Shraddhaya Prapyate Brahm

Shraddhaya Prapyate Brahm
May 6, 2026
Anadiswarupdasji Swami - Kundaldham

સૌરાષ્ટ્રમાં માંગરોળમાં શ્રદ્ધાળુ ભક્ત આણંદજી સંઘેડિયા રહેતા હતા એમને ઘરે શ્રીજીમહારાજ ઘણી વખત પધારેલા. એક વખત શ્રીજીમહારાજ માંગરોળ પધાર્યા હતા અને સૌ સત્સંગીઓ મહારાજની વાતો સાંભળવા આવતા. એ વખતે આણંદજીભાઈ આખી રાત્રી વાતો સાંભળતા, એટલે રાતના ઉજાગરાના હિસાબે દિવસે સૂઈ રહેતા. એક દિવસ મહારાજ આણંદજીભાઈને ઘેર પધાર્યા અને એમની ઘરવાળીનું નામ લઈને કહ્યું કે, “રાજબાઈ, આણંદજીભાઈ ક્યાં છે ?” રાજબાઈ કહે, “એ તો રાત બધી તમારી વાતો સાંભળીને દિવસ બધો સૂઈ રહે છે.”

પછી તુર્ત જ મહારાજ પોતાના ઉતારે પધાર્યા. રાત્રીએ આણંદજીભાઈ વાતો સાંભળવા બેઠા એટલે મહારાજ કહે, “ઉપાડ તારું આસન અહીંથી !” આણંદજીભાઈ કહે, “મહારાજ ! મારો શું ગુનો છે ?” મહારાજ કહે, “આખો દિવસ સૂઈ રહો તો તમારાં છોકરાં ભૂખે મરે ને ?” આણંદજીભાઈ કહે, “મહારાજ ! તમે જેમ કહો તેમ કરું.” મહારાજ કહે, “આખી રાત્રી વાતો સાંભળીને દિવસ બધો કામ કરવું; એમ કબૂલ હોય તો વાતો સાંભળવા બેસો.” આણંદજીભાઈ કહે, “બહુ સારું મહારાજ ! એમ કરીશ.”

પછી આખો દિવસ કામ કરી રાત્રે વાતો સાંભળવા બેસે, પણ નિંદ્રા લીધી ન હોય એથી ઝોલાં આવવા લાગ્યાં. ત્યારે મહારાજ કહે, “આણંદજી ઝોલાં આવે છે ?” આણંજીભાઈ કહે, “તમે કહો તેમ કરું.” મહારાજ કહે, “ઊભા થાઓ અને ખપેડે ચોટલી બાંધી માળા ફેરવો.” એટલે તે પ્રમાણે કર્યું; તોપણ થોડીવાર ૫છી ઝોલાં આવવા લાગ્યાં. પછી મહારાજ કહે, “એના માથા ઉપર ઠંડા પાણીના ઘડા રેડો.” એટલે હરિભક્તોએ ઠંડા પાણીના ઘડા માથા ઉપર રેડ્યા. શિયાળાની રાત્રી હતી અને બધાં કપડાં ઠંડા પાણીથી ભીનાં થઈ ગયાં; તોપણ આખી રાત્રી ભીને કપડે ઊભા રહી સવાર સુધી મહારાજની વાતો સાંભળી, જરા પણ અકળાયા કે શરમાયા નહીં.

વહાલા ભક્તો, શ્રીજીમહારાજે આણંદજીભાઈની આવી અનેક પરીક્ષાઓ લીધી, છતાં કોઈ પ્રકારે મૂંઝાયા કે ઝાંખા પડ્યા નહીં. તે આવી સ્થિતિ પામી ગયા હતા, તેનું કારણ તેમને શ્રીહરિમાં અડગ શ્રદ્ધા-વિશ્વાસ હતા. આણંદજીભાઈના મનમાં એમ જ રહેતું હતું કે,

હું હરિનો, હરિ મમ રક્ષક, એ ભરોસો જાય નહીં;
જે કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં.

કોઈ પણ કાર્યની સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન શ્રદ્ધા છે. અનેક ઉપાયોથી સિદ્ધ ન થઈ શકે તેવાં કઠિન કાર્યો પણ શ્રીહરિ અને મોટા સંતોમાં અડગ શ્રદ્ધા-વિશ્વાસથી સિદ્ધ થાય છે.

श्रद्धया बुध्यते बुद्धि: श्रद्धया शुध्यते मन: ।
श्रद्धया प्राप्यते ब्रह्म, श्रद्धा पापविनाशिनी ।।

ભગવાન, મોટા સંતો અને શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને તેમના વચનાનુસાર કરવાથી સાચું જ્ઞાન પ્રગટે છે, મન શુદ્ધ થાય છે અને સર્વ પાપનો નાશ થાય છે અને સાક્ષાત્ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. પૂ.ગુરુજીએ કહ્યું છે કે —

ભક્તિ અને વિશ્વાસ તો, એવાં જોઈએ જ્ઞાન;
તકલીફ તમને હોય ને, ચિંતા કરે ભગવાન.

ખરેખર, જેણે પોતાની તમામ ચિંતા ભગવાન પર છોડી દીધી હોય અને એટલે જ ભગવાન તેની ચિંતા કરતા હોય; તેનો ભગવાનમાં પ્રેમ ને વિશ્વાસ શુદ્ધ અને દૃઢ કહેવાય. આવા વિશ્વાસી અને પ્રેમીને ભગવાન મળે છે. માટે ચાલો આપણે સેવા, ભજન અને સંતસમાગમ કરીને તેવા બનીએ.