
શ્રીજીમહારાજ વચ.ગ.પ્ર.૪૪માં બોલ્યા છે કે, “જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે-અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કાંઈક ઘાટ થાય, તો જેમ પંચામૃત ભોજન જમતો હોય તેમાં કોઈક કાંકરા તથા ધૂળનો ખોબો ભરીને નાંખે ને જેવું વસમું લાગે અથવા કપાળમાં બળબળતો ડામ દે ને તે જેવો વસમો લાગે, તેવો ભગવાન વિના બીજો ઘાટ થાય તે વસમો લાગે.”
હરિ રીઝવવા માટે, આજ્ઞા પાળવી જ્ઞાન;
કહ્યું એમ જ કરવામાં, રાજી થાય ભગવાન.
શ્રીહરિ રાજી થાય તો, જાય જ સર્વે દુઃખ;
જ્ઞાન મળે જીવાત્મામાં, અખંડ મળે મૂર્તિસુખ.
આપણને આપણા આત્મામાં જ હરિમૂર્તિનો સાક્ષાત્કાર થાય, હરિનો આનંદ મળે, નિર્વિઘ્નપણે પરમાત્માના સ્વરૂપમાં અખંડ જોડાયેલા રહીએ; તે માટે દેહભાવરૂપી અશુદ્ધિ કાઢીને આત્મભાવ દૃઢ કરવો, બ્રહ્મભાવ દૃઢ કરવો અનિવાર્ય છે. આવી શુદ્ધિ થયા પછી જ આપણી વૃદ્ધિ થશે. આપણે બ્રહ્મરૂપે રહીને મુખ્ય કાર્ય તો પરમાત્માનું નિરંતર સ્મરણ થયા કરે એ જ કરવાનું છે. સ્મરણ કરો, નામ જપો, ધ્યાન ધરો, પ્રેમ કરો, વૃત્તિ રાખો, કથા-કીર્તન-ભજન વગેરેના માધ્યમે ભગવાનને સંભાર્યા કરો; એ જ પરમાનંદ પમાડશે. પરમાત્માનું સ્મરણ જ જીવને હરિ પમાડે છે.
કારિયાણીમાં અન્નકૂટ ઉત્સવ પૂર્ણ થતાં શ્રીહરિએ સંતોને વિચરણમાં મોકલ્યા. સંતો રસ્તામાં શ્રીહરિની મૂર્તિને સંભારતાં સંભારતાં ચાલ્યા જતા હતા. એનું વર્ણન કરતાં આધારાનંદ સ્વામી શ્રીહરિચરિત્રામૃત સાગર પૂર-૧૨, તરંગ-૪૬માં લખે છે કે,
हरि की मूर्ति संभारना जोउ, परम लाभ मानत सब सोउ।
विस्मृति मूर्ति की होवत जितना, परम अलाभ मानत तितना।।
બધા જ સંતો ભગવાનમાં વૃત્તિ રાખવી અને ભગવત્સ્મરણ કરવું એને જ પરમ લાભ માને છે. જેટલા ભગવાન ભુલાય એટલું મોટું નુકશાન માને છે.
નંદસંતોની જેમ, 'હું ઘડીક ભગવાન ભૂલી ગયો ! અર..ર..ર. બહુ મોટી ખોટ ગઈ, મોટું નુકશાન થઈ ગયું.' એમ આપણને સંતાપ થતો નથી અને જો કોઈને થતો હોય તો તેને ધન્ય છે; એ આત્માએ ભગવાનના સ્મરણનો મહિમા જાણ્યો કહેવાય.
સોરઠના એક હરિભક્તને અખંડ મૂર્તિ દેખાતી હતી. એકવાર એ વાડીએ કાંઈક ખોદતા હતા. એમાં ક્ષણવાર માટે દેખાતી બંધ થઈ ગઈ, તો દશ દિવસ સુધી ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા. પછી ભગવાને દર્શન આપી કહ્યું કે, ‘ઘરે કેમ નથી જતા ?’ તો કહે, ‘તમારા વિના ડગલુંય કેમ હલાય ?’ આને કહેવાય ભગવાનનો મહિમા સમજાયો.
સાચું કહેજો, આપણને આવો મહિમા છે ? આપણને તો હજી ભગવાન સિવાય બીજા બધાનો આધાર છે, એમાં હેત પણ છે. એ બધું ન હોય તો આપણે મૂંઝાઈ જઈએ. આપણને તો એ બધું છે એટલે ભગવાન ન હોય તોપણ ચાલ્યું જાય છે. કાંઈ તકલીફ પડતી નથી, કાંઈ દુઃખ થતું નથી. ભગવાનને ભૂલીને માયામાં પડીએ છીએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસને પ્રેમથી ભોગવીએ છીએ. માન, વખાણ અને સન્માનને ફુલાતાં માણીએ છીએ. જાણે કે, ભગવાન છે જ નહિ !
