Bhagwannu Pustak

Bhagwannu Pustak
June 1, 2020
Krushnapriyadasji Swami - Kundaldham
0:00/0:00

એક નાનકડા ગામમાં એક સુંદર સત્સંગી પરિવાર રહેતો હતો. તેઓ સત્સંગમાં સારી રીતે જોડાઈને સત્સંગ, ભજન કરતા હતા. આ પરિવારના સભ્યો અને તેની આજુબાજુમાં બીજા ભક્તો એકબીજામાં દિવ્યભાવ રાખી મિત્ર, મોટેરા અને મુક્ત માની દાસભાવે હળી-મળીને સહુને મદદ કરતા હતા.

આ પરિવારમાં એક પરમ નામનો કિશોર હતો. તે થોડો જીદ્દી અને હઠીલો હતો. તે પોતે પોતાની રીતે એકલો-અટુલો જીવતો હતો. પરંતુ તેને ભગવાનને પામવાની ખૂબ જ તીવ્ર ઈચ્છા હતી. તે દરરોજ ભગવાનને કહ્યા કરતો કે, ‘હે મહારાજ ! તમે મને દર્શન આપો, તમે મને દર્શન આપો...’ બસ આ જ હઠ તેણે પકડી રાખી.

એક દિવસ તે પોતાના રૂમમાં બેઠો બેઠો ભગવાનને કહે, ‘હે મહારાજ ! તમે મને દર્શન આપો.. તમે મને કેમ દર્શન આપતા નથી ? ત્યાં તો તેજ તેજ દેખાવા લાગ્યું. તે તેજની મધ્યે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા.

ભગવાને સોનેરી વાઘા પહેર્યા હતા. માથે સોનેરી પાઘ, સોનેરી સુરવાળ, સોનેરી જામો, કંઠમાં સોનેરી કંઠો, ગુલાબનો હાર, હાથમાં સોનાનાં કડાં, જમણા હાથમાં રૂમાલ, ડાબા હાથમાં સોનેરી રંગનું પુસ્તક, પગમાં સોનાનાં ઝાંઝર, સોનાની ચાખડી અને મહારાજની મૂર્તિમાંથી સુંગધની ફોરમ છૂટતી હતી. તે જોઈને પરમ તો તાજુબ બની ગયો અને મહારાજમાં ખોવાઈ ગયો. આવાં દર્શન પરમને પહેલી વાર થયાં.

થોડીવાર પછી સચેત થઈને,

પરમ: અહો..! મહારાજ તમે !

મહારાજ: હા અમે, તું કેટલાય દિવસથી મને બોલાવતો હતો તે આજે હું આવ્યો.

પરમ: બહુ જ સારું કર્યું, અતિ કૃપા કરીને તમે મને દર્શન આપ્યા.

મહારાજ: પણ બેટા ! તું સુખી તો છો ને ?

પરમ: હા મહારાજ ! હું સુખી છું. મહારાજ ! તમે કાયમ મારી સાથે રહેશો ને ?

મહારાજ: અરે... ગાંડા ! હું તારી સાથે કાયમ રહેતો હતો, રહું છું અને રહીશ. તારી બધી જ વાત હું સાંભળું છું. તારાં સુખ-દુ:ખ હરેક પરિસ્થિતિમાં તારી સાથે જ છું. અખંડ તને જોયા જ કરું છું.

પરમ: પણ મહારાજ ! આ તમારા હાથમાં શું છે ?

મહારાજ (હસતાં હસતાં): અરે..બેટા ! એ તો પુસ્તક છે.

પરમ: મને જોવા આપો ને !

મહારાજ: ના..ના.. એ તારે જોવા જેવું નથી.

પરમ: પણ મહારાજ બતાવો તો ખરા ! હું જોઈને પાછું આપી દઈશ બસ.

મહારાજ: તું એ રહેવા દે ને ! તે તારા માટે સારું નથી.

પરમ: પણ મહારાજ એક વાર તો બતાવો !

મહારાજ: તો લે, વાંચ.

પરમે તે દિવ્ય પુસ્તક હાથમાં લીધું. તે પુસ્તકના પહેલા પાના ઉપર હેડીંગમાં લખ્યું હતું કે, ‘જે લોકો ભગવાનને ખૂબ જ પ્રેમ કરે  છે તેઓના નામની યાદી.’ નીચે ૧,૨,૩,૪ એમ ક્રમમાં નામ લખ્યા હતા.

પરમે આખું પુસ્તક વાંચી લીધું. આખા પુસ્તકમાં તેના પરિવારના અને આજુબાજુના ઘણા બધા ભક્તોનાં નામ આવ્યાં, પણ પરમનું નામ ક્યાંય ન આવ્યું. તેથી તેની આંખોમાં ટપટપ આંસું સરી પડયાં અને તે ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યો.

વાત્સલ્યભાવથી મહારાજ તેને બાથમાં ઘાલીને ભેટયા અને માથે હાથ ફેરવતાં કહ્યું,

મહારાજ: બેટા ! તું રડીશ નહીં.

પરમ: પણ મહારાજ ! આમાં મારું નામ ક્યાંય નથી.

મહારાજ: બેટા ! તારું નામ પણ હું લખીશ.

પરમ: પણ મહારાજ ! ક્યારે લખશો ?

મહારાજ: જો પરમ ! તું આ બધા ભક્તોની જેમ કરીશ તો હું તારું નામ પણ ચોક્કસ લખીશ.

પરમ (માથું મહારાજના ચરણે નમાવીને રડતાં રડતાં): હે નાથ ! હું પણ આ બધાની જેમ જ સત્સંગમાં જીવીશ, તેમની જેમ જ સહુમાં હળી-મળીને સહુનો સ્વીકાર કરીને સેવા, સત્સંગ કરીશ. તમે મને મદદ કરજો.

પરમ આવી પ્રાર્થના કરતો રહ્યો ત્યાં તો મહારાજ અદૃશ્ય થઈ ગયા.

પછી તો પરમનું જીવન જ બદલાઈ ગયું. તે હૃદયમાં બીજા ભક્તોનો ખૂબ જ મહિમા ધારણ કરીને સહુમાં હળી-મળીને જીવન જીવવા લાગ્યો. બીજાને મદદ કરવી, મોટા માનવા, તેમની આગળ દાસના દાસ થઈને રહેવું, ભગવાન અને તેના પ્યારાને સુખી કરવા માટે જીવવું, તેઓમાં આત્મીયતા કરવી, ભગવાનમાં ખૂબ જ પ્રેમ કરવો, ભજન-સ્મરણ કરવું; વગેરે બધું જ પરમ ખૂબ જ ઉત્સાહથી કરવા લાગ્યો.

એક દિવસ તે ભજનમાં બેઠો હતો અને તેને તેજ તેજ દેખાયું. તે તેજની મધ્યે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા. આ વખતે મહારાજે લાલ રંગનાં સર્વે વસ્ત્રો ધારણ કર્યા હતાં. દર્શન કરીને પરમ તો ખૂબ જ આનંદમાં આવી ગયો.

મહારાજ: બેટા પરમ ! તું આનંદમાં તો છો ને ?

પરમ: હા મહારાજ ! હું તો ખૂબ જ આનંદમાં છું. હવે મને બધાની સાથે હળીમળીને જીવન જીવવાની ખૂબ જ મજા આવે છે.

મહારાજ (હસીને): બેટા ! તેથી જ હું તારી ઉપર ખૂબ જ રાજી થયો છું; માંગ, જે માંગ તે આપું.

પરમ: મહારાજ ! તમે રાજી થયા એમાં મારું બધું જ આવી ગયું. બીજું મારે કાંઈ નથી જોઈતું.

મહારાજ: પણ, કાંઈક તો માંગ.

પરમ: ના મહારાજ ! મારે તમારા સિવાય બીજું કાંઈ નથી જોઈતું. પણ મહારાજ ! એક વાત પૂછું ?

મહારાજ: હા..હા.. બોલ ને !

પરમ: મહારાજ ! આપ પહેલી વાર આવ્યા ત્યારે પણ તમારા હાથમાં એક પુસ્તક હતું. અને આ વખતે આવ્યા ત્યારે પણ એક બીજું પુસ્તક છે, મને આ પુસ્તક બતાવશો ?

મહારાજ: અરે.. બેટા ! એમાં કાંઈ જોવા જેવું નથી.

આમ, મહારાજે ત્રણ-ચાર વખત ના પાડી તેમ છતાં પરમે હઠ મૂકી નહીં. છેવટે મહારાજે તેને તે પુસ્તક આપ્યું.

પરમે પુસ્તક ખોલ્યું. તે પુસ્તકના પહેલા પાના ઉપર હેડીંગમાં લખ્યું હતું કે, ‘ભગવાન જેને ખૂબ જ પ્રેમ કરે છે તેઓના નામની યાદી.’ નીચે ૧,૨,૩,૪ એમ ક્રમમાં નામ લખ્યા હતા.

પરમ પુસ્તક વાંચવા લાગ્યો. ત્યાં તો તેને રૂંવાડે રૂંવાડે આનંદ પ્રસરવા લાગ્યો. અંદરથી સુખના ફુવારા છૂટવા લાગ્યા. હર્ષના આંસુ આવી ગયા. કાંઈ બોલી શક્યો નહીં. તેમાં પરમનું નામ આવ્યું. તેથી તેને આનંદ બહુ થયો. પુસ્તક મહારાજને પાછું આપી દીધું અને તરત જ મહારાજના ચરણમાં પડીને ધ્રૂસ્કે ને ધ્રૂસ્કે રડી પડયો.

મહારાજ તેને ઊભો કરીને વહાલથી ભેટયા અને પરમે ભેટતા ભેટતા પ્રાર્થના કરી કે, ‘હે નાથ ! આવા ને આવા મારી ઉપર રાજી રહેજો. હવે હું હંમેશાં બીજા ભક્તોની જેમ જ દિવ્યભાવ રાખીને જીવીશ. તમારા વહાલા સંતો-ભક્તો માટે જ જીવન જીવીશ.’

વહાલા ભક્તો ! આપણે પણ પરમની જેમ ખૂબ જ ઉત્સાહથી બધા સાથે હળીમળી રહેશું, બીજાને મદદ કરીશું, મોટા માનીશું અને તેમની આગળ દાસનાદાસ થઈને રહેશું, ભગવાન અને તેમના પ્યારાને સુખી કરવા માટે જીવીશું, તેઓમાં આત્મીયતા કરીશું, ભગવાનમાં ખૂબ જ પ્રેમ કરીશું, તો મહારાજને પોતાના પુસ્તકમાં આપણું નામ લખવું નહિ પડે, પણ લખાઈ જશે. મહારાજ આપણને પણ વહેલામાં વહેલી તકે મળવા આવશે...