Dhyey - Prabhuprapti

Dhyey - Prabhuprapti
Varniveshdasji Swami - Kundaldham

સરળ ભાષામાં કહીએ તો, ધ્યેય લે એક એવી દિશા, કે જ્યાં આપણે પહોંચવા માંગીએ છીએ. જેને આપણે આપણું લક્ષ્ય કહીએ છીએ. પરંતુ ધ્યેય કેવો હોવો જોઈએ ? તેની જેટલી અગત્યતા છે એટલી જ તે ધ્યેયને પામવા માટેનો મુખ્ય ઉપાય શું ? તે સમજવું પણ અગત્યનું છે.

જેમ કે, નાવિકને મંજિલની ખબર હોઈ શકે, પણ હોકાયંત્ર વગરનો નાવિક ગમે તેટલો કુશળ હોય, તોપણ સાચા બંદરે પહોંચી શકતો નથી; તેમ ધ્યેય સ્પષ્ટ હોય તોપણ સાચા રાહ દોરનારા ભોમિયા સાથે ન હોય, તો લક્ષ્યની સિદ્ધિ થઈ શકતી નથી. કેમ જે, પૂર્વે ઘણા યુગપુરુષો થઈ ગયા કે જેમનો ધ્યેય પ્રભુપ્રાપ્તિનો હતો, પરંતુ માથે સાચા ભોમિયા ન હતા તો માત્ર સત્કર્મોમાં જ તેમનું જીવન પૂર્ણ થઈ ગયું. અને મંજિલે ન પહોંચવાનો અફસોસ રહી ગયો. તેથી કોઈપણ ધ્યેયને સિદ્ધ કરવા માટે માત્ર સપનાં જોવાં પૂરતાં નથી. તેના માટે નીચે મુજબની પ્રક્રિયા અનિવાર્ય છે :

(૧) ધ્યેય સ્પષ્ટતા : આપણને ખબર હોવી જોઈએ કે મારે શું પામવું છે ? પૈસા, પ્રતિષ્ઠા કે ભગવાન ?

(૨) ત્યાગ : પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે બધું જ ત્યાગ કરવા માટેની તૈયારી હોવી જોઈએ. આ લોકની સુખ-સુવિધા, વૈભવ, માન-મોટાઈ વગેરે...

(૩) સાતત્ય : જેમ પથ્થર પર સતત દોરી ઘસાય છે, તો પથ્થર પર પણ કાપા પડે છે; તેવી જ રીતે મંજિલ તરફનું નાનું પણ રોજનું ડગલું ઘણું અંતર કાપી શકે છે.

પરંતુ આ ત્રણેય સોપાનો જો કોઈ પ્રગટ મોટા પુરુષને સમર્પિત થાય ને તેમની આજ્ઞા-મરજી મુજબ કરવામાં આવે, તો લક્ષ્ય પ્રાપ્તિની સ્પીડ નિર્વિઘ્નપણે અનેક ગણી વધી જાય છે.

તો ચાલો, એક પ્રેરક કથાના માધ્યમે ધ્યેય પ્રાપ્તિ માટેનું બલિદાન શીખીએ.

એક વિશાળ સામ્રાજ્યમાં એક રાજકુમાર હતો. તેની પાસે સત્તા, વૈભવ અને વિલાસનાં તમામ સાધનો હતાં, છતાં મધ્યરાત્રિએ જ્યારે આખું રાજ્ય ઊંઘતું હોય ત્યારે તેને અંતરમાં એક વિચિત્ર ખાલીપો અનુભવાતો. પોતાના જીવનનાં સુખ-દુ:ખની પરિસ્થિતિ જોઈને તેને સમજાઈ ગયું કે આ ભૌતિક સુખો તો આજે છે ને કાલે નથી; તે ક્ષણભરનાં મહેમાન છે. તેને તરસ હતી એવા સત્ય સુખની, કે જે ક્યારેય નાશ ન પામે !

છેવટે તે રાજકુમારે રાજપાટ છોડી, ભગવાં વસ્ત્રો ધારણ કરી પરમ તત્ત્વની શોધમાં નીકળી પડ્યો. વર્ષો સુધી ભટક્યા પછી તે હિમાલયની શાંત તળેટીમાં એક સિદ્ધ સાધુ પાસે પહોંચ્યો અને તેમના ચરણોમાં શીશ ઝુકાવી કહ્યું, “મહારાજ, મારે પરમાત્માને પામવા છે.”

સાધુએ તેની આંખોમાં જોયું અને તેની મક્કમતા ચકાસવા માટે એક ઊંચા બરફીલા શિખર તરફ આંગળી ચીંધી કહ્યું, “પેલા શિખરની પેલે પાર એક પ્રાચીન સ્થાન છે, ત્યાં તને તારા લક્ષ્યની પ્રાપ્તિ થશે. પણ યાદ રાખજે, રસ્તો અત્યંત કઠિન છે.”

