Het Hoy to Vaat manay

Het Hoy to Vaat manay
July 1, 2026
Sakarswarupdasji Swami - Kundaldham

ભગવાન અને મોટા પુરુષની રીત ન્યારી હોય છે. તેઓ ક્યારેક એવી અણધારી લીલા કરે છે, તેમાં જો ખરેખરી નિષ્ઠા ન હોય, એમના આશયને જાણતા ન હોય, તો જરૂર અભાવ-અવગુણ આવી જાય અને સત્સંગમાંથી પડી જવાય. એ વખતે કોઈ પ્રગટ સંતમાં કે કોઈ એવા ખરેખરા ભગવદ્ભક્તમાં હેત હોય તો આપણને સત્સંગમાંથી પડતા બચાવે. એટલે તો સદ્.શ્રીગુણાતીતાનંદ સ્વામી કહેતા કે, “બે સારા સાધુ અને ત્રણ સારા હરિભક્તોની સાથે જીવ બાંધવો તો સત્સંગમાંથી પડાય નહીં.” આપણા સત્સંગમાં પીપલાણાના નરસી મહેતાના જીવનમાં આવી જ કાંઈક ઘટના બની હતી, તે પ્રસંગ આપણે જોઈએ.

એકવાર શ્રીજીમહારાજ કરિયાણે દાહાખાચરના દરબારમાં બિરાજમાન હતા. સંતો-હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી ને મહારાજ બધાને વાતો અને દર્શનનું સુખ આપી રહ્યા હતા. તે વખતે ગામ પીપલાણાથી નરસી મહેતા આવ્યા. ઘણા સમયથી તેમના મનમાં એક ભાવ હતો કે મારે સાધુ જમાડવા છે, એટલે તેઓ સાથે રૂપિયા લઈને આવ્યા હતા. મહારાજ સભામાં વાતો કરતા હતા, ત્યાં આવી પગે લાગી રૂપિયાની પોટલી મહારાજની આગળ મૂકીને કહે, “મહારાજ ! મારે સાધુને જમાડવા છે.”

મહારાજ પણ જાણે એમની કસોટી કરતા હોય એમ કહ્યું, “મહેતા ! અમારે તો ગામના ગરીબોને જમાડવા છે.” ત્યારે નરસીભાઈ કહે, “ના મહારાજ ! હું તો સાધુને જમાડવા આવ્યો છું.” અહીં મહેતાને ભૂલ પડી. તેમને મહારાજની મરજીમાં ભળી જવાનું હતું, પણ પોતાના મનમાં નક્કી કરેલું કે મારે સાધુને જ જમાડવા છે, એટલે મહારાજની મરજીમાં ભળી ન શક્યા.

મહારાજ તો મહારાજ છે, જ્યારે મહેતાએ પોતાની પક્કડ ન મૂકી એટલે મહારાજે રૂપિયાની પોટલીને ઠેબું માર્યું ને કહે, “લે તારા રૂપિયા, નથી મારે સાધુ જમાડવા.” આમ જ્યારે મહારાજે અણગમો બતાવ્યો એટલે મહેતાને અપમાન લાગ્યું, તેમને ગમ્યું નહિ ને ચહેરો પડી ગયો. કાંઈ પણ બોલ્યા વગર રૂપિયાની પોટલી લઈ ચાલતા થઈ ગયા.

સભા સર્વે જોઈ રહી, પરંતુ સભામાં સત્સંગની મા સદ્.શ્રીમુક્તાનંદ સ્વામી બેઠા હતા. એમને મનમાં થયું કે આ બ્રાહ્મણે મહારાજની ઘણી સેવા કરી છે ને અત્યારે જો એ મહારાજનો અવગુણ લઈને જશે તો એના જીવનું બગડશે ! એટલે તેઓ તરત સભામાંથી ઊભા થઈ નરસી મહેતાની પાછળ ગયા ને જોરથી સાદ કર્યો, “અરે નરસીભાઈ ! ઊભા રહો..ઊભા રહો.”

