
મહારાજનો મહિમા કેવો સમજવો જોઈએ ?
મહામુક્ત ગોપાળાનંદ સ્વામીનો મત છે કે સર્વોપરી ને સ્વરાટ થકા પોતે વર્તે છે; એમ પ્રત્યક્ષ મૂર્તિ શ્રીહરિજીનો મહિમા જે સમજે તેને જ શ્રીહરિનું ધ્યાન થાય છે.
કેવી રીતે મહારાજનો મહિમા સમજવો ? તો શ્રીહરિની પાંચ બાબતને ડીટેલથી સમજીએ તો મહિમા સારી રીતે સમજાય છે.
૧. સ્વરૂપ
૨. સ્વભાવ
૩. ગુણ
૪. વિભૂતિ
૫. ઐશ્વર્ય
શ્રીહરિનું સ્વરૂપ કેવું છે ?
સ્વરૂપ એટલે મૂળરૂપ, આકૃતિ, મૂર્તિ. ભગવાનનું સ્વરૂપ દિવ્ય, ચૈતન્યમય અને સાકાર છે.
મનુષ્યમાં દેહ અને આત્મા બંને જુદા છે, એટલે તેનાં રૂપ અને સ્વરૂપમાં ભેદ હોય છે; પરંતુ ભગવાન શ્રીહરિમાં રૂપ અને સ્વરૂપનો ભેદ હોતો નથી. શ્રીહરિનું સ્વરૂપ કહો કે રૂપ કહો બંને એક જ છે. કારણ કે, પરબ્રહ્મ પુરુષોત્તમ પહેલેથી સ્વરૂપથી જ સાકાર મૂર્તિમાન છે. એટલે પ્રભુને હાથ-પગ, આંખ-નાક-કાન વગેરે અવયવોથી યુક્ત શરીર ગ્રહણ કરવું પડતું નથી.
પ્રભુ પોતે પંચાળાના ૭મા વચનામૃતમાં કહે છે – ‘સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમનારાયણ તેની મૂર્તિને વિષે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગ-ભાગ સમજવો નહીં.’
વેદોમાં પણ કહ્યું છે – आत्मैवेदमग्र आसीत् पुरुषविधः આ સમગ્ર વિશ્વનો આત્યંતિક પ્રલય થઈ ગયો હતો ત્યારે પણ પરમાત્મા પુરુષના જેવા સાકાર સ્વરૂપે જ વિરાજમાન હતા.
અક્ષરધામાધિપતિ પ્રભુની આકૃતિ સત્, ચિત્ અને આનંદમય છે.
સત્ = અવિકારી અને અવિનાશી
ચિત્ = ચૈતન્ય અને ચેતન સ્વરૂપ
આનંદમય = અત્યંત અનુકૂળ સુખસ્વરૂપ
શ્રીહરિનું નખશિખ સ્વરૂપ ચૈતન્ય અને આનંદનો જ આકાર છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિ ગ્રંથમાં મહારાજનું આવું વર્ણન કરે છે —
આનંદપાવ આનંદ કર…જીવન જાણું છું.
આનંદમાં મુખ મનોહર…જીવન જાણું છું.
આનંદરૂપ અનુપમ એવું…જીવન જાણું છું.
સૌ જનને જોયા જેવું…જીવન જાણું છું.
આવા સદા સાકાર શ્રીહરિ પોતાની ચૈતન્ય શક્તિથી સર્વત્ર વ્યાપીને રહ્યા છે. શક્તિ અને શક્તિમાન એક જ તત્ત્વ છે; એટલે જ્યાં જ્યાં અંતર્યામી શક્તિ છે ત્યાં બધે જ મૂર્તિમાન પણ રહી શકે છે. આમ, ભગવાનનું વ્યાપકપણું પણ સિદ્ધ થાય છે.
સ્વયં શ્રીહરિએ વચનામૃતમાં કહ્યું છે – ભગવાન એકદેશી થકા સર્વદેશી છે. ભગવાનને ગ્રંથમાં વ્યાપક કહ્યા છે, તે તો મૂર્તિમાન છે તે જ પોતાની સામર્થીએ કરીને એક ઠેકાણે રહ્યા થકા સર્વને દર્શન આપે છે; એમ વ્યાપક કહ્યા છે, પણ આકાશની પેઠે અરૂપ થકા વ્યાપક નથી. (વચ.વડતાલ-૧૩)
શ્રીહરિનો સ્વભાવ કેવો છે ?
સ્વભાવ એટલે પ્રકૃતિ, વગર વિચાર્યે પણ એમ જ થાય એવી તાસીર, અભિન્ન ખાસિયત.
