Mansi Poojani Mahatta

Mansi Poojani Mahatta
August 1, 2026
Aatmiyswarupdasji Swami - Kundaldham

વહાલા યુવાનો ! આજની યુવાસભામાં સંતોએ મોકલાવેલ પરિપત્ર અનુસાર એક ટોપિક ચર્ચવો છે. જો આના પર ધ્યાન આપવામાં આવે તો એ આપણને આધ્યાત્મિકતામાં ઘણા બધા સમૃદ્ધ કરી શકે છે, ને એ ટોપિક છે - ‘માનસી પૂજા.’ તો ચાલો સૌ પ્રથમ હું એ પૂછી લઉં કે કોણ કેટલી માનસી પૂજા કરો છો ? આટલી ટૂંકી પ્રસ્તાવના સાથે યુવાસભાના સંચાલક ભાવિકભાઈ પૂછવા લાગ્યા, ચાહક ! ‘સર, ચાર.’ મોહિત ! ‘ત્રણ.’ સાગર, તું ? સાગરે પ્રફુલ્લિત ચહેરે પ્રત્યુત્તર વાળ્યો… ‘પાંચ.’ ઘણા યુવકોને પૂછ્યા બાદ પાંચનો આંકડો સાંભળતાં સૌ યુવકોએ તેને તાળીથી વધાવી લીધો. સર આગળ વધ્યા, ‘બેટા નિગમ, તું ?’ ‘સર, આમ તો પાંચ કરું છું પણ પાંચમી ક્યારેક ક્યારેક ભુલાઈ જાય છે.’ ભાવિકભાઈને મુદ્દો ચર્ચવા માટે યોગ્ય જગ્યા મળી ગઈ, તેથી તેઓ આ ટોપિકને ઊંડો ખેડવા લાગ્યા. ‘બેટા, કઈ રહી જાય છે ?’ ‘સર, ઉત્થાપનની.’ ‘શા માટે ?’ ‘સર, એ વખતે હું ઓફિસે હોઉં છું તે ભુલાઈ જાય છે ને યાદ નથી આવતી.’

ભાવિકભાઈએ કહ્યું, ‘એ માનસી તને ભુલાઈ ન જાય, એ બાબતનો કોઈ રસ્તો ખરો ?’ નિગમ વિચારીને જવાબ આપે એ પહેલાં સરે કહ્યું, ‘તારો મિત્ર ઉદિત તારી સાથે જ ઓફિસે બેસે છે, ખરું ને ?’ ‘હા.’ ‘તો તું એને યાદી આપવાનું કેમ કહી નથી રાખતો ? વળી આ સિવાય તું તારા મોબાઇલમાં રિમાઇન્ડર મૂકી દેવાનું પણ કેમ નથી વિચારતો ?’ આટલી વાત બાદ સર અન્ય યુવકોને સંબોધીને કહેવા લાગ્યા, ‘વહાલા યુવાનો, આ નિગમ તો એક નિમિત્ત છે, પણ આપણને સૌને કોઈ ને કોઈ રીતે આપણું મન રમાડી જતું હોય છે. ખરેખર તો આપણને માનસી પૂજાનું એટલું મહત્ત્વ જ નથી સમજાયું હોતું કે આપણે ગમે તેવા સંજોગોમાં અચૂકપણે માનસી કરી જ લઈએ. જો સમજાયું હોય, તો તેની પ્રાયોરિટી ગમે તે ભોગે રહે જ. માની લો કે એવી કોઈ સ્કીમ હોય કે આજથી એક મહિના સુધી જેને રોજેરોજની પાંચેય માનસી થઈ જાય, એકેય રહી ન જાય, તો એના ઇનામરૂપે એના એકાઉન્ટમાં ૫ લાખ જમા થઈ જાય. તો બોલો કોને કોને રહી જાય ? કેવા કેવા સંજોગોમાં રહી જાય ? કોને કોને ભુલાઈ જાય ? અને હા, આનાથી ઊલટું એવી સ્કીમ હોય કે મહિના દરમિયાન કોઈને એક પણ માનસી ચૂકાઈ જાય તો એક-એક માનસીના એક-એક લાખ રૂપિયા દંડ પેટે ભરવાના. આવું હોય તો ?’

