Krunasagar Shree hari

Krunasagar Shree hari
July 1, 2026
Prasannavadan Swami - Kundaldham

મેથાણ ગામમાં સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાનના એક સુરાણી મલા પટેલ નામે અતિ ભાવિક ભક્ત હતા. જ્યારથી તેમને મહારાજનાં દર્શન થયાં, ત્યારથી જ તેમને મહારાજ સાથે એવું હેત થઈ ગયું, એવો જીવ જોડાઈ ગયો કે મહારાજ સાંભર્યા જ કરે. મહારાજની સહેજે અખંડ સ્મૃતિ રહે. મહારાજ ઝાલાવાડમાં આવ્યાના સમાચાર આવે એટલે તરત જ મલા પટેલ પોતાનો તમામ કામધંધો છોડી, મહારાજનાં દર્શન કરવા દોડી જાય. એનાં કુટુંબીઓ અને એનાં ઘરનાંને ઘણી વખત ચીડ ચડતી કે, ‘આવું તો કાંઈ હોતું હશે ?’ પણ પટેલ તો પ્રેમી, સાવ ભલાભોળા માણસ. તેથી મહારાજનાં દર્શને પહોંચી જાય અને અલૌકિક લાભ લેતા.

એકવાર મહારાજ લોયા ગામે સુરા બાપુના દરબારમાં આવ્યા છે; એવી વાત મેથાણ ગામમાં વાયુવેગે પહોંચી. આ સમાચાર મલા પટેલને મળ્યા, એટલે મલા પટેલનું દિલ મહારાજ પાસે જવા અતિ આતુર થઈ ગયું કે, ‘ક્યારે મહારાજને મળીને દર્શન કરી લઉં, ક્યારે લાભ લઈ લઉં ?’

પછી પોતાની પત્નીને કહ્યું કે, ‘ઘરનાં બધાં કામ પૂરાં થઈ ગયાં છે. મારે મહારાજનાં દર્શન કરવા લોયા જવું છે, માટે મને ભાતું બનાવી દે અને તું પણ તૈયાર થા; આવો અવસર કાંઈ વારેવારે મળતો નથી. તું પણ તારો મનખો સુધારી લે. અત્યારે આવા પ્રગટ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર વિચરે છે, તો તેમનો લાભ લઈને તારા કલ્યાણનું કામ કર.’

ત્યારે પટલાણી તો ખીજાણાં. ભાતાની વાત તો એક કોર રહી, પણ તે ઝઘડો કરીને બોલી, ‘ખબરદાર જો જવાનું નામ લીધું છે તો. વારેવારે હડી કાઢીને તમે સત્સંગમાં જાવ છો; એ મને તો ગમતું જ નથી. હું કાંઈ ભાતું બનાવી દેવાની નથી. અહીં ઘરે રહો ને ઘરનાં કામ કરો.’

પટેલને તો મહારાજનાં દર્શનની તાલાવેલી લાગી હતી, એટલે આખી રાત ભગવાનને પ્રાર્થના કરી. ‘હે મહારાજ ! મને આપના દર્શનની અને સંતસમાગમની બહુ ઇચ્છા રહે છે. તમારા વિના ગમતું નથી. ભગવાન અને સંતોની સેવા-સમાગમનો લાભ લઈ શકાતો નથી. પરંતુ આ સંસારમાં સ્વાર્થીયા સગાં અર્થે કરી કરીને મરી ગયા. પૂર્વનાં પાપે મને આવી સ્ત્રી મળી છે, પણ હવે ગમે તે ભોગે મારે મારા કલ્યાણનું કામ તો કરી જ લેવું છે.’

