Soy

Soy
July 1, 2026
Krushnapriyadasji Swami - Kundaldham

એક લોભી શેઠ હતા. તેમની પાસે લાખો રૂપિયા હતા, છતાં સાવ ભિખારી જેવું જીવન જીવે. જીવન જરૂરિયાત માટે પણ પૈસા વાપરે નહીં. કાયમ ફાટેલાં કપડાં પહેરે, ઘેર કાંઈ પ્રસંગ હોય તોપણ સારાં કપડાં ન પહેરે. એક પૈસો પણ પુણ્યદાનમાં ન વાપરે. તેમને એક દરજી મિત્ર હતો. તે ખૂબ જ સારો ભગવદ્ ભક્ત હતો. આ મિત્ર શેઠને ઘણું સમજાવે પણ શેઠમાં કોઈ ફેરફાર થયો નહીં.

એક વખત આ દરજી ભક્તને મોટી બીમારી આવી અને છેવટે તેનો દેહ છૂટી ગયો અને તે ધામમાં ગયો. દરજીને આનંદ નામનો એક છોકરો હતો. તે પણ ભગવદ્ ભક્ત હતો. આ આનંદ શેઠના લોભને સારી રીતે જાણતો હતો.

થોડા વખત પછી શેઠ માંદા પડયા. ખૂબ જ ગંભીર બીમારી લાગુ પડી. ડોક્ટરોએ કહી દીધું કે, ‘હવે દેહ રહેશે નહીં.’ સહુ સગાં-વહાલાંઓ શેઠની ખબર જોવા આવવા લાગ્યા, આનંદ પણ શેઠની ખબર જોવા આવ્યો.

શેઠે આનંદને કહ્યું, “હવે દેહ રહે તેમ નથી.”

આનંદે શેઠને કહ્યું, “શેઠજી, કાલે મારા બાપા મને સ્વપનામાં આવ્યા હતા અને મને કહેતા હતા કે વૈકુંઠમાં ભગવાનના વાઘા સીવવા છે; પણ તેમની સોય અહીં રહી ગઈ છે, તો તમે સોય લઈ જશો ? ત્યાં જઈને મારા બાપાને આપી દેજો.”

શેઠે કહ્યું, “ભલે લઈ જાઉં.”

પછી આનંદે શેઠને સોય દીધી ને તે જતો રહ્યો. શેઠને થયું કે, ‘આ સોય કેડિયામાં ભરાવી દઉં.’ પછી વિચાર થયો કે, ‘મારા મર્યા પછી તો કેડિયું તો બળી જશે.’ પછી એમ થયું કે, ‘મોઢામાં મૂકું.’ પછી વિચાર થયો કે, ‘આ દેહ પણ બાળી નાંખશે. માટે હવે સોય કેવી રીતે લઈ જવી ?’

શેઠ તો મૂંઝવણમાં પડયા. છેવટે તેમણે આનંદને પાછો બોલાવ્યો અને કહ્યું, ‘ભાઈ, આ તારી સોય પાછી લઈ જા, તે વૈકુંઠમાં લઈ જવાશે નહીં.’

આનંદે શેઠને કહ્યું, ‘શેઠજી, તમારા લાખો રૂપિયા તમે સાથે લઈ જવાના છો, તો મારી એક સોય નહિ લઈ જાવ ?!’

શેઠની આંખ ઊઘડી ગઈ, તેમને જ્ઞાન થયું કે, ‘માળું, મરીએ ત્યારે કશું સાથે લઈ જવાતું નથી.’ પછી તો શેઠે પરમાત્માને પ્રાર્થના કરી કે, ‘હે ભગવાન, મને જો આ બીમારીમાંથી બેઠો કરો તો હું મારો લોભ છોડી દાન-પુણ્ય તથા ભજન-ભક્તિ કરી મારા કલ્યાણનું કામ કરી લઉં. હે પ્રભુ ! દયા કરો.’

ભગવાનની ઇચ્છાથી શેઠ તો સાજા થઈ ગયા. પછી તો શેઠે ખૂબ જ દાન-પુણ્ય કર્યાં, સંતોને જમાડયા અને સેવા-સમાગમ, ભજન-ભક્તિ કરીને કલ્યાણનું કામ કરી લીધું.

વહાલા ભક્તો ! જો જો, આપણે પણ શેઠની જેમ લોભમાં ફસાયા તો નથી ને ? ગમે ત્યારે દેહ પડી જશે, કશું જ સાથે આવશે નહીં. સંતો અને શાસ્ત્રો આપણને પોકારી-પોકારીને લોભાદિક શત્રુઓ છોડીને કલ્યાણનું કામ કરી લેવાનું કહે છે, માટે અત્યારથી જ ચેતી જજો; નહિ તો મોડું થઈ જશે અને ખૂબ જ પસ્તાવાનું થશે.