જેના રખેવાળ ભગવાન...

જેના રખેવાળ ભગવાન...
August 1, 2026
સાકારસ્વરૂપદાસજી સ્વામી - કુંડળધામ

ગામ બારપટોળીના એક શૂરવીર અને નિષ્ઠાવાન ભક્ત ખીમા વાઘ હતા. તેઓ કોઈ કારણોસર પોતાનું મૂળવતન બારપટોળી છોડીને બારમણ ગામે રહેવા ગયા હતા. તેઓ મહારાજની કૃપાથી વહેવારે સુખી હતા. બારમણ ગામના કોઈ એક આગેવાન માણસને રૂપિયાની જરૂર પડી એટલે ખીમા ભક્તે તેમને આઠ હજાર રૂપિયા વ્યાજે અંગ ઉધાર(વચન ઉપર વિશ્વાસ રાખી) આપેલા, પણ કોઈ લખાણ કે સાક્ષી કરેલ નહીં. રૂપિયા આપ્યા તેને ઘણાં વર્ષ વીતી ગયાં, તોપણ પેલો માણસ પાછા આપવાનું સંભારતો જ નહીં. હવે ખીમા ભક્તને એવો ખ્યાલ આવી ગયો કે તેની બુદ્ધિ ફરી છે, એટલે એક દિવસ તેમણે ઉઘરાણી કરી. પેલો માણસ ફરી ગયો ને બોલ્યો, ‘તમે મને રૂપિયા દીધા જ નથી.’

ખીમા ભક્ત પાસે કોઈ લખાણ કે સાક્ષી હતું નહિ, એટલે તેમણે કહ્યું, ‘મેં તમને ભગવાનની સાક્ષીએ તમારા પર વિશ્વાસ કરી રૂપિયા આપ્યા છે, મારા રૂપિયા પાછા આપી દો, નહિ તો હું સરકારમાં ફરિયાદ કરીશ.’ પેલો માણસ કહે, ‘તમારે ફરિયાદ કરવી હોય તો ભલે કરો ! મારે રૂપિયા દેવાના થતા જ નથી.’ ખીમા ભક્ત પણ શૂરવીર અને ભગવાનની જોરદાર નિષ્ઠાવાળા ભક્ત હતા. તેઓ જરાય મૂંઝાયા નહીં. મહારાજનું બળ રાખી તેમણે રાજકોટ જઈ સાહેબ પાસે ફરિયાદ કરી. સાહેબે પેલા માણસને તેડાવીને પૂછ્યું, પણ તે જરાય કબૂલ ન થયો.

થોડા સમય પછી ખીમા ભક્તે ફરી રાજકોટ જઈ તેને સાહેબ પાસે બોલાવ્યો; એમ પાંચ-સાત વાર ધક્કા ખવડાવ્યા. હવે પેલા માણસને મનમાં થયું કે આમ ને આમ ધક્કા ખવરાવશે ને જો સાચી વાત જણાય જશે તો મારે રૂપિયા આપવા પડશે, માટે આનું કાંઈક કરવું પડશે; આમ તેના મનમાં પાપ પેઠું. તેણે મનોમન વિચાર્યું, ‘આ વખતે ખીમો રાજકોટ જાય ત્યારે રસ્તામાં જ એનું કાસળ કાઢી નાખીએ, એટલે આ કનડગત કાયમ માટે મટી જાય !’

પછી એક દિવસ ખીમા ભક્ત ચોપડા લઈ ઘોડે ચડી રાજકોટ જવા નીકળ્યા. પેલા માણસને ખબર પડી એટલે તેમણે હથિયારબંધ દસ ગુંડાઓને રસ્તામાં ખીમા ભક્તને મારી નાખવા માટે બેસાડયા. ઘડી-બે ઘડીમાં ખીમા ભક્ત તે રસ્તેથી આવતા દેખાયા. ખીમા ભક્તને કાંઈ ખબર ન હતી કે તેને મારવાવાળા આગળ બેઠા છે, એ તો ભગવાન સંભારતાં સંભારતાં ચાલ્યા જતા હતા. દૂરથી તેને આવતા દેખી ગુંડાઓ મારવા માટે તૈયાર થઈ ગયા, પરંતુ જેના રખેવાળ ભગવાન હોય તેનો કોણ વાળ વાંકો કરી શકે ! ગુંડાઓની આંખ આગળ એક અજબ દૃશ્ય ખડું થયું. તેમને દેખાયું કે ખીમા ભક્તની આગળ વીસ હથિયારબંધ પાર્ષદો ચાલ્યા આવે છે, ને પાછળ વીસ સાધુ ચાલ્યા આવે છે. ભગવાન શ્રીસ્વામિનારાયણે પોતાના ભક્તની રક્ષા માટે દિવ્ય રક્ષાકવચ ગોઠવી દીધું હતું, એટલે એકેય ગુંડાઓની કારી ફાવી નહિ, કાંઈપણ બોલ્યા વગર બેસી રહ્યા.