પછી ભગતની પ્રાર્થના ભગવાને સાંભળી. અને ભગવાને તેમને એક આઇડિયા સુઝાડ્યો. મલા ભગતે તો સવારે નાહી-ધોઈને પૂજા-પાઠ કરીને સ્ત્રીને કહ્યું, ‘એલી, સાંભળ ! હવે તો તું કહે એમ જ મારે કરવું છે. હવે મહારાજનાં દર્શન કરવા જવું નથી; પણ તું કહેતી હતી કે, ઘરમાં તેલ ખૂટ્યું છે, તો તલ સાફ કરીને આપ તો હું ઘાણીએ પિલાવીને તેલ લઈ આવુંં.’

આ વાત પટલાણીને બહુ સારી લાગી. પછી પોતે તલ સાફ કરવા માંડી અને બોલી, ‘જુઓ સાંભળો, તમે જ્યારે સગાં-વહાલાંને મળવા જાવ, સંસાર વહેવારનાં કામ કરો એ બધું મને ગમે છે; પણ તમે વારેવારે સાધુનો સંગ કરવા પહોંચી જાવ એ મને ગમતું નથી. માટે સાધુનો સંગ છોડી દ્યો, નહિ તો હું મારા બાપને ઘેર જઈશ અથવા તો કૂવે પડીશ.’

મલા પટેલે તો પત્નીનું આખું ભાષણ સાંભળી લીધું. પછી તલ તૈયાર થઈ ગયા એટલે પટેલ તલનું પોટલું માથે લઈને ઊપડ્યા. સીધી લોયાની વાટ લીધી ! ભૂખ લાગે ત્યારે પોટલું નીચે મૂકીને મુઠ્ઠી ભરીને તલ ખાઈ લે. આમ, પ્રભુદર્શનની લાલચમાં ને લાલચમાં લોયા આવ્યા. લોયામાં વાલા પટેલ નામે તેમના એક સંબંધી હરિભગત હતા, તેમને ઘેર ઉતારો કર્યો. વાલાભાઈએ મલા પટેલનો આદર કર્યો ને કહ્યું, બહુ સારું કર્યું આપણે ઘેર મહેમાન આવ્યા ! પછી જમવાનું પૂછ્યું. એટલે મલા પટેલે કહ્યું, ‘હું મહારાજનાં દર્શન કરવા આવ્યો છું, એટલે હું મહારાજનાં દર્શન કર્યા વિના અન્ન નહિ લઉં.’ એટલે વાલાભાઈએ કહ્યું, ‘તમે બેસો, હું સુરા બાપુના દરબારમાં જાઉં ને મહારાજને વાત કરું છું.’ આમ કહી તેઓ સુરા બાપુના દરબારમાં આવ્યા, પણ એ સમયે મહારાજ પોઢી ગયા હતા.

વાલા પટેલને એમ થયું કે, ‘ભારે થઈ ! મહેમાન ઘરે ભૂખ્યા છે ને મહારાજ પોઢ્યા છે. મહારાજ સુખે પોઢ્યા છે એમને જગાડાય તો નહિ જ. ભલે મારો વહાલો પોઢ્યા.’ આમ વિચારીને વાલા પટેલ પાછા વળ્યા, ત્યારે કરુણાના સાગર શ્રીહરિએ મનમાં વિચાર્યું કે, ‘મારો ભક્ત આમ દૂરથી આટલા ભાવથી આવ્યો છે. વળી, એ ભૂખ્યો છે ને મને ઊંઘ કેમ આવે ?’ પ્રભુએ તરત જ બેઠા થઈ ઊંચો સાદ કર્યો, ‘વાલાભાઈ...એ વાલાભાઈ...!!’ મહારાજનો એ ઘેરો સાદ સાંભળી વાલાભાઈનું હૈયું ઊભરાઈ આવ્યું. મહારાજ પાસે હાથ જોડીને ઊભા રહ્યા. ‘અરે મહારાજ ! આપને ઊંઘમાંથી મેં જગાડ્યા. તે બદલ મને ક્ષમા આપજો.’

ત્યારે મહારાજ કહે, ‘તમે ક્યાં મને જગાડ્યા છે ! હું તો મારા ભક્તના સુખાર્થે જાગ્યો છું.’

વાલાભાઈ કહે, ‘હે નાથ ! મારા ઘરે મહેમાન આવ્યા છે અને તેમને એવું વ્રત છે કે, આપનાં દર્શન વિના અન્ન ખાવું નહીં, તેથી ભૂખ્યા છે. માટે આપ કહો તો તેમને તેડી લાવું.’

મહારાજ કહે, “વાલાભાઈ, તલવાળા હોય તો લઈ આવો.” ત્યારે વાલાભાઈ કહે, “મહારાજ ! તલવાળા નહિ, મેથાણવાળા છે.” મહારાજે ફરી બે-ત્રણ વાર કહ્યું, “તલવાળા હોય તો મોકલો.” પછી વાલા પટેલે વિચાર્યું કે, ‘મહારાજ નામ-ગામ ભૂલી ગયા હશે.’ પછી ઉતાવળે પગે ઘરે આવ્યા ને મલા પટેલને વાત કરી કે, “મહારાજ કહે છે કે, ‘તલવાળા હોય તો આવવા દેજો,’ તે તમારી કાંઈ એવી અટક છે ?” ત્યારે મલા પટેલ એ મર્મને સમજી ગયા. અને કહે, “હા.” આ સાંભળી વાલાભાઈ કહે, ‘મેં તો પેલાવેલા જાણ્યું કે, તમારી અટક તલવાળા છે.’ ત્યારે મલા પટેલ કહે, ‘એ તો બધું અંતરજામી મહારાજ જાણે. એનાથી શું અજાણ્યું હોય ! એ તો સર્વોપરી ભગવાન છે.’ એમ કહી દર્શન કરવા પધાર્યા.

ત્યારે મહારાજે કહ્યું, ‘આવો...આવો...આવો..તલવાળા ભગત આવો’ એમ બોલાવી, સામે ચાલીને ભગવાન તેમને ભેટી પડ્યા. પછી સુરા બાપુના ઘરે કરુણાકંદ એવા શ્રીહરિએ પોતાના હાથે પીરસીને તેમને જમાડ્યા. મલા પટેલને હેતનાં આંસુડાં ચાલ્યાં ગયાં. તેમણે કહ્યું, ‘મહારાજ, મારું તો આજે કામ થઈ ગયું.’

પછી જ્યારે સભા થઈ ત્યારે મહારાજે મલા પટેલને આજ્ઞા કરીને કહ્યું, ‘તમે ઘરેથી કઈ રીતે અહીં દર્શન કરવા આવ્યા ? એ બધી વાત વિસ્તારથી ઊભા થઈને કરો.’ ત્યારે મલા પટેલ ઊભા થયા ને ખભે ફાળિયું નાંખીને સભામાં બધી આપવીતી કહી સંભળાવી. ત્યારે મહારાજ અને સભામાં બેઠેલા સહુકોઈ હસવા લાગ્યા. વાલાભાઈને પણ બધો ખ્યાલ આવી ગયો અને પ્રભુમાં અતિ હેત થયું.

વહાલા ભક્તો ! કરુણાના મહાસાગર એવા સર્વાવતારી શ્રીસ્વામિનારાયણ ભગવાન પોતે સૂતા હતા, છતાં પોતાના ભક્તને ભૂખ્યો જાણીને પોતાના સુખનો ત્યાગ કરી જાગીને ભક્તને ભેટ્યા, ભાવથી જમાડ્યા; એમ ભક્ત પર પ્રેમ વરસાવી ભક્તને રાજી કર્યા ! આ સંસારમાં ગમે તેવા અંતરાયો કે પ્રતિકૂળતાઓ આવે, પરંતુ જો પરમાત્મામાં જીવનું હેત પાકું હોય તો ભગવાન સામે ચાલીને ભક્તને ભેટે છે અને તેનું કલ્યાણ કરે છે. માટે આપણે પણ મલા પટેલની જેમ પ્રભુનાં દર્શન માટે આતુર બનીશું, તો આપણા માટે પણ તેઓ આવો જ પ્રેમ વહાવશે.