
પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન
વહાલા ભક્તો ! આપણે બધા ભગવાનને મળવા નીકળ્યા છીએ. આપણે ભગવાનનું કામ છે. એ આપણું ઠર્યાનું ઠામ છે. એ આપણા સૌના માલિક છે, ધણી છે, સુખદાતા, આશ્રયદાતા અને ઉપાસ્ય છે. એ ભગવાનના દિવ્ય આનંદને પામવા માટે આપણે બધાએ ટેક લીધી છે. આપણે નિર્ણય કર્યો છે કે, આ જિંદગીમાં આપણે ભગવાન મેળવવા જ છે.
આપણને ભગવાનને રસ્તે ચાલતા નાના-મોટા ખાડા આવે છે, ઠેસો આવે છે, વિઘ્નો આવે છે. આપણી ગતિ રૂંધાય છે. સ્પીડથી નથી ચલાતું. ક્યારેક તો ઊભું પણ રહી જવાય છે અથવા થોડા પાછા પણ ધકેલાઈ જવાય છે. આ બધી મુશ્કેલીઓનું સૌથી પ્રધાન એક કારણ છે - દેહભાવ.
દેહભાવ બહુ મોટી બલા છે. દેહભાવ હટાવ્યા વિના ભગવાનને ધારી શકવાનું જોર આવતું નથી. વિઘ્નને હટાવવાનું આપણામાં બળ આવતું નથી. દેહભાવ એક એવું મોટું વિઘ્ન છે કે એને લઈને બધાં વિઘ્નો વારેવારે આપણને ભગવત્સ્મરણમાં ડિસ્ટર્બ કરે છે. શ્રીહરિજી મહારાજનો સતત એવો આગ્રહ રહ્યો છે કે, ‘તમે બ્રહ્મભાવે મારી ભક્તિ કરો.’ આપણે ક્યારેક ક્યારેક અંતરમાં તપાસવું કે, હાલ મારે કયો ભાવ વર્તે છે ? આત્મભાવ કે દેહભાવ ? બ્રહ્મભાવ કે ધામભાવ ?
દેહભાવે ભક્તિ કરીએ છીએ એમાં ફાયદો બહુ નથી થતો અને ઊલટાનો દેહભાવ વધે છે; આ એક નવાઈ જેવી વાત છે. દેહભાવે ભજન કરીએ તોપણ દેહભાવ વધે ! તો પછી દેહભાવે વ્યવહાર કરીએ, વિષય ભોગવીએ; એમાં દેહભાવ પક્વ થાય, એમાં કહેવું જ શું ? એ તો થાય જ. રોજ ઊઠીને દેહભાવ પક્વ કરતા રહીએ અને આત્મભાવ અને બ્રહ્મભાવની માત્ર વાતો થાય; એમાં પ્રગતિ શું થાય ? આપણે સાધક છીએ, સાધનાના માર્ગે નીકળ્યા છીએ. આપણે મૂર્તિ સિદ્ધ કરવી છે પછી મરવું છે. એ વાત આપણે પકડી છે અને એને વારંવાર યાદ રાખવી છે.
જ્યાં સુધી ત્રણ દેહ, ત્રણ અવસ્થા, ત્રણ ગુણનો ભાવ લઈને જીવીએ છીએ ત્યાં સુધી મહારાજને આપણા સ્વરૂપમાં આપણે જોઈ શકતા નથી, જીરવી શકતા નથી. એ મહાઆનંદને માણી શકતા નથી. એ મહાઆનંદ પામવા માટેની પાત્રતા છે : બ્રહ્મરૂપ થવું. બ્રહ્મરૂપ થવા માટે પહેલાં આત્મરૂપ થવું પડે અને આત્મરૂપ થવા માટે પહેલાં દેહભાવ હટાવવો પડે. દેહભાવ જાય પછી આત્મભાવ થાય. ‘હું દેહ નથી, હું દેહ નથી’ એ એકડો પહેલાં ઘૂંટવો પડે. પછી ‘હું આત્મા છું, આત્મા છું’ અને પછી બ્રહ્મભાવ લાવવાનો અભ્યાસ જરૂરી છે. બ્રહ્મભાવે ભક્તિ કરતાં કરતાં ધીમેધીમે આગળ વધાય અને પછી ભગવાનને અખંડ ધારી શકીએ એવા અક્ષરધામરૂપ થવાય. આમ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધાય. પણ હજી દેહનો લોચો જ પકડાયેલો રહે છે કે, ‘હું દેહ છું, હું ફલાણો કે ફલાણી છું.’ “જ્યાં સુધી વર્ણાશ્રમનું માન લઈને ફરે ત્યાં સુધી એનામાં સાધુતા આવતી જ નથી,” એવું મહારાજ બોલ્યા છે.
મહારાજ કહે છે, “એક તો બ્રહ્મભાવે ભજન કરે છે એક દેહભાવે ભજન કરે છે; એમાં બ્રહ્મભાવે જે ભજન કરે છે એને ધીમેધીમે પોતાના સ્વરૂપમાં પરમાત્માનાં દર્શન થાય છે અને પછી એને એવી કાયમી સ્થિતિ થાય છે. એવી સ્થિતિ થયા વિના આપણે જો જીવીએ છીએ તો ક્યારેક વિઘ્ન થવાની પૂરેપૂરી શક્યતા છે. એવી સ્થિતિ ન હોવાને કારણે જેને વિઘ્ન થયાં હોય એવા મોટા મોટાનાં નામ શાસ્ત્રો, પુરાણોમાં લખ્યાં છે. એવા મોટાને જો બ્રહ્મભાવ નહોતો તો ક્યાંક ને ક્યાંક લોચો લાગ્યો, તો આપણી કઈ વિસાત !
