Bhagwan mateno samay

Bhagwan mateno samay
October 1, 2026
Varniveshdasji Swami - Kundaldham

એક સમયે ગુજરાતના એક સમૃદ્ધ નગરમાં દામોદર શેઠ નામના વેપારી રહેતા હતા. તેઓ વારસાગત સત્સંગી હતા. તેમની પાસે અઢળક સંપત્તિ, મોટાં મકાનો, દુકાનો, જમીનો અને ઘણા નોકરો હતાં. વેપારમાં તેઓ એટલા સફળ હતા કે લોકો તેમને “નગરશેઠ” તરીકે ઓળખતા; પરંતુ એક વસ્તુ તેમની પાસે નહોતી — ભગવાન માટેનો સમય.

તેમની પત્ની રોજ કહેતી, ‘શેઠજી ! થોડો સમય મંદિરે પણ જાઓ. સંતો આવે ત્યારે કથા સાંભળો. બાળકોને પણ સત્સંગ શીખવો.’

શેઠ હસીને જવાબ આપતા, ‘હજુ કમાવાનો સમય છે. વૃદ્ધ થઈશ ત્યારે બધું કરી લઈશ. ભગવાન ક્યાં ભાગી જવાના છે ?’

વર્ષો પસાર થતા ગયા. ધંધો વધતો ગયો. સંપત્તિ વધતી ગઈ, પણ સત્સંગ ઘટતો ગયો. સંતો ગામમાં આવે ત્યારે શેઠ દાન મોકલી દેતા, પરંતુ દર્શન કરવા ક્યારેય જતા નહીં.

એક દિવસ એક પરમહંસ સંત ગામમાં પધાર્યા. સંતે સભામાં એક જ વાત કરી : જીવનમાં સૌથી મોટો ભ્રમ એ છે કે માણસ માને છે કે મારી પાસે હજુ ઘણો સમય છે. આ વાત સાંભળનાર દરેક હરિભક્તના હૃદયમાં ઊતરી ગઈ, પરંતુ શેઠ ત્યાં હાજર નહોતા.

થોડા મહિનાઓ પછી શેઠને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો. નગરના મોટા ડૉક્ટરો બોલાવવામાં આવ્યા. ઘણા પ્રયત્નો કર્યા, પણ ડૉક્ટરોએ પરિવારને કહી દીધું, હવે ભગવાન પર જ આશા છે. શેઠ પહેલી વાર મૃત્યુની નજીક ઊભા હતા. તેમને પોતાનું વ્યતીત જીવન આંખ સામે દેખાવા લાગ્યું. યુવાની, ધંધો, ધન-સંપત્તિ, મોટાં મકાનો વગેરે યાદ આવ્યું, પણ ભગવાનનું ભજન યાદ ન આવ્યું, કેમ જે, તેમણે ભજન ક્યારેય કર્યું નહોતું.

રાત્રે તેમને એક અજોડ સ્વપ્ન આવ્યું. તેમણે જોયું કે બે દિવ્ય દૂત તેમને એક વિશાળ માર્ગ પર લઈ જઈ રહ્યા છે. થોડે આગળ એક ભવ્ય દરવાજો હતો. દરવાજા પાસે એક દિવ્ય પુરુષ બેઠા હતા. તેમની સામે એક મોટો ખુલ્લો ચોપડો હતો.

શેઠે પૂછ્યું, ‘આ શું છે ?’

દિવ્ય પુરુષ બોલ્યા, ‘આ તારા જીવનનો હિસાબ છે.’

શેઠે ખુશ થઈને વિચાર્યું, ‘તો તો મારા ધનની યાદી હશે.’ દિવ્ય પુરુષ સ્મિત કરીને બોલ્યા, ‘અહીં રૂપિયા નહિ, પુણ્ય ગણાય છે.’

પછી તેમણે ચોપડો ખોલ્યો.

પહેલા પાના પર લખેલું હતું — બાળપણમાં માતા સાથે કરેલું ભગવાનનું સ્મરણ.

બીજા પાના પર — એક ભૂખ્યા માણસને અપાયેલી રોટલી.

ત્રીજા પાના પર — એક વખત કરેલું નિઃસ્વાર્થ દાન.

ત્યારપછીનાં બધાં પાનાં ખાલી...

શેઠ ચોંકી ગયા. ‘મારું આખું જીવન ક્યાં ગયું ?’

દિવ્ય પુરુષે જવાબ આપ્યો, ‘તું આખી જિંદગી પૈસા કમાતો રહ્યો, પરંતુ અહીં તેમાંથી કશું આવ્યું નથી.’

શેઠ ગભરાઈ ગયા.

‘મારી દુકાનો ?’ ‘અહીં નથી.’ ‘મારા બંગલા ?’ ‘અહીં નથી.’ ‘મારું બેંક બેલેન્સ ?’ ‘અહીં નથી.’ ‘મારાં સોનાનાં ઘરેણાં ?’ ‘અહીં નથી.’

‘તો પછી શું સાથે આવ્યું ?’

દિવ્ય પુરુષે શાંતિથી કહ્યું, ‘જે ભગવાન માટે કર્યું હોય તે જ અહીં પહોંચે છે.’

શેઠના ચહેરા પરથી રંગ ઊડી ગયો.

તેમણે વિનંતી કરી, ‘મને માત્ર એક વર્ષ પાછો મોકલશો ?’

જવાબ મળ્યો : ‘સમય પૂરો થયો.’

‘તો એક મહિનો મોકલશો ?’

‘ના.’ ‘એક દિવસ ?’

‘ના, એક દિવસ પણ નહીં.’ શેઠ રડવા લાગ્યા.

‘માત્ર એક કલાક... હું બધું દાન કરી દઈશ.’

દિવ્ય પુરુષ બોલ્યા, ‘હજું તારું મન પૈસામાં જ રમે છે. દાન કરવા માટે સમય માગવા કરતાં ભગવાન માટે સમય માગવાની જરૂર છે.’

ત્યારે જ તેમને જોરથી અવાજ સંભળાયો : ‘શેઠજી... શેઠજી... આંખ ખોલો.’

તેમની આંખ ખૂલી. ઊંડો શ્વાસ લીધો. હાશ..! આ તો સ્વપ્ન હતું. ડૉક્ટર તેમની બાજુમાં ઊભા હતા. જોખમ ટળી ગયું હતું. તેઓ બચી ગયા હતા.

બીજા જ દિવસે શેઠ સીધા મંદિરે ગયા. સંતોના ચરણોમાં પડી ગયા. રડતાં રડતાં બોલ્યા, ‘સ્વામી ! ભગવાને મને બીજી તક આપી છે.’ સંતે પૂછ્યું, ‘શું થયું ?’ શેઠે આખું સ્વપ્ન કહી સંભળાવ્યું. સંતે કહ્યું ભગવાન ઘણી વખત માણસને મૃત્યુ પહેલાં જાગવાની તક આપે છે, પણ બધા જાગતા નથી. પરંતુ શેઠનું તો તે જ દિવસથી જીવન બદલાઈ ગયું. તેઓ રોજ સવારે મંગળા આરતીનાં દર્શન કરવા લાગ્યા. દરરોજ શાસ્ત્ર વાંચવા લાગ્યા. રોજે સવારની કથા સાંભળવા લાગ્યા. સંતસમાગમનો લાભ લેવા પવિત્ર તીર્થસ્થાનમાં સંતો સાથે રહેવા લાગ્યા અને સેવા-ભજન કરવા લાગ્યા. પરંતુ હવે એક ખાસ વાત એ હતી કે કોઈને પણ ખબર ન પડે એ રીતે ગુપ્તદાનની સેવા કરતા.

એક દિવસ તેમના દીકરાએ પૂછ્યુંં, ‘પિતાજી, પહેલાં તો તમે દરેક દાનમાં તમારું નામ લખાવતા હતા. હવે કેમ નથી લખાવતા ?’ શેઠ હસીને બોલ્યા, ‘પહેલાં હું લોકો પાસે નામ લખાવતો હતો, હવે ભગવાનના હૃદયમાં નામ લખાવું છું.’

વર્ષો પછી જ્યારે તેમની અંતિમ ક્ષણ આવી, ત્યારે તેમના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. તેમણે પરિવારને કહ્યું : મોટા બંગલા, ધન-સંપત્તિ, જમીન કે દુકાનો બધું અહીં જ રહી જશે. એક જ વસ્તુ સાથે આવશે — ‘ભગવાનને રાજી કરવા માટે જીવેલું જીવન.’ આમ, તેમણે ભગવાનનું નામ લેતાં લેતાં શાંતિપૂર્વક દેહ છોડયો.

વહાલા ભક્તો ! શેઠે પ્રથમ જીવન ધન કમાવવામાં વીતાવ્યું, પરંતુ બીજું જીવન ભગવાન કમાવવામાં વીતાવ્યું. ‘જે દિવસથી માણસ ભગવાન માટે જીવવાનું શરૂ કરે છે, તે દિવસથી તેનું સાચું જીવન શરૂ થાય છે.’ તો વહાલા મહારાજ, પૂ.ગુરુજી અને સંતોના ચરણોમાં પ્રાર્થના કે, મારા સર્વે શ્વાસો ભગવાન માટે જ લેવાય એવી કૃપા કરશો...