Seva Nani Ne Fal Kevu Motu !!

Seva Nani Ne Fal Kevu Motu !!
April 1, 2026
Sakarswarupdasji Swami - Kundaldham
0:00/0:00

    આપણને એમ થાય કે મહારાજે તરત જ લોયા જવાની હા કેમ પાડી દીધી ? એનું કારણ એ હતું કે સુરા ખાચરનાં ધર્મપત્ની શાંતાબાને મહારાજમાં એવો પ્રેમ હતો. એમનો ભક્તિભાવ જોઈનેે મહારાજ ના પાડી ન શક્યા.

થોડેક દૂર ખેતરમાં એક કણબીનો છોકરો કામ કરી રહ્યો હતો, તે બાજુ સુરા ખાચરે ઘોડી દોડાવી. સુરા ખાચરને દૂરથી આવતા જોઈને તે છોકરો ડરી ગયો. એને થયું કે કોઈ દરબાર આવે છે, તે નક્કી મને મારશે કાં મારા બળદ લઈ જશે ! આમ બીકના માર્યા એણે બળદિયાની પાછળ સંતાઈ જવાની કોશિશ કરી, ત્યાં તો સુરા ખાચર આવી પહોંચ્યા ને છોકરાની નજીક જઈને બૂમ પાડી, “એ છોરા ! ડરીશ નહીં, તારી પાસે પાણી છે ? અમારા ભગવાન સ્વામિનારાયણને બહુ તરસ લાગી છે, એમને પાણી પાવું છે.”

સુરા ખાચર પાણીની બતક લઈ ચાલતા થયા. પણ ચાલતાં ચાલતાં મનમાં વિચાર આવ્યો કે આ છોકરે ભાવથી મહારાજ માટે પાણી આપ્યું, તો એનું કાંઈક ભલું તો કરવું પડશે; એમ વિચારી પાછા વળી છોકરાને કહ્યું, “જો છોરા ! હું પાણી લઈને જાઉં છું, તું થોડી વાર પછી તારી બતક લેવા પેલા ઝાડ નીચે ભગવાન બેઠા છે ત્યાં આવજે. અને જોજે...સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ છે, તારું પાણી પીને બહુ રાજી થશે અને તને કહેશે કે, ‘માંગ માંગ’, ત્યારે તું શું માંગીશ ?” છોકરાએ વિચાર્યા વગર કહી દીધું, “બાપુ ! હું તો ત્રીસ વીઘા જમીન માંગીશ, એટલે અમારે ખેતીમાં વાંધો નો આવે.”

ત્યારે સુરા ખાચર કહે, “અરે ગાંડા ! ભગવાન પાસે એવી નાશવંત વસ્તુ થોડી મગાય ? તું મહારાજને કહેજે, હે મહારાજ ! તમે રાજી થયા હો તો મારો મોક્ષ કરજો.”

એટલામાં પેલો છોકરો ત્યાં આવી પહોંચ્યો અને મહારાજનાં ચરણોમાં વંદન કર્યાં. મહારાજ એના પર અત્યંત પ્રસન્ન હતા. મહારાજે પૂછ્યું, “બેટા ! હું તારા પર બહુ રાજી થયો છું. માંગ માંગ, તારે શું જોઈએ છે ?” છોકરાએ તો જેમ સુરા ખાચરે શીખવાડ્યું હતું તે રીતે હાથ જોડીને કહ્યું, “પ્રભુ ! મારે બીજું કાંઈ નથી જોઈતુંં, મારો મોક્ષ કરજો.”

મહારાજની કરુણા તો જુઓ ! અહો ! કેવી દયા !! પ્રભુ તો પૂર્ણકામ છે, એને વળી ભૂખ-તરસ શું હોય ? એ તો કેવળ જીવનાં કલ્યાણ કરવાનાં બહાનાં જ શોધતા હોય છે. એક લોટા જેટલા પાણીના બદલામાં સાત પેઢીનો મોક્ષ આપી દેવો એ કાંઈ નાની વાત નથી, એ તો માત્ર પરમાત્મા જ કરી શકે.

વળી, આ ચરિત્રમાંથી બીજું એ પણ સમજવા મળે છે કે જીવનમાં સાચા માર્ગદર્શકની પણ ખૂબ જરૂર છે. જો સુરા ખાચરે પેલા છોકરાને સમજ ન આપી હોત, તો એ છોકરો માત્ર ત્રીસ વીઘા જમીન માંગીને સંતોષ માની લેત. પણ સુરા ખાચરની સમજણથી તેના આ લોક અને પરલોક બેય સુધરી ગયા.