Santkrupathi Rank mati raaja banya

Santkrupathi Rank mati raaja banya
September 1, 2026
Prasannavadan Swami - Kundaldham

એક વખત સદ્.શ્રીવિજ્ઞાનાનંદ સ્વામી પોતાના મંડળ સાથે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના શ્રીગામ નામના ગામે પધાર્યા. ગામમાં પ્રવેશ કર્યો ત્યારે એક દ્વેષી બાવાની પ્રેરણાથી ચોરે બેઠેલા કેટલાક ગામલોકો બોલી ઊઠયા કે, ‘સ્વામિનારાયણના સાધુ આવ્યા છે, તેને ગામબહાર કાઢી મૂકીએ, નહીંતર ગામ બગાડશે. લોકોને હોકા-બીડી છોડાવી પૂજા-પાઠ કરે તેવા ભગતડાં કરી દેશે !’

સ્વામીના કાને આ શબ્દો અથડાયા. સ્વામી તરત જ સંતોએ સહિત રસ્તા પાસેની એક ખાલી જગ્યામાં બેસી ગયા અને વાજિંત્ર વગાડી ભારે હલકથી કીર્તન ગાવાનું શરૂ કરી દીધું. કીર્તનગાન સાંભળવા લોકો એકઠા થયા અને પરસ્પર વાતો કરવા લાગ્યા કે, ‘સ્વામીજી ઘણું જ સરસ ગાય છે.’ એમ સંતોનો ગુણ આવ્યો. તેથી સંતોમાં ભાવ થયો અને એમ વિચારવા લાગ્યા કે, ‘આપણે એમને ચોરામાં લઈ જઈ ત્યાં ઉતારો કરાવીએ. રાત્રે એમનું કીર્તન-ભજન સાંભળીશું.’

પછી તે લોકોએ આગ્રહથી સ્વામીને તેડી જઈ ચોરામાં ઉતારો આપ્યો. રાત્રે ગામલોકો ભજન સાંભળવા એકત્રિત થયા. સ્વામીએ મોડી રાત્રિ સુધી ભજન-કીર્તનો ગાઈને માનવમેદનીને મુગ્ધ બનાવી દીધી. પછી સુંદર દાખલા-દૃષ્ટાંત સાથે વાતો કરવા લાગ્યા. આકર્ષક સંગીત અને વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનથી ગામલોકો ઘણા જ પ્રભાવિત થયા. સંતસમાગમના પવિત્ર પ્રસંગથી મુમુક્ષુ લોકો પ્રભુભક્તિના પ્યાસી બનવા લાગ્યા. ધીરેધીરે સત્સંગની પ્રવૃત્તિ વૃદ્ધિ પામતાં લગભગ આખું ગામ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા લાગ્યું. સ્વામી તે વખતે ઘણા સમય સુધી શ્રીગામમાં રોકાયા.

પછી વિજ્ઞાનાનંદ સ્વામી વડતાલ આવ્યા. ત્યારબાદ કેટલોક સમય વીત્યા પછી શ્રીગામના સત્સંગીઓએ વડતાલ આવી સ્વામીને પ્રાર્થના કરી કે, ‘આપ શ્રીગામ પધારી ત્યાં મંદિર કરો.’ તેથી સ્વામી સંતમંડળ સાથે શ્રીગામ પધાર્યા અને જમીન મેળવી મંદિરનું ચણતરકામ શરૂ કર્યું.

સ્વામી જેટલા દિવસ ત્યાં રહ્યા ત્યાં સુધી હંમેશાં સવાર-સાંજ બંને વખત અમરસિંહ રજપૂતની વાડીએ સ્નાન કરવા જતા. સંતો જાય એટલે અમરસિંહ કોસ છોડી સ્વામીને ડોલથી પાણી સીંચી સ્નાન કરાવતા. પોતાની વાડીમાંથી ઠાકોરજીના થાળ માટે રીંગણાં, મરચાં વગેરે બકાલું લાવી સ્વામીને હંમેશાં આપતા. આમ અમરસિંહે એ સેવા મંદિર પૂરું થયું ત્યાં સુધી સતત કરી. તેમની એ સેવાથી સ્વામી તેમના ઉપર ઘણા જ રાજી થયા હતા.

મંદિર તૈયાર થયું. મૂર્તિપ્રતિષ્ઠા વગેરે વિધિ સમાપ્ત કર્યા. પછી સ્વામીએ વડતાલ જવાની તૈયારી કરી. છેલ્લી વાર મળવા માટે સર્વે સત્સંગીઓને પોતા પાસે રાત્રે બોલાવ્યા. સત્સંગીઓની સભામાં સ્વામી સહુને ભલામણ કરવા લાગ્યા, ‘ઘણે દાખડે મંદિર થયું છે, માટે હવે સૌ હંમેશાં મંદિરમાં આવી દેવદર્શન, ધૂન-કીર્તન અને કથા-વાર્તા કરજો. એકબીજા ખૂબ સંપ રાખી ધર્મ-નિયમ પાળવામાં ખૂબ બળિયા રહેજો, તો મહારાજ ને સંતો બહુ રાજી થશે.’

આ રીતે સ્વામી વાત કરતા હતા, તે સમયે અમરસિંહે હાથ જોડીને સ્વામીને કહ્યું, ‘મને વાડીએ જવાની રજા આપો. આજે રીંગણાં ઉતારી વહેલી સવારે શહેરમાં પહોંચાડવાનાં છે, માટે હું રજા લઉં છું. આપ રાજી રહેજો.’ સ્વામીએ કહ્યું, ‘અમરસિંહજી ! બેસો. તમારી ભાવભરી સેવાથી હું તમારા ઉપર ઘણો જ રાજી થયો છું. કાલે સવારે તમારે રીંગણાં વેચવાનું કે કોશ હાંકવાનું નહિ રહે. આજથી તમારું પોટલું ઊતરી જશે. હવે તમે રંક મટી રાજા બનશો. શ્રીજીમહારાજ બધું સારું કરશે, માટે સભામાં બેસો.’

સ્વામીની આ વાત સાંભળી સભામાં બેઠેલા બે-ચાર ઉતાવળિયા યુવકોએ કહ્યું, ‘સ્વામીજી ! એ કોશ નહિ હાંકે અને રીંગણાં નહિ વેચે તો ખાશે શું ? એ ખૂબ ગરીબ છે. બકાલું વેચી પેટનું ને પરિવારનું માંડ પૂરું પાડે છે. અને એક રાતમાં ભગવાન શું સારું કરી દેવાના છે ? માટે વાડીએ જવા દ્યો.’

ત્યારે સ્વામી આવેશમાં આવીને બોલ્યા, ‘એ અમરસિંહે અમારી બહુ સેવા કરી છે. હું સ્વામિનારાયણ ભગવાનનો સાધુ છું. મારામાં તે અખંડ રહેલા છે. આ તમે શું તર્ક-વિતર્ક કરી રહ્યા છો ? હું તો વહેલી સવારે ચાલ્યો જઈશ, પણ તમે બધા તેની ધામધૂમ જોશો. ફક્ત આઠ કલાક આડા છે. જો જો સવારે શું થાય છે તે ! હવે તો એ રાંક મટીને રાજા થાશે.’ એમ કહી શાંત થઈ સ્વામીએ બધા સત્સંગીઓને ઘેર જવાની આજ્ઞા આપી. સૌ પોતપોતાને ઘેર ગયા અને સ્વામી વહેલી સવારે ત્યાંથી વડતાલ તરફ ચાલતા થયા.

હવે સ્વામીએ જ્યારે મંદિરમાં રાત્રિએ કહ્યું એ જ સમયે રાત્રિના અગિયાર વાગે શ્રીગામના ઠાકોરશ્રી અને એમનાં રાણી વિચાર કરવા લાગ્યાં કે, ‘આપણી પાસે મિલકત ઘણી જ છે, પણ કોઈ સંતાન નહિ હોવાથી કોણ સંભાળ રાખે ! વૃદ્ધ અવસ્થામાં જાતે કાંઈ થઈ શકે નહીં. આપણાં બંનેયનાં સગાં દૂરનાં છે અને તેમાં પણ અણબનાવ છે; પરંતુ આપણા ગામના અમરસિંહ રજપૂત બહુ પ્રામાણિક છે. તે આપણી જમીન ખેડે છે. તેણે આપણી ઘણી વાર સેવા કરી છે. તે સ્વભાવથી પણ આપણા બંનેયને અનુકૂળ આવે તેમ છે. માટે આપણે તેને જ દત્તકવિધાન કરી ઉત્તરાધિકારી કરી દઈએ, જેથી સગાં-વહાલાંની કોઈ ઉપાધિ આપણને નડે નહીં.’

આમ, બંનેય અમરસિંહને ખોળે લેવા સહમત થયાં અને વિચાર કર્યો કે, ‘હવે જરા પણ વિલંબ કર્યા વિના અત્યારે જ જોષીને બોલાવી મુહૂર્ત જોવડાવી આવતીકાલના પ્રાત:કાળમાં જ બધો વિધિ કરી લઈએ.’

પછી તુરત જ રાત્રિના બાર વાગે જોષીને બોલાવી મુહૂર્ત પૂછતાં બીજે જ દિવસે વસંતપંચમી હોવાથી પ્રાત:કાળમાં જ સારું મુહૂર્ત છે; એમ નક્કી થયું. પછી ઠાકોરશ્રીએ કારભારીઓને બોલાવી તત્કાળ બધી સાધનસામગ્રી તૈયાર કરાવી. શાકબકાલું વગેરે વહેલી સવારે અમરસિંહની વાડીએથી જ લાવવામાં આવ્યું. વહેલી સવારે મુખ્ય અધિકારીઓને મોકલી ઠાકોરશ્રીએ અમરસિંહને પોતાના દરબારમાં બોલાવી લીધા.

પ્રાત:કાળમાં જ વેદિયા બ્રાહ્મણો વિધિ કરવા લાગ્યા. ગામના આગેવાન શેઠિયાઓ, પટેલિયાઓ, કેટલાંક સગાંવહાલાં તથા કારભારીઓ વગેરે પ્રતિષ્ઠિત ગામલોકોની હાજરીમાં ખૂબ જ ધામધૂમથી અમરસિંહનું દત્તવિધાન પૂર્ણ થયું. પછી ઠાકોરશ્રીની સર્વ સંપત્તિના ઉત્તરાધિકારી અમરસિંહને ઘોષિત કર્યા. તે દિવસે આખું ગામ ધુમાડાબંધ કરી ગામના સર્વે લોકોને મિષ્ટાન્ન જમાડીને ખૂબ પ્રસન્ન કર્યા.

આમ, વિજ્ઞાનાનંદ સ્વામીના વચને મહારાજે એક રાતમાં અમરસિંહજીને રંક મટાવી રાજા બનાવ્યા. સાધારણ ગરીબ રજપૂત શ્રીગામના માલિક બની ગયા. આ અચાનક થયેલ આશ્ચર્યજનક બનાવથી ગામલોકો તથા દરબારનાં સગાંવહાલાં નવાઈ પામ્યાં. સ્વામીનું વચન બરાબર સત્ય થયું, તેથી સત્સંગીઓ સ્વામી ઉપરની ઘણી જ ઉત્કટ શ્રદ્ધાથી યુવકોને કહેવા લાગ્યા કે, ‘જુઓ, રાત્રે તમે સ્વામીજીના વચનમાં વિશ્વાસ કરતા ન હતા, પણ સ્વામી તો વચનસિદ્ધ મહાપુરુષ છે. ભગવાન એમનામાં અખંડ રહેલા છે. તેથી એમણે અંતર્યામીપણે આગળથી જ બધું કહી દીધું અને એક રાતમાં જ અમરસિંહજીને રંક મટાડી રાજા બનાવ્યા.’

વહાલા ભક્તો ! પ્રભુના સાક્ષાત્કારવાળા સંતપુરુષની વાણીમાં એટલું બધું દૃઢ બળ રહેલું હોય છે કે, તે જે બોલે તે સત્ય થાય છે. એમનો સંકલ્પ અથવા આશીર્વાદ અવશ્ય સફળ થાય છે.