મહેતાએ પાછળ જોયુંં તો મુક્તાનંદ સ્વામીને જોયા, એટલે ઊભા રહ્યા. સ્વામી કહે, “ક્યાં જાવ છો ? શું થયું ?” એટલે કહે, “મહારાજે મારું અપમાન કર્યું. મહારાજને સાધુ નહોતા જમાડવા તો વિવેકથી ના પાડવી હતી ને ! આમ રૂપિયાને ઠેબું થોડું મરાય ?”

સ્વામી બધી વાત સમજી ગયા. પછી વહાલભર્યાં વેણે કહેવા લાગ્યા, “અરે, નરસીભાઈ ! મહારાજ તો મહારાજ છે, એ તો લક્ષ્મીના પતિ છે; એમને કાંઈ રૂપિયાની મમતા થોડી હોય ? એ તો આપણી કસોટી કરતા હોય. તમારે તો મહારાજને રાજી કરવા છે ને ? તો એ સંતોને જમાડે કે ગરીબોને જમાડે, તમને તો રાજીપો મળશે જ ને ! અને આપણે તો માત્ર નિમિત્ત છીએ, ફળ આપનાર તો મહારાજ છે.” આમ, સ્વામીએ ઘણીક હિતની, સમજણની વાતો કરી. નરસી મહેતાને મુક્તાનંદ સ્વામી સાથે હેત હતું એટલે સ્વામીનાં નિ:સ્વાર્થ હિતભર્યાં વચનો તેમને સાચાં મનાણાં. પોતાની ભૂલ ઓળખાણી, અહંકાર પીગળ્યો એટલે ગદ્ગદ સ્વરે બોલ્યા, “સ્વામી ! હું ભૂલી ગયો, હવે શું કરું ?”

સ્વામી કહે, “ચાલો, પાછા વળો અને મહારાજ પાસે જઈ માફી માગો.” એટલે તેઓ મહારાજ પાસે આવ્યા ને દંડવત કરી રૂપિયાની પોટલી ફરી મહારાજ પાસે મૂકી. ત્યારે મહારાજે જાણે કાંઈ બન્યું જ નહોતું એમ હસતાં હસતાં ફરી પૂછ્યું, “કેમ, સાધુ જમાડવા છે ?” ત્યારે મહેતાએ હાથ જોડી નમ્રભાવે કહ્યું, “હે મહારાજ ! તમારે ફાવે તેને જમાડો, હવે મારે કોઈ સંશય નથી. મારે તો આપને રાજી કરવા છે.”

મહારાજને તો આટલું જ કરાવવું હતું. પછી મહારાજે એ જ રૂપિયાનો સામાન મંગાવી બે દિવસ સુધી સંતો-પાર્ષદોને ભાવથી જમાડ્યા અને નરસી મહેતાને રાજી કર્યા.

વહાલા ભક્તો ! નરસી મહેતા સત્સંગી હતા ને મહારાજને સાક્ષાત્ ભગવાન માનતા હતા, તોપણ અપમાન થયું તો મહારાજને છોડી ચાલતા થયા. જો મુક્તાનંદ સ્વામીએ પાછા ન વાળ્યા હોત, તો તે મહારાજનો અભાવ લઈ જરૂર સત્સંગમાંથી પડી જાત; પણ જો સંત સાથે હેત હતું, વિશ્વાસ હતો, તો સંતનાં વચનો મનાણાં અને તેમની રક્ષા થઈ.

સંતની વાત વિશ્વાસથી, દૃઢ માને જે જ્ઞાન;

તે સુખી અતિશે થાય છે, પામે છે ભગવાન.

માટે સંતો સાથે જીવ જોડી રાખવો. કારણ કે, સત્સંગમાં ક્યારેક આપણું મનધાર્યું ન થાય, ક્યારેક વગર વાંકે અપમાન થાય, કસોટી થાય; એવા સમયે જો કોઈ સંત સાથે જીવ બાંધેલો હોય, તેમાં હેત-વિશ્વાસ હોય, તો એમની વાત મનાય અને કલ્યાણના માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે.