Chamatkarik Zad

Chamatkarik Zad
September 1, 2020
Krushnapriyadasji Swami - Kundaldham
0:00/0:00

એક નાનકડા ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે હંમેશાં આનંદમાં જ હોય. હસતો ચહેરો, તાજગીથી ભરપૂર વ્યક્તિત્વ, ટૂંકમાં કહીએ તો ખૂબ જ વિશ્વાસુ અને ભર્યોભર્યો માણસ ! જોકે તેની આર્થિક પરિસ્થિતિ કાંઈ બહુ સારી ન હતી. પોતાના નાનકડા ખેતરમાં આખો દિવસ તનતોડ મહેનત કરે. તેમ છતાં કાયમ આનંદમાં જ દેખાય. જાણે કે, “સદા આનંદમાં રહો” સૂત્રનું મૂર્તિમંત સ્વરૂપ ! એની સાથેના અને એની આજુબાજુના ખેતરમાં કામ કરતા દરેક વ્યક્તિને આ વાતની નવાઈ લાગે. કોઈ વળી એને આ અંગે પૂછે તો કહે કે, “અરે ! એ તો ભગવાનની કૃપા છે અને ભગવાને આપેલા એક ચમત્કારિક ઝાડની કૃપા છે !”

બધાને આ સાંભળીને નવાઈ લાગે, પરંતુ કોઈ કાંઈ સમજી ન શકે. મનમાં ઘણા અનુમાનો કરે, પણ કાંઈ ખબર પડે નહીં. આમેય બધાને આવી બધી પળોજણમાં પડવાનો સમય ન હોવાથી કોઈ એની વાતમાં વધારે ઊંડું ઊતરતું નહીં; પરંતુ દરેકને આ ખેડૂતની ખુશીનું કારણ જાણવાની જિજ્ઞાસા તો રહેતી જ.

એક વખત એ આનંદી ખેડૂતની સાથે કામ કરતા બીજા એક ખેડૂતને એની જોડે એના ઘરે જમવા જવાનું થયું. આખા દિવસના કામ પછી થાકેલ-પાકેલ બંને જણા સાંજે એ ખેડૂતના ઘરે પહોંચ્યા. ઘરના આંગણામાં એક ઝાડ હતું. ઝાડ પાસે પહોંચીને ખેડૂતે પોતાની પાસે રહેલા ખેતીના નાના-મોટા ઓજારોના થેલામાંથી એક ખાલી થેલી કાઢી. થેલીનું મોઢું પહોળું કરીને એણે આંખો બંધ કરી. થોડીવાર એ એમ જ ઊભો રહ્યો. પછી એ ખાલી થેલીને જાણે કોઈ કીમતી વસ્તુ સાચવીને મૂકતો હોય એ રીતે ઝાડની નીચેની ડાળખી પર લટકાવી દીધી.

બસ ! એ જ ક્ષણે જાણે કોઈ ચમત્કાર થયો હોય ! એવો ફેરફાર એનામાં થઈ ગયો. જેમ માણસને લોટરી લાગી જાય અને ખુશખુશાલ બની જાય, એવો આનંદ એના ચહેરા પર ફેલાઈ ગયો. ઘરમાં પ્રવેશતાં તો જાણે આનંદનો ઊભરો આવી ગયો હોય ! એવા એના હાવભાવ થઈ ગયા. એણે એની પત્ની સાથે હસીને વાત કરી. બાળકોને ગળે વળગાડયાં અને પછી થોડીકવાર સુધી બાળકો સાથે થોડો આનંદ પણ કર્યો.

આ સમય દરમ્યાન એની સાથે આવેલો પેલો ખેડૂત આશ્ચર્યથી દરેક ઘટનાને જોઈ રહ્યો હતો. એને નવાઈ લાગતી હતી કે, ઘડીક પહેલાનો થાકેલ-પાકેલ આ માણસ આમ અચાનક આટલો બધો બદલાઈ શી રીતે ગયો ? એને આમાં કંઈ જ સમજાતું નહોતું. રાત્રે બધા સાથે બેસીને જમ્યા. થોડીવાર ગપ્પા માર્યા. પછી સાથે આવેલા પેલા ખેડૂતને જવાનો વખત થયો. ત્યારે તેણે આ ખેડૂતને આનું રહસ્ય જાણવાની અધીરાઈથી સવાલ કરી જ લીધો કે, “બહાર ઝાડ પર તમે ખાલી થેલી ખોલીને આંખો બંધ કરીને શું કર્યું ? પછી થેલીને ઝાડ પર શું કામ લટકાવી ? અને એ પછીની ક્ષણોમાં તમારામાં આવો ફેરફાર કેવી રીતે થયો ?

ત્યારે ખેડૂત એના જોડીદારનો હાથ પકડીને એ ઝાડ પાસે લઈ ગયો. પછી બોલ્યો, “ભાઈ ! એ બધો ચમત્કાર આ ભગવાનના ઝાડનો છે !”

“ઝાડનો ચમત્કાર ! એ કઈ રીતે ?” સાથે આવેલ પેલા ખેડૂતે પ્રશ્ન કર્યો. “આ ઝાડ તકલીફો તથા મુશ્કેલીઓ ટિંગાડવાનું ઝાડ છે.” ખેડૂતે કહ્યું. “એટલે ?” પેલા માણસે પૂછયું. “જો, સાંભળ ! હું કામેથી પાછો ફરું ત્યારે મારી જોડે
થાક, કંટાળો, મનદુ:ખ, ચિંતાઓ, અણગમો, ચીડિયાપણું, ક્રોધ વગેરે પણ આવતું જ હોય છે. એ બધી તકલીફો ઓછા-વધતા અંશે મારી સાથે રોજેરોજ અચૂક આવે જ ! હવે મારાં માં-બાપ, બાળકો તેમજ મારી પત્ની વગેરે પરિવારને એ બધી તકલીફો સાથે શું લેવા-દેવા ? એ તો બિચારાં આનંદ અને હોંશથી મારા આવવાની રાહ જોતાં હોય છે. જો આ બધી વસ્તુઓને પણ હું મારી સાથે ઘરમાં લઈ જાઉં, તો એ તકલીફો એમને પણ નાહકની પીડા આપે. એટલે મેં એવો નિયમ બનાવ્યો છે કે, જે કોઈ તકલીફ કે મુશ્કેલીનું મારા ઘરમાં કામ ન હોય તેને અહીં આ ઝાડ ઉપર જ લટકાવી દેવી અને પછી જ ઘરમાં પ્રવેશવું. મારી તકલીફો તેમ જ મુશ્કેલીઓ આ ઝાડ પર સચવાઈ રહે અને સવારે ખેતરે જતી વખતે હું એ થેલી ફરીથી મારી સાથે લઈ લઉં. અરે ભાઈ ! તું કદાચ નહીં માને ! પરંતુ રોજ સવારે એક નવાઈની વાત બને છે.” “શું ?” પેલા ખેડૂતે આશ્ચર્ય સાથે પૂછયું કારણ કે, તેના માટે તો આ બધી જ વાત નવાઈની હતી.

“રાત્રે મેં જેટલી તકલીફો આ થેલીમાં મૂકી હોય છે એમાંથી મોટા ભાગની તકલીફો સવારે ભગવાનની કૃપાથી ગાયબ થઈ ગઈ હોય છે. આમ ભગવાન મને રોજ નવો નવો આનંદ આપ્યા જ કરે છે. અને સાંભળ ભાઈ ! ભગવાનની આવી કૃપા દરેક વ્યક્તિ ઉપર થતી જ હોય છે, પણ એ કૃપાને માણવાની દૃષ્ટિ હોવી જોઈએ.” સુખી ખેડૂતે સુખનું રહસ્ય બતાવતા કહ્યું. પેલા માણસને ખેડૂતના સુખી જીવનની વાત તરત જ સમજાઈ ગઈ.

વહાલા ભક્તો ! આપણું કેમ છે ? અનેક તકલીફોવાળા આ જગતમાં બધાને નાનીમોટી કાંઈક તકલીફો તો રહેવાની જ, પણ જો આપણે ભગવાનને હિતકર્તા માની, તેમના ઉપર વિશ્વાસ રાખીને, સાચા શરણાગત થઈ, ભગવાનને બધું સોંપી દઈએ તો શરણાગતવત્સલ મારો વહાલો જરૂર આપણા યોગક્ષેમનું વહન કરશે બસ ! આપણે ખરા અર્થમાં ભગવાનના ભક્ત બનીએ.