સરના આ દૃષ્ટાંતે સૌ યુવકોને વિચારતા કરી દીધા. શૂન્ય-મૌન વાતાવરણમાં અચાનક નિગમ બોલ્યો, “સર, મારી બાબતમાં આપ કહો છો એ તદ્દન સાચું છે. કેટલીક વાર તો મને યાદ પણ આવે છે, સમય પણ હોય છે, છતાં ‘પછી કરીશ, પછી કરીશ’ એમ આળસ-પ્રમાદમાં જાય છે. ને ક્યારેક એમ થાય છે કે પહેલાં આ કામ પતાવી દઉં, પછી શાંતિથી... આમ વિચારવામાં સાંજ પડી જાય છે.” ભાવિકભાઈએ નિગમની નિખાલસતા બદલ રાજીપો દર્શાવી તેના પર બોલવા માંડયું, ‘બસ આ જ પોઇન્ટ છે. કેટલીક વાર માનસી રહી ગયાનું આપણને દુઃખ પણ નથી થતું હોતું; એ જ આપણી વીકનેશ છે. એની સામે આમાંના કેટલાક યુવકો એવા પણ છે કે જે પોતાની કઈ માનસી ઉત્તમ, મધ્યમ કે કનિષ્ઠ થઈ ? શા કારણે એવી થઈ ? વગેરેનો હિસાબ રાખી આગળ વધે છે.

આ બાબતે મેં સાંભળ્યું છે કે આપણા સંતો કોઈ વાર સેવાદિકના વિચારોવશાત્ ઉત્તમ માનસી ન કરી શક્યા હોય તો ફરીવાર પણ કરી લે છે, પરંતુ હરિવરમાં હેત કરવાનું જતું નથી કરતા. ને આપણા જેવાને તો પૂજાની માનસીમાં આવતીકાલનું શેડયૂલ તૈયાર થઈ જાય, સંધ્યા વખતે ટોકરી સંભળાય ત્યારે યાદ આવે કે, હું તો અહીં મંદિરમાં સૌ ભક્તો સાથે માનસી કરવા બેઠો હતો ને પ્રભુને પીરસવું પડયું મૂકી મીટિંગના મુદ્દાના વિચારે ચડી ગયો. પછી તો ‘ગડબડ ગોટા ને પ્રભુ મોટા...’ આમ આપણે માનસીનું ફીંડલું વાળી દેતા હોઈએ છીએ. કેટલાક સાવધાન હેતાળા સંતો-ભક્તો માનસી પૂજાના માધ્યમે પ્રભુપ્રેમમાં ભીંજાય જતા હોય ને આપણે એમ ને એમ જ કોરાધાકોડ હોઈએ. જો આ બાબતે સાવધાન ન થઈએ, તો રોજનો ઘસારો આપણને બહુ મોંઘો પડી જાય. સત્સંગમાં તો હોઈએ પણ પ્રભુપ્રેમ બાબતે મીંડું ! માટે આ વાતોને આપણે ધ્યાનમાં લઈશું.’ અને હા, પરિપત્રમાં આ વિષયનાં વચનામૃતનાં રેફરન્સ તથા કેટલાંક ચરિત્રો આપ્યાં છે. તેને આપણે સમજીએ… આમ કહી તેઓ વાંચતા થકા સમજાવવા માંડયા,

વચ.સારંગપુર-૩માં શ્રીહરિ કહે છે કે, ‘ભગવાનને વિષે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જ ભગવાનની માનસી પૂજા કરે છે, તો એ બેય શ્રેષ્ઠ છે.’ પ્રભુના આવા શબ્દોથી આપણને માનસી પૂજાની મહત્તા સારી રીતે સમજાય છે. વળી, ગઢડા અં.-૨૩માં વચનામૃતમાં તો કેવી રીતે, કેવા ભાવથી માનસી પૂજા કરવી ? એ પ્રભુ પોતે શીખવી નિત્યપ્રત્યે માનસી પૂજા કરવાની આજ્ઞા કરે છે. ને માનસી પૂજા કરનારને તેનું શું ફળ મળે ? એ વિશે કહે છે કે, ‘તે ભક્તને ભગવાનને વિષે હેતની વૃદ્ધિ થાય છે, ને તેના જીવને બહુ સમાસ થાય છે.’ જો આપણને ભગવાનમાં હેત વૃદ્ધિ ન પામતું હોય તો આપણી માનસી પૂજા ચકાસવી-સુધારવી રહી.

