
મોરબીમાં ઠાકોર રવાજી રહેતા હતા. તેમની પાસે દેદલ કવિ રહેતા હતા. એક વખત સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનના સંત સદ્.બ્રહ્માનંદ સ્વામીની સાથે દેદલ કવિનો મેળાપ થયો. કવિ કવિને સહેજે જ હેત થાય. બ્રહ્માનંદ સ્વામીએ દેદલ કવિને સ્વામિનારાયણ ભગવાનના મહિમા અને પ્રતાપની બહુ વાતો કરી. જેથી દેદલ કવિને સાચી વાત સમજાણી અને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થઈ કંઠી ધારણ કરી.
દેદલ કવિ મોરબી ઠાકોર રવાજી પાસે રહેતા હતા. તેમની ઉપર ઠાકોરને ઘણો પ્રેમ હતો. એક વખત કોઈ માણસે ઠાકોરને કહ્યું કે, ‘ઠાકોર ! તમારા દેદલ કવિ તો હવે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા ને કંઠી ધારણ કરી છે. અને તમે તેની ઉપર ઘણો પ્રેમ રાખો છો, પણ હવે કવિ તમારું માનશે નહિ હો !’
ઠાકોરે દેદલ કવિને બોલાવ્યા અને કહ્યું, ‘કવિરાજ ! આ કંઠી કોની ધારણ કરી છે ?’ કવિ કહે, ‘બાપુ ! એ તો સ્વામિનારાયણ ભગવાનની છે.’ ઠાકોર કહે, ‘અરે, કવિરાજ ! આ લપ ક્યાંથી ઊભી કરી ? કાઢી નાંખો, આપણે વળી કંઠી શાની ?
કવિરાજ જરા વિચારમાં ઊંડા ઊતરી ગયા. તેમને થયું કે, ‘ઠાકોરને કોઈએ ભરમાવ્યું લાગે છે, પણ ફીકર નહીં.’ કવિરાજ ફોસી ન હતા. કવિએ શ્રીજીમહારાજને સંભારીને કહ્યું કે, ‘બાપુ ! સ્વામિનારાયણ ભગવાનની આ કંઠી તો મારે માથા સાથે જડાઈ ગઈ છે, તે હવે નીકળે નહીં.’
ત્યાં શ્રીજીમહારાજને થયું કે, ‘દેદલ કવિની સગવડ મારે કરવી પડશે.’ એમ વિચાર કરી માળિયા ઠાકોર મોડજીને સ્વપ્નમાં દર્શન દીધાં કે, ‘સવારના પહોરમાં સાત ગાડાં મોરબી મોકલી દેદલ કવિને તમારી પાસે બોલાવી લ્યો.’ પછી તો માળિયા ઠાકોર મોડજીએ તરત જ કવિને મોરબીથી માળિયા બોલાવી લેવા સાત ગાડાં મોકલ્યાં.
દેદલ કવિ પ્રભુ પાસે પ્રાર્થના કરતાં કીર્તન રચી રહ્યા હતા, ત્યારે છેલ્લી કડી રચવાની તૈયારી કરતા હતા; ત્યાં માળિયા ઠાકોર મોડજીએ મોકલેલ ગાડાં કવિ પાસે આવી પહોંચ્યાં. તેથી તે આનંદમાં દેદલ કવિએ ઉત્સાહ સાથે અંતિમ કડી રચી...
પછી દેદલ કવિ માળિયા આવ્યા. ત્યાં માળિયા ઠાકોરે તેમને રહેવાની, ખાવા-પીવાની બધી જ તજવીજ કરી આપી.
એક માસ થયા પછી શ્રીજીમહારાજે મોરબી ઠાકોર રવાજીને એવી પ્રેરણા કરી કે, ‘દેદલ કવિને તમે ખોટી રીતે દેશનિકાલ કર્યા છે. તેમણે કંઠી ધારણ કરી અમારો આશરો કર્યો તેમાં ખોટું શું કર્યું ?’ આમ મહારાજે કહ્યું. તેથી રવાજીને દેદલ ભગતનો એવો ગુણ આવ્યો કે, ‘મેં તેમને દસ હજાર કોરી ને એક ગામની લાલચ આપી, છતાં તે લાલચમાં પણ ન લેવાયા અને દુ:ખ સહન કરવા તૈયાર થયા; પરંતુ કંઠી તો ન જ કાઢી. માટે ધન્ય છે તેમની ટેક ને..!’ એમ મહિમા જાણી માણસને માળિયા મોકલી દેદલ કવિને મોરબી પાછા બોલાવી લીધા અને જેમ પ્રેમથી રાખતા હતા, તેમ રાખવા માંડયા.
કવિ માળિયાથી મોરબી જવા નીકળ્યા ત્યારે માળિયા ઠાકોર મોડજીને ‘જય શ્રીસ્વામિનારાયણ’ કહી આભાર માની રજા માગી મોરબી આવ્યા. ધન્ય છે આવા શૂરવીર ભક્તને કે જે દુ:ખ સહન કરવા તૈયાર થયા, પણ કંઠી કાઢી નહીં.