રાજકુમારની યાત્રા શરૂ થઈ. હજુ થોડે દૂર પહોંચ્યો ત્યાં જ તેને એક ભવ્ય રાજ્યના રાજા મળ્યા. તે રાજાને કોઈ સંતાન નહોતું. રાજકુમારનું તેજ જોઈ રાજા મોહિત થઈ ગયા અને પ્રસ્તાવ મૂક્યો, “બેટા, તું મારો ઉત્તરાધિકારી બની જા. આ અસીમ સામ્રાજ્ય તારું છે.” એક ત્યાગી માટે ફરીથી સત્તા મળવી એ બહુ મોટી લાલચ છે, પરંતુ રાજકુમારે નમ્રતાથી કહ્યું, “જેને હું એક વાર વમળ સમજીને છોડી આવ્યો છું, તેને ફરી ગળે ન લગાડાય.”

તે આગળ વધ્યો. થોડા સમય પછી તે એક એવા વનમાં પહોંચ્યો જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી હતી. ત્યાંની સુંદર અપ્સરાઓ અને ભોગ-વિલાસનાં સાધનો જોઈ ક્ષણભર માટે તેની ઇન્દ્રિયો ડગમગવા લાગી. મનમાં વિચાર આવ્યો, ‘શા માટે આટલાં કષ્ટો ભોગવવાં ? અહીં જ રોકાઈ જઉં.’ પણ એ જ ક્ષણે તેના અંતરાત્માએ ટકોર કરી, ‘શું તારું લક્ષ્ય આ નાશવંત સુખ છે ?’ તેણે આંખો મીંચી લીધી અને તે માયાજાળમાંથી બહાર નીકળી ગયો.

વહાલા ભક્તો ! આપણા જીવનમાં પણ ડગલે ને પગલે પંચવિષય આદિ ભોગ-વિલાસ મોકલી ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યા છે કે, આ ભક્તને માત્ર મારી જરૂર છે કે માયાની ? પરંતુ જેને ભગવાનની જ જરૂર હોય તે જ આમાંથી રાજકુમારની જેમ પાસ થઈ શકે.

અંતે, ભૂખ-તરસથી વ્યાકુળ અને લોથપોથ થઈ ગયેલો રાજકુમાર પહાડની ટોચ પર પહોંચ્યો. ત્યાં કોઈ ભવ્ય મહેલ નહોતો, માત્ર એક પથ્થરની નાની ગુફા હતી. અંદર પ્રવેશતાં જ તેની નજર ભગવાન શ્રીહરિની એક મનમોહક મૂર્તિ પર પડી. એ મૂર્તિમાં એવું તેજ હતું કે રાજકુમારનો બધો જ થાક ક્ષણભરમાં ઊતરી ગયો. અને તેને પરમ સુખની શાંતિનો અનુભવ થયો.

તે પાછો પેલા સાધુ પાસે આવ્યો. સાધુએ હસીને કહ્યું, “બેટા, તું બાહ્ય પરીક્ષામાં પાસ થયો છે. પણ હવે જો તારે તારા આત્મામાં ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય, તો તારે તારું અસ્તિત્વ ગુરુના ચરણોમાં ઓગાળવું પડશે. શું તું તૈયાર છે ?”

રાજકુમારે કોઈ પણ તર્ક વગર સાધુના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા અને પોતાના ગુરુ તરીકે તેમનો સ્વીકાર કર્યો. ને પોતાનું સર્વસ્વ ગુરુચરણોમાં સમર્પિત કરી, ગુરુ આજ્ઞાનુસાર મન-કર્મ-વચને જીવન જીવવા લાગ્યો. થોડા સમયમાં ગુરુકૃપાથી તેને ભગવાનનો સાક્ષાત્કાર થયો.

વહાલા ભક્તો ! આપણું લક્ષ્ય પણ પ્રભુપ્રાપ્તિનું છે. અને આ ધ્યેયને પમાડી દે એવા સમર્થ સદ્ગુરુની પ્રાપ્તિ પણ થઈ છે, પરંતુ ખૂટે છે રાજકુમાર જેવી ધ્યેયની સ્પષ્ટતા, મક્કમતા, તેના જેવો ત્યાગ અને ગુરુના ચરણોમાં સમર્પણભાવનું સાતત્ય.

અંતમાં વહાલા મહારાજ, વહાલા ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કે, ‘મારો પ્રભુપ્રાપ્તિનો ધ્યેય ખૂબ જ સ્પષ્ટ અને મજબૂત બને, તે ધ્યેય માટે જે ત્યાગ કરવું ઘટે તે થાય અને તે માટે વહાલા ગુરુજી અને સંતોને રાજી કરવા તેઓ જેમ કહે તેમ જીવનપર્યંત કરી શકું એવી કૃપા કરશો.’