Manyushbhav

Manyushbhav
September 1, 2026
Krushnapriyadasji Swami - Kundaldham

એક હતા રાજા. તે ખૂબ જ સારી રીતે રાજ્ય કરતા હતા. તેના એક પ્રધાન હતા, તે ખૂબ જ પરોપકારી માણસ હતા. રાજ્ય ચલાવવામાં તે ખૂબ જ સારી મદદ કરતા. મહારાજાને આ પ્રધાન ઉપર ખૂબ જ વિશ્વાસ હતો.

એક દિવસ મહારાજાએ તેના પ્રધાનને કહ્યું, “પ્રધાનજી ! આપણા રાજ્યમાં દરેક પ્રજા સુખી છે કે નહિ ? તે આપણે જાણવું છે અને કોઈને કાંઈ દુ:ખ રહેવા દેવું નથી.”

મહારાજાની વાત સાંભળીને પ્રધાનજીએ એક યુક્તિ બતાવી. પ્રધાનજીના કહેવા પ્રમાણે બન્નેએ સાધુનો વેષ ધારણ કર્યો. પછી તેઓ ગામના ચોરે જઈને બેઠા. સાથેના સેવકને કહીને તેમણે ગામમાં ઢંઢેરો પીટાવીને જાહેર કર્યું કે,“જેને કોઈ પણ પ્રકારનું દુ:ખ હોય કે જરૂરિયાત હોય તે અમને લખાવો. તમારી બધી જ માગણી અમે ભગવાનને કહીને તમારી તે માગણી ભગવાન પાસે પૂરી કરાવીને તમને સુખી કરી દેશું.”

ઢંઢેરો સાંભળીને ઘણા લોકો ભેગા થઈ ગયા. તેમાના કેટલાક કહેવા લાગ્યા, “તમારી પાસે જ કાંઈ નથી અને તમે અમારું દુ:ખ શું દૂર કરવાના હતા ?” કેટલાકે તો ગાળો ભાંડી, પરંતુ કેટલાક ડાહ્યા નીકળ્યા. તેમણે સંતો ઉપર વિશ્વાસ રાખીને વિચાર કર્યો કે, ‘આ સંતો આપણાં દુ:ખ ટાળી દેવા જ આવ્યા છે, તો લાવોને આપણાં દુ:ખો તેમને કહીએ.’ આમ કેટલાકે જમીન માગી, કેટલાકે રૂપિયા માગ્યા, કેટલાકે સોનામહોરો માગી, કેટલાકે કલ્યાણ માગ્યું. એ બધાનાં નામ અને સરનામાં પ્રધાનજીએ એક ચોપડો કાઢીને તેમાં લખી લીધાં. સાંજ પડી એટલે મહારાજા અને પ્રધાનજીએ પોતાનું આસન ઉપાડયું અને અંધારામાં તેઓ મહેલમાં આવી ગયા.

બીજે દિવસે સવારે આખા રાજ્યના તમામ પ્રજાજનોને કચેરીમાં બોલાવવામાં આવ્યા. મહારાજા આવીને પોતાના સિંહાસન ઉપર બેઠા. પ્રધાન પાસેથી ચોપડો લઈને તેમાં લખેલાં નામ અને સરનામાંવાળા માણસોને મહારાજાએ બોલાવ્યા. જે જે વસ્તુ જેમણે માગી હતી તે તેમને આપવા લાગ્યા. કોઈને જમીન આપી, કોઈને રૂપિયા આપ્યા; એમ માગનારાને પોતાની ઇચ્છા મુજબ બધું જ મળ્યું. તેથી તે બધા રાજી થઈ ગયા. જેમણે શંકા કરીને કાંઈ જ નહોતું લખાવ્યું, તેઓ પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે, ‘આપણે ન માગ્યું એટલે રહી ગયા.’ જેમણે ગાળો ભાંડી હતી તેમને સજા કરી અને બાકીનાને છોડી મૂક્યા. જેણે માગ્યું તેઓ ફાવી ગયા.

વહાલા ભક્તો ! ભગવાન અને સંતો આ પૃથ્વી ઉપર જ્યારે મનુષ્યદેહ ધરીને આવે છે ત્યારે તેઓ મનુષ્ય જેવા જ દેખાતા હોય છે, પરંતુ તેઓ આપણી જેવા મનુષ્ય નથી. તેઓ તો આપણને અક્ષરધામનું સુખ આપવા આવેલા સાક્ષાત્ પુરુષોત્તમનારાયણ અને તેમના વહાલા અક્ષરમુક્તો જ છે; આ વાતને આપણે માયિક દૃષ્ટિવાળા સમજી શકતા નથી અને તેમાં મનુષ્યભાવ પરઠીએ છીએ. પરંતુ જેઓ તેમનો આવો મહિમા સમજે છે તેઓ તેમને રાજી કરી લે છે અને અક્ષરધામના જેવું સુખ આ લોકમાં ભોગવે છે અને મૂવા પછી પણ તે અવિનાશી સુખ ભોગવે છે. જેઓ સામાન્ય મનુષ્ય જેવા સમજે છે તેઓ જન્મ-મરણમાં જ ભટક્યા કરે છે.