Kathamrutam - Santnishthane Sugamta...

Kathamrutam - Santnishthane Sugamta...
March 1, 2022
Gyanjivandasji Swami - Kundaldham
0:00/0:00

વિસનગરમાં વસંતરામ વ્યાસને ગોપાળાનંદ સ્વામીએ સત્સંગ કરાવેલો. તેમને સ્વામીમાં અતિશય વિશ્વાસ હતો. પછી ગોપાળાનંદ સ્વામીના વચને પ્રગટ સ્વામિનારાયણ ભગવાનનો એને દૃઢ નિશ્ચય થયો. તેઓ ખૂબ સેવા-ભજન કરતા હતા.

એક દિવસ રાત્રે ગોપાળાનંદ સ્વામી એને સ્વપ્નમાં આવ્યા ને કહ્યું, ‘વસંતરામ આજથી ચોથે દિવસે તને અમે તેડવા આવશું અને ધામમાં લઈ જઈશું.’ તેથી વસંતરામના મનમાં ખૂબ આનંદ થયો. કેવો વિશ્વાસ..!

સાજા તાજા કહે મારે મરવું, હવેકાંઈ નથી રહ્યું કરવું;
સહુના પાડેતો બોલેતેમ, બેઠો વિશ્વાસ રાખી હું એમ.

આની ખુમારી તો જુઓ ! મારે કાંઈ કરવું રહ્યું નથી. આમ જીવાય ત્યારે અંદરથી ભગવાન ભજાય. આ કરવું અને તે ભોગવવું - આવા બધા સંકલ્પોને લઈને જીવીએ તો પ્રભુ ભજાય નહીં. આપણને જોઈએ એના કરતાં ભગવાને કેટલુંય વધારે આપ્યું છે, તોય શાંતિ થતી નથી. પ્રભુ ભજવા માટે તો સંપૂર્ણ શાંતિ જોઈએ. એક પણ સંકલ્પની પીડા ન હોવી જોઈએ. સત્સંગ કરતાં કરતાં મારે ભગવાન સિવાય કાંઈ ન જોઈએ, આવી ભાવના મજબૂત થઈ જવી જોઈએ.

નવા ગામવાળા દિનેશભાઈને ન મટે તેવું કેન્સર થયું. પછી મને ફોન પર પૂછ્યું કે, ‘આની દવા કરાવીએ કે કેમ ?’ તો મેં કહ્યું ‘હવે કાંઈ કરવું નથી, ધામમાં જાવ.’ તેથી દિનેશભાઈ તો રાજી રાજી થઈ ગયા. પછી તો અમે એને ઘેરે ગયા, થાળ કર્યો, ઠાકોરજી જમાડ્યા અને છોકરાને કહ્યું કે, ‘આ હાર છેલ્લે નનામીમાં પહેરાવજો.’ આ તો સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય ! પ્રગટનો સંપ્રદાય ! આંહીં તો બધું આવું જ હોય. દુનિયા આ બધું સાંભળે તો ડોલી જાય.

એકવાર કુંડળમાં સંતો મારી પાસે કાંઈક વાંચતા હતા. તે વખતે અમને અંતરમાં અચાનક થયું કે, ‘ચાલો, દલસુખભાઈ મિસ્ત્રીની ખબર જોવા નડિયાદ જાવું છે.’ પછી પચ્ચીસ-ત્રીસ સાધુ લઈને તાબડતોબ નડિયાદ આવ્યા. દવાખાનામાં દલસુખભાઈને મળ્યા. મેં પૂછ્યું કે, ‘શું કરવું છે ?’ તો કહે,મારે ધામમાં જાવું છે.’ મેં કહ્યું, ‘ડાૅક્ટર સાહેબ ! અમારે એને ઘેરે લઈ જવા છે.’ ઍમ્બ્યુલન્સમાં હું એની સાથે બેઠો. તેના ઘેરે લઈ આવ્યા. પછી કહે, ‘મારે સંતોની પૂજા કરવી છે.’ એટલે પૂજા કરાવી. પછી એનો હાથ મેં મારા હાથમાં પકડ્યો. ત્યારે તેઓ એકદમ મારા સામું જોઈ રહ્યા ને દેહ છોડી દીધો. શું એનાં ભાગ્ય હશે ! અત્યારે પણ પ્રભુના પ્રતાપે આ સત્સંગમાં આવા દિવ્ય બનાવો બની રહ્યા છે. વિચાર કરો તો ખબર પડે કે, આ બધું કેવું અજબ-ગજબનું બની રહ્યું છે.

દલસુખભાઈના ઘર બહાર સાધુ ધૂન કરતા હતા. અને આવી રીતે એણે શરીર છોડ્યું. જો ભગવાન અને ભગવાનના સંતોની નિષ્ઠા નક્કર હોય તથા નિર્વાસનિક થયા હોઈએ તો માખણમાંથી મુવાળો નીકળે એમ આ દેહ અને દુનિયામાંથી નીકળીને ભગવાનના ધામમાં જવાય છે; એવો ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે.

