Dhyan Smaran-2

Dhyan Smaran-2
January 1, 2026
Ishwarcharandasji Swami - Kundaldham
0:00/0:00

સર્વોપરી શ્રીસ્વામિનારાયણ ભગવાનના ધ્યાનનો મહિમા આપણા શાસ્ત્રોમાં ખૂબ જ ગવાયો છે. સદગુરુ શ્રીઆધારાનંદ સ્વામીએ કહ્યું છે :

एक पलक करे मूर्ति को ध्याना, निरत सूरत करी के एकताना ।
कोटि बेर विधि सम संपत्ति पावे, पलक ध्यान की सम न आवे ॥

કોઈ સંત-ભક્ત પ્રેમથી પોતાની વૃત્તિને એકાગ્ર કરી સ્વામિનારાયણ ભગવાનનું એક પળવાર પણ ધ્યાન કરે તેનું કેટલું મોટું ફળ થાય છે ? તો કોઈ જીવ અનંત સાધનો કરી કરોડ વાર બ્રહ્મા જેવી સંપત્તિ પામે, છતાં સ્વામિનારાયણ ભગવાનના એક ક્ષણ જેટલા ધ્યાનની બરોબર પણ ન થાય.

આપણા સંપ્રદાયના ઘણા બધા સંતો-ભક્તો શ્રીહરિના ધ્યાનનો આવો મહિમા સમજતા એટલે કલાકોના કલાકો ધ્યાન ધરતા. આખા સંપ્રદાયના મુખ્ય જવાબદાર હોવા છતાં ગોપાળાનંદ સ્વામી દરરોજ ધ્યાન કરતા. તેમના આશીર્વાદથી લોધિકા ગામના દરબાર અભેસિંહજી બાપુ રાજા હોવા છતાં રોજ છ કલાક ધ્યાન કરતા. બોટાદના શિવલાલ શેઠ બહુ જ મોટા ધનવાન અને વેપારી હોવા છતાં રોજ સાડા ચાર કલાક ધ્યાન કરતા.

ભગવાનના ધ્યાનનો મહિમા કેવો છે ? તે હવે આપણે ગોપાળાનંદ સ્વામી જેવા મહા મુક્તોના શબ્દો દ્વારા સમજીએ. ગોપાળાનંદ સ્વામીએ શ્ર્લોકો દ્વારા ધ્યાનનો મહિમા સમજાવતાં કહ્યું છે —

કોઈ વ્યક્તિ ફક્ત વાયુભક્ષણ કરીને ૧૦૦ વર્ષ સુધી એક પગે ઊભો રહી તપ કરે એના કરતાં ભગવાનનું ધ્યાન ધરનાર અતિ શ્રેષ્ઠ છે.

કોઈ વ્યક્તિ ૧૦૦૦ અશ્વમેધ યજ્ઞ કરે, ૧૦૦૦ પુંડ્રિક યજ્ઞ કરે અને ૧૦૦ રાજસૂય યજ્ઞ કરે; એના કરતાં ભગવાનનું ધ્યાન ધરનાર સંત-ભક્ત સાથે થોડીવાર વાસ કરવા મળે તે શ્રેષ્ઠ છે.

एक घड़ी हरि ध्यान, जो मूर्ति कु धार कर ।
ताकि होत न प्रमाण, त्रिलोकी के राज जोउ ॥
प्रीत कर मूर्ति हमार, जेहि राखे उर जतन कर ।
सो सुख लहत अपार, अनंत ब्रह्मांड सुख कहा ॥

કોઈ ભક્ત મહારાજની મૂર્તિને ધારીને ફક્ત એક ઘડી ધ્યાન ધરે, તેની સામે ત્રિલોકીનું રાજ્ય પણ કશી જ ગણતરીમાં આવતું નથી.

સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા કે કોઈ અમારી મૂર્તિને પ્રેમથી અંતરમાં ધાર્યા કરે, તેને એવું અપાર સુખ મળે છે કે તેની સામે અનંત કોટી બ્રહ્માંડોનું સુખ પણ કંઈ જ નહીં. એટલે જ ગઢપુરનાં મોટીબા, લાડુબા અને દાદા ખાચર જેવાને આ દુનિયાની કોઈ ચીજ-વસ્તુની ક્યારેય ખોટ સાલતી જ નહોતી. કેમ જે, તેઓ તો ભગવાનના સુખે પરમ સુખિયા થઈને રહેતાં હતાં.

મહારાજે વચનામૃત પ્રથમના પહેલામાં જ એવું કહ્યું છે કે જો કોઈ ભક્ત ભગવાનના સ્વરૂપમાં મનની અખંડવૃત્તિ રાખે તો જીવ, માયા કે અક્ષરબ્રહ્મ ઇત્યાદિ જે કાંઈ જોવા જાણવા ઇચ્છે તે તત્કાળ સાક્ષાત્ થાય છે. આપણે તો આ દુનિયાનું તુચ્છ ધન, માન વગેરે મેળવવા માટે ભગવાનનું ધ્યાન પડયું મૂકી ઘણી બધી ધમાલ કરીએ છીએ, પરંતુ જો ભગવાનનું અખંડ ધ્યાન-ભજન કર્યા કરીએ તો જે ઇચ્છીએ તે બધું જ સહેજે મળી જાય. માટે હવે ધ્યાન-ભજન કરવા માટે રાત દિવસ મંડી જ પડવું જોઈએ.

ગામ ભાયાવદરના રામજી વિપ્ર ૮-૧૦ વર્ષની ઉંમરે ખૂબ ધ્યાન-ભજન કરતા હતા. એકવાર રાત્રે ગામમાં ભવાયા ખેલ કરવા લાગ્યા. તે સાંભળીને બીજા માણસો તેને જોવા ચાલ્યા અને રામજીને સાથે લઈ જવા આગ્રહ કર્યો; પરંતુ તેણે કહ્યું, ‘મારે તો મારા ભગવાનનું ધ્યાન ધરવું છે.’ પછી બીજા બધા ભવાયા જોવા ગયા અને રામજી વિપ્ર સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન કરવા બેઠા. થોડી જ વારમાં શ્રીહરિએ સાક્ષાત્ દર્શન દીધાં અને ઘણો બધો રાજીપો આપ્યો.

આપણે પણ ફોનમાં, રીલ્સમાં, ન્યૂઝમાં કે બીજી જે જે બબાલમાં ટાઇમ બગાડીએ છીએ; તે બંધ કરીને ભગવાનનું ધ્યાન, ભજન-સ્મરણ વધારી દઈએ તો ભગવાન અત્યંત રાજી થાય અને સાક્ષાત્ દર્શન આપે.

વ્યાસ ભગવાને કહ્યું છે કે —

विपदो नैव विपदः सं पदो नैव सं पदः ।

विपद विस्मरणं विष्णोः सं पन्नारायणस्मृतिः ।।

આ દુનિયાની વિપત્તિઓ ખરેખર વિપત્તિ નથી અને સંપત્તિઓ ખરેખર સંપત્તિ નથી, પરંતુ ભગવાન ભૂલી જવાય એ જ સાચી વિપત્તિ છે અને શ્રીહરિની સતત સ્મૃતિ રહે તે જ સાચી સંપત્તિ છે.

વડોદરાના મોટા મોટા શેઠિયાઓ પાસે ઘણું બધું ધન-ધાન વગેરે હતું, છતાં ખરા ટાણે કાંઈ જ કામ ન લાગ્યું; જ્યારે અતિ ગરીબ ગણાતા નાથ ભક્ત પાસે આ લોકનું કાંઈ જ નહોતું, પરંતુ સતત શ્રીહરિનું સ્મરણ, ભજન અને સત્સંગ કરતા રહેતા હતા, તો ખરા ટાણે તેમને જે કાંઈ જરૂરી હતું તે બધું જ મળી રહ્યું; એટલું જ નહિ, પરંતુ ભૂખે મરતા પેલા શેઠિયાઓ અને ગરીબોને પણ તેમણે ધન, ધાન્ય પૂરું પાડ્યું હતું. જો ધ્યાન-ભજન કરવાથી આટલા મોટા લાભ થતા હોય તો આપણે એ કામ અવશ્ય કરવું જ જોઈએ.