
આજે આખું વિશ્વ એ વાતથી વાકેફ તો છે જ કે, સૌને ઝડપથી જોડવા માટે શોધાયેલ ઇન્ટરનેટને કારણે જ લોકો ઝડપથી એકલા પડતા જાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતની ઇકોનોમીનું સ્તર દિવસે દિવસે વધતું જાય છે, પરંતુ વ્યક્તિના ઈમોશનનું સ્તર દિવસે દિવસે ઘટતું જાય છે; પરિણામે ડિપ્રેશન અને ટેન્શન પણ વધતાં જાય છે. ઘરોઘરની એ જ હોળી છે કે કોઈ કોઈની સાથે હળી મળીને રહેવા ઇચ્છતું નથી. કારણ, સૌની પાસે સંપત્તિ અને સુવિધાઓ તો આજે ખૂબ વધી છે, પરંતુ સદ્ભાવ અને સંયમ ખૂબ જ ઘટ્યા છે. કોરોના કાળ વખતે લોકોને ઓક્સિજનની કિંમત જેવી સમજાઈ હતી તેવી તેના પહેલાં કે અત્યારે પણ સમજાતી નહિ હોય. એટલે જ કોઈકે કહ્યું છે કે,
“ભૂખ્યા માણસની આંખમાં ભોજનનું મૂલ્ય દેખાય છે અને ધનવાનોને થાળીમાં હંમેશાં ફરિયાદ દેખાય છે.”
આને જ કહેવાય છતનો છક. પરમાત્માની કૃપાથી સુવિધાવાળું ઘર, મનગમતા ખાણી પીણીના પદાર્થો, નિરોગી શરીર, ધીગતો ધંધો કે સારાં સગાં વહાલાં જેવી ભૌતિક સંપત્તિ મળી હોય, કે પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આદિ સદ્ગુણો, સર્વોપરી ઉપાસના કે ઉચ્ચ સ્થિતિ જેવી આધ્યાત્મિક સંપત્તિ પ્રાપ્ત થઈ હોય; તોપણ તેમાં કેવળ હરિની કૃપા જ ન મનાય અને હક મનાવવા માંડે તેને જ છક આવ્યો ગણાય. આ વાતને વધુ સ્પષ્ટ રીતે સમજવા એક બાળકની સ્ટોરી જોઈ લઈએ.
પ્રેમાળ અને સુખી સંપન્ન માતા-પિતાનો એકનો એક દીકરો એટલે આરવ. નવાં કપડાં, શૂઝ, શાળાની બેગ, બોટલ, મોબાઇલ, ગેમ્સ, ભણવા માટે સેપરેટ એ.સી. રૂમ અને મનગમતી તમામ વસ્તુઓ આરવને જરૂરિયાત પહેલાં જ મળી જતી હતી. વળી, આજુબાજુના મિત્રો સાથે રહેતાં તેને એવું લાગતું કે આટલું તો આજના જમાનામાં કોમન છે. બધાં બાળકો આમ જ રહેતાં હોય ને ! પોતાના લાડલા કુંવરને વાસ્તવિકતાનું જ્ઞાન કરાવવા માટે મમ્મીએ ઉપરાઉપર ત્રણ દિવસ એકનું એક શાક બનાવ્યું. ત્રીજા દિવસે થાળી જોતાં જ આરવે મોઢું બગાડ્યું.
‘મમ્મી, બટાકાનું શાક ? કાલે પણ આ જ હતું. ક્યારેક તો પીઝા કે પાઉંભાજી બનાવો ને.’
મમ્મી શાંતિથી બોલી, ‘બેટા ! સાંજે બનાવી દઈશ બસ, અત્યારે ખાઈ લે.’
આરવ ગુસ્સે થઈ બોલ્યો, ‘કાયમ આવું જ કહો છો. ક્રિશના મમ્મી તો રોજ નવી નવી વસ્તુ બનાવે છે.’
મમ્મીએ શાંતિથી થાળી આગળ ધકેલી, પણ આરવ થોડું જમી ઊભો થઈ રૂમમાં જતો રહ્યો.
બાજુમાં બેઠેલા તેના પપ્પાએ બધું દૃશ્ય જોયું, પણ તરત કાંઈ ન કહ્યું. રાત્રે તેમણે આરવના રૂમમાં આવીને પૂછ્યું, ‘બેટા ! કાલે રવિવાર છે. મારી સાથે એક જગ્યાએ આવીશ ?’
આરવ ફોનમાં ગેમ રમતો હતો. આંખ ઊંચી કર્યા વગર બોલ્યો, ‘ક્યાં ? બોરિંગ તો નહિ હોય ને ?’
પપ્પા હસ્યા. ‘ના, તને કંઈક જોવા મળશે.’
બીજે દિવસે પપ્પા આરવને લઈને શહેરના બીજા છેડે ગયા. રસ્તા પહોળા માર્ગોથી નાની ગલીઓમાં બદલાયા. મોટી ઇમારતોની જગ્યાએ ટીનનાં છાપરાં, નાનાં ઘરો અને ગરીબ પરિવારો દેખાવા લાગ્યા.
આરવે થોડી મૂંઝવણ સાથે પૂછ્યું, ‘પપ્પા ! આપણે અહીં શા માટે આવ્યા છીએ ?’
પપ્પા બોલ્યા, ‘મારા જૂના ઓળખીતાના ઘરે.’
છેવટે આરવના રૂમ કરતાં પણ એક નાનકડા ઘરની સામે આવીને બંને ઊભા રહ્યા. બહાર એક જૂની સાયકલ હતી અને દરવાજા પાસે એક છોકરો પુસ્તક વાંચી રહ્યો હતો.
પપ્પાએ તેને પ્રેમથી પૂછ્યું, ‘કેમ બેટા યશ ! ભણવાનું કેવું ચાલે છે ?’
યશે ખુશી સાથે કહ્યું, ‘બહુ સારું કાકા. આજે રવિવાર હતો એટલે થોડું વધુ વાંચી રહ્યો છું.’
ત્યાં જ યશના મમ્મીએ મીઠો આવકાર આપી અંદર બેસાડ્યા. આરવે જોયું : એક ખૂણામાં રસોડું, એક ખૂણામાં પથારી, બાજુમાં બે-ત્રણ વાસણો, દીવાલ પાસે પુસ્તકોનો નાનો ઢગલો અને છત પર બહુ ધીમો પંખો.
થોડીવારમાં ચા અને બે નાનકડાં બિસ્કિટ પીરસાયાં.
ઘરે રોજ ચાર-પાંચ પ્રકારનાં બિસ્કિટ જમતા આરવને અંદરથી અજીબ લાગ્યું.
થોડી વાતચીતો થતાં જ યશે અચાનક મમ્મીને પૂછ્યું, ‘આજે શાક શું છે ?’
મમ્મીએ કહ્યું, ‘બટેકાનું.’
યશ આનંદથી બોલી ઊઠયો, ‘વાહ ! પણ મમ્મી મરચું સહેજ વધારે નાખજે હો ને.’
આરવ આ સાંભળી ચોંકી ઊઠયો, જે બટેકાનું શાક જોઈ તે ગુસ્સે થતો તે કોઈના માટે અત્યંત ખુશીની વાત હતી.
પપ્પાની સાથે કમને જમવા બેઠેલા આરવે યશને ખૂબ આનંદથી જમતા જોઈને ચૂપચાપ થોડું ખાઈ લીધું.
જમ્યા પછી તરત જ યશે કહ્યું, ‘મમ્મી ! રોજ તમે વાસણ ધુઓ છો, પણ આજે રવિવાર છે એટલે મારો વારો.’ આ જોઈ આરવ ખળભળ્યો અને ડાઈનિંગ ટેબલ પરથી જ મમ્મીને ઓર્ડર કરવાની તેની ખરાબ આદત તેને ખૂંચવા લાગી.
જતાં જતાં પપ્પાએ યશને પૂછ્યું, ‘બેટા ! તારે શું બનવું છે ?’
યશે કહ્યું, ‘મારે તો ગરીબ બાળકોને ભણાવી શકું તેવા શિક્ષક બનવું છે. તેમને મદદ કરવી છે. કારણ કે, કાકા ! વસ્તુ ન હોય ત્યારે જ તેની કિંમત સમજાય છે.’ આ છેલ્લું વાક્ય તો આરવને આરપાર ઊતરી ગયું.
ગાડીમાં ઘણી વાર સુધી મૌન બેઠેલા આરવને પપ્પાએ પ્રેમથી સમજાવ્યું : ‘બેટા ! ઘરમાં છત હોય ત્યારે વરસાદ અને તડકાની તીવ્રતા સમજાતી નથી; તેવી જ રીતે ભગવાને આપણને જીવન જીવવા માટે હવા, પાણી, ખાવાનું, ઘર, લાઇટ, સુંદર આંખો, મજબૂત હાથ-પગ વગેરે સહજ આપ્યું હોય છે, પણ આપણે તેમાં અધિકાર જમાવી જેમ તેમ વેડફીએ છીએ; એને જ કહેવાય છતનો છક. તારાં મમ્મી-પપ્પા તારા માટે કેટલું કરે છે ! તે સમજાવવા માટે જ હું તને અહીં લાવ્યો હતો.
આરવની આંખો ભીની થઈ ગઈ. ઘરે આવતાંની સાથે જ તેણે મમ્મીની માફી માંગી.
વહાલા ભક્તો, જેમ આરવને તૈયાર ભોજન આપનારી માતાનું અને મહેનત કરીને ભણાવનાર પિતાનું મહત્ત્વ સમજાતું નહોતું; તેમ આપણને પણ પળે પળ સાચવનારા શ્રીહરિ અને સદા હિત કરનારા સંતો-ભક્તોનું મહત્ત્વ સમજાતું નથી, એટલે જ અપેક્ષાઓની આગ ઓલવાતી જ નથી.
“કોઈ વસ્તુ કે વ્યક્તિની અછતમાં કિંમત સમજાય તે તો આપણી ગરજ છે, પણ છતમાંય તેની કિંમત કરવી તે આપણી ફરજ છે.”
ભૌતિક તેમજ આધ્યાત્મિક પ્રાપ્તિઓ પ્રાપ્ત થવા છતાં જે પાગલ થતા નથી અને સફળતા કે સગવડતામાં પણ જે સંયમ જાળવે છે; તેના ઉપર શ્રીહરિ અત્યંત પ્રસન્ન થાય છે. એટલે જ વચ.ગ.મધ્ય ૨૫માં મહારાજે કહ્યું કે ત્યાગી ભગવાન જેવા ઐશ્વર્ય પામે અને ગૃહસ્થ ઇન્દ્ર જેવી પદવી પામે છતાં દીન-આધીન થઈને રહે તેના ઉપર અમે અતિશય પ્રસન્ન થઈએ છીએ. સદ્.ગોપાળાનંદ સ્વામી અપાર ઐશ્વર્ય પામીને અને શિવલાલ શેઠ અઢળક સંપત્તિ પામવા છતાં જરાય ન છક્યા. તેવી જ રીતે આજે પણ ઘણા ભક્તો ધનવાન હોવા છતાં સંતોના વચને સાદગીભર્યું જીવન જીવે છે, ઘણા યુવાનો ફોનની લતથી દૂર રહે છે. આપણે પણ તેમના જીવનમાંથી પ્રેરણા લઈ આ છતના છકથી બચતા રહીએ.
Related of Blog


