
મહાભારતના યુદ્ધના વિજય પછી પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરનો હસ્તિનાપુરની રાજગાદી પર રાજ્યાભિષેક થયો. મહારાજા બન્યા પછી યુધિષ્ઠિર રોજ જે કોઈ જરૂરિયાતમંદ આવે તેને દાન દેતા હતા; આ તેમનો નિત્યક્રમ હતો. રોજ કેટલાય લોકો દાન લેવા આવતા. આખા રાજ્યમાં તેમની આવી દાતારીની ખૂબ જ પ્રશંસા થતી હતી.
એકવાર યુધિષ્ઠિરને દાન દેતાં દેતાં રાતના બાર વાગી ગયા. પછી એક વાગ્યો તોપણ દાન લેવા આવેલા હજુ પણ ઊભા હતા. ત્યારે યુધિષ્ઠિરે તેમના સેવકોને કહ્યું, “હવે રાત ઘણી થઈ ગઈ છે, માટે આ બધાને કહો કે આવતીકાલે સવારે દાન દઈશું.”
ભીમસેન ત્યાં ઊભો હતો. તેણે આ વાત સાંભળી. વાત સાંભળતાં જ તેના કાન ચમક્યા. તે તો દોડીને મહેલના વિજયનગારા પાસે ગયો અને જોર જોરથી નગારું વગાડવા લાગ્યો. લડાઈમાં જ્યારે વિજય પ્રાપ્ત થાય ત્યારે આ નગારું વાગે; એવો રાજ્યનો રિવાજ હતો, પણ અત્યારે કોઈ પ્રસંગ વિના રાત્રે નગારાનો અવાજ સાંભળીને મહારાજા યુધિષ્ઠિર અને બીજા બધા ભીમસેન પાસે આવ્યા.
નગારું વગાડતા ભીમસેનને અર્જુને પૂછ્યું, “ભાઈ, અત્યારે આ નગારું કેમ વગાડો છે ?” ભીમસેને અર્જુનેને કહ્યું, “હું આ વિજયનગારું વગાડી બધા લોકોને કહું છું કે અમારા મોટાભાઈએ કાળ ઉપર વિજય મેળવી લીધો છે. તેમને પોતાની આવરદાનો નિરધાર થઈ ગયો છે. કાલ સુધી તેઓ જીવતા રહેવાના છે, તેની તેમને ખાત્રી થઈ ગઈ છે. તેથી અત્યારે દાન આપવું બંધ કર્યું છે ને કહે છે કે કાલે દાન આપશે.”
એમ કહી ભીમસેને યુધિષ્ઠિરને કહ્યું, “મોટાભાઈ, તમને તમારી આવરદાનો નિરધાર થઈ ગયો ને ?” યુધિષ્ઠિર સમજી ગયા. માળું, આ સાચું કહે છે. દેહનો તો કોઈ નિરધાર નથી. આ તો ખોટું થયું. પછી દાન દેવાનું શરૂ કરી દીધું, તે આખી રાત દાન દીધું.
વહાલા ભક્તો ! શ્રીજીમહારાજે વચ.અંત્યના ૩૦માં કહ્યું છે કે, “આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ જણાતો નથી, એ તો એમ જ નિશ્ચય જણાય છે કે, આ ઘડી, આ ક્ષણમાં આપણે મરવું છે.”
જ્યારે આપણે તો નાશવંત આ દુનિયામાં કાયમ રહેવાના હોઈએ તેમ ધન, સંપત્તિ, માન, મોટાઈ, આબરૂની પાછળ ગાંડા થઈને દોડીએ છીએ, પણ દેહનો કોઈ નિરધાર નથી કે ક્યારે અચાનક આ ઢોકળું ઢળી જશે. આપણને મોંઘો મનુષ્યદેહ મળ્યો છે, માટે નિત્યપ્રત્યે સત્સંગ, કથા-વાર્તા, સંતસમાગમ કરી ભગવાન ભજી લેવા, ભજન-ભક્તિ કરી લેવી. છેલ્લો જન્મ કરી લેવો. નહિ તો ગર્ભવાસ લખચોરાસીમાં ભટકતાં ભટકતાં કોઈ પાર નહિ આવે.
વહાલા ભક્તો ! ભગવાને કલ્યાણ કરી લેવા માટે જ આ મોંઘો મનુષ્યદેહ આપ્યો છે. જો જો ક્યાંક ભૂલ ન થઈ જાય, સવેળા ચેતી જાજો, ડાહ્યાને તો કેટલુંક કહેવું, અને મૂરખ તો પોતાનામાં અપાર ખામી અને બંધન હોવા છતાં, મારું કલ્યાણ થઈ જ જશે; એમ ખોટા વહેમમાં અમૂલ્ય જિંદગી વેડફી નાખે છે.