Smarannu Sampurn Fal Kone Male ?

Smarannu Sampurn Fal Kone Male ?
March 1, 2023
Ishwarcharandasji Swami - Kundaldham
0:00/0:00

વહાલા ભક્તો ! આપણા વૈદક સનાતન ધર્મમાં મંત્રનો મહિમા અજબ-ગજબનો છે. એક સામાન્ય તૃણની સળી લઈ તેમાં મંત્રનો વિધિપુર:સર પ્રયોગ કરવા્માં આવે તો તે બ્રહ્માસ્ત્ર જેવું કામ કરે છે. મંત્રના પ્રતાપે મનુષ્યે  છોડેલું બાણ જ્યાં જે કામ માટે મોકલ્યું હોય તે ગાઈડેડ મિસાઈલની જેમ કામ કરે છે.

આજ આટલી ટેક્નોલોજી વિકસિત થઈ છે, છતાં તેનાથી ન થાય તેવાં કામ યુગો પહેલાં ભારતના ઋષિઓ મંત્રના પ્રતાપે કરતા.

દુર્યોધનનો બનેવી જ્યદ્રથ બહુ અનાડી હતો. તેણે દ્રૌપદીના અપહરણમાં  અને અભિમન્યુને મારી નખાવવામાં ઘણો ભાગ ભજવ્યો હતો. તેથી અર્જુનજીએ તેને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી. પછી જયારે તેને મારવાનું ટાણું આવ્યું ત્યારે શ્રીકૃષ્ણ પ્રભુએ કહ્યું : અર્જુન ! આ જ્યદ્રથના બાપ ભૂરિશ્રવાએ તપશ્ચર્યા કરીને એવું વરદાન મેળવ્યું છે કે, ‘જે કોઈ જ્યદ્રથનું માથું પૃથ્વી પર પાડે તેનું મોત થઈ જાય. માટે જો તારે તેને મારવો જ હોય તો એવો મંત્ર પ્રયોગ કર કે, જ્યદ્રથનું મસ્તક કાપનાર બાણ તે મસ્તકને તેના બાપ ભૂરિશ્રવા જ્યાં તપશ્ચર્યા કરતો હોય તેના ખોળામાં લઈ જઈને નાંખે.’

પછી અર્જુનજીએ એવું જ કર્યું તેથી મંત્રના પ્રતાપે જ્યદ્રથનું માથું તેના  બાપના ખોળામાં અચાનક પડયું. તે ભૂરિશ્રવાએ ડરીને તે માથું પૃથ્વી પર ફેંકી દીધું. એ જ ક્ષણે બાપ-દીકરા બેયના રામ રમી ગયા; આવી મંત્રમાં  અજબ-ગજબની શક્તિ હોય છે.

આ તો વાત થઈ અન્ય મંત્રોની ; પણ સર્વે મંત્રોનો રાજા, સર્વોપરી મહામંત્ર એટલે સ્વામિનારાયણ મંત્ર. એનો મહિમા તો મુખેથી કોઈ જ ન ગાઈ શકે. એટલે જ સ્વયં સ્વામિનારાયણ ભગવાને આવું કહ્યું છે,

જે સ્વામિનારાયણ નામ લેશે,
તેનાં બધાં પાતક બાળી દેશે ।।
છે  નામ  મારાં  શ્રુતિમાં અનેક,
સર્વોપરી  આજ ગણાય એક ।।
જો સ્વામિનારાયણ એક વાર,
રટે બીજાં નામ રટયા હજાર ।।
જપ્યા થકી જે ફળ થાય એનું,
કરી  શકે  વર્ણન  કોણ તેનું  ।।
 ષડ્ક્ષરી   મંત્ર    મહા   સમર્થ,
જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ ।।
 સુખી  કરે   સંકટ  સર્વે   કાપે,
અંતે વળી અક્ષરધામ આપે ।।

હવે આપણા માટે સવાલ એ છે કે, શાસ્ત્રોમાં જેટલો કાંઈ મંત્રમહિમા  કહેવાયો છે તેનો પૂરેપૂરો લાભ કોને થાય  ? તો...

કોઈ પણ મંત્રના મહિમા-લાભ, ફળ-ફાયદા ના કુલ ૩ હેતુઓ છે-

  1. જે મંત્રના આરાધ્ય-અધિષ્ઠાતા દેવ જેટલા વધુ મહાન હોય, સમર્થ હોય તે મંત્રનો જાપ કરનારને તેટલો લાભ વધુ થાય.
  2. જે મંત્રના શબ્દો તેના અધિષ્ઠાતા દેવનો મહિમા જેટલો વધુ વ્યક્ત  કરવા સક્ષમ હોય તેટલો તેના જાપકને ફાયદો વધુ થાય.
  3. જે મંત્રજાપકને તે મંત્ર વિશે તથા મંત્રના આરાધ્ય-ઉપાસ્ય દેવ વિશે જેટલી શ્રદ્ધા, વિશ્વાસ અને મહિમાની દૃઢતા વધુ હોય તેટલું તેને તેનું ફળ વધુ મળે છે.

આમાં ત્રીજો પોઈન્ટ આપણા માટે સૌથી વધુ મહત્વનો છે. કેમ જે, આપણા ઉપાસ્ય શ્રીસ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, સર્વસમર્થ અને સર્વકર્તા તો છે જ વળી તેમના મંત્રમાં રહેલ સર્વે શબ્દો પણ શ્રીહરિની મહાનતાને જેમ છે તેમ દર્શાવવામાં સક્ષમ છે.