વળી, વચ.વડતાલ-૫માં મહારાજે કહ્યું છે કે, ‘જેમ ભગવાનની માનસી પૂજા કરે, તેમ જ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાનની ભેળી માનસી પૂજા કરે...’ વળી, તેના અર્થે થાળ કરે, પાંચ રૂપિયા ખર્ચ કરે, સંતની સેવા કરે, તો તે કનિષ્ઠ ભક્ત હોય ને સો જન્મે કરીને ઉત્તમ થનારો હોય તોય આ જ જન્મે ઉત્તમ થઈ જાય છે. કેવું મોટું ડિસ્કાઉન્ટ !

અગતરાઈના પર્વતભાઈ સાંતી હાંકતાં હાંકતાં પણ માનસી પૂજામાં પ્રભુને જમાડતા હતા, તો પ્રભુએ દહીં ઢોળાયેલું બતાવી પોતાનું પ્રગટપણું જણાવ્યું હતું. પ્રભુ સાથે આવી એકાત્મતા જોઈતી હોય તો આપણે પણ પર્વતભાઈના રસ્તે ચાલવું જ પડશે. એકવાર ઉપલેટાના લાલાભાઈને દર્શન દઈને મહારાજે કહ્યું, ‘નવા સત્સંગી થયેલા જાદવજી વિપ્ર અમને માનસી પૂજામાં ચળું કરાવતા નથી.’ આમ પ્રભુએ લાલાભાઈ દ્વારા જાદવજી વિપ્રની ભૂલ સુધરાવી હતી.

એકવાર લક્ષ્મીચંદ નામના એક વણિકને અત્તર, ચંદન, વિવિધ પુષ્પો વગેરેની સુગંધ આવી. જોયું તો બાજુમાં બેઠેલ કેટલાક સંતો માનસી પૂજામાં પ્રભુજીનું પૂજન કરતા હતા. જો માનસી પૂજામાં પણ પ્રભુ સાથે એકતા થતાં આવું દૃશ્ય સર્જાતું હોય, તો આ બાબતે આપણે શા માટે નાસ્તિકભાવ રાખવો ? ધોળકાના લોભી પ્રેમજી ભગત માનસી પૂજામાં પ્રભુને જમાડવામાં પણ લોભ રાખતા. એકવાર માનસીમાં તેઓ પ્રભુને ચૂરમું પીરસ્યા બાદ ઘી પીરસતા હતા, અચાનક ઘીની તપેલી ચૂરમામાં ઢોળાઈ જતાં તેઓ થાળીમાંથી ઘી કાઢવા લાગ્યા. ત્યારે પ્રભુએ દર્શન આપીને કહ્યું, ‘પ્રેમજી! ઘી ક્યાં તારા બાપનું છે તે પાછું કાઢે છે ? એમાં તારે ક્યાં ખર્ચ કરવો પડે છે ?’ આમ પોતાનું પ્રગટપણું દર્શાવી તેના લોભનો ત્યાગ કરાવ્યો.

પરિપત્રમાંની આટલી વાતો વાંચ્યા બાદ ભાવિકભાઈએ કહ્યું, ‘વહાલા યુવાનો, આપણે માનસી પૂજાની આ બધી અમૂલ્ય વાતોને અંતરમાં ધારી આજથી જ તેની દૃઢતા કરવી છે. આના ફાયદા લેવા છે અને ન કરવાથી જતી ખોટથી બચવું છે. તો ચાલો, સૌ આંખો બંધ કરીને અત્યારે જ આ બાબતે મનોમન ઠરાવ કરી લ્યો. 

ને છેલ્લે ઉત્તમ ક્વોલિટીવાળી માનસી કરવા કઈ ૫ બાબતો ધ્યાનમાં લેવી ? એ નોંધી લ્યો…

(૧) મારે પાંચેય માનસી ઉત્તમ કરવી જ છે; એવો ઠરાવ કરવો.
(૨) પૂર્વતૈયારી સાથે માનસી પૂજા કરવી. દોડધામમાં, વ્યગ્રતામાં કે ઉતાવળમાં નહીં.
(૩) માનસી જમ્યા પહેલાં શાંતિથી કરવી; જમ્યા પછી નહીં.
(૪) પ્રભુમાં પ્રેમ-ભાવ ઊપજે એના પર વધુ ધ્યાન આપવું; ભોજનની વિવિધતા પર નહીં.
(૫) આજની યુવાસભામાં મારે બોલીને સૌને માનસી કરાવવાની હોય તો હું કેવી કરું ? એ વિચારથી એ મુજબ કરવી…’