Sant krupaae sukh upaje

Sant krupaae sukh upaje
October 1, 2026
Prasannavadan Swami - Kundaldham

ગોંડલમાં રાઘવજીભાઈ કરીને શ્રીજીમહારાજના આશ્રિત હરિભક્ત હતા. તેઓ ગોંડલ દરબારના કોઠારી હતા. તેઓ સત્સંગી સારા હતા. એક વખત તેમને મહારાજને ઓઢાડવા સારુ ચોફાળ કરાવવાને આપ્યો હતો. તે ચોફાળ તૈયાર થતાં તેમાંથી આઠ આના વધ્યા. તે ચોફાળ મહારાજને પૂગતો કર્યો, પરંતુ વધેલા આઠ આના પોતે રાખ્યા. આ ભૂલને કારણે પોતાના અધિકાર ઉપરથી નીકળી ગયા અને અતિશે દરિદ્રપણું આવ્યું.

એક વખત સદ્.શ્રીગોપાળાનંદ સ્વામી ગોંડલ પધાર્યા હતા. તેથી સૌ હરિજનોને ખૂબ જ આનંદ વધ્યો ને સ્વામીનાં દર્શને આવ્યા. સ્વામીએ બધાની ખબર લીધી. પછી સ્વામી બોલ્યા જે, “સૌ હરિભક્ત આવ્યા, પરંતુ રાઘવજીભાઈ કેમ દેખાતા નથી ?” ત્યારે કોઈકે કહ્યું જે, “સ્વામી, તેમને તો વહેવારે બહુ દુ:ખ પડયું છે અને સ્ત્રી-છોકરાં સૌ નાશ પામી ગયાં છે અને અધિકાર ઉપરથી ઉઠાડી મૂક્યા છે. અત્યારે તેઓ જુવારની ધાણીના લાડવા કરીને વેચે છે; આવી ગરીબ પરિસ્થિતિમાં જીવે છે.”

ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે, “તેને મારી પાસે બોલાવો.” પછી હરિભક્તો રાઘવજીભાઈને સ્વામી પાસે બોલાવી લાવ્યા. રાઘવજીભાઈનો વેશ જોઈને સ્વામી બોલ્યા જે, “રાઘવજીભાઈ ! આઠ આનામાં આટલે દરજ્જે દરિદ્રતા આવી ગઈ છે ?” તે સાંભળીને રાઘવજીભાઈ સ્વામી પાસે બહુ દિલગીર થઈ રડી પડયા અને સ્વામીને કહ્યું જે, “હે સ્વામી ! મારી ઉપર કૃપાદૃષ્ટિ કરો.” પછી સ્વામી કહે, “આજ તમારે વેપારમાં શું આવ્યું છે ?” ત્યારે રાઘવજીભાઈ કહે, “સ્વામી, બાર આનાની મૂડી છે અને જુવારની ધાણીના લાડવા વેચું છું અને સાંજ પડયે શેર જુવાર વધારે આવે છે.”

પછી સ્વામીએ અતિશય કરુણા કરીને કહ્યું કે, “તે શેર જુવાર તમારે હાથે દળીને આંહીં લાવો અને તમો આજ ઉપવાસ કરજો.” પછી રાઘવજીભાઈએ જુવાર દળી તેનો શેર લોટ લાવીને સ્વામી પાસે મેલ્યો. પછી સ્વામીએ સંતોને કહ્યું જે, “આનો રોટલો કરીને ઠાકોરજીને ધરાવો.” પછી તે જુવારનો રોટલો કરીને ઠાકોરજીને ધરાવ્યો. તેમાંથી અરધો રોટલો સ્વામી જમ્યા અને અરધો રોટલો ચોળીને સૌ સંતોને પ્રસાદી વહેંચી આપી. પછી સ્વામીએ રાઘવજીભાઈને કહ્યું જે, “તમો થોડાક દિવસમાં તમારા અધિકાર ઉપર આવી જશો.”

પછી સ્વામી ત્યાંથી જૂનાગઢ પધાર્યા અને થોડા દિવસ થયા એટલે દરબારને ખબર પડી જે, ‘આપણા જૂના કોઠારી રાઘવજીભાઈ કેમ દેખાતા નથી ?’ ત્યારે કોઈકે કહ્યું જે, ‘તેમને તો અધિકાર ઉપરથી બહાર કરેલ છે.’ પછી દરબાર કહે, ‘લાવો તેમને પાછા, તે જ જગ્યા ઉપર દાખલ કરો.’ પછી સ્વામીની કૃપાદૃષ્ટિથી તે રાઘવજીભાઈની કોઠારી તરીકે નિમણૂક થઈ અને સર્વ રીતે સુખી થયા.

વહાલા ભક્તો ! ભગવાન અર્થે ચોફાળ કરાવવાની સેવામાં રાઘવજીભાઈએ લોભને કારણે આઠ આના જેટલી સામાન્ય મૂડી પોતે રાખી તો કેવું દુ:ખ આવ્યું ! છેવટે સદ્.ગોપાળાનંદ સ્વામીએ શેર લોટ માગીને તેમના પર અનુગ્રહ કર્યો ત્યારે સુખી થયા. માટે ક્યારેય ભગવાનનું, મંદિરનું, ધર્માદાનું ધન પોતા અર્થે રાખવું નહિ, નહિતર રાઘવજીભાઈ જેવું થાય. અને ક્યારેક આપણાથી આવી ભૂલ થઈ હોય કે થાય તો મોટા સંતને શરણે રાઘવજીભાઈની જેમ સાચા પશ્ચાત્તાપ સાથે જઈને નિખાલસપણે ભૂલ સ્વીકારીએ, માફી માંગીએ તો સંતની કૃપાદૃષ્ટિથી સુખી થવાય. માટે નિત્ય સત્સંગ કરતા રહેવું તો ભગવાનની આજ્ઞા પાળવાનું બળ મળતું રહે, સદા સુખી રહેવાય અને ભગવાન ને સંતોની આપણા ઉપર કૃપાદૃષ્ટિ સદૈવ રહે.