Pratikultama Pragati…

Pratikultama Pragati…
January 1, 2024
Aatmiyswarupdasji Swami - Kundaldham
0:00/0:00

બે દિવસ પહેલાં રીઝલ્ટ બહાર પડયું. ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષામાંં દિવ્ય બે સબજેક્ટમાં ફેલ થયો. એકમાં ૨૪ અને બીજામાં ૨૯ માકર્સ; પણ આશ્ચર્યની વાત તો એ હતી કે, દિવ્યનુંં વર્તન અન્ય નાપાસ થયેલ વિદ્યાર્થીઓથી તદ્દન નોખું હતું. આવો બનાવ બની ગયા છતાં તેનું મુખ જરા પણ કરમાયેલું નહોતું દેખાતું. જાણે કાંઈ બન્યું જ ન હોય ! એમ તે આનંદમાં હતો. નિર્મિત, આલાપ, આતિથ્ય, રવિ વગેરે તેના કેટલાક મિત્રોને થયું કે દિવ્ય મોઢા ઉપર કાંઈ દેખાવા નથી દેતો પણ… તેના અંતરમા તો ઉદ્વેગ-ટેન્શન ઘણું હશે. એક દિવસ મિત્રોની હાજરીમાં જ રવિએ પૂછી નાખ્યું, ‘કેમ દિવ્ય, કાંઈ મૂંઝવણમાં તો નથી ને ! બે સબજેક્ટમાં ફેલ થયો તે એનું જરા...’

દિવ્યએ કહ્યું, “રવિ ! સાચું કહું તો હાલ મને એનું લગારેય દુ:ખ નથી. હા, રીઝલ્ટ બહાર પડયું ત્યારે જરા આંચકો લાગ્યો હતો, પણ પછી તો રીઝલ્ટ લઈને હું સીધો નીતિન અંકલ પાસે પહોંચી ગયો. તેમણે મને અડધો કલાક આપ્યો. તેમની વાતોથી મને સમજાઈ ગયું કે જીવનમાં ઘટતી દરેક સુખદ કે દુ:ખદ ઘટના અને તેમાંથી મળતા અનુભવો આપણને આગળ લેવાનાં માધ્યમો છે. જેને લોકો અસફળતા કહે છે, એના જ માધ્યમે જો આપણી અનેક નવી દિશાઓ ખૂલતી હોય, કેટલાક નવા અનુભવો મળતાં અનેક નૂતન ફીલ્ડમાં આપણો પ્રવેશ થતો હોય, હવે પછીનાં સ્ટેપ કેવી રીતે-કેવાં લેવાં તે વિશેની સાવધાની મળતી હોય, તો પછી એને અસફળતા કેમ કહેવા?

મારા પ્રભુએ મારા ફ્યુચરને અનુલક્ષીને મારું ડ્રોઇંગ કાંઈક બીજા પ્રકારનું બનાવ્યું હોય ને હું એને અસફળતા કે દુ:ખ માનીને દુ:ખી થાઉં તો એમને કેવું લાગે ? પ્રભુના વિશ્વાસે જીવવાને બદલે ચિંતા કર્યા કરું તો પ્રભુને કેવું લાગે ? હા, મેં મહેનત કરવામાં ખામી રાખી છે અને હું ફેલ થયો છું એ તો મારો જ વાંક છે. આળસ-પ્રમાદ ને ગાફલાઈ છોડી હજુ વધારે અભ્યાસમાં ધ્યાન આપ્યું હોત તો સારું હતું, પણ હવે જ્યારે પ્રભુએ મને પાઠ ભણાવવા કે કોઈ કારણોસર આ અનુભવ આપ્યો જ છે, ત્યારે જો હું દુ:ખી થાઉં તો મેં સત્સંગ પચાવ્યો કેમ કહેવાય !