વસંતરામને તેનાં સગાં કહે, ‘સ્વપ્નની વાત કાંઈ સાચી ન મનાય.’ ત્યારે તેઓ કહે, ‘તમને ભલે સ્વપ્નું મનાતું હોય, પણ મને તો એ સાક્ષાત્ છે. મને પૂરો વિશ્વાસ છે કે ગોપાળાનંદ સ્વામી મુદતે મને લેવા આવી જ જશે.’

સગાં-વહાલાં કહે, ‘અલ્યા ! સાવ સાજા છો. નખમાંય રોગ નથી. તોય સ્વપ્નનો ખોટો વિશ્વાસ રાખીને શું બકવાસ કર્યા કરો છો ? જો ખોટું પડશે તો લોકમાં આપણી લાજ જશે. માટે મહેરબાની કરીને કોઈને આવી વાત કરશો નહીં.’ પણ વસંતરામ તો ગોપાળાનંદ સ્વામીના વિશ્વાસે પોતાની મસ્તીમાં હતા.

નારી સુતમાં ન રાખી પ્રીત, ચોંટાડ્યું હરિ સંગાથેચિત્ત;
ચોકે સૂતો સાજો હોય તેમ, જાણો યોગી દેહ મેલેજેમ.
ત્યાં તો શ્રીજીએ દર્શન દીધું, સાચુંઠરાવ પ્રમાણેવહાલેકીધું;
તેડી ગયા સહજાનંદ સ્વામી, ન માનેપરચો તેહરામી.

વહાલા ભક્તો ! સદ્ગુરુના વચનમાં વિશ્વાસ હોય એને આવી મોટી પ્રાપ્તિ સહજમાં થાય છે. શ્રીજીમહારાજે કહ્યું છે જે, જેમ સંત કહે તેમ જ સંશયરહિત થકો કરે એ જ જીવને મોક્ષનો હેતુ છે.

એવો સંતનો વિશ્વાસ તો ત્યારે થાય જ્યારે તે સંતનો અલૌકિક મહિમા સમજીને પૂરેપૂરી નિષ્ઠા પાકી કરી હોય. અને એવી નિષ્ઠા ક્યારે થાય ? તો સંતો કહે છે એ પ્રમાણે માનીએ ત્યારે,

‘સંત હરિ ગુરુ એક હે, ભિન્ન ન માનો કોય;
કહેપ્રીતમ સદ્‌ગુરુ મિલે, તાકું માલુમ હોય.’
‘સાહેબ કા ઘર સંતન માંહીં;
સંત સાહેબ કછુ અંતર નાહીં.’
‘સંત મિલેસાહેબ મિલે, અંતર રહે ન રેખ;
મનસા વાચા કર્મણા, સાધુસાહેબ એક.’
એવા સંત મળે મળ્યા સ્વામી ખામી કોઈ ન રહી.’
‘એવા સંતનાં જ્યારે દર્શન થયાં ત્યારે એમ માનવું મને
સાક્ષાત્ ભગવાનનાં દર્શન થયાં.’

આ બધા શબ્દો આપણા ગ્રંથો વચનામૃત વગેરેના છે. પરંતુ એવો જેને સંતમાં ભાવ થાય તેને સુદૃઢ નિષ્ઠા થાય, તેનાથી જ સંતનાં વચન મનાય અને તેને દેશકાળે ડગમગાટ ન થાય.

‘જેનું ઊલટી પડ્યું આપ, સંત તેસ્વયં હરિ.’

આ સંતના રૂપે ભગવાન જ મને કહે છે. આ ભાવ જાગી જાય તો કામ થાય. નહિતર છેટું રહી જાય.

‘મિટાદે અપની હસ્તી કો, અગર કુછ મરતબા ચાહે;
દાના ખાખ મેં મિલકર, ગુલે ગુલતાન હોતા હૈ.’

જો દાણાને છોડ થાવું હોય, ખીલવું હોય, તો ધૂળમાં ભળીને ખતમ થાવું પડે છે; એમ ભગવાનને પામવું હોય તો આપણે આપણું અહં પ્રગટ મોટા સંતમાં ઓગાળવું જ પડે છે; ત્યારે જ આપણને શ્રેષ્ઠતમ પ્રાપ્તિ થાય છે. પ્રગટ સત્પુરુષ કાંઈ ભગવાન નથી, પરં તુ ‘એમાં સાક્ષાત્ ભગવાન રહ્યા છે’ એવી દૃષ્ટિ કેળવાવી જોઈએ. કારણ કે, એવી દૃષ્ટિ કેળવી હોય તો જ એમનું મનાય ને નિ:સંશય રહેવાય...