Aane Kahevay Khap...

Aane Kahevay Khap...
January 1, 2026
Sakarswarupdasji Swami - Kundaldham
0:00/0:00

જેમ સોની સોનાને તાવી તાવી તેનો ઘાટ ઘડે છે. પછી તે શોભાયમાન ઘરેણું બને છે; તેમ કસોટી હંમેશાં કઠણ જ હોય છે, પણ તેનાં ફળ મીઠાં હોય છે, જો સો ટકા સવળું લેવાય તો. અને

પછી ભલે આપણો વાંક હોય કે ન હોય, પણ આપણું કેમ ભલું થાય એમની એમને ખબર હોય છે.

સૌરાષ્ટ્રમાં માંગરોળ ગામમાં આણંદજી સંઘેડિયા કરીને એક શ્રીજીમહારાજના ભક્ત હતા. પોતે સારા સત્સંગી હતા, પણ તેની ઘરવાળીને સત્સંગ ન હતો. એટલે મહારાજે એકવાર તેમને કહ્યું, “આણંદજી ! તું તારી ઘરવાળીનો ત્યાગ કર ને કાં અમારો ત્યાગ કર.” ત્યારે આણંદજીભાઈ કહે, “અરે મહારાજ ! ઘરવાળીનો ત્યાગ કરું તો રોટલા કોણ કરી દે ને તમારો ત્યાગ કરું તો કલ્યાણ કોણ કરે ?

ત્યારે મહારાજ કહે, “તું અમારું માનતો નથી માટે આજથી તારે મંદિરમાં આવવું નહીં.” વળી હરિભક્તોને એમ આજ્ઞા કરી કે આજથી આણંદજીને કોઈ બોલાવશો નહિ ને મંદિરમાં આવે તો તેને હડ કૂતરી...હડ કૂતરી કરી તેને બહાર કાઢજો પણ મંદિરમાં પેસવા દેશો નહીં.” આમ, નાનું એવું નિમિત્ત ઊભું કરી મહારાજે એમની કસોટી શરૂ કરી.

આ બાજુ બધા હરિભક્તો આણંદજીભાઈનો તિરસ્કાર કરવા લાગ્યા. આણંદજીભાઈ રોજ મંદિરેે આવે પણ મંદિરમાં કોઈ આવવા દે નહિ. તેથી મંદિરની બહાર જ્યાં હરિભક્તો પગરખાં કાઢે ત્યાં બેસે. જે જે હરિભક્તો મંદિરમાં આવે તથા મંદિરમાંથી જાય ત્યારે આણંદજીભાઈને જોઈને હડ કૂતરી...હડ કૂતરી કહેતા જાય. આવું અપમાન કરે તોપણ આણંદજીભાઈને અંત:કરણમાં જરા પણ ક્ષોભ થાય નહિ, ને ત્યાં બેસીને સર્વે હરિભક્તોનાં પગરખાં લૂછીને સાફ કરે. સૌને હાથ જોડી પગે લાગે. આવો રોજનો ક્રમ થઈ ગયો.

આમ કરતાં છ માસ વીતી ગયા. મહારાજ વિચરણ કરતાં કરતાં ફરી એકવાર માંગરોળ પધાર્યા. મહારાજ આવ્યાના ખબર સાંભળી બધા ભક્તો દર્શન કરવા આવ્યા. સાથે સાથે આણંદજીભાઈ પણ આવ્યા. પરંતુ તેમને મંદિરમાં આવવાની બંધી હોવાથી મંદિરની ખડકીએ રોકાઈને ત્યાંથી મહારાજને દંડવત્પ્રણામ કર્યા ને જ્યાં હરિભક્તોનાં પગરખાં પડ્યાં હતાં ત્યાં બેસી માળા ફેરવવા લાગ્યા.

જે જે હરિભક્તો મંદિરમાં આવે તે આણંદજીભાઈને હડ કૂતરી...હડ કૂતરી કહેતા આવે. મહારાજે આ બધું જોયુંં એટલે હરિભક્તોને કહે, “મંદિરમાં કોઈ કૂતરું તો આવ્યું નથી ને તમો હડ કૂતરી...હડ કૂતરી કોને કહો છો ?

ત્યારે હરિભક્તોએ કહ્યું, “હે મહારાજ ! આપે અમોને આજ્ઞા કરી હતી કે આણંદજીભાઈને મંદિરમાં પેસવા દેવા નહિ ને તેમને હડ કૂતરી...હડ કૂતરી કહેવું. તેથી તેમને મંદિરમાં પેસવા દેતા નથી ને અમે સહુ એમને હડ કૂતરી...હડ કૂતરી કહીએ છીએ. આવું હરિભક્તોનું વચન સાંભળીને મહારાજ સિંહાસનથી તુરત ઊતરીને આણંદજીભાઈ પાસે ગયા. આણંદજીભાઈએ મહારાજને પ્રણામ કરી હાથ જોડીને કહ્યું જે, “મહારાજ ! મારો કાંઈ અપરાધ-ગુનો હોય તો માફ કરો પ્રભુ !”

ત્યારે શ્રીહરિ તેમને ઊભા કરી બાથમાં લઈને ભેટ્યા ને કહ્યું, “હું તો તમારી કસોટી કરતો હતો. તમે છ માસ સુધી હરિભક્તોનું અપમાન સહન કર્યું, છતાં મારો તથા હરિભક્તોનો લેશમાત્ર અવગુણ લીધો નહીં. તમારા જેવો ધીરજતાવાળો, ખપવાળો કોઈ નહીં. પછી સર્વે હરિભક્તોને કહ્યું, “આજથી આણંદજીભાઈને મંદિરમાં આવવાની આજ્ઞા છે. હવેથી કોઈએ એમને હડ કૂતરી એમ કહેવું નહિ, કોઈએ એમનું અપમાન કરવું નહીં.”

આમ મહારાજે આણંદજીભાઈની આકરી કસોટી કરી, પણ તેને પછી ચાલતી વખતે ફરી મહારાજ તેમને ભેટ્યા. આણંદજીભાઈ ઉપર ખૂબ રાજી થયા. પછી તો મહારાજની કૃપાથી તેમની ઘરવાળીને પણ સત્સંગ થયો ને ખૂબ સુખી થયા.