નીતિન અંકલે મને આવી ઘણી ઘણી બળભરી વાતો કરી હતી. તે વાતોથી હવે મને એમ લાગે છે કે હું ક્યાં મારી આખી જિંદગી હારી ગયો છું ! માત્ર એક જ વર્ષ. અને તેમાં પણ હું સાડમાં સ્પીકીંગ કોર્ષ, કમ્પ્યુટર કલાસ અને તેમના સુચવ્યા મુજબ એક કંપનીમાં ન્ટરવ્યું આપીશ. માટે જે થયું તે બધું સારું જ થયું છે. મને આ બાબતે કોઈ જ દુ:ખ નથી, ઊલટાનો હું આવી કોઈક પ્રતિકૂળ બાબતો આવી પડે તો તેનો સામનો કરવા સક્ષમ થઈ ગયો છું. જો નીતિન અંકલે મને આ બધી વાતો સમજાવી ન હોત તો કદાચ હું પણ અન્ય નાપાસ થયેલ વિદ્યાર્થીઓની માફક નાસીપાસ થઈ જાત.’

રવિ અને તેના મિત્રો દિવ્યની વાત એકીટશે સાંભળતા રહ્યા. એટલામાં સાથે રહેલ આતિથ્યને પોતાની વાત યાદ આવી ગઈ. તેણે કહ્યું, ‘દિવ્ય ! અંકલે તને કરેલી વાતો તદ્દન સાચી છે. આપણામાં મજબૂતાઈ કે ઊંચાઈ ત્યારે જ આવે છે, જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવાનો થાય. મારા જીવનમાં મને પણ અંકલે બહુ બળ આપ્યું છે. પહેલાં તો હું કાયમ જે તે સેવા સંભાળવાની ઘસીને ના પાડી દેતો. અપમાન થવાની બીકે-માન જવાના ભયમાં જવાબદારીથી અત્યંત ડરતો. જ્યારે મોટાના વચને જવાબદારી લેવા માંડયો ત્યારે પણ કેટલીક વાર એવું બનતું કે સેવા બાદ રાજીપાની-વખાણની આશા હોય ને કાંઈક બીજું જ થઈને ઊભું રહે. પછી તો હું નક્કી જ કરી લેતો કે હવે હું કોઈની પણ નીચે રહીને સેવા કરીશ; જવાબદારી નહીં. પછી તો એક દિવસ નીતિન અંકલે મને દોઢ કલાક સમજાવીને મારા સેફ્ટીઝોનમાંથી મને બહાર કાઢ્યો. મારા પર પ્રભુની, સંતો-ભક્તોની કૃપા કે તે દિવસથી હવે એવી ઘેડય પડી ગઈ છે કે ગમે ત્યારે, ગમે તેવી અઘરી સેવા સોંપે; આવડત કે અનુભવ ન હોય તોય ડર નથી લાગતો.’

આટલી વાત થતાં આલાપે પોતાનો એક પ્રસંગ સંભારી બોલવા માંડયું, ‘બે વર્ષ પહેલાં હું પાણીથી બહુ ડરતો. એકવાર મિત્રો દ્વારા મને મારા દોરેલા સર્કલમાંથી બહાર કાઢવાનો વ્યુહ રચાયો. તેઓ મને તરતા શીખવાનું જોવાના નિમિત્તે સાથે લઈ ગયા. હું કૂવાના કાંઠે બેસી તેમને તરતા જોઈ રહ્યો હતો. અચાનક દીપકે પાછળથી આવીને મને એવો ધક્કો મારી દીધો કે ભફાંગ લઈને હું કૂવામાં પડયો. મારા હોસકોસ ઊડી ગયા, પણ… મને તરતા આવડી ગયું, ભય જતો રહ્યો. જો મારા જીવનમાં આ બનાવ બન્યો જ ન હોત તો હું આજીવન પાણીથી ડરતો રહેત.’

હવે પોતાના વિચારોમાં ખોવાયેલ નિર્મિત બોલવા લાગ્યો, ‘મારા જીવનમાં મેં પણ ઘણી સ્ટ્રગલ લીધી છે. ડગલે ને પગલે આવતા દુ:ખોથી ઘડાઈ ગયો છું એટલે હવે બહુ ફરક નથી પડતો; આનંદમાં રહેવાય છે. નહિ તો ગાલે ફોલ્લી થઈ હોય એનું પણ મને ટેન્શન રહેતું. મારી ૧૨ વર્ષની ઉંમરે પપ્પા આ દુનિયા છોડીને ચાલ્યા ગયા, તેથી નાનપણથી જ વ્યવહારની તમામ જવાબદારી માથે આવી પડી. અભ્યાસના ખર્ચા, મકાનનું ભાડું, હપ્તા ચૂકવી શકાય નહિ, વળી દવાખાનાના ખર્ચા આવ્યા કરે. આર્થિક સંકડામણના એ દિવસો કદી નહિ ભુલાય. પણ આ બધી બાબતોમાં એટલું ચોક્કસ કહીશ કે આ દરેક અનુભવો સત્સંગથી, સંતો-ભક્તોનાં હૂંફ-બળ-પ્રેમથી સોનાના થઈ ગયા છે. જો મને સત્સંગ મળ્યો ન હોત તો મેં આપઘાત જ કરી લીધો હોત.

મારા એક એક પ્રસંગે મને ઘણું ઘણું શીખવ્યું છે. ધીરજ, પ્રભુનો વિશ્વાસ અને દાસત્વ વધારી આપ્યું છે; સંતો-ભક્તોનો પ્રેમ અપાવ્યો છે. આ સંસારમાં આપણાં સાચાં સગાં પ્રભુ અને પ્રભુપ્યારા સિવાય કોઈ નથી એ વાત પાકી કરાવી દીધી છે. સ્વાર્થના સગાની અને માયાની વાસ્તવિકતાની વાત સમજાવી દીધી છે. અત્યારે એવું લાગે છે કે, પ્રભુએ મને કોઈ જ દુ:ખ આપ્યું નથી. ઊલટાનું દુ:ખમાં પણ દુ:ખી ન થવાની અને સમજણથી સુખી રહેવાની કળા શીખવી છે. પ્રભુએ મને અભ્યાસમાં ભલે કાચો રાખ્યો, પણ સદાય સુખી રહેવાનું કેલ્ક્યુલેશન કેમ કરવું ? એ શીખવી દીધું છે.’ આમ ઘડતરના પાઠ અંગે પોતાના અનુભવની વાતોથી પરસ્પર બળ મેળવી સૌ મિત્રો છૂટા પડયા.

વહાલા ભક્તો ! જે બાબત યશના અજવાળામાં નથી દેખાતી તે કેટલીક વાર અપયશના અંધારામાં દેખાતી હોય છે. જે વાત સફળતાના શિખર પર હાથમાં નથી આવતી, તે કેટલીક વાર અસફળતાના તળિયેથી હાથ લાગતી હોય છે. જે બાબત સુખ અને સુવિધામાં નથી સમજાતી તે કેટલીક વાર દુ:ખ અને દ્વિધામાંં સારી રીતે સમજાઈ જતી હોય છે.

ઉપરોક્ત બાબતોનો આપણને અનુભવ નથી એટલે જ આપણે દુ:ખથી દૂર ભાગીએ છીએ, અગવડતાનો અસ્વીકાર અને અણગમો રાખીએ છીએ, જરા સરખી મુશ્કેલી આવી પડે ત્યાં તો ઘાંઘા થઈ જઈએ છીએ; પરંતુ જો શૂરવીર બની તેનો સામનો કરીએ તો આપણા વ્યક્તિત્વમાં જબરો નિખાર આવે અને આપણી આંતરિક હાટ ખૂબ વધી જાય.

જ્યારે આપણે આવી બાબતની કેળવણીથી દૂર ભાગી દુ:ખ, અપમાન, અસફળતા અને અગવડતામાંથી મળતા અનુભવો લેવાનું પસંદ નથી કરતા ત્યારે આપણી પ્રગતિ રૂંધાવા બાબતે આપણે પોતે જ જવાબદાર બની જઈએ છીએ. માટે જો આપણે પોતાના જીવનને ઊર્ધ્વગામી બનાવવા ચ્છતા હોઈએ તો ગમે તેવાં દુ:ખો, મુશ્કેલીઓ કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં ભાગ્યા કે ભાંગ્યા વિના તેનો સામનો કરવા હંમેશાં તત્પર જ રહેવું જોઈએ. કેમ જે, પ્રતિકૂળતામાં પ્રગતિ જબરી થાય છે…