હવે તો મહારાજ તથા તેના મંત્રનો જેમ છે તેમ મહિમા સમજીએ, જીવનમાં ઉતારીએ અને રાત-દિવસ સ્મરણ થાય તેવી શ્રદ્ધા અને લગન દૃઢ કરીએ એટલું જ આપણે કરવાનું છે. કારણ કે, સ્વામિનારાયણ મંત્રના અધિષ્ઠતા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા જેટલો વધુ હોય તથા આ મંત્રનો જાપ કરવાથી આવું ફળ અવશ્ય થાશે જ એવો વિશ્વાસ વધુ હોય અને મંત્રજાપ કરવામાં શ્રદ્ધા, ઉત્સાહ, તીવ્રતા-લગન જેટલાં વધુ હોય તેટલું ફળ વધુ તથા તત્કાળ પ્રાપ્ત થાય છે.

આ બાબતનો પ્રશ્ન તથા જવાબ વચનામૃતમાં છે. મુકતાનંદ સ્વામીએ  પૂછ્યું જે, ‘ભગવાનના દર્શનનો જે મહિમા (લાભ-ફળ) તથા ભગવાનના નામ-સ્મરણનો જે મહિમા (ફા્યદો) તથા ભગવાનના સ્પર્શનો જે મહિમા તે  ભગવાનના ભકતને અર્થે છે કે સર્વ જીવને સારુ છે ?

પછી શ્રીજીમહારાજ બોલ્યા, ‘જે માહાત્મ્ય જાણીને અતિશય પ્રીતિએ કરીને, મને સહિત દૃષ્ટિ આદિક જ્ઞાન ઈન્દ્રિયે કરીને દર્શન-સ્પર્શાદિક કરે છે તેને જ તેમનું ફળ છે. અને બીજાને તો તેનું  બીજબળ (સંસ્કારનો શુભારંભ) થાય છે.’ વચ. સારંગ.

આટલું વાંચતા વિચારતા એ સ્પષ્ટ થાય છે કે, નામસ્મરણનો મહિમા ગ્રંથોમાં જે કાંઈ લખ્યો છે તે તો સાચો છે; પરંતુ તેવા ફળની પ્રાપ્તિ બધાને થતી નથી. કેમ જે, બધાને મંત્ર તથા મંત્રના આરાધ્ય દેવનો મહિમા જેવો હોવો તેવો જોઈએ એકસરખો હોતો નથી. વળી મંત્રજાપમાં શ્રદ્ધા પણ જેવી હોવી જાેઈએ તેવી તીવ્ર હોતી નથી. જો મહિમા તથા શ્રદ્ધા યથાર્થ હોય તો મંત્રજાપનું ફળ પણ યથાર્થ મળે જ છે.

એકવાર ગામ બગસરાથી સથવારા વેલાભાઈ વગેરે થોડા ભક્તો ગઢડે સ્વામિનારાયણ ભગવાનનાં દર્શને ગયા હતા. ત્યાં મહારજે તેમના સ્વામિનારાયણ મંત્રનો મહિમા કહ્યો જે, “આ સમે સ્વામિનારાયણ એ નામનો મંત્ર બહુ જ બળિયો છે, તે મંત્રથી તો કાળા નાગનું ઝેર પણ ઊતરી જાય; એવો એ મહા બળવાન મંત્ર છે.” તે વાત સાંભળીને વેલાભકતે મનમાં ધારી રાખી. પછી તે બગસરા પાછા આવ્યા. એક દિવસ તેમને દેરીવાડીમાં સર્પ કરડયો, ત્યારે તે મંત્ર મહિમાની વાત યાદ કરીને તીવ્ર શ્રદ્ધાપૂર્વક મંત્રજાપ કરવા લાગ્યા. પછી સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... ભજન કરતા થકા મંદિરમાં જઈ મહારાજની મૂર્તિ સામે બેસી એકતાર સ્મરણ ચાલુ રાખ્યું. તે મંત્રજાપના પ્રતાપે તેમને સર્પનું ઝેર ચડયું નહીં. આ વાત સાંભળીને સહુને આશ્ચર્ય થયું. કેમ જે, તે સહુએ કહ્યું કે, તે સર્પ જેને જેને કરડયો છે તેનું તત્કાળ મૃત્યુ થયું છે. વેલાભક્ત બચ્યા તે  સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે જ બચ્યા હતા. કેમ જે, તેમને સ્વામિનારાયણ ભગવાને જે મંત્રમહિમા કહ્યો હતો તે ૧૦૦% સાચો મનાઈ ગયો હતો.

જાે આપણે સહુ પણ આ સર્વોપરી મહામંત્રનો મહિમા દૃઢપણે સમજીએ અને પછી તેના વિશ્વાસપૂર્વક તીવ્ર શ્રધ્ધાથી મંત્રજાપ કરીએ તો આપણને પણ તેનું યથાર્થ ફળ પ્રાપ્ત થાય માટે આ વર્ષે નામસ્મરણનો મહિમા વધારીએ અને ખૂબ જ તીવ્રતાથી સ્મરણ કરતા રહીએ તો સર્વે કાર્ય સિદ્ધ થઈ જાય. હે મહારાજ ! મને આપનો તથા આપના સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા સમજાય તથા તેના સ્મરણમાં તીવ્ર લગની વધી જાય એવી મારા પર કૃપા કરજાે...