પરમાત્માની પાસે જવાનો પંથ આપણે કાપીએ છીએ, પણ બહુ ધીમો. આપણે તો ભગવાન મળે તે દિવસ પૂરું. જેમ આપણે એકબીજાને મળીએ છીએ; એમ ભગવાન આપણને મળવા જોઈએ. આપણે એકબીજા સાથે વાતો કરીએ છીએ; એમ ભગવાન આપણી સાથે વાતો કરવા જોઈએ. આટલું મરતાં પહેલાં થઈ જવું જોઈએ, તો આ આપણો જન્મ સફળ. બાકી બધુંય મળે એનો કોઈ અર્થ જ નથી.
આપણે શું કરીએ છીએે ? આપણે શું કરવા જન્મ્યા છીએ ? શું મેળવવું છે આપણે ? અને શું મેળવવા આપણે ચાલી નીકળ્યા છીએ ? જો થોડી ઘણી સેન્સ હજુ હોય તો એવી અખંડ જાગૃતિ રહે કે, ‘હું તો ભગવાન મેળવવા જન્મ્યો છું; પૈસા, માન સન્માન નહિ. મોટો થવા, વિષય ભોગવવા કે અહીં જામી પડવા હું જન્મ્યો નથી. હું મારો આત્મા પરમાત્માને વિષે જોડવા પેદા થયો છું. મારા આગલા જન્મનું કામ બાકી રહી ગયું છે; એ પૂરું કરવા અહીં આવ્યો છું. આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એ કયા ભાવે કરીએ છીએ ? અત્યારે આપણે અહીં કયા ભાવે બેઠા છીએ ? દેહભાવે, આત્મભાવે કે બ્રહ્મભાવે ? કયા ભાવે કથા સાંભળીએ છીએ ?
આપણે એ પાકું કરવું જોઈએ કે હું કોઈ પણ ક્રિયા દેહભાવે નહિ કરું. કારણ કે, ‘હું આત્મા છું ’ એવું જ્યારે ભૂલ્યા ત્યારે ‘હું દેહ છું ’ એવું થઈ ગયું. લોચો લાગી ગયો. પછી આપણે વિષયી થઈ ગયા. જ્યાં સુધી આત્મભાવ વર્તતો હોય ત્યાં સુધી વિષયની ઇચ્છા થાય નહીં. આત્માને કોઈ વિષયની જરૂર નથી. स्वेन रुपेण सुखी सदा એ તો પોતાને રૂપે સદા સુખી છે.
જેમ સાકરને ગળ્યા થવા માટે ખાંડની જરૂર નથી; એમ આત્માને સુખી થવા માટે કોઈ માયિક વિષયની કે કશાની જરૂર નથી. હા, એને પરમ આનંદી થવું હોય તો પરમાત્માની જરૂર છે. પરમાત્મા વિના આત્મા પરમ આનંદી બની શકતો નથી. બાકી તો એ સ્વયં એક સુખ છે, સ્વયં અમર તત્ત્વ છે, સ્વયં માયાથી પર છે, સ્વયં કાળથી પણ પર છે.
પ્રભુએ બહુ આગ્રહ કરીને કહ્યું છે કે, ‘તમે તમારા આત્માને બ્રહ્મ માનો. તમે તમને અક્ષર માની તમારામાં મને પ્રગટ માનો,’ આવું બહુ વચનામૃતમાં કહ્યું છે. ક્યારેક કોઈ ક્ષણે આપણે આ શરીરને ‘હું’ અને ‘મારું’ ન માન્યું તો અંદર બહુ આનંદ વર્ત્યો અને ભગવાનમાં જોડાઈ જવાયું, પ્રભુનું બહુ ભજન થયું. આ અનુભવ સાધકોને હોય જ. માટે આવું કર્યા વિના પરમાત્માના સ્વરૂપમાં જોડાઈને ભગવાનની દિવ્ય રસમય મૂર્તિનો રસ ભોગવી શકાતો નથી. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં કહીએ તો, ‘સિંહણનું દૂધ રાખવું હોય તો સોનાનું પાત્ર જોઈએ.’ એમ પુરુષોત્તમને ધારવા હોય તો તમારે અક્ષર બનવું જોઈએ. આ માટે આપણે જબરજસ્ત ચળવળ ચલાવવાની જરૂર છે. દેહભાવ હટાવો, બ્રહ્મભાવ લાવો. માયા સુખને હટાવો, મૂર્તિ સુખને લાવો.
વહાલા ભક્તો ! આપણે આપણા આત્માના આત્મા એવા પરમાત્માને રાજી કરવા માટે હવે થોડું થોડું પણ આત્મભાવે સ્મરણ શરૂ કરવાની જરૂર છે. આત્મભાવે સ્મરણની ટેવ પડી ગયા પછી ભગવત્સ્મરણના પ્રતાપે સહેજે બ્રહ્મભાવ આવી જશે.