Bhagwanna Bharose

Bhagwanna Bharose
February 8, 2023
Anadiswarupdasji Swami - Kundaldham
0:00/0:00

એક વખત ગામ ઉમરેઠના નંદુભાઈ ઠાકર ગામ ગોધરા ગયા હતા. ત્યાંથી પાછા વળતાં અંધારી રાતમાં રસ્તો ભૂલી ગયા. ત્યારે પોતાની ઘોડીને એક વૃક્ષને થડે બાંધીને ત્યાં બેઠા, ત્યારે તેમને યાદ આવ્યું કે, ‘મહારાજે સભામાં વાત કરી હતી જે, આપત્કાળ પડે ત્યારે ભગવાનને સંભારવા, તો ભગવાન રક્ષા કરે.’ તેથી તેઓ શ્રીજીમહારાજનું સ્મરણ કરવા લાગ્યા .

એટલામાં એક કૂતરું ભસ્યું. તે બાજુ જોયું ત્યારે તેમણે એક દીવો દીઠો. નંદુભાઈએ ત્યાં જઈ ત્યાં રહેલ મનુષ્યને પૂછ્યું જે, “તમે કોણ છો?” ત્યારે તેણે કહ્યું જે, “હું સરકારી માણસ છું.” ત્યારે નંદુભાઈ કહે, “અમને અહીંયાં રાત રહેવા દેશો ?” ત્યારે તેણે કહ્યું જે “સુખેથી રહો ને હું માણસની રક્ષા કરવા સારું જ અહીંયાં રહ્યો છું.”

પછી ઘોડી બંધાવીને ખડ નીર્યું અને પૂછ્યું જે, “તમારે કાંઈ જમવું છે ?” ત્યારે નંદુભાઈ કહે, “ના, મારે જમવું નથી.” પછી ખાટલો ઢાળી દઈને નંદુભાઈને સુવાર્યા અને તેમની પગચંપી પણ કરી.

સવારનો વખત થયો ત્યારે નંદુભાઈને જગાડીને રસ્તો બતાવ્યો. રસ્તે જતાં નંદુભાઈએ જે માણસ સામા મળ્યા, તેમને પૂછ્યું જે, “અહીંયાં કોઈ ચોકીદાર રહે છે ?” ત્યારે તેઓ કહે કે, “અહીંયાં ચોકી કરવાનું કોઈ થાણું નથી.” તે સાંભળી નંદુભાઈએ પાછા વળી તે ઠેકાણે જઈને જોયું. ત્યારે ઘોડીની લાદ પડેલી દીઠી અને ખડ નીરેલું દીઠું, પણ બીજું કાંઈ દીઠું નહીં. તેથી નંદુભાઈએ જાણ્યું જે, નક્કી આ તો શ્રીજીમહારાજ જ મારી રક્ષા કરવા આવેલા !

પછી પોતે ત્યાંથી બારોબાર વડતાલ આવ્યા અને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. પછી નંદુભાઈ કહે, “હે મહારાજ ! તમે મારી સંકટમાં રક્ષા કરી તે તો ઠીક, પણ તમે જે મારા પગ દાબ્યા એ અપરાધથી હું ક્યાં છુંટીશ ?” ત્યારે મહારાજ કહે, “નંદુભાઈ ! ક્યારેક સેવક પગ દાબે અને ક્યારેક માલિક પણ પગ દાબે ! તે અપરાધ ન કહેવાય.”

આમ, ભગવાન પર ભરોસો રાખનાર પોતાના ભક્તની જરૂર રક્ષા કરે છે. હા, તે ક્યાં, કઈ રીતે, કોના દ્વારા કરે, તે કાંઈ નક્કી નથી હોતું, કારણ કે એને એક કામ દ્વારા અનેકનાં કામ કરવાનાં હોય છે .

વહાલા ભક્તો, આપણને આપણા દેહનો, દેહના સંબંધીઓનો, મિત્રો નો, આપણી સંપત્તિનો, આપણાં બુદ્ધિ, બળ, આવડત, કૌશલ્ય વગેરેનો સતત ભરોસો અને આધાર રહે છે. પણ, એમાંથી કોણ, ક્યારે અને કેવી રીતે આપણો સાથછોડી દે તેનું કાંઈ નક્કી નહીં.

બીજી બાજુ સર્વ સમર્થ, સર્વજ્ઞ અને દયાળુ એવા ભગવાનનો અને તેમને વહાલા એવા સાચા સંતો અને ભક્તો નો જો દૃઢ આશરો અને ભરોસો હોય તો તેઓ ગમે તેવી વિકટ પરિસ્થિતિ ઓમાં પણ આપણી રક્ષા કરે છે .

માટે વહાલા ભક્તો ! ચાલો, આપણા વહાલા મહારાજનો ભરોસો એવો પાકો કરી લઈએ કે જેથી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આપણે તેમના આધાર અને વિશ્વાસે અંતરથી સુખી, શાંત અને આનંદમય રહી શકીએ. 

ખરેખર, ભગવાનનો દૃઢ આશરો અને ભરોસો રાખવો; એના જેવો સર્વ પ્રકારે સુખી થવાનો કોઈ ઉપાય નથી, આથી જ હ.ચ.સા.માં કહ્યું છે કે -

बहु बली है ब्रह्मांड में, बलवान से बलवान।
सबसे बलवान यही है, जिनका बल भगवान।।
भगवान का ही बल, भक्त्तन को रखना सदा ।
दूसरा बल निर्बल, ताका विश्वास करना नहि ।।

માટે સતત ગાતા રહીએ,

હું છું હરિ નો, હરિ મમ રક્ષક, એ ભરોસો જાય નહીં;
જે કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં