
થોડા દિવસો પછી પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. તોફાન, મસ્તી અને ગાફલાઈને કારણે બન્ને પરીક્ષામાં નાપાસ થયા. રિઝલ્ટ જોઈને તેઓ ડરી ગયા કે હવે માતા-પિતાને શું કહીશું ? તેમ છતાં બન્નેએ તેમનાં માતા-પિતાને વાત કરી કે, તેઓ પરીક્ષામાં નાપાસ થયા છે. હવે તેઓ પાસે એક તક હતી કે, એક મહિના પછી નાપાસ વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા આવે તેમાં પાસ થવું.
પાર્થના મિત્ર જયનો પરિવાર સત્સંગી હતો. તેના પિતાને રિઝલ્ટની ખબર પડતાં જ જયને કહ્યું, ‘બેટા, તું ચિંતિત ન થતો. હવેથી તું મહેનત કરીને રીએક્ઝામમાં પાસ થઈ જઈશ; એવો મને તારા પર વિશ્વાસ છે. અને ચાલ, આપણે સંતોને વાત કરીએ.’
જયના પિતાએ સંતોને વાત કરી કે, જયને આવું રિઝલ્ટ આવ્યું છે. તેથી સંતોએ પણ જયને બળ આપ્યું કે, ‘ભાઈ, આવું રિઝલ્ટ આપણી ગાફલાઈને કારણે આવ્યું હોય, પરંતુ આપણી પાસે હજુ એક તક છે અને તેના માટે સમય પણ છે. તેનો ઉપયોગ કરીને પ્રભુજી, પૂ.સંતો અને મમ્મી-પપ્પાને રાજી કરવા મહેનત કરજે. અમે કૃપાનાથને પ્રાર્થના કરીશું કે, રીએક્ઝામમાં તને સારું રિઝલ્ટ આપે.’
જયને થયું કે, મારું આવું રિઝલ્ટ આવ્યું હોવા છતાં બધા મારી કેટલી ચિંતા કરે છે ! તો મારે હવે બધાને રાજી કરવા છે. આમ વિચારી તેને ખૂબ મહેનત કરી અને સારા માર્ક્સે પાસ થયો.