાનાં મનાય નહિ; એટલે તેને કારણે હર્ષ-શોક થાય નહિ, જેથી સુખે સત્સંગ-ભજનપરાયણ રહી શકાય.

ભાગવતજીમાં એક કથા છે. રહુગણ રાજા સંતસમાગમ કરવા જતા હતા અને વચમાં એની પાલખીને ઉપાડનારો એક ભાઈ બીમાર પડી ગયો, એટલે કોઈ બીજાની જરૂર પડી. તેથી નજીકના ખેતરમાં પાણી વાળતા જડભરતજીને પકડી લાવ્યા. તેમની પાસે પાલખી ઊપડાવી. વચમાં કીડી-મકોડી આવે તો જડભરતજી ઠેકડો મારે એટલે રાજાને આંચકો આવે. તેથી રાજાએ જડભરતનો તિરસ્કાર કરતી ઘણી કોમેન્ટ કરી. પછી જડભરતે રાજાને પૂછ્યું કે, ‘રાજા એટલે શું ?’ તો કહે, ‘રાજા એટલે બધાનો નિયંતા.’ જડભરત કહે,‘તમારાં ઇન્દ્રિયો, અંત:કરણના તમે નિયંતા છો ? તમારો દેહ તમારા નિયંત્રણમાં છે ?’ ‘તમે રાજા એટલે શું કરો ?’ તો કહે, ‘બધી પ્રજાને અમે સુખ આપીએ.’ ભરતજી કહે, ‘તમે તમારો દેહ તો ઉપાડી શકતા નથી. તમારું વજન અમારી પાસે ઊપડાવીને અમને દુ:ખી કરો છો. તમે શેના રાજા ? વળી, તમે મને જેટલા શબ્દો કહ્યા એ બધા આ શરીરને ઉદ્દેશીને કહ્યા છે. તમે મને એકેય શબ્દ કહ્યો નથી. તમે મને ભાળતા નથી અને ઓળખતાય નથી. તમે મને બહુ હટ્ટો-કટ્ટો કહ્યો, તે આ દેહને કે મને ?’

આટલું સાંભળતાં જ રાજા પાલખીમાંથી હેઠા ઊતરી જડભરતના પગમાં પડયા અને કહે કે, ‘આપ કોઈ મહાજ્ઞાની છો. આપ મને જ્ઞાન આપો.’ પછી જડભરતે રહુગુણ રાજાને આત્મજ્ઞાન આપ્યું.

વહાલા ભક્તો ! દેહાભિમાની જીવ અને આત્મજ્ઞાની જીવમાં આટલો ફરક છે. આપણે આ પંચભૂતના ખોળિયાને ‘હું અને મારું’; એ બે શબ્દથી હંમેશાં ઓળખતા આવ્યા છીએ, પણ એ ઓળખાણ સાવ ખોટી છે. ‘હું અને મારું’ એ બેય અજ્ઞાન છે. હું આત્મા અને મારા એકમાત્ર મહારાજ જ છે. આ શરીરેય મારું નથી.’ આ મનન કર્યા વિના છૂટકો નથી. દેહાભિમાનને લઈને જ પરમાત્માથી છેટું રહે છે, જોઈએ એવું ભજન થતું નથી.

મોનજી ભગતની વાત નં.૬૬માં જે આત્મા બ્રહ્મરૂપે રહેતો હોય એનાં લક્ષણ જણાવતાં કહ્યું છે કે, ‘જે બ્રહ્મરૂપે સદાકાળ વર્તતો હોય એ ભક્ત ક્યારેય ઊતરતી બાબત ધારી શકે નહીં. એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વાત જ પકડે. નબળી, હલકી, ઊતરતી વાત ન જોઈ શકે કે ન સાંભળી શકે, ન દિલમાં રાખી શકે. દેહાભિમાની માણસ નબળું જોઈ શકે, નબળું સંભારી શકે, નબળું દિલમાં રાખી શકે, નબળાનો મહોબતી હોઈ શકે. આત્મજ્ઞાની ક્યારેય નબળી, હીણી, આજ્ઞા બહારની ક્રિયા ન કરે. એ આત્મા, પરમાત્માનાં તમામ વચનોને પૂર્ણતયા પાળે.’

જે ભગવાનનાં વચન લોપે છે એ દેહાભિમાની છે, આત્મજ્ઞાની નહીં. આત્મજ્ઞાની જે હોય એનાથી ઇંન્દ્રિયો-અંત:કરણ દબાઈને રહે, એ પોતે ન દબાય. જો આપણે આ દેહ, ઇંન્દ્રિયો, અંત:કરણથી દબાતા હોઈએ તો દેહાભિમાની છીએ અને જો એને દબાવી દેતા હોઈએ તો આપણે આત્મજ્ઞાની ખરા. આત્મજ્ઞાની સ્થૂળ દેહના વિષયમાં તો લેવાય જ નહીં. જો સ્થૂળ દેહના વિષયમાં લેવાયો તો એ દેહાભિમાની છે. આત્મજ્ઞાની સદા પરમાત્માનું જે બ્રહ્મધામ તેની સાથે એકતા કરીને પરમાત્માને ધારી રહે છે.

આપણને આત્માનું સ્મરણ રહેતું નથી અને દેહસ્મરણ ભૂલાતું નથી. ‘હું દેહ છું, પટેલ છું, ક્ષત્રિય છું, વાણિયો છું, બ્રાહ્મણ છું, જાડો છું, પાતળો છું, સાજો છું, માંદો છું;’ આ બધું અજ્ઞાન સારી પેઠે ચોંટ્યું છે. સ્વામિનારાયણ...સ્વામિનારાયણ સ્મરણ કરીએ છીએ; એ સારી વાત છે, પરંતુ દેહની સ્મૃતિ સાથે ભગવત્સ્મૃતિ રાખવી તે દેહરૂપ ભજન છે. આત્મસ્મૃતિ સાથે ભગવત્સ્મૃતિ રાખવી એને કહેવાય આત્મરૂપે ભજન !

વહાલા ભક્તો ! ક્યારેક અપમાન આદિકના યોગે કરીને પરાધીન થવાય, ક્યારેક બ્રહ્મરૂપે રહેવાય અને ક્યારેક ન રહેવાય; તો એ સ્થિતિ કાચી કહેવાય, માટે સદાકાળ નિરુત્થાનપણે રહેવું. અંતરમાં ક્યારેય એવું ઉત્થાન, કહેતાં સંકલ્પ ન થવો જોઈએ કે, ‘હું દેહ છું, આ દેહ મારો છે.’ આમ નિરુત્થાનપણે રહીને બ્રહ્મરૂપે રહેવાનો અભ્યાસ નિરંતર કરવો.