આપણે શું કરવું પડે અને શું કરીએ છીએ ? ક્યાં જવાનું છે અને ક્યાં જઈએ છે ? આપણે ભગવાનને શું સમજ્યા ? શું પરમાત્માનો મહિમા જાણ્યો ? શું ભગવાનનો આશરો કર્યો ? શું ભગવાનની નિષ્ઠા કરી ? શું પરમાત્માને માટે આપણે જીવ્યા ? શું ભગવાનને ઓળખ્યા ? શું ભગવાનમાં માલ માન્યો ? આપણે તો ધન, સ્ત્રી, ખાન-પાન, માન-સન્માન અને આ દેહમાં-મડદામાં માલ માન્યો છે. મૂર્તિમાં તો હજી જે દી માનશું તે દી ખરું. જન્મ-મરણ ભોગવી ભોગવીને છોલાઈ મર્યા, પણ કાંઈ ફાવ્યા નથી. અને જો હજુ પણ આ લોકનાં સુખ તેમજ આધિ, વ્યાધિ અને ઉપાધિનાં દુઃખ ભોગવતા રહીશું, મારું-તારું કરવા રહીશું ; તો પરલોક બગડી જશે.
ભગવાનનું સ્મરણ થાય, એમનું ધ્યાન થાય, એમનું રટણ થાય, એમની આજ્ઞા પળે, એમને માટે જ જીવાય, એમાં વૃત્તિઓ હોમાઈ જાય; એને જ પ્રભુના પ્યારા પરમહંસો પરમ લાભ માને છે. મૂર્તિની વિસ્મૃતિ થાય તો રડી પડાય કે, 'અ..ર..ર.. પ્રભુ હું તમને ભૂલી ગયો !' જાણે, કાળજામાં ઊનું તેલ રેડાય ! માથું ફાટી જાય એવો પસ્તાવો થાય ! એનું નામ યથાર્થ ભગવદમાહાત્મ્ય, એનું નામ પૂર્ણ પ્રભુપ્રેમ ! આપણું આત્મજ્ઞાન, ભગવદમાહાત્મ્યજ્ઞાન હજી કાચું છે.
ગઢપુરમાં શુકાનંદ સ્વામી પાસે મહારાજ પત્રમાં લખાવે છે,
भगवान को संभारत जबहि, एक मन होयके तबहि।
तिन करि पाप कहावत जेते, दुःख ताको दूर होवत तेते।।
જ્યારે મનુષ્ય પોતાના મનને એકાગ્ર કરીને પરમાત્માને સંભારે છે, ત્યારે એનાથી એનાં બધાં પાપ ભાગવા માંડે છે, બળી જાય છે. એ પાપ જ દુ:ખ છે. કેમ કે, એમાંથી આપણને દુ:ખ મળે છે. એ પાપ નષ્ટ થાય એટલે માનો દુ:ખ દૂર થઈ ગયાં. આવો ફાયદો દેહ, દેહના સંબંધી, સ્ત્રી, પુત્ર, ધન, ધંધા વિગેરેની સ્મૃતિથી નહિ, પણ ભગવત્સ્મૃતિથી થાય છે.
સદ્. ગુણાતીતાનંદ સ્વામી એવું બોલ્યા છે કે, આ જીવે જન્મોજન્મમાં કરેલાં પાપ ને વાસનાનાં કરોડો ગોડાઉન ભર્યાં છે. ભગવાને જયારે આ જીવને ભરતખંડમાં મનુષ્યનો દેહ આપ્યો, ત્યારે એ કરોડો ગોડાઉનમાંથી એક ગોડાઉન જેટલા પાપનો આ દેહ તેમજ દેહનાં ભોગ અને સ્થાન બનાવ્યાં. પછી આપણે અહીં આવ્યા છીએ. એ પાપ એટલે દુઃખ ! એ દુઃખ આપણે ક્યારે ભોગવી રહીશું ? ક્યારે એમાંથી છૂટીશું ? ક્યારે ભગવાન પાસે જઈશું ?
એ બધાં જ પાપ બાળી નાંખવા માટે આપણી પાસે એક સાધન છે. તે છે - સતત હરિસ્મરણ.
अनेक जन्म के पाप हे भारी, हरि के स्मरण देवत तारी।
हरिसम जग में नहि हे सारा, उचरना मुख हि वार हि वारा।।
વહાલા ભક્તો ! હરિસ્મરણ જીવને પાપથી મુક્ત કરી નાંખે છે. પછી એને કોઈ દુઃખ ભોગવવાનું રહેતું નથી. યુગોના યુગ એને ભગવાનનો અખંડ આનંદ જ માણવાનો રહે છે, માટે મનમાં ઠરાવ કરીને હરિસ્મરણમાં ચોંટી પડીએ. ભગવાન ભુલાય એવું કાંઈ ન કરીએ.