Bhagvatsmruti Ae j Pratyaksh Bhagvaddarshan

Bhagvatsmruti Ae j Pratyaksh Bhagvaddarshan
August 1, 2026
Gyanjivandasji Swami - Kundaldham

      વહાલા ભક્તો ! મહારાજે સ્મરણ કરવા માટે પોતાનું નામ પોતે જ આપ્યું છે. ભગવાનના નામનો બહુ મહિમા છે. એનાથી બધાં પાપો તો બળે જ છે, પણ ભગવાનનું સુખ પણ અપાર મળે છે. આપણે હવે તો આજીવન સ્મરણ ચાલુ જ રાખવું છે. નામ-સ્મરણ ખૂબ વધારી દેવું છે. એનાથી મહારાજ આપણા ઉપર ખૂબ ખૂબ રાજી થાશે.

ભગવાને નરસિંહ મહેતાનાં બાવન કામ કર્યાં. નરસિંહ મહેતા આખો વખત ‘રાધે ગોવિંદ, ભજો રાધે ગોવિંદ’ કર્યા કરે; તે કાંઈ ખબર રહે નહીં. આથી ભગવાન આવીને કામ કરી જતા.

એક વખત ચાર હરિભક્તો દ્વારિકાની જાત્રાએ જવા નીકળ્યા. રસ્તામાં રણ આવ્યું, રણમાં રાત પડી ગઈ અને વાળુ કરીને રણની રેતીમાં બધા સૂતા. કાંકરા બહુ હતા. અડધી રાતે અચાનક બહુ જોરદાર ગેબી અવાજ આવ્યો, એટલે આ ચારેય જાગી ગયા. પછી કહ્યું કે સાંભળો, ‘તમે જ્યાં સૂતા છો ત્યાંથી ઊભા થઈ જાઓ, નહિ તો મોત થશે.’ એટલે બિચારા હડફ લઈને ઊભા થઈ ગયા. ફરીથી આકાશવાણીએ કહ્યું કે, ‘હવે ચારેય નીચા નમો, નહિતર મરી જશો.’ એટલે બધાય નીચા નમ્યા. વળી, પાછી આકાશવાણી થઈ કે, ‘જે હાથમાં આવે એ નાંખો તમારી ઝોળીમાં.’

પછી તો ભાઈ કાંકરા, રેતી; જે આવ્યું તે થેલા, ઝોળીમાં બધાએ ભરી લીધું. અને છેલ્લે આકાશવાણી થઈ, ‘હવે તમારા માથે કોઈ વિઘ્ન નથી, માટે કોઈ પણ ચિંતા કર્યા વગર શાંતિથી સૂઈ જાઓ. સવારે તમને હર્ષ થશે અને પછી શોક થશે.’ પછી આ બધા સૂતા પણ ઊંઘ તો ન આવી.

પછી કહે, ‘અહીંથી વયા જઈએ. આ જગ્યા બહુ સારી નથી.’ પૂરો દી ઊગ્યો નહિ ત્યાં તો અંધારામાં થેલા, ઝોળી લઈને આઘા જતા રહ્યા. અજવાળું થતાં ઝોળીમાં એમણે જોયું તો, જે કાંકરા નાંખ્યા હતા એ બધાય કીમતી કીમતી હીરા અને મણિઓ હતા ! ચારેયને આનંદ થયો અને બોલ્યા, ‘ભગવાન તમારો આભાર ! ભગવાન તમે બહુ આપી દીધું, પણ શું થાય ? જો ખબર હોત કે કાંકરા નહિ હીરા છે, તો હજી વધારે ઝોળીમાં ભરી લીધા હોત !’

જ્ઞાન  ખબર નો’તી  તેથી , થોડાં જ લીધાં નામ;

 મહિમાની ખબર હોત તો,  નામ લેત આઠું જામ.

આ દૃષ્ટાંતનો સિદ્ધાંત એ છે કે, ભગવાનનું નામ સાચા મણિ કે હીરા કરતાં પણ ખૂબ કિંમતી છે ! જેટલું જપી લઈશું એટલું અંતે સુખ થશે અને ગાફલાઈ રહેશે તો પછી પસ્તાવો થશે, પાછળથી બહુ રોવું પડશે, દુ:ખ બહુ થશે; માટે ગાફલાઈ રાખવી નહીં. જરાય આળસ, પ્રમાદ રાખવાં નહીં.

 હાલતાં-ચાલતાં, કામકાજ કરતાં, ખાતાં-પીતાં સતત નામીએ સહિત સ્મરણ કર્યા જ કરવું. જેને જેને ખબર પડી ગઈ છે કે, ભગવાનના નામ-સ્મરણમાં અપરંપાર લાભ છે; એ કોઈ સ્મરણ બંધ જ નથી થવા દેતા. એકલા હોય કે જાહેરમાં હોય, કામ કરતા હોય કે ચાલ્યા જતા હોય; જાગે ત્યાં સુધી નામ શરૂ અને પછી એમને ઊંઘમાંય નામ ચાલતું હોય છે. આપણને નવાઈ લાગે !

ભગવાન સ્વામિનારાયણે શુકમુનિ પાસે એક કાગળ લખાવ્યો હતો. એમાં જે વાત લખી હતી એને આધારાનંદ સ્વામીએ સાગરના પૂર-૧૫ તરંગ-૭ની ચોપાઈમાં ગૂંથી છે —

भगवान की स्मृति ही जितना, वार ही वार रखना तितना;

 दरशन   तेसे   रहेउ  ताही, फारफेर   नहीं  कछु  रहाही.

ભગવાનની સ્મૃતિ તે પ્રત્યક્ષ દર્શન તુલ્ય છે; એમાં કોઈ ફેરફાર નથી, માટે વારંવાર સંભારીને સ્મૃતિ રાખવી.

एसी समझ रहायेउ जेहा, संचित पालब्ध क्रियमान तेहा;

कर्म ताके होवत हे नासा,  ध्यान के करत  जो अभ्यासा.

જેની આગલી ચોપાઈમાં કહી એવી સમજણ હોય કે, ભગવાનની સ્મૃતિ પણ ભગવદ્દર્શન તુલ્ય છે અને તે જો ભગવાનના ધ્યાનનો અભ્યાસ કરતા હોય તો તેનાં સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ; એ ત્રણે પ્રકારનાં જે કર્મો, તેનો ભગવાનના મહિમાના પ્રતાપે અને અભ્યાસરૂપ પુરુષાર્થના પ્રતાપે નાશ થઈ જાય છે. અદ્ભુત વાત છે !

સ્વામિનારાયણ નારાયણ,

                                    જપજો પ્રેમે સહિત;

  જ્ઞાન   આ    લોકે  પરલોકે,

                                     થાશે   તમારું  હિત.

મહારાજે વચ.પ્ર.૨૨માં કહ્યું કે, “ભગવાનનાં કીર્તન ગાવવાં તથા નામરટણ કરવું તથા નારાયણધૂન્ય કરવી; ઇત્યાદિક જે જે કરવું તે ભગવાનની મૂર્તિને સંભારીને જ કરવું. અને ભજન કરવા બેસે ત્યારે તો ભગવાનને વિશે વૃત્તિ રાખે અને જ્યારે ભજનમાંથી ઊઠીને બીજી ક્રિયાને કરે ત્યારે જો ભગવાનમાં વૃત્તિ ન રાખે, તો તેની વૃત્તિ ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં સ્થિર થાય નહીં. માટે હાલતાં, ચાલતાં, ખાતાં, પીતાં સર્વ ક્રિયાને વિશે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, તો તેને ભજનમાં બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ સ્થિર થાય. અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામકાજ કરતે પણ રહે; અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે. તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો.”

વચ.ગ.પ્ર.૫૬માં મહારાજે કહ્યું, “બીજાં સાધનના બળને તજીને એકલું ભગવાનની ઉપાસનાનું બળ રાખવું. અને જે એવો ભક્ત હોય તે તો એમ સમજે જે, ગમે એવો પાપી હોય અને અંતસમે જો એને ‘સ્વામિનારાયણ’ એવા નામનું ઉચ્ચારણ થાય તો એ સર્વે પાપ થકી છૂટીને એ બ્રહ્મમહોલને વિશે નિવાસ કરે છે. તો જે ભગવાનનો આશ્રિત હોય તે એ ભગવાનના ધામને પામે એમાં શો સંશય છે ? એમ માહાત્મ્ય સમજે.” સ્વામિનારાયણ નામનો મહિમા જુઓ !

માટે વહાલા ભક્તો ! સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તે કરવો. ગાફલાઈવાળાને કેવળ નુકશાની જ છે. જેણે નિજનું તરત કલ્યાણ કરવું હોય તેણે હરિને સુખની ખાણ સમજીને સતત હરિ સ્મરણમાં મંડી પડવું.

જ્ઞાન  જેણે  કરવું  હોય,

                                         નિજનું તરત કલ્યાણ;

  તેણે સતત હરિ સમરવા,

                                         જાણી  સુખની ખાણ.

પ.પૂ.સદ્.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીએ તા.૨૧/૦૭/૨૦૨૪ ને રવિવારના રોજ શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરામાં કરેલ મનનીય પ્રવચન