પ્રેરણાદાયી ડિબેટ

પ્રેરણાદાયી ડિબેટ
September 1, 2026
આત્મીયસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ

સહજાનંદ ગ્રૂપના તમામ યુવકો જ્યાં પણ મળે, પરસ્પર એક જ ચર્ચા ચલાવે : “ગામડા વિચરણમાં પધારેલ સંતોએ આ વખતે જે લાભ આપ્યો, તેમાંથી કોને કોને કયા કાર્યક્રમ ગમ્યા ? કઈ કઈ વાતથી શું ફાયદો થયો ? ને કેવી ફીલિંગ આવી ?” યુવાસંચાલક ઉમંગભાઈએ આ અંગે પરસ્પર સ્વાનુભવની ચર્ચા કરવાનો ૧૦ દિવસ સુધીનો ટાસ્ક આપેલો. પોતાના કામની વાત અંગે સજાગતા આપવી અને સૌને એ વિચારોમય રાખીને તેની દૃઢતા કરાવવી; એવા ઉચ્ચ હેતુથી તેમણે સુજ્ઞતાપૂર્વક સૌને આમાં જોડેલા. અને તેનો ફાયદો પણ ખૂબ જ થયેલો. આ ટાસ્કને અંતે ચર્ચા-વિચારણામાંથી ખૂબ સારું તારણ હાથ આવ્યું. ઉમંગભાઈના કહેવાથી પોષક લીડરોએ એ તારણના મુદ્દાઓ એક કાગળમાં ટપકાવી લીધા. ત્યારબાદ એક દિવસ કેટલાક વડીલો તેમજ કાર્યકર લીડરોની યોજાયેલ મીટિંગમાં આ મુદ્દાઓ ચર્ચાવા લાગ્યા.

ઉમંગભાઈએ વાતનો પ્રારંભ કરતાં કહ્યું, “શાંતિકાકા ! પૂ.ગુરુજીની મરજી જોઈ આપણા ગામનાં જે જે ભાઈઓ-બહેનોએ ભજન પ્રકલ્પોમાં ઝંપલાવ્યું છે, તેનું રિઝલ્ટ ખૂબ સારું જણાય છે. ભજનમય રહેવાથી સૌને સુખ અને આનંદ વધ્યાં છે. ને એમાંય સંતોએ આ વખતે કેટલાક ભક્તોને ભજન વિષયક પોતાની ફીલિંગ પૂછી રાજીપો આપ્યો અને ભજન બાબતે ક્વોલિટી જાળવવાની વાત કરી; તે સૌને ખૂબ જ ગમી. એટલે આમાં હજુ પણ વધારે ભક્તો જોડાવાના.

આપણા ગામમાં સંતોએ ૪ દિવસ રોકાઈને જે લાભ આપ્યો, તેનાથી સૌની બેટરી ચાર્જ થઈ ગઈ છે. એ સમયે યોજાયેલ દરેક કાર્યક્રમમાં સૌએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીમાં પોતાના લેવલના મુમુક્ષુતાભર્યા પ્રશ્નો સાંભળી સંતો આપણા ઉપર રાજી થયા હતા. કાર્યકરસભામાં સેવાના ઉત્સાહની તેમજ સ્વતપાસની વાતથી અંતરજાગૃતિ મળી હતી. વળી, સમૂહ ગોષ્ઠી તથા પર્સનલ ગોષ્ઠીથી પણ ઘણી શુદ્ધિ-વૃદ્ધિ થઈ હોય એમ જણાય છે. ખાસ તો યુવાસભામાં પૂ.સંતોએ આપેલ કેટલાક આદર્શ પાત્રોના દાખલાઓ, પ્રસંગો અને સાવધાનીની વાતોથી સૌ યુવકોમાં સારી એવી અસર આવી છે. ‘હવે આ નથી જ કરવું, સંપ અને સ્વીકાર સાથે હવે મારે આમ જ જીવવું છે.’ આવા કેટલાક ઠરાવો કર્યાનું પણ સંભળાય છે. સૌ ભક્તો સત્સંગિજીવનની કથા સાંભળવામાં રેગ્યુલર છે, ને આંગળી ચીંધ્યાનું પુણ્ય પણ મોટાભાગના ભક્તો કમાઈ રહ્યા છે. પણ... કાકા, આપણે સૌએ એક બાબતમાં જરા ધ્યાન દેવા જેવું મને લાગ્યું.” કાકાએ પૂછ્યું, ‘ઉમંગ ! એ કઈ બાબત ?’ ઉમંગે કહ્યું, ‘એક દિવસ પૂ.સંતોએ રાત્રિસભામાં નિયમિત ચેષ્ટા કરવા બાબતે ઊંચી આંગળી કરાવી, તો એમાં આપણી 60% જેટલી જ આંગળી ઊંચી થઈ હતી. જો આ બાબતમાં સરખું થઈ જાય તો બાકી બધું તો ઘણું સારું જણાય છે.’

આટલી વાત કરતાં ઉમંગભાઈને કાંઈક યાદ આવ્યું, ‘અરે હા, કાકા ! સૌથી અગત્યની વાત કહેવાની તો રહી જ ગઈ ! સંતોએ બે ગ્રૂપ પાડીને વહેલા સૂઈ જવા અંગે કરાવેલી ડિબેટે તો રંગ રાખ્યો !’ શાંતિકાકાએ કહ્યું, ‘ઉમંગ, વર્ણવીને વાત તો કર. કેમ કે, મારે કટાણાનું બરાબર તે જ દિવસે બહારગામ જવું પડ્યું હતું, તેથી હું હાજર નહોતો રહી શક્યો.’ ઉમંગભાઈ બોલવા લાગ્યા, ‘કાકા, આપ અહીં પૂ.ગુરુજીની મરજી પ્રવર્તાવવા ઘણું મથ્યા હતા, છતાં રિઝલ્ટ નહોતું મળતું; પણ તે દિવસની ડિબેટથી તો સૌને એકદમ ક્લિયર થઈ ગયું ! ઘણા બધાને પોતાના સવાલોના ઉકેલ મળી ગયા. મનનાં બીબાંઓ, ખોટી માન્યતાઓ, મુશ્કેલીઓ અને પરિસ્થિતિઓમાંથી પણ એવા એવા રસ્તા નીકળ્યા કે ન પૂછો વાત ! મને લાગે છે કે હવે આપણને આ બાબતે પણ રાજીપો મળવાનો. કાકા, હું તમને આ અંગેની કેટલીક વાતો થોડી વિસ્તારથી જણાવું...’

શરૂઆતના દિવસોમાં તો હું પણ સાચે જ એવું માનતો કે આજના કાળમાં પૂ.ગુરુજીએ કરેલ આ આજ્ઞા પાળવી ઘણી કઠણ છે. એટલે બે પક્ષમાંથી હું વહેલા સૂઈ જવાના પક્ષમાં નહિ રહેતાં વિરોધ પક્ષના ગ્રૂપમાં રહ્યો હતો. અમે કેટલાક યુવકોએ અમારો પક્ષ ઘણો બધો મજબૂત કર્યો. જેમ કે, ‘હું રાત્રે જોબથી જ 8:30 વાગ્યે આવું છું ને ત્યારપછી જમવાનું અને બીજા-ત્રીજા કામમાં 11 તો સહેજે વાગી જ જાય છે.’ ‘મને વહેલા ઊંઘ જ નથી આવતી.’, ‘દિવસે સમય નથી મળતો તો ફેમિલીને સમય આપવાની પૂ.ગુરુજીની આજ્ઞા પાળવાનો બીજો કયો સમય કાઢવો ?’, ‘સગાં-સ્નેહીઓ રાત્રે બેસવા આવે તો એને થોડી ના પડાય છે ?’, ‘ક્યારેક બર્થ-ડે વગેરે પાર્ટી કરવાની થાય ત્યારે તો મોડું થાય જ ને !’, ‘વર્કલોડને કારણે માઇન્ડ ફ્રેશ કરવાની અને ફ્રેન્ડસર્કલમાં થોડી હસી-ખુશી તથા આત્મીયતા કરવાની આપણી સાચી જરૂરિયાત ક્યારે પૂરી કરવી ?’, ‘મારે રાત્રે જ ઘરાક આવે છે અને તેમાં જ મારી કમાણી થાય છે’, ‘મારે મોટો ધંધો છે, તે વોટ્સએપ ચેક કરવામાં રાતના 12 વાગી જાય છે...’ આવા તેવા સાચા-ખોટા અમે લોકોએ અનેક પ્રશ્નો રજૂ કર્યા.

અમારા પક્ષવાળાએ ઘણું બળ કર્યું, પણ કાકા, સાચું કહું ! પ્રતિપક્ષીઓએ અમને કેમેય ફાવવા ન દીધા. અમારા એક-એક પ્રશ્નના એવા જડબાતોડ જવાબ દીધા કે એને સાંભળીને અમારો પક્ષ તો નબળો થવા લાગ્યો. સંતોએ અમને હારતા જાણી થોડો ટેકો પણ કર્યો, પરંતુ એ લોકોના સચોટ જવાબ સાંભળી અમારામાંથી જ કેટલાક સભ્યોએ ‘મને હવે સાચું સમજાઈ ગયું છે. હવે હું 10:30 વાગ્યા પહેલાં સૂઈ જઈશ.’ આવી પ્રતિજ્ઞા સાથે ખુલ્લેઆમ પક્ષપલટો કર્યો !

કાકાએ પૂછ્યું, ‘ઉમંગ, એ લોકોએ તમને કેવા જવાબો આપ્યા ?’ ઉમંગભાઈએ કહ્યું, ‘કાકા, મારા પ્રશ્નના જવાબમાં કેવલભાઈએ મને સીધો જ સવાલ કર્યો કે, ‘ઉમંગ, તું પૂ.ગુરુજીની આજ્ઞાની મહત્તા સમજી 30 મિનિટનો ફેરફાર કરે તો તારે કેટલા લાખ રૂપિયાનું નુકસાન જાય ?’ કાકા, મારે શું બોલવું ? પછીના પ્રશ્નોના રિસ્પોન્સમાં સૌમ્ય, હાર્દિક અને નમ્ય માઇક લેવા પડાપડી કરતા. કેમ કે, અમારા દરેક પ્રશ્નોના જવાબ સૌની પાસે સ્પષ્ટ હતા. તેમણે અમને સંબોધીને પ્રશ્નના ઉત્તરોની ઝડી આવી રીતે વરસાવવા માંડી : ‘તમને લોકોને વોટ્સએપમાં બિનજરૂરી સ્ટેટસ જોવાની, ટી.વી. જોવાની, રાત્રે મિત્રસર્કલમાં હસી-ખુશી કરવાની મહત્તા હોય; ને એની જ પ્રાયોરિટી હોય તો એ થાય; અને આજ્ઞાની પ્રાયોરિટી હોય તો એ થાય ! કેટલાંક સારાં અને સુંવાળાં બહાનાં તળે જીવનારને કોઈ ને કોઈ પ્રકારે તેનું મન છેતરે છે. ખટકાવાળાને આજ્ઞા એક નંબરે હોય છે અને બીજી બધી બાબતો બે નંબરે. જેને આજ્ઞા પાળવી જ હોય તેને એકેય પરિસ્થિતિ આડી આવતી નથી; કોઈ ને કોઈ પ્રકારે સેટિંગ થઈ જ જાય છે; અને બાકીનાને તો અનેક બારીઓ હોય છે.’

કાકા ! આ પ્રસંગે સામા ગ્રૂપવાળાએ ઘણાક પ્રેક્ટિકલ દાખલાઓ પણ રજૂ કર્યા હતા. તેમાં તેમણે કહ્યું હતું કે, ‘અમે અમારા ફેમિલીમાં ભેગા મળીને સમૂહમાં નક્કી કર્યું છે કે, ‘દસ એટલે બસ !’ તેથી છેલ્લા 10:15 વાગ્યે તો અમે સૌ પથારીમાં હોઈએ.’ તેમણે પોતાનો અનુભવ સેર કરતાં કહ્યું હતું કે, ‘રાત્રે વહેલા સૂઈ જવાનો સૌથી મોટો ફાયદો એ થાય કે સવારે વહેલા જાગી શકાય અને ધ્યાન શિબિરનો તથા કથાનો એકદમ વ્યવસ્થિત લાભ લઈ શકાય. પરિણામે ભગવાનમાં હેત વધતાં સુખમાં પણ અનેક ગણો વધારો થાય. વળી, શારીરિક દૃષ્ટિએ રોગપ્રતિકારકશક્તિ મજબૂત બને, શરીરને સંપૂર્ણ આરામ મળે, માનસિક તણાવ અને ચિંતા ઓછી થતાં મગજ તાજગી અનુભવે. વળી, તેને લઈને સવારે પણ વહેલા જાગી જતાં અભ્યાસ અને કામમાં એકાગ્રતા વધે છે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે, શાંતિ મળે છે.’ આ બધી ફાયદાની વાતોથી કાકા અશક્ય લાગતી વાત પણ અમારા ગ્રૂપવાળાનેે સારી રીતે સમજાઈ ગઈ. પાક્કું થઈ ગયું કે 10:00 વાગ્યે પણ સૂવું હોય તો સૂઈ શકાય છે ખરું !

ડિબેટના અંતમાં પૂ.સંતોએ આ બાબતનું સંતુલન સમજાવતાં કહ્યું હતું કે, ‘પૂ.ગુરુજી જેને વાસ્તવમાં કાંઈક પરિસ્થિતિ હોય તેનેય આ આજ્ઞા બળજબરીથી પાળવાનું કદી નથી કહેતા; પણ આપણે પોતાની સાઇડથી તો ચેક કરી લેવું જોઈએ કે, હું નજીવી બાબતને પ્રધાનતા આપી એને જ પરિસ્થિતિ સમજી લેતો નથી ને ? સરસ રસ્તો હોવા છતાં પણ ડાયવર્ઝન નથી લેતો ને ? રાત્રે મોબાઇલમાં એપિસોડ, ગેમ કે રીલ્સ વગેરે પાંચ મિનિટ જોઈ લઉં; એ વિચારે બે-ત્રણ કલાક બગાડીને રોજેરોજ મનથી છેતરાતો તો નથી ને ?’

કાકા ! મને વિચાર આવે છે કે જેમ દૈનિક ક્રિયાનું આપણું શિડયુલ રૂટિનમાંં વણાઈ ગયું છે, એમ જ વહેલા સૂઈ જવાનું પણ રૂટિનમાંં લઈ લઈએ તો કેમ ? શાંતિકાકાએ સૂર પૂરાવી કહ્યું, ‘હા હા કેમ નહિ ! શાકભાજીનો ધંધો કરનારને જથ્થાબંધ માલ ખરીદવો હોય તો સવારે ત્રણ-ચાર વાગ્યે જાગવું જ પડે છે. જો મોડું કરે તો સારી ક્વોલિટીનો માલ વેચાઈ જાય છે; તેમ આ માર્ગે આપણે પણ નુકસાની ન ભોગવવી હોય ને ફાયદો લેવો હોય તો વહેલા સૂઈ જવાની બાબતને આપણી જરૂરિયાત સમજીને પણ ટેવ પાડી જ દેવી જોઈએ.’ આટલા સંવાદ બાદ જયનાદ સાથે મીટિંગ પૂરી થઈ, પણ આ પ્રસંગે મીટિંગમાં હાજર રહેલા તમામ સભ્યોએ વહેલા સૂઈ જવાનો દૃઢ ઠરાવ કરી લીધો. વહાલા ભક્તો ! હવે આપણે કેમ કરવું છે ?