ખીમા ભક્ત સ્મરણ કરતાં ક્ષેમકુશળ રાજકોટ પહોંચી ગયા. ત્યાં જઈ વકીલ રાખીને દાવો માંડયો. કોર્ટમાં સાતસો રૂપિયા ભર્યા ને પછી મંદિરે ગયા. બીજે દિવસે ખીમા ભક્ત કોર્ટમાં આગળની કાર્યવાહી કરવા ગયા, પરંતુ બીજે દિવસે એક બીજી કસોટી આવી. જે સાહેબ પાસે રૂપિયા ભર્યા હતા, એ સાહેબને કાંઈ કામપ્રસંગે બહારગામ જવાનું થયું; એટલે એમની જગ્યાએ બીજા સાહેબ આવેલા. તેણે અરજી જોઈ ખીમા ભક્તને કહ્યું, ‘દાવાના રૂપિયા પત્રકમાં નોંધેલ નથી, માટે સાતસો રૂપિયા ભરો ત્યારે જ તમારું કામ આગળ ચાલશે.’

ખીમા ભક્તને નવાઈ લાગી, ‘અરે સાહેબ ! ગઈકાલે જ મેં સાતસો રૂપિયા ભર્યા છે.’ સાહેબને મનમાં થયું કે, ‘સ્વામિનારાયણના ભક્ત કોઈ દી ખોટું બોલે નહિ, પણ મારે કેમ વિશ્વાસ કરવો ?’ પછી તેણે કહ્યું, ‘જો તેં રૂપિયા ભર્યા હોય, તો તું તારા સ્વામિનારાયણ ભગવાનના સમ ખા, તો મને વિશ્વાસ આવે.’

આટલું સાંભળતાં ખીમા ભક્તને મનમાં થયું, ‘જે નામ મને પ્રાણથીય વહાલું, એ નામના સમ ખાવાના ? અને તે પણ નાશવંત રૂપિયા ખાતર ? ક્ષણનોય વિચાર કર્યા વિના ખીમા ભક્ત મક્કમ સ્વરે બોલ્યા : ‘રૂપિયા આઠ હજાર ખોટા થાય તો ભલે થાય, પણ મારા ભગવાનના સમ તો હું નહિ જ ખાઉં !’ એમ કહીને તેઓ મંદિરે પાછા આવતા રહ્યા. એમને મન આઠ હજાર રૂપિયા કરતાં ભગવાનના નામની કિંમત મોટી હતી.

બીજે દિવસે પેલા બહારગામ ગયેલા સાહેબ પાછા આવ્યા. દફતર તપાસતાં એમને પોતાની ભૂલ સમજાઈ કે તેમણે પૈસા દફતરમાં નોંધલા જ ન હતા. તેમણે નિખાલસપણે કહ્યું : ‘મને રૂપિયા આપેલા છે, પણ હું એ દફતરમાં નોંધતાં ભૂલી ગયો છું.’ પછી તેમણે ખીમા ભક્તને બોલાવ્યા ને અતિ પ્રભાવિત થઈને બોલ્યા : ‘તુમ બોત અચ્છે હો, ઔર તુમારા સ્વામિનારાયણ તો ખુદા હૈ !’ એમ કેટલાંય વખાણ કરી સાહેબે ખીમા ભક્તના પક્ષમાં હુકમનામું કરી આપ્યું. અંતે પેલા માણસને રૂપિયા પાછા આપવા પડયા. આમ ખીમા ભક્તની મહારાજે રક્ષા કરી.

વહાલા ભક્તો ! આ પ્રસંગમાંથી આપણને બે વાત જાણવા મળે છે : એક તો એ કે, પોતાના ઇષ્ટદેવની જોરદાર નિષ્ઠા રાખવી. જેને ખરેખરી નિષ્ઠા હોય તેના માથે ગમે તેવું વિઘ્ન આવનારું હોય, તોપણ ભગવાન એમની રક્ષા કરે છે. માટે જીવનમાં કાંઈ વિપત્તિ આવે ત્યારે ભગવાનની નિષ્ઠાનું બળ રાખવું, ભગવાનનો દૃઢ વિશ્વાસ રાખવો.

બીજું એ કે, શિક્ષાપત્રી શ્લોક ૧૪૪માં મહારાજે એવી આજ્ઞા કરી છે કે, ‘અમારા આશ્રિતોએ સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ પૃથ્વી ને ધનના લેણ-દેણે કરીને વ્યવહાર જે તે ક્યારેય ન કરવો.’ આમ મહારાજે પોતાના સગા પુત્ર કે મિત્ર સાથે પણ સાક્ષીએ સહિત લખાણ વિના વહેવાર કરવાની ના પાડી હોય; તો જે આપણાં સગાં નથી, જેના વહેવારને આપણે જાણતા નથી, તેની સાથે એવો વહેવાર કેમ કરાય ? છતાં આપણે આ ભૂલ કરીએ તો જરૂર દુ:ખ આવે. માટે મહારાજે આપણા સુખાર્થે જે જે આજ્ઞાઓ કરી છે, તેનો મહિમા વિચારી તે પ્રમાણે વર્તીએ તો જીવનમાં કોઈ દુ:ખ ન આવે ને સુખે સેવા-ભજન થાય.