જેમ કમળને પાણીનો પાશ અને સોનાને કાટ ન લાગે; તેમ ભગવાન શ્રીહરિ સર્વમાં રહ્યા હોવા છતાં કોઈનો લેપ ન લાગે; તેવો તેમનો નિર્લેપ સ્વભાવ છે. એટલે પ્રભુને ક્યારેય કામ, લોભ, માન, અજ્ઞાન કે આસક્તિ અડતાં જ નથી. શ્રીહરિ સદૈવ અસંગ, અનાસક્ત અને નિષ્પાપ જ રહે છે.
જેમ પારસમણિ લોખંડને સોનું બનાવી દે છે, તેમ ભગવાન સહુકોઈનું ભલું જ કરે છે; તેવો તેમનો સ્વભાવ છે.
જેમ ગરમીમાં મીણ અને બરફ પીગળી જાય છે, તેમ પ્રભુ ભક્તનું દુ:ખ કે પ્રેમ જોઈને પીગળી જાય છે. વળી, જો કોઈ ભક્તનું વાંકું બોલે કે ભૂંડું કરે, તો ભગવાનને તેના ઉપર ભયંકર કુરાજીપો થઈ જાય છે; આવો તેમનો સ્વભાવ છે.
શ્રીહરિના ગુણ કેવા છે ?
ગુણ એટલે શું ? કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની વિશેષતા. જેમ કે, પુષ્પમાં સુગંધ, ગોળમાં ગળપણ અને ચંદ્રમાનું સૌંદર્ય. નિષ્કુળાનંદ સ્વામીનો વૈરાગ્ય, પ્રેમાનંદ સ્વામીનો પ્રેમ અને દાદાખાચરનો વિશ્વાસ. ભગવાન શ્રીહરિમાં તો જ્ઞાન, શક્તિ, સુખ અને કરુણા જેવા અનંત ગુણો રહેલા છે.
વાલમજીના ગુણોની વિશેષતા :
૧. શ્રીહરિના સર્વે ગુણો નિત્ય-કાયમી છે.
પહેલા હતા, અત્યારે છે અને ભવિષ્યમાં પણ એવા ને એવા જ રહેશે.
૨. અવિનાશી પ્રભુના તમામ ગુણો અનંત છે.
શ્રીહરિના ગુણો કુલ કેટલા છે ? એવું ગણી શકાય નહિ, એટલા બધા છે. વળી એક એક ગુણ પણ અસીમ-અપાર છે. ભગવાનનાં જ્ઞાન, શક્તિ, સુખ અને કરુણા વગેરે ગુણોનું માપ કદાપિ કોઈ જ કાઢી શકે એમ નથી.
૩. શ્રીહરિના સર્વે ગુણો સ્વત:સિદ્ધ છે.
કોઈની કૃપાથી કે સાધનાથી મેળવેલા નથી, પણ તેમના સ્વરૂપમાં સહજ સિદ્ધ છે.
૪. ભગવાનના ગુણો નિત્ય નિર્દોષ છે.
જેમ કે, આપણામાં કાંઈ જ્ઞાન કે શક્તિ હોય પણ સાથે સાથે લોભ, મોહ કે માનરૂપી દોષ હોવાને કારણે તેનાથી બીજાનું બૂરું થવાનો સંભવ છે. જ્યારે ભગવાન શ્રીહરિમાં એક પણ દોષ ન હોવાને કારણે તેમના ગુણોથી સહુકોઈનું ભલું જ થાય છે.
ભગવાનની વિભૂતિ એટલે શું ?
વિભૂતિ એટલે સમૃદ્ધિ, મિલકત
અનંતકોટિ બ્રહ્માંડો, તેના સંચાલકો અને તેના લોક; તે બધું શ્રીહરિની વિભૂતિ છે. જેમ કોઈ કંપની, તેનો સ્ટાફ અને તેના ટર્નઓવરથી માલિકની મોટપ સિદ્ધ થાય; તેમ જડ-ચિદ્ વિભૂતિથી મહારાજની મોટપ જાણી શકાય છે.
પ્રભુનું ઐશ્વર્ય એટલે ?
જીવો, દેવો, ઈશ્વરો, મુક્તો, અક્ષરબ્રહ્મ અને અનંત બ્રહ્માંડો; તેનું નિયમન કરવાની શક્તિ-સામર્થીને ઐશ્વર્ય કહે છે. જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની સાંકળ ચાલ્યા કરે છે; તે શ્રીહરિના ઐશ્વર્યથી જ ચાલી રહી છે. મહારાજે પોતે કહ્યું છે કે, ‘મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય.’
આવા સર્વોપરી અને સ્વતંત્રમૂર્તિ મહારાજનો જેમ છે તેમ મહિમા જાણવાથી તેમનું ધ્યાન-સ્મરણ સહેલાઈથી થાય છે.