
એક વખત શ્રીહરિ લોયા ગામમાં વિરાજમાન હતા. ત્યાં ધોળકા ગામનાં વણિક જ્ઞાતિનાં એક બાઈ હરિભક્ત શ્રીહરિ માટે ભાવથી શ્વેત અંગરખું લાવ્યાં હતાં. તેમણે આગ્રહ કરીને તે અંગરખું શ્રીહરિને પહેરાવ્યું. પછી તેમણે શ્રીહરિને હાથ જોડીને કહ્યું કે, “મહારાજ, આ અંગરખું ફાટે ત્યાં સુધી આપ રાખજો. મારા મનમાં એવો ભાવ છે.”
શ્રીહરિએ તે અંગરખું ચાર ઘડી સુધી પહેરી રાખ્યું. પછી પોતાની પીઠ મરોડી, તેથી અંગરખું ફાટી ગયું. તે અંગરખું પીઠના ભાગમાં ઊભે ઊભું ચિરાઈ ગયું. પછી હાથની કોણીને જ્યારે સહજ સ્વાભાવિક રીતે મરોડી ત્યારે બંને બાંયો તરત ફાટી ગઈ. પછી શ્રીહરિ તે હરિભક્તની આગળ બોલ્યા કે, “તમે જેમ કહ્યું હતું તેમ જ અમે કર્યું. આ અંગરખું જ્યાં સુધી ફાટ્યું, ત્યાં સુધી અમે પહેર્યું; પણ હવે તો આ અંગરખું ફાટી ગયું છે.” એમ કહીને શ્રીહરિએ હરિભક્તોને ખૂબ જ હસાવ્યા-પ્રસન્ન કર્યા.
વહાલા ભક્તો ! તે બાઈ ભાવથી શ્રીહરિ માટે અંગરખું લાવ્યાં અને શ્રીહરિને પહેરાવ્યું, પણ તેમના ભાવમાં થોડો મનધાર્યું કરવાનો સ્વભાવ ભળી ગયો, તો શ્રીહરિ પાસે પણ પોતાનું મનધાર્યું કરાવ્યું ને શ્રીહરિનો થયેલો રાજીપો પણ ગયો. આધ્યાત્મિક માર્ગમાં શ્રીહરિ અને તેમના સંતો-ભક્તોને સુખ-આનંદ આપીને તેમની પ્રસન્નતા મેળવવા જેવી કોઈ બીજી વાત નથી; પરંતુ તેમાં સૌથી વધુ નડતરરૂપ હોય તો તે છે - અહંકાર, અટંટતા, માન વગેરે. સત્સંગમાં આપણે સેવા-ભજન ખૂબ કરીએ, પરંતુ જો પોતાનું ડહાપણ અને મનધાર્યું કરવાનો સ્વભાવ મૂકીને સરલ ન થઈ શકીએ, તો ઘણી વાર જિતેલી બાજી પણ હારી જઈએ છીએ; શ્રીહરિ કે મોટાનો મળેલો રાજીપો પણ ખોઈ બેસીએ છીએ. એટલે જ સત્સંગની મા સમાન આપણા મુક્તાનંદ સ્વામી કહે છે કે —
સાધન સર્વે માન બગાડે પળ વિષે,
જેમ ભળિયું પયસાકરમાં અહિ ઝેર જો...સાંભળ
સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે, “સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે ને મનધાર્યું કરવું તે કનિષ્ઠ છે. મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય, તોપણ તે ન્યૂન છે, ને તેને કોઈક દિવસ વિઘ્ન છે. અને જે ત્રણ ટાણાં ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય; એવી રીતના દોષે યુક્ત હોય, પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે.”
સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે —
સરલ વરતવે છે સારું રે મનવા સરલ વરતવે છે સારું,
માની કર્મ વચને માનને મેલી, કાઢ્ય અભિમાન બા’રું;
હાથ જોડી હાજી હાજી કરતાં,
કેદી ન બગડે તે તારું રે...મનવા
આપણા વહાલા ગુરુજી પણ કહે છે કે —
‘જ્ઞાન’ સરલ થા સરલ થા, સરલતા વિના કદાય;
આ આધ્યાત્મિક માર્ગમાં, ચાલે જ ન નહીં જરાય.
માટે વહાલા ભક્તો,
મૂકી દઈએ બધા જ વળ, બની રહીએ સદાય સરળ;
હરિ સંતો ભક્તો થશે રાજી, જીતી જશું સતસંગ-બાજી.