Aavarda

Aavarda
April 1, 2024
Krushnapriyadasji Swami - Kundaldham
0:00/0:00

એક ગામમાં સારા વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેમનું મોટું કુટુંબ, તેથી તે ગામમાં ભિક્ષા માગે પણ પૂરું ન થાય; એમ ઘણાં વરસ રહ્યું. પછી તેમના ઘરનાં માણસ કહે, ‘આપણે બીજું સારું ગામ શોધીએ તો આપણું પૂરું થાય.’

પછી ભૂદેવ ભાતું લઈને ચાલ્યા, ત્યાં એક ગામ આવ્યું. ગામના દરવાજા આગળ તેણે પથ્થરના પાળિયા જોયા. દરેક પાળિયા ઉપર લખેલ કે, ‘આ માણસ આટલા વરસ જીવ્યા.’ કોઈનું આયુષ્ય ત્રણ વરસ ને કોઈનું આયુષ્ય પાંચ વરસ; એમ પાળિયામાં લખેલ, તે ભૂદેવે વાંચ્યું. તેથી તેના મનમાં શોક થયો જે, ‘આ ગામમાં તો સહુ ઓછું જીવે છે. તો આવા ગામમાં શા માટે રહેવું ?

બ્રાહ્મણને જોઈ ગામના લોકો કહે, ‘ ભૂદેવ, અમારે ઘેર પધારો, તમને લાડુની રસોઈ જમાડવી છે. પછી ઘેર લઈ જઈને ખૂબ જ ભાવથી જમાડયા. કોઈ કહે, ‘ભૂદેવ, ઉતારો અમારે ઘેર કરો.’ બ્રાહ્મણને થયું, આ મને ઓળખતા નથી છતાં રોકાવાની તાણ કેમ કરે છે ? તેમ છતાં તે રોકાયા.

ગામનો એવો રિવાજ હતો કે સાંજે સહુ કથા સાંભળવા જાય. દરેક માણસો જેટલી વખત કથામાં બેસે તે સહુ લખી લે. આ ભૂદેવ પણ કથામાં બેઠા, પણ આ લખાણ બાબતે કંઈ ન સમજ્યા. પછી રાત્રે ઉતારે આવીને સૂઈ ગયા.

સવારે ત્યાંના ભક્તો કહે, ‘ભૂદેવ, ઉદાસ કેમ લાગો છો ?’ તમે અહીં રોકાવ ને તમારાં પરિવારને પણ અહીંયાં લાવો.’ ત્યારે ભૂદેવ કહે, “તમારો ભાવ સારો છે. અહીં અમો આવીએ તો અમારે પોષણ થાય, પણ ગામમાં પેસતાં મેં પાળિયા દેખેલા. તેમાં સહુની ખૂબ જ ઓછી આવરદા લખેલી છે. તેથી અમો આવીએ તો થોડા વરસમાં મરી જઈએ.”

ત્યારે ભક્તો કહે, ‘તમો શું ભણ્યા છો ?’ તેમણે કહ્યું, ‘ભાગવત.’ ગામના લોકો કહે, ‘તમે ભણ્યા પણ ગણ્યા નહિ. જુઓ, અઢી વરસમાં માણસ મરી જતા હોય તો જુઓ આ અમારા પિતાશ્રીને સાઠ વરસ થયા, છતાં જીવે છે.’

ત્યારે ભૂદેવે પૂછ્યું, ‘તો પછી પાળિયા ઉપર થોડી જ આવરદા કેમ લખી છે ?’ ગામલોકો કહે, ‘ગઈકાલે આપણે કથામાં ગયા ત્યારે તમોએ જોયું હશે કે, દરેક લોકો લખતા હતા. પોતે કથામાં જેટલું બેસે તેટલો ટાઇમ તે લખી લે. જ્યારે તે મરે ત્યારે તેને જેટલી કથા સાંભળી હોય તેટલાં વરસ તે જીવ્યો કહેવાય. તે ડાયરીમાં લખાય છે; આવી રીતે અમારા ગામનો રિવાજ છે. હવે જે રોજ એક કલાક કથા સાંભળે તેના માટે મહિનો સવા દિવસનો થયો. બાર માસના પંદર દિવસ થયા. આ રીતે જો તે સાઠ વરસ જીવે તો તેમાં તેને અઢી વરસ જ સાચી જિંદગીનાં જીવ્યા કહેવાય. તેથી પાળિયા ઉપર એટલી જ આવરદા લખેલ છે.’ આમ તે ભૂદેવને સમજાવ્યું.

વહાલા ભક્તો, જિંદગીનો જેટલો સમય ભગવાન ભજવામાં વપરાયો તેટલું જ સાચું જીવન જીવ્યા ગણાય. બીજી જિંદગી નકામી જીવ્યા કહેવાય. આપણી જિંદગી વેડફાઈ ન જાય તેને માટે ખૂબ જ સાવધાન થઈને ભગવાનમય જીવવું, તો કલ્યાણનું કામ થશે.