
આ જગતમાં હાલ ૮૦૦ કરોડ ઉપરાંત જીવો મનુષ્યદેહ પામ્યા છે. તે સહુ પોત-પોતાની મતિ અનુસાર કાંઈક જીવનલક્ષ્ય મેળવવા મથી રહ્યા છે; પરંતુ એવું શું છે કે જે એક વાર મળે પછી કદી ન ટળે ? એવું શું છે કે જે પોતે સર્વશ્રેષ્ઠ આનંદ હોય ?
આપણાં ઉપનિષદો કહે છે - प्रज्ञानं आनन्दं ब्रह्म। स भूमा । रसो वै स: तं रसं ह्येवायं लब्ध्वा आनन्दी भवति।
નખશિખ ચૈતન્યસ્વરૂપ એવા પરબ્રહ્મ પોતે સાક્ષાત્ આનંદ છે. તે સૌથી મોટા છે. તે મૂર્તિમાન રસ-આનંદ-સુખ છે. રસરૂપ એવા તે પરમાત્માને પામીને આ આત્મા પણ આનંદી બની જાય છે. આવા પુરુષોત્તમનારાયણ શાશ્વત તથા સર્વોપરી સુખદાયી છે અને એટલે એ જ આપણું જીવનલક્ષ્ય હોવું જોઈએ.
આજ આવા મોડર્ન જમાનામાં પણ આપણને એ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા છે; તેથી આપણા ભાગ્યનો કોઈ પાર જ નથી. હવે તેમને જ પામી જવાનો ઈશક રાખી તેને ભજવા મંડી પડીએ તો સર્વોપરી કામ થઈ જાય એમ છે.
માટે ચાલો ! આ વર્ષે શ્રીહરિનું ખૂબ જ સ્મરણ કરી લઈએ. એ સ્મરણમાં નિત્ય નવો ઉત્સાહ અને આનંદ રહે તે માટે શ્રીજીસ્મરણનો મહિમા સમજવો જરૂરી છે.
સદ્.શ્રીઆધારાનંદ સ્વામીએ શ્રીહરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં આવું લખ્યું છે -
अनेक जन्म के पाप हि भारी, हरि के स्मरन देवत टारी;
हरि सम जग मेंनहि हेसारा, उचरना मखु हि वार हि वारा...०५
ह.च.सा. २/९/५
જન્મોજન્મનાં જે કાંઈ મોટાં-મોટાં પાપ આપણને વળગ્યાં છે તે સર્વે હરિસ્મરણ ટાળી દે છે.
વાલિયા લૂંટારાથી લઈને વાલેરા વરુ સુધીના અનેક મહાપાપી જીવો ભજન-સ્મરણ કરતાં કરતાં મહા પવિત્ર બની ગયા છે; એવો ભજન સ્મરણનો મોટો પ્રતાપ છે. વળી, અનંત વિશ્વમાં શ્રીહરિ સમાન સારું - સુખદાયી બીજું કાંઈ જ નથી, માટે વારંવાર સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરતા રહેવું.
हरि कुं संभारे अंतर मांहिं, तिन कर अति शांति रहाहिं;
त्रिविध ताप कहावत जेता, शांति करन उपाय हे एता...३३
ह.च.सा. ४/७६/३३
જે કોઈ પોતાના અંતરમાં શ્રીહરિને સંભાર્યા કરે છે તેને તે ભજનના પ્રતાપે અંતરમાં અત્યંત શાંતિ રહે છે. કેમ જે નાના-મોટા જે કાંઈ ત્રિવિધ તાપ ઉતાપ કહેવાય છે તે સર્વેને શાંત કરવાનો ઉપાય આ ભજન-સ્મરણ જ છે.
આપણા હૈયામાં હાલ જે કાંઈ અશાંતિ રહે છે અથવા અવાર-નવાર ઉદ્વેગ થઈ આવે છે તે સર્વેથી છૂટકારો મેળવવો હોય તો હરિસ્મરણ ચાલું રાખવું જરૂરી છે.
જુઓને ! જ્યારે કથા સાંભળીએ છીએ, ધૂન-કીર્તનનો લાભ લઈએ છીએ; ત્યારે સહજ શાંતિ થાય છે. કેમ જે કથા-કીર્તન-ધૂનના માધ્યમે શ્રીહરિનું સ્મરણ શરૂ થઈ જાય છે. જ્યારે પ્રાત:પૂજા કે માનસી પૂજા સારી થાય છે, ધ્યાન-ભજન દરમ્યાન શ્રીહરિમાં ચિત્ત ચોંટે છે તો તરત સુખ-શાંતિ અનુભવાય છે. કારણ કે, શ્રીહરિસ્મરણ શાંતિનો શ્રેષ્ઠ ઉપાય છે.
ઘણી વાર આપણને આપણા અંત:શત્રુઓ ઉદ્વેગ કરાવતા હોય છે. કામનો વેગ આવે, લોભ લાગે કે ક્રોધ ભભૂકે ત્યારે અંતરમાં આગ સળગવા લાગે છે. ક્યારેક એ કામ-ક્રોધાદિ દોષો કાંઈ ભૂલ કરાવે, આજ્ઞા લોપાવે ત્યારે ઉદ્વેગ -ઉદ્વેગ થઈ આવે છે. ભગવાનના ભક્ત તરીકે ન શોભે એવી ભૂલ વારંવાર થયા કરતી હોય ત્યારે કોઈને ન કહેવાય કે ન સહેવાય, એવી આપણી માઠી દશા થાતી હોય છે. જો આવા અંતરશત્રુના ઉપદ્રવથી ઊગરવું હોયતો સદ્.આધારાનંદ સ્વામી ઉપાય બતાવે છે -
भगवानहु के नाम, स्वामिनारायण कृष्ण हरि;
उचरत हि उर विराम, होइ जावत शत्रु सब...४०
ह.च.सा. २२/६०/४०
સ્વામિનારાયણ ભગવાનના કોઈ પણ નામ મંત્રનો હૃદયમાં જાપ કરતા રહેવાથી સર્વે શત્રુઓ નાશ પામી જાય છે.
ઉપલેટાવાળા વેરાભાઈ પહેલા ખૂંખાર-ભરાડી હતા. પછી સત્સંગ થયો અને પરમાનંદ નામે સંત બન્યા. એકવાર ખોખરા મહેમદાવાદ ગામે બાવાઓ મહારાજને મારવા આવ્યા. પાર્ષદો સાથે ઘમસાણ યુદ્ધ થયું. તે સમયે પરમાનંદ સ્વામીને ક્રોધ ચડ્યો ને તલવાર લઈ યુદ્ધમાં કૂદી પડયા. તેમનો કાન કપાયો. પછી પ્રભુએ તેમને સાંખ્યયોગી હરિભક્ત બનાવી દીધા. તે ભૂલના પસ્તાવામાં વેરાભગત રાતદિવસ નામસ્મરણ અને ધ્યાન-ભજન કરવા લાગ્યા. છેવટે તેમના અંતરમાંથી કામ-ક્રોધાદિ તમામ દોષો નીકળી ગયા.
આમ, શ્રીહરિના સ્મરણ-ભજનથી વેરાભગતને સર્વે સંતાપ શમી ગયો અને બહુ મોટો રાજીપો મળી ગયો. રાવણ-કુંભકર્ણ જેવા જે દોષોનો નાશ નો’તા કરી શક્યા તે અંત:શત્રુઓ શ્રીહરિના સ્મરણ-ભજન દ્વારા સંપૂર્ણ નાશ પામી ગયા.
ઘણી વાર આપણા જીવનમાં એવી વિકટ પરિસ્થિતિ સર્જાય છે કે ન કહેવાય ન સહેવાય. કદાચ કોઈને કહીએ તો તેનાથી સહાય થાય તમે પણ ન હોય, કાં તે સહાય કરવા તૈયાર ન હોય; આવા કપરા કાળે સુખી થાવાનો શ્રેષ્ઠ ઉપાય કયો ?
તો આધારાનંદ સ્વામી કહે છે -
दु:ख आवत हि ताकु, करत न कोउ सहाय जब;
हरि कु समरत वाकु, दु:ख में सूँ सुख होत तब...१५
ह.च.सा. २८/१०१/१५
જો આપણે વિશ્વાસપૂર્વક સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ-ભજન કરવા મંડીએ તો કોઈથી ન ટળે એવું દુઃખ પણ ટળી જાય અને સુખ-સુખ થઈ જાય. કદાચ કોઈ સંત-ભક્તને મૃત્યુ થવા જેવું કે અસાધ્ય બીમારી જેવું દુઃખ આવ્યું હોય તો બહારથી ભલે દુઃખ દેખાતું હોય પણ ભજન-સ્મરણ કરનાર નિષ્ઠાવાન ભક્તને અંતરમાં તો ચોક્કસ સુખ થઈ જાય છે.
એટલે તો આધારાનંદ સ્વામી આવી ખાત્રી આપે છે -
सर्व विपत्ति नाश, हरिस्मरन से होत है;
जिनको सुख की आश, हरि कु पल भूलना नहीं...५०
ह.च.सा. २९/८२/५०
સર્વ પ્રકારનાં સંકટો શ્રીજીસ્મરણથી અવશ્ય નાશ પામે છે. અને એટલે જ જેને કાયમી સુખી થાવાની આશા હોય તેણે પ્રભુને પળવાર પણ ભૂલવા જોઈએ નહીં.
હરિસ્મરણથી ફક્ત આ લોકનાં દુઃખ ટળે ને સુખ મળે એટલું જ નહિ, પણ સ્વયં સુખધામ શ્રીહરિ પોતે પણ તેના સ્મરણથી મળી જાય છે.
मेरो भजन करत हे केहा, श्रीहरि देखत रहत हे तेहा;
भजन रूप दोरी हे जोउ, हरि से मिलत हे सोउ...२१
ह.च.सा. ६/५१/२१
સર્વોપરી શ્રીહરિ એવું દરરોજ જોયા કરે છે કે, મારું ભજન-સ્મરણ કાયમ કોણ-કોણ કરતા રહે છે ? કેમ જે ભક્તની ભજનરૂપ જે દોરી છે તે જ શ્રીહરિની સાથે મેળાપ કરાવનારી છે. ભજનસ્મરણરૂપી દોરીથી બંધાઈને વાલમજી ભક્તને વશ થાય છે. પછી અતિ રાજી થયેલા પ્રભુ પોતે જ આપણને તેમનો મેળાપ કરાવી દે છે. એટલે તો આધારાનંદ સ્વામી આવી ગેરંટી આપે છે -
कलिजुग तामें प्रगट हरि केरा, नाम स्मरण कीर्तन वेर वेरा;
चित्त प्रोई उचरत जो तिनके, उद्धार होत ततखेव इनके ...१७
ह.च.सा. २८/८७/१७
આવા કળિકાળમાં જે કોઈ પ્રગટ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણમાં ચિત્ત પરોવીને તેમનું નામ-સ્મરણ ને કીર્તન વારંવાર કરતા રહે છે તેનો તત્કાળ મોક્ષ થઈ જાય છે.
વહાલા ભક્તો ! આપણો ટાર્ગેટ છે કે, આ જ જન્મે પુરુષોત્તમને પામી જવું છે. વળી, તેમાં નડતા સર્વેદોષો-સ્વભાવો કે વાસનાઓથી મુક્ત થવું છે. આ લોકમાં છીએ ત્યાં સુધી સુખે સત્સંગ-ભજન થાય તેમ સુખિયા પણ રહેવું છે, તો તે સર્વે કાર્યોને સિદ્ધ કરી આપનાર રામબાણ ઈલાજ છે - અખંડ હરિસ્મરણ.
સ્મરણ-ભજનથી આ લોક-પરલોક બંને સુધરી જાય છે. ગામ ખોપાળાવાળા મયાબાપા જેવા હરિસ્મરણથી આપણી નજર સામે આવી મોટી પ્રાપ્તિ પામી ગયા છે. સદેહે બ્રહ્મરૂપ બની અખંડ પ્રભુપરાયણ રહી મુક્ત જેવું જ દિવ્યજીવન જીવી ગયા છે. માટે આ તો પ્રયોગસિદ્ધ પુરાવો છે.
આવો મોટો મહિમા હરિસ્મરણનો છે. તેથી હવે આપણે અતિ શ્રદ્ધાપૂર્વક હરિસ્મરણ કરતા રહીએ. હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં, સૂતાં-બેસતાં હરિસ્મરણ કરવાની ટેવ પાડીએ, તો આપણે આ લોકમાં હોવા છતાં અક્ષરધામના મુક્ત જેવો મહા આનંદ